‘લતા મંગેશકર દેશનું ખરું રત્ન છે, તેમનું જતન થવું જોઈએ’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘‘સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને કેન્દ્ર સરકારનું ભારત રત્ન પારિતોષિક મળ્યું છે, પરંતુ તેઓ ખરા અર્થમાં દેશનાં ‘રત્ન’ હોવાથી તેમનું જતન કરવું જોઈએ. ઉંમર વધે છે તેમ શરીર થાકે છે, આ થાક લાગતો ન હોત તો આખા મહારાષ્ટ્રને ધમરોળતો હોત. પંડિત દીનાનાથ મંગેશકર માટે મારા મનમાં ખૂબ આદરની ભાવના છે. લતા મંગેશકરનો કંઠ અનન્ય છે. આખી દુનિયામાં ક્યાંય પણ કરતાં હોઈએ ત્યાં લતાદીદીનો સ્વર કાનોમાં ગુંજતો રહે છે. એ કંઠનો એવો ચમત્કાર છે કે જે ચિત્રપટ સૃષ્ટિએ માસ્ટર દીનાનાથ મંગેશકરનું બધું છીનવી લીધું એ જ ચિત્રપટ સૃષ્ટિ આજે મંગેશકર કુટુંબનાં ચરણો પાસે આળોટે છે,’’ એમ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ સાયન સ્થિત ષણ્મુખાનંદ સભાગૃહમાં દીનાનાથ મંગેશકર સ્મૃતિ પારિતોષિક એનાયત કરવા માટે યોજાયેલા સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પ્રવચન કરતાં જણાવ્યું હતું. માસ્ટર દીનાનાથ મંગેશકરની સિત્તેરમી પુણ્યતિથિ અને ફિલ્મી પાર્શ્વગાયન ક્ષેત્રે લતા મંગેશકરના સાત દાયકા પૂર્ણ થવા નિમિત્તે મા. દીનાનાથ સ્મૃતિ પ્રતિષ્ઠાન અને હૃદયેશ આર્ટસના ઉપક્રમે યોજાયેલા વિશિષ્ટ સમારંભમાં ઉપસ્થિતોને શિવસેના પ્રમુખ બાળ ઠાકરે, સ્વર કોકિલા લતા મંગેશકર અને નૃત્ય વિશારદ અભિનેત્રી માધુરી દીક્ષિત એમ ત્રણ ખ્યાતિપ્રાપ્ત પ્રતિભાઓને એક મંચ પરથી સાંભળવાની તક મળી હતી. માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પારિતોષિકો સંગીત ક્ષેત્રે તબલાં વાદક કુમાર બોઝ, નાટ્યસેવા ક્ષેત્રે ડૉ. વસંતરાવ દેશપાંઠે પ્રતિષ્ઠાન (પુણે), સમાજસેવા ક્ષેત્રે આનંદમયી (કુડાળ) સ્થિત ડૉ. પ્રસાદ દેવધર, પ્રદીર્ઘ સાહિત્ય સેવાનું વાગ્વિલાસિની પારિતોષિક વરિષ્ઠ કન્નડ સાહિત્યકાર એસ. એલ. ભૌરપ્પો, અભિનય સેવાનું આદિશક્તિ પારિતોષિક અભિનેત્રી-નૃત્યાંગના માધુરી દીક્ષિત તેમ જ પ્રદીર્ઘ નાટ્યસેવા બદલ મા. દીનાનાથ વિશેષ પારિતોષિક વરિષ્ઠ રંગકર્મી વિક્રમ ગોખલેને એનાયત કરાયા હતા. સ્વપ્નમાં પણ પિતાએ પ્રેરણા આપી છે લતા મંગેશકરે પિતાની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘‘બાબા ગયા, એને ૭૦ વર્ષ વીત્યાં. તેમના અવસાનના પાંચમા મહિને મેં ચિત્રપટ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પ્રથમ ભૂમિકા મુખ્ય અભિનેત્રી (હિરોઈન)ની બહેનની મળી. તેમાં સાથે સાથે ગીતો પણ ગાવાનાં હતા. મેકઅપ કરવો, શૂટિંગ માટે ગરમીમાં તરસ્યા ઊભા રહેવું મને ગમતું નહોતું. પણ હું કામ કરતી હતી. કોઈ ઉપાય નહોતો. વર્ષ ૧૯૪૭ સુધી મેં અભિનય-ગાયન કર્યા, ત્યાર પછી ખરા અર્થમાં પાર્શ્વગાયન શરૂ કર્યું. પહેલું ગીત ‘આયેગા આનેવાલા’ ગાયું અને પછી ઘણાં ગીતો ગાવા મળ્યાં. આ સંઘર્ષના કાળમાં હંમેશાં પિતા નજીક હોય એવું લાગતું હતું. સ્વપ્નમાં પણ દેખાતા હતા. વર્ષ ૧૯૪૩માં મુંબઈમાં યોજાયેલા નાટ્ય મહોત્સવમાં સૌના આગ્રહથી મેં ગાવાનું નક્કી કર્યું. એ માટેના રિયાઝ દરમિયાન કાકાએ ‘તું મારા ભાઈનું નાક કાપવાની છે,’ એવું મહેણું માર્યું. એ મહેણું મને હાડોહાડ લાગ્યું. હું ખૂબ રડી. એ રાતે સ્વપ્નમાં મેં બાબાને ‘સંગીત માનાપમાન’નું ગીત ગાતા જોયા. એ સ્વપ્ન શુકનિયાળ નીવડ્યું. એ નાટ્ય સંગીતના કાર્યક્રમમાં મારા ગાયનની સૌ ખુશ થયા. લલિતા પવાર એટલાં ખુશ થયાં કે સોનાની કાનની બુટ્ટીઓ અને એવા સાહેબ પેંડસેએ ૨૫ રૂપિયાની બક્ષિસ આપી હતી. બાબા ક્ષણે ક્ષણે મારી જોડે હોય છે. માધુરી દીક્ષિતનું ગાયન ધક ધક ગલ માધુરી દીક્ષિતે ‘મુરલી બજાયે તેરી બાસી પ્યારે...’ ગાઈને પોતાના ગાયન કૌશલ્યનો પરિચય આપ્યો હતો. ‘‘બાળપણથી નૃત્ય અને સંગીતના વાતાવરણમાં ઊછેર થયો હોવાથી સૂર અને તાલનું જ્ઞાન છે. મારા અભિનય ક્ષેત્રના આરંભરૂપ ફિલ્મ ‘રામલખન’માં મારા પર ફિલ્માવાયેલા પ્રથમ ગીત ‘ઓ રામજી બડા દુ:ખ દીના’ને લતા દીદીનો કંઠ સાંપડ્યો હતો. તેમનો કંઠ મારે માટે શુકનિયાળ સિદ્ધ થયો. પહેલી જ વખતે લતા દીદીનો કંઠ મળ્યો તેનો વિશેષ આનંદ હતો. આ ગીત લતા દીદી ગાશે એ જાણવા મળ્યા પછી ક્યારે રેકોડિ•ગ કરાશે તેની રાહ જોતી હતી,’’ એમ માધુરીએ જણાવ્યું હતું.