મોદીના શાસનમાં વિધાનસભા સરેરાશ સૌથી ઓછા દિવસ મળી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જીવરાજ મહેતા, ચિમનભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા કરતાં પણ મોદી પાછળ
-નરેન્દ્ર મોદી કરતાં કેશુભાઇ પટેલના શાસનમાં ગૃહની બેઠકની સરેરાશ વધુ


ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ગુરૂવારે માત્ર એક દિવસ માટે યોજાયું છે અને તેમાં પણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે.

ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેતાં નરેન્દ્ર મોદી આગામી ઓક્ટોબર મહિનામાં 11 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે બીજી તરફ તેમના શાસન દરમિયાન વિધાનસભાનાં ગૃહમાં કેટલાં દિવસ કામ કરવામાં આવ્યું તે જોવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે છે.

આંકડાઓ પરથી જાણવા મળે છે કે નરેન્દ્ર મોદીના આટલા લાંબા શાસન છતાં તેમના પહેલાના મુખ્યમંત્રીઓએ વિધાનસભામાં સરેરાશ વધુ દિવસ કામ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ વર્ષ 2001નાં ઓક્ટોબર મહિનામાં ગુજરાતના શાસનની કમાન સંભાળી હતી. 10 વર્ષ અને 9 મહિનાના આ સમયગાળા દરમિયાન કુલ 327 દિવસ વિધાનસભાનું સત્ર બોલાવી સદનમાં કાર્ય કરવામાં આવ્યું, જેની વાર્ષિક સરેરાશ 30 દિવસ આવે છે. આ આંકડાઓની સરખામણી કરતા જાણવા મળે છે કે ગુજરાતમાં મોદી પહેલા શાસન કરી ચૂકેલા તમામ મુખ્યમંત્રીઓએ મોદી કરતાં વધુ દિવસ વિધાનસભાના ગૃહમાં કાર્ય કર્યું.

ગુજરાત વિધાનસભાના ભૂતકાળ પર નજર નાખીએ તો રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ 3 વર્ષ અને 4 મહિના શાસન કર્યું. આ દરમિયાન કુલ 170 દિવસ વિધાનસભાના સદનમાં કામ કરવામાં આવ્યું, જેની સરેરાશ વાર્ષિક 51 દિવસ થાય છે. જીવરાજ મહેતા બાદ બળવંતરાય મેહતા 2 વર્ષ સુધી રાજ્યના મુખ્યપ્રધાન પદે રહ્યાં અને તેમણે વાર્ષિક 69 દિવસની સરેરાશથી 138 દિવસ વિધાનસભાની બેઠક બોલાવી.

આ અંગે સંસદીય રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આ સત્ર કોઇ રાજકીય ચર્ચા કરવા માટે નહીં પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીને અનુલક્ષીને યોજાઇ રહ્યું છે.

વિધાનસભમાં કાર્યનાં ઘટતા દિવસો વિશે એડીઆરનાં સભ્ય જગદીપ ચોકરે જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યની વિધાનસભામાં કાર્યના દિવસો ઘટવા લોકશાહી માટે સારી બાબત નથી, પરંતુ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભાના સદનના સત્રો પર ઉડતી નજર

મુખમંત્રી.....ટર્મ..... બેઠક(દિવસોમાં)..... સરેરાશ(વાર્ષિક)
જીવરાજ મહેતા.....3 વર્ષ, 4 મહિના.....170.....51
બળવંતરાય મહેતા.....2 વર્ષ.....138.....69
હિતેન્દ્ર દેસાઇ.....5 વર્ષ, 8 મહિના.....323.....57
ચિમનભાઇ પટેલ.....4 વર્ષ, 8 મહિના.....197.....42
માધવસિંહ સોલંકી.....5 વર્ષ, 6 મહિના.....253.....46
અમરસિંહ ચૌધરી.....4 વર્ષ, 5 મહિના.....261.....59
કેશુભાઇ પટેલ.....4 વર્ષ, 2 મહિના.....206.....49
શંકરસિંહ વાઘેલા.....1 વર્ષ.....33.....33
નરેન્દ્ર મોદી.....10 વર્ષ, 9 મહિના.....327.....30Related Articles:

એક દિવસનું સત્ર લોકશાહીની હત્યા સમાન: ગોહિલ
મોદી સરકારના છોતરાં કાઢવા કેશુબાપાનો રણટંકાર
મોદી સરકાર-રાજ્યપાલ વચ્ચે ઘર્ષણનાં એંધાણ
'મોદી મને મારીને PM બનવા માંગે છે', ફિલ્મી સ્ટાઈલે કર્યો હોબાળો