કપ એટલે કાનજી ને રકાબી તે રાધા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે રીતે રાધાકૃષ્ણ બંને અલગ શબ્દ હોવા છતાં એકરસ થઇ એકમેકમાં ઓગળી ગયા છે તેમ કપરકાબી પણ અદ્વૈતવાદનો પ્રચાર કરતાં હોય તેમ એક જ શબ્દ બની ગયા છે. લોકો સવારે જાગીને રાધાકૃષ્ણનાં દર્શન કરે જ્યારે હું કપરકાબીનાં દર્શન કરું છું, કારણ કે વરાળ કાઢતી ગરમાગરમ ચા ભરેલાં કપરકાબીમાં મને રાધાકૃષ્ણનાં દર્શન થાય છે. કપભાઇ પતિ હોવાથી પુલિંગ છે અને રકાબીબહેન પત્ની હોવાથી સ્ત્રીલિંગ છે. રમતજગતમાં જેટલું મહત્વ કપનું છે તેટલું રકાબીનું નથી. ઊડતી રકાબીની શોધ કોણે કરી તે મને ખબર નથી કારણ કે હું વિજ્ઞાનનો માણસ નથી પરંતુ અજ્ઞાનનો માણસ છું પણ મારા ઘરના રસોડામાંથી ઘણીવાર ઊડતી રકાબી જોવા મળી છે. રકાબીને અંગ્રેજીમાં સોસર કહે છે પરંતુ આપણે ત્યાં અમુક સુધરેલા (કે બગડેલા?) લોકો સિવાય કોઇ કપસોસર બોલતું નથી પરંતુ મોટાભાગના કપરકાબી બોલે છે. જે રીતે રાધાકૃષ્ણ બંને અલગ શબ્દ હોવા છતાં એકરસ થઇ એકમેકમાં ઓગળી ગયા છે તેમ કપરકાબી પણ અદ્વૈતવાદનો પ્રચાર કરતાં હોય તેમ એક જ શબ્દ બની ગયા છે. આપણે ત્યાં મહિલા સંગઠનો દ્વારા સ્ત્રીને પુરુષ સમોવડી કહીને નારી દ્વારા જ નારીનું અવમૂલ્યન કરવામાં આવે છે કારણ કે મારા જેવા પુરુષોએ સ્ત્રીને પુરુષ કરતાં ચડિયાતી માની છે અને પામર પુરુષ આગળ અશકત સ્ત્રીને વિજેતા સાબિત કરવા માટે કપરકાબી કાફી છે. આપણે રકાબીને કપ ઉપર ઊંધી ઢાંકીએ તો આખો કપ ઢંકાઇ જાય છે જ્યારે કપને રકાબીમાં ઊંધો વાળો તો પોણી રકાબી ઉઘાડી રહે છે એ સાબિત કરે છે કે ઘર તથા વર બંનેનું ઢાંકણ નાર છે. જો પુરુષ અપલખણ પ્રગટ કરે તો સ્ત્રી એને ઢાંકી શકે છે, જેથી સમાજમાં પોતાના પતિની આબરૂ ન જાય બાકી સ્ત્રી લાજશરમ છોડે તો ધણી એને ઢાંકી શકતો નથી કારણ કે રકાબીબહેન સાવંત કે રકાબીબહેન શેરાવતનું ઢાંકણ થવાનું જગતના કોઇ કપભાઇનું કામ નથી. કપ પકડવાનું હેન્ડલ કપનું નાક છે. નાકની બંને બાજુની ડિઝાઈનમાં મને કપસિંહની મૂછ દેખાય છે પરંતુ અત્યારે પ્લેન કપની પેટર્ન ચાલે છે કારણ કે સ્ત્રીઓ નમૂછિયાને પસંદ કરે છે એટલો મૂછાળાને પસંદ કરતી નથી. જો કપનું નાક તૂટી જાય તો કપસાહેબ નિવૃત્ત થઇ જાય છે પછી એમનો ઉપયોગ મહેમાનને ચા પીરસવામાં થતો નથી એમ પુરુષનું નાક કપાઇ જાય પછી એ આબરૂદાર સમાજમાંથી નિવૃત્ત થઇ જાય છે પછી એ સમાજની શોભા બની શકતો નથી. પતિ ગુસ્સે થાય ત્યારે પત્ની એને ટાઢો પાડે છે તેમ કપમાં ચા હોય ત્યારે એ પીધેબલ હોતી નથી પણ રકાબીમાં રેડાય ત્યારે શાંત થઇ જાય છે. કીટલી રકાબીની સાસુ છે અને મોટા સમૂહમાં ઉપયોગમાં લેવાતો કીટલો એના સસરા છે. આપણે ત્યાં સમૂહમાં ચા પીરસવાની હોય ત્યારે એકલી રકાબીઓ પીનારાના હાથમાં પકડાવીને રકાબીના સસરામાંથી ચા પીરસાય છે. હું આ રીતે ચા પીવાતી જોઉં ત્યારે મને એમ લાગે કે કીટલાબાપાના બધા કપકુમાર યુદ્ધમાં શહીદ થઇ ગયા છે અને સસરા પોતાની તમામ ગંગાસ્વરૂપ કપવધૂઓને સાથે લઇ પુત્રોના બારમામાં આવેલા મહેમાનોનું સ્વાગત કરે છે. આનંદના પ્રસંગમાં પણ આ રીતે એકલી રકાબીઓમાં ચા પીરસાય ત્યારે હું કોઇના ઉઠમણામાં બેઠો હોઉં એવો ભાસ થાય છે. કપ વગરની રકાબી વિધવા જેવી લાગે અને રકાબી વગરનો કપ વિધુર અથવા વાંઢો લાગે છે. હું રકાબી વગરનો કપ જોઉં ત્યારે એ કપ મને રુક્મિણી રિસાઇને જતાં રહ્યાં પછીના કૃષ્ણ જેવો નિસ્તેજ લાગે છે. જો કપ કે રકાબીમાંથી કોઇ એક ફૂટી જાય તો જોડી ખંડિત થાય છે ત્યારબાદ વિધુર કપને કાચી કુંવારી રકાબી સાથે પરણાવો અથવા વિધવા રકાબીને લવરમૂછિયા કુંવારા કપ સાથે દિયરવટું કરાવો છતાં પહેલાં જવું પરફેક્ટ મેચિંગ થતું નથી. કપરકાબીને મેંદી મૂકેલા કોમળ કરવાળી હળવા હાથે ધોઇને વાસણના સ્ટેન્ડમાં ગોઠવે છે. જે રીતે ઓરડામાં સ્ત્રી અને ઓસરીમાં પુરુષ સૂવે એમ બધી રકાબીને વાસણના ઘોડામાં અંદર અને બધા કપને નાકામાં ભરાવીને બહાર લટકાવાય છે. જે પુરુષનું નાક મજબૂત હોય એનું પતન થતું નથી. ઘણાં ઘરમાં કપરકાબી બદલે કાચના મગમાં ચા પીરસાય છે. આ મગ મને મોટી ઉંમર સુધી કુંવારા રહી ગયેલા કરમહીણા પુરુષ જેવો અથવા હીજડા જેવો લાગે છે. ટ્રેમાં પડેલો મગ મારી સામે તાળી પાડતો હોય એવું લાગે છે. વસ્તુ સજીવ હોય કે નિર્જીવ પણ જોડી જામે તેટલી એકલી જામે નહીં. છેલ્લાં વરસોમાં ચા પીવા માટે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ વધ્યો છે. ચા પીધા પછી કપને ફેંકી દેવા એ તો ઉપયોગ કરીને ફેંકી દેવા જેવી અમાનવીય પ્રવૃત્તિ છે જે પશ્ચિમની દેન છે. યાદ રાખજો પૂર્વની સંસ્કૃતિ ઓઝલને સ્વીકારશે પણ ડિસ્પોઝેબલને સ્વીકારશે નહીં. ‘ વ્યંગ વિશ્વ, જગદીશ ત્રિવેદી