અભિનેતા તથા પત્રકાર અશ્વિની ભટ્ટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અશ્વિની ભટ્ટ માતબર નવલકથાકાર ઉપરાંત જબરા નાટ્યપ્રેમી અને સારા અભિનેતા પણ હતા. ખાસ તો, અંદરથી કથળેલી તબિયત છુપાવીને બહારથી મસ્ત-દુરસ્ત દેખાવાનો અભિનય એમના માટે એકદમ સહજ હતો.

સૌથી મોટી કમાલ હતી, એમના ચહેરા પરના તેજની. માણસ હાવભાવ દ્વારા અભિનય કરી શકે, પરંતુ ચહેરા પર ચમક કઈ રીતે લાવી શકે? એ માણસના હાથની વાત નથી. પણ અશ્વિનીભાઈ એ ‘ચમત્કાર’ કરી શકેલા. છાતીમાં બેસાડેલું પેસમેકર (જેને એ ‘દાબડી’ કહેતા) પણ થાકી ચૂક્યું હતું એવી ઢીલી અને ગંભીર અવસ્થામાં પણ ચહેરા પર જબરી રોનક સાથે એમણે ગયા માર્ચમાં ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ એ વિષય પર મુંબઈમાં શાનદાર પ્રવચન આપેલું. એ વખતે, દાકતરી સલાહ પ્રમાણે બેસીને ભાષણ આપવાને બદલે ઊભા થઈને એમણે એક કલાક સુધી જે રીતે સ્ટેજ ગજાવ્યું એ જોઈને વિચાર આવેલો કે શું ડોક્ટરોની ચિંતા ખોટી હતી? ના, ડોક્ટરોની ચિંતા ખોટી નહોતી, અશ્વિનીભાઈનો (તંદુરસ્તીનો) અભિનય શાનદાર હતો.

એ પ્રવચન બાદ અમદાવાદમાં એમની સાથેના રાત્રિરોકાણ દરમિયાન એમણે જાતે રસોઈ કરીને સૌને જમાડવાનો નિર્ણય લીધો. પત્ની નીતબહિેનને સતત ચિંતા હતી કે એ જો ઝાઝી મહેનત કરશે તો મોટો પ્રોબ્લેમ થશે. છતાં, શાકની ખરીદીથી માંડીને પાલકની પ્રોપર સબ્જી બનાવવા માટે ઝીણીમાં ઝીણી વાતે જબરો ઉત્સાહ દાખવીને અશ્વિનીભાઈએ ઘણી મહેનત કરી. જે રીતે રસ-ઉમંગ સાથે સબ્જી બનાવીને અમને જમાડ્યા એ જોઈને લાગેલું કે અમારા જેવા જુવાનિયા કરતાં અશ્વિનીભાઈ દિલથી વધુ જુવાન હતા.

મુંબઈના મેગેઝિનની અમદાવાદ ઓફિસના ઇન-ચાર્જ તરીકે એમને જે રીતે કામ કરતાં જોયા છે એ ક્યારેય નહીં ભુલાય. ડેડલાઈનના મામલે એ પત્રકારની ચુસ્તી કરતાં કલાકારની મસ્તી વધુ દાખવતા. છેલ્લી ઘડી સુધી ગામગપાટા, એક પછી એક ચાના રાઉન્ડ્સ... અને એવું બધું ચાલતું રહે, પણ પછી કામ થઈ તો રહેતું જ. પણ ભાર ન અનુભવાય એ રીતે કામ થતું.

છતાં, કામના મામલે એમના જેટલી ચીવટ બહુ ઓછા લોકોમાં જોવા મળે. દાયકાઓ અગાઉ એમણે અનેક રોમાંચક અંગ્રેજી નવલકથાના અનુવાદો કરેલા. એમાંના અમુક ગુજરાતી રૂપાંતરો ફરી પ્રકાશિત કરવાનું નક્કી થયું ત્યારે જુના અનુવાદો બેઠ્ઠા છાપી નાખવાને બદલે અશ્વિનીભાઈએ એમાં સુધારાવધારાનો આગ્રહ રાખ્યો. સહેજ પણ વડીલપણું ન દાખવનાર વડીલમિત્ર તરીકે અશ્વિની ભટ્ટે અનેક પત્રકારોને જતનપૂર્વક કેળવ્યા છે અને સંતાનોની જેમ સાચવ્યા છે એ વાતની ખાસ નોંધ લેવી રહી. (પત્રકાર-કોલમિસ્ટ) - દીપક સોલિયા

અશ્વિની ભટ્ટના નિધનથી ગુજરાતે એક લોકપ્રિય નવલકથાકાર ગુમાવ્યા છે. તેઓ ગુજરાતી સાહિત્યના આઇકન હતા. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
- નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગુજરાત