'વર્લ્ડ હેરિટેજ સિટી' અમદાવાદથી માત્ર એક પગલું દૂર!
- યુનેસ્કોને કરવામાં આવી છે રજૂઆત - સમગ્ર ભારતમાંથી એકમાત્ર અમદાવાદ શહેરની રજૂઆત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામવા તથા હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે સમગ્ર ભારતમાંથી એકમાત્ર અમદાવાદ શહેર દ્વારા રજૂઆત કરી છે. હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે ભારતમાંથી અન્ય કોઇ શહેર અમદાવાદની સ્પર્ધામાં નહીં હોવાથી યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજનો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બનતી જાય છે. નોંધનીય છે કે યુનેસ્કો દ્વારા વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં 250થી વધારે શહેર વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યા છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે અમદાવાદ માટેની દરખાસ્ત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા માર્ચ, 2011માં યુનેસ્કોને મોકલવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા હાલના સમયે આ દરખાસ્તો અંગેની સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે અમદાવાદને વર્લ્ડ હેરિટેડ સિટીનો દરજ્જો મળે તે માટે વિવિધ સ્તરે વિવિધ તબક્કે રજૂઆતો કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનેસ્કોમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવા માટેની રજૂઆત કરવા માટે ખાસ ટીમની રચના કરી હતી. આ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડોઝિયર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને મોકલવામાં આવ્યો હતો. આ ટીમમાં અમદાવાદના મેયર સહિત મ્યુનિસિપલ કમિશનર વગેરેનો સમાવેશ થાય છે. ટીમ દ્વારા હિસ્ટોરિક સિટી ઓફ અમદાવાદ નામની પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી. આ અંગે સૂત્રો અને જાણકારો પાસેથી મળતી જાણકારી અનુસાર ભારતમાંથી આ પ્રકારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે અન્ય કોઇપણ શહેર દ્વારા રજૂઆત કરવામાં નથી આવી ત્યારે અમદાવાદને આ દરજ્જો મળે તેવી શક્યતાઓ વધારેને વધારે પ્રબળ બનતી જાય છે. તમારો અભિપ્રાય શું ખરેખર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે આ પ્રકારે રજૂઆત કરવી જોઇએ? વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયા પછી અમદાવાદમાં કેવા ફેરફાર જોવા મળી શકે તેમ છે? આ અંગે તમારો અભિપ્રાય અહીં દર્શાવવામાં આવેલા ફીડબેકમાં લખો.