• Gujarati News
  • ઉમેદવાર અપહરણકાંડમાં પોલીસે તરકટ પકડી પાડયું

ઉમેદવાર અપહરણકાંડમાં પોલીસે તરકટ પકડી પાડયું

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ઉમરેઠ
ઉમરેઠના વોર્ડ-૮ના ઉમેદવારે પોતાની લૂંટ અને અપહરણનું તરકટ રચ્યું હોવાનું બહાર આવતાં મતદારોમાં રોષ સાથે ફીટકારની લાગણી જન્મી છે. ગણતરીના સમયમાં જ શંકાના આધારે આ ફરિયાદ સાવ બોગસ હોવાનું જણાતાં પીએસઆઇ એસ.એમ.પટેલે સઘન ઉલટ તપાસ હાથ ધરતાં ફરિયાદી અનંતકુમાર ભાંગી પડયો હતો અને સમગ્ર ઘટના ઉપજાવી કાઢી હોવાની કબૂલાત કરી લીધી હતી. જોકે તેમણે આ તરકટ કેમ રચ્યું તે બાબતે કાંઇ બોલતો ન હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ચૂંટણી કે પછી દેણદારો દ્વારા થતી ઉઘરાણીથી બચવા તરકટ રચનાર ઉમેદવાર અનંતકુમાર ખૂદ પોતાની જાળમાં જ ફસાઇ ગયો છે.
વધુમાં પીએસઆઇ એસ.એમ. પટેલે જણાવ્યું હતું કે ‘અનંતકુમારનું નિવેદન લેવામાં આવતાં અનેક બાબતો શંકા ઉપજાવે તેવી જોવા મળી હતી. જેને લઈને એક કલાક સુધી ઝીણવટભરી પૂછપરછ કરતાં ચોંકાવનારી હકિકત બહાર આવી હતી. જેમાં અપહરણ અને લૂંટની ઘટના પોતે ઉપજાવી કાઢી છે. કોઇએ તેનું અપહરણ કયું ન હતું તેમ જ કોઇએ તેને માર માર્યો ન હતો. પોતાની જાતે જ ઇજા પહોંચાડી હતી તેમ જ મિત્ર સાથે બાઇક આશીપુરા પાસે મૂકી આવ્યો હોવાની કબૂલાત કરી હતી.

હવે ફરિયાદી સામે જ કાર્યવાહી !
પીએસઆઇ પટેલે જણાવ્યું હતું કે, અનંતકુમારે લૂંટ અને અપહરણનું તરકટ રચ્યું હોવાની તેણે કબુલાત કરી છે. અનંતકુમારે ખોટી ફરિયાદ કરી છે. જેથી પુરાવા ભેગા કરી ખોટી ફરિયાદ કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મતદારોમાં ફીટકારની લાગણી
ઉમરેઠ નગરપાલિકામાં રેવાકાકાની પોળ, ભટ્ટ પીપળી, શાહનો ખાંચો, ઓડ બજાર, મોચી વાડ વગિેરે વિસ્તારના કુલ ૩૧૦૦ જેટલા મતદાર ધરાવતાં વોર્ડ-૮ના બસપાના ઉમેદવારે ચૂંટણી પૂર્વે જ પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનું તરકટ રચ્યું હોવાનું બહાર આવતાં જાગૃત્ત મતદારોમાં પણ તેના પ્રત્યે ફીટકાર સાથે રોષની લાગણી ઉભી થઇ છે.