તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ બનાવી 400 લોકોની જિંદગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હિંમ્મતને ક્યારેય હથિયારની જરૂર નથી હોતી, વાંચો સંઘર્ષના કિસ્સા આજના આ કોમ્પિટિટિવ યુગમાં લોકો માત્ર પોતાના ગ્રોથ અને પ્રોગ્રેસ વિશે જ વિચારે છે. તેમને માત્ર એક જ બાબતમાં રસ છે કે આપણો વિકાસ કેવી રીતે થાય અને કેવી રીતે વધારે પૈસા કમાવાય. જો કે એક રીતે જોઈએ તો આ માન્યતા ખોટી પણ નથી, કે મોંઘવારીને નાથવા માટે વધારે પગાર જરૂરી છે. જો કે આ તો એવા લોકોની વાત છે જે ખરેખર ભણ્યા છે અને કંઈક નોકરી મેળવીને તેમાં આગળ આવવા મથી રહ્યાં છે, પણ સમાજમાં એવા કેટલાય યુવાનો ફરે છે જેમની પાસે નોકરી નથી કારણ કે તેમણે અભ્યાસ કર્યો નથી અથવા તમને અભ્યાસ કરવાની તક મળી નથી. આવા લોકો માટે એક યુવાને કંઈક કરવાનું વિચાર્યું, કારણ કે તેણે જાતે પણ અનુભવ કર્યો હતો કે જ્યારે ઘરમાં વડિલ ન હોય અને ઘર ખર્ચના પૈસા પણ ન હોય ત્યારે શું સ્થિતિ થાય. તેને એક વાતની તો જાણ થઈ ગઈ કે નબળી આર્થિક સ્થિતિ અને અન્ય કારણોસર કેટલાય યુવાનો અભ્યાસ કરતા નથી અને તેના કારણે તેમને નોકરી પણ મળતી નથી. લલિત આહુજા નામના આ યુવાને આજથી લગભગ દસ વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ઘરના મોટા દિકરા તરીકે તે સમયે તો પહેલી જવાબદારી ઘર ચલાવવાની હોવાથી તેણે અભ્યાસ પડતો મૂકીને નાની-મોટી નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. બે વર્ષ આ રીતે તે કામ કરતો રહ્યો, પણ આસપાસની સ્થિતિ જોતાં તેને લાગ્યું કે આ રીતે તો જીવનમાં ક્યારેય આગળ નહીં આવી શકાય. તેથી તેણે નોકરી કરવાની સાથે સાથે ફરીથી અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું. તેના મનમાં એક જ વાત રમતી હતી કે સમાજમાં આવા અનેક લોકો છે જેમને યોગ્ય તાલીમ કે પછી તક મળતી નથી. આવા લોકોને મદદ કરવા માટે તેણે એક એનજીઓમાં કામ કરવાનું શરૂ કરી દીધું. જો કે ત્યાં કામ કરતા કરતા તેને ખ્યાલ આવ્યો કે જો મારા સ્વપ્નને સાકાર કરવું હશે તો આ રીતે કામ નહીં ચાલે. બસ તે દિવસે ‘ગ્રોથ’નો પાયો નંખાયો. આજથી ત્રણ વર્ષ પહેલાં કેટલાક મિત્રો અને પરિવારની મદદથી તેણે આ સંસ્થા શરૂ કરી હતી. જો કે સમયાંતરે બધા તેનો સાથ છોડી જવા લાગ્યા પણ તેણે હિંમત હાર્યા વગર કામ ચાલુ રાખ્યું અને છેલ્લાં બે વર્ષમાં તેણે ૪૦૦થી વધારે લોકોની જિંદગી બનાવી અને સુધારી છે. તેની સંસ્થામાં કોલ સેન્ટર ટ્રેનિંગ, સેલ્સ, માર્કેટિંગ, રીટેલ મેનેજમેન્ટ, નર્સિંગ, ટેલી, ડિટીપી, જાવા, ઓટોકેટ, એમ એસ ઓફિસ, સોફ્ટવેર અને હાર્ડવેર ટ્રેનિંગ, નેટવર્કિંગ, ટીવી અને ડિવીડી રિપેરિંગ, બ્યૂટીપાર્લર વગેરે જેવા અનેક રોજગારલક્ષી કોર્સ ચાલે છે. આ કોર્સ કરીને અનેક યુવાનોએ તેમના જીવનની સાચી દિશા મેળવી અને ઘણાં યુવાનો આ દિશા મેળવવા મથી રહ્યાં છે. હરિશ એક એવો યુવાને છે, જે અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયા પછી નોકરી શોધી રહ્યો હતો પણ તેને ક્યાંય તક મળતી નહોતી. બે વર્ષ પહેલાં તે આ રીતે ફરતો ફરતો અહીં આવ્યો અને અહીં તેણે સેલ્સ અને માર્કેટિંગનો બે મહિનાનો કોર્સ કર્યો. ખૂબ જ સામાન્ય પરિવાર અને પિતાની છાયા ગુમાવનારા હરિશ અત્યાર સુધીનો નાના નાના કામો કરીને પરિવારને મદદ કરતો હતો, પણ આ કોર્સ કર્યા પછી તેને વોડફોન કંપનીના અમદાવાદ એરપોર્ટના સ્ટોર પર નોકરી મળી ગઈ. તેની ધગશ અને મહેનત રંગ લાવી. થોટા મહિના પહેલાં જ તેને તે સ્ટોરના ટીમ લીડર તરીકે નીમવામાં આવ્યો અને તેના હાથ નીચે દસ લોકોની ટીમ કામ કરે છે. તે જણાવે છે કે જો મને આ સંસ્થાનો સાથ ન મળ્યો હોત તો મારો ગ્રોથ ક્યારેય ન થયો હોત. બાપુનગર વિસ્તારમાં આવેલી આ સંસ્થાની સેન્ટર હેડ તરીકે કામ કરતી રાજપૂત મેહઝબીની કથની સાંભળીએ તો આ સંસ્થાની કામગીરીની સાચી તસવીર જોવા મળે. માત્ર સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાને આર્થિક મદદ કરવા માટે મેહઝબી પોતાના રૂઢિચુસ્ત સમાજની માન્યતાઓની કદર કર્યા વગર અહીં કમ્પ્યૂટરનો એક કોર્સ કરવા આવી. આ કોર્સ કર્યા પછી તેણે અહીંયા જ પરચુરણ કામ કરવાના શરૂ કરી દીધા. જો કે તેના સ્વપ્ન કંઈક અલગ હતા અને તેથી જ તેણે ધીરે ધીરે અન્ય કોર્સ શીખવાના શરૂ કરી દીધા. ગયા વર્ષે તેને કમ્પ્યૂટરના કોર્સ શીખવવા માટેની જોબ ઓફર કરવામાં આવી હતી અને અત્યારે તો તે આ સેન્ટરના હેડ બની ગઈ છે. આવા તો અનેક લોકો છે જેમણે આ સંસ્થા સાથે જોડાઈને રોજગારલક્ષી તાલિમ મેળવી અને પોતાના જીવનને એક નવી દિશા આપી અને પ્રગતીના પથ પર પગ માંડ્યા છે. તમામ તસવીરો રવિ ભટ્ટ, અમદાવાદ