તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિન્ટેજ વાઇન-સિંગલ મોલ્ટ...ચિયર્સ બક્ષીબાબુ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વર્તન કરતી વખતે વિચાર ન કરનારા લોકો પછીથી પોતાનું વર્તન યોગ્ય હોવા અંગે અનેક દલીલો કરે છે, જાતજાતનાં કારણ રજૂ કરે છે. પોતે સાચા હોવાનું જતાવતાં રહે છે. સમજ્યા વિના જ વર્તન કરી નાખે છે અને પછી એને યોગ્ય ઠેરવવા પોતાની જાત સાથે અને બીજા સાથે દલીલ કરતાં રહે છે
- જે માને તે કહે, જે કહે તે જીવે અને જે જીવે તે જ કહેતાં રહે એવા લોકોની સંખ્યા દિવસે-દિવસે ઓછી થતી જાય છે


ગ ઇ કાલે પચ્ચીસ માર્ચ હતી. બરાબર સાત વર્ષ પહેલાં આ શહેરમાં ગુજરાતી ભાષાએ ડચકાં ખાધાં વગર શ્વાસ છોડી દીધો હતો... ખુલ્લી છાતી અને ખુલ્લી પેન સાથે એક્ઝિટ કરી ગયેલા ગુજરાતી ભાષાના એક મજબૂત, માતબર અને માથાભારે લેખકનું નામ છે ચંદ્રકાન્ત બક્ષી. બાવીસમી માર્ચે સાંજે અમે એમના ઘરે હતા. એમણે મારા બાપુને ફોન કરેલો, 'સાલા હું બધી રીતે તારા કરતાં બહેતર છું, પણ તારી દીકરી લખે છે... ગુજરાતીમાં લખે છે ને સાલા સારું લખે છે.’ એમણે કહેલું... જે સારું લાગે એના છાતી ફાડીને વખાણ કરવા અને જે ખોટું હોય એ વિશે સ્પષ્ટ અને સીધું કહેવું એ એમનું 'બક્ષીપણું’ હતું.

મારા માટે ચંદ્રકાન્ત બક્ષી એક એવું નામ હતું જેને મેં મુગ્ધભાવે વાંચેલા, પછી મળેલી અને ધીમે ધીમે એમના માટે અપાર સ્નેહ અને આદર મારા મનમાં વધતાં જ રહેલાં. લોકો કહેતાં કે એમને બહુ ઇગો હતો, જીભના કડવા હતા વગેરે વગેરે... પરંતુ મને એ હંમેશાં એક આખાબોલા અને પ્રામાણિક માણસ લાગ્યા છે. એમનામાં 'અહમ્’થી વધારે 'સ્વ’ હતું. એમણે લખ્યું છે, 'આપણને ન જીવી શકવાની સ્વતંત્રતા નથી. બધાંને એકલા એકલા પણ જીવી લેવું પડે છે.’ ડિસેમ્બર-૨૦૦પમાં પુસ્તકમેળામાં અમે સાથે હતાં. એમના નામનો આખો રેક જોઇને આંખોમાં અહોભાવ અને આછી ઇષ્ર્યા સાથે મેં એમને કહેલું, 'મારે પણ આવો રેક જોઇએ છે.’ ત્યારે એમણે ખભો થાબડેલો, 'થશે...’ એમણે ડિસેમ્બર-૨૦૦પમાં કહેલું આ 'એને માટે તારે મારા જેટલું જીવવું પડશે.’

શરાબના પહેલા પેગ પછી જે બેખુદી આવવાની શરૂ થાય એને બક્ષી 'સુરુર’ કહેતા. આ 'સુરુર’ એમની સફળતાનો નહોતો, જાત સાથે સતત ચાલ્યા કરતા સંવાદનો હશે એવું આપણને ધીરે ધીરે સમજાય. ભાષા સાથે હેલ્ધી અને વર્બલ ફ્લર્ટ કઇ રીતે થઇ શકે એ એમણે એમની પોતાની જ નહીં, એ પછીની ત્રણ ગુજરાતી પેઢીઓને બતાવ્યું. એમની કલમ તેજાબી હતી એ સાચું, પરંતુ એમના જેટલો અભ્યાસુ કોલમિસ્ટ અને વોરેશિયસ વાચક ગુજરાતી ભાષાએ ભાગ્યે જ જોયો છે. માણસના માણસ સાથેના સંબંધો વિશે એમણે જે લખ્યું છે એમાં ભરપૂર જીવ્યાનું પ્રમાણપત્ર સતત મળતું રહે છે. પચાસ વટાવી ગયેલો હીરો ઘર છોડીને પ્રિયતમા સાથે રહેવા જાય કે રૂપ શાહ એની દીકરી નિકી સાથે ડિર્વોસી પત્નીને મળવા અમેરિકા જાય કે પછી ઝિન્દાનીમાં લખાયેલી કથા જેવી ઇતિહાસને ઘસાઇને પસાર થતી રોમેન્ટિક નવલકથા આપણને બક્ષીએ આપી છે બ-લ-ય જોડીને 'બ્લ્યુ’ લખતાં એમણે ગુજરાતી ભાષાને શીખવ્યું.

આજના ઘણાબધા કોલમિસ્ટ ઉપર એવો આરોપ છે કે એ ચંદ્રકાન્ત બક્ષીની 'કોપી’ કરે છે, પરંતુ ખરેખર સર્જન કે લખાણમાં 'કોપી’ જેવો કોઇ શબ્દ હોતો નથી. આપણે જે લેખકને ખૂબ આનંદથી અને અહોભાવથી વાંચ્યા હોય એ લેખકની આપણા પર અસર હોય એ સ્વાભાવિક છે. આપણી ભાષાની મજા એ છે કે આપણા લેખકો પર પોતાના અથવા ગુજરાતી ભાષાના લેખકોની અસર હોય તો આપણને વાંધો પડે છે, ફ્રેન્ચ અંગ્રેજી કે જર્મનની અસર હોય તો આપણે એ વિશે અહોભાવ અનુભવીએ છીએ. બક્ષીબાબુએ પહેલી વાર હિંમતથી ગુજરાતી ભાષામાં એવા કેટલાક શબ્દો પ્રયોજ્યા જે સુષ્ઠુ ગુજરાતી લેખકોને લખતાં ભય લાગતો હતો... ગોરી-રૂપાળી-સુંદર અને દેખાવડી ગુજરાતી છોકરીઓને વિચાર ફગાવીને એમણે કાળી સ્ત્રીનું ગ્લેમર ઊભું કર્યું બક્ષીબાબુના લખેલા કેટલાક વાક્યો આજે પણ ગુજરાતી ભાષામાં લેખકો, સંચાલકો, વાર્તાકારો અને કોલમિસ્ટ હિંમતથી ફરીફરીને વાપરે છે... વાપર્યા કરે છે

માણસ જ્યારે કશું જુદું કરવાનો પ્રયાસ કરે ત્યારે હંમેશાં એની સામે અનેક સવાલો આવીને ઊભા રહેતા હોય છે. દેશ, ભાષા કે કાળ કોઇ પણ હોય, સ્વીકારવાની તૈયારી સામે પક્ષે પ્રમાણમાં ઓછી જ હોય છે. એરિસ્ટોટલ કે સોક્રેટિસથી શરૂ કરીને આજના છેલ્લામાં છેલ્લા લેખક કે વિચારક સુધી સૌએ એક વાર તો સમાજના વિરોધનો સામનો કરવો પડતો હોય છે. રજનીશનો વિવાદ હજી શમ્યો નથી, મા આનંદશીલાએ કરી નાખેલા કહેવાતા પર્દાફાશથી બધું જ બદલાઇ ગયું છે. ગઇ કાલ સુધી જે 'ભગવાન’ કે 'ઓશો’ હતા એ આજે અચાનક ક્વેશ્ચન માક્ર્સની સામે ઊભા રહી ગયા છે.

સામાન્ય રીતે પ્રસિદ્ધ માણસોની જિંદગી વિશેના કેટલાક સત્યો એમના મૃત્યુ પછી બહાર આવતા હોય છે... આ બહાર આવેલી વાતો 'સત્ય’ છે કે નહીં એ નક્કી કરવા માટે જે તે વ્યક્તિ હોતી નથી... મીનાકુમારીના મૃત્યુ પછી ચાલેલી લોકવાયકાઓનો જવાબ આપવા માટે જ્યારે રૂખસાર અમરોહીએ એના પિતા કમાલ અમરોહીને આગ્રહ કર્યો ત્યારે એમણે જવાબ આપેલો, 'ઇસ બાત કા જવાબ સર્ફિ દો હી લોગ દે સકતે હૈ... એક જવાબ દેને કે લિયે હૈ નહીં ઔર દૂસરા જો કહેગા ઉસે કોઇ સુનના નહીં ચાહતા.’ સામાન્ય રીતે દરેક માણસ વિશે બે અથવા બેથી વધારે અભિપ્રાયો પ્રવર્તતા હોય છે. મજાની વાત એ છે કે અભિપ્રાય આપનારો દરેક માણસ એમ માને છે કે એનો જ અભિપ્રાય સાચો અને અંતિમ છે.

માણસ માત્ર એક કરતાં વધારે ચહેરા ધરાવે છે. સાઇકોલોજીમાં એક શબ્દ છે, મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર. આને 'એમ.પી.ડી.’ કહેવાય છે. એક માણસમાં એક કરતાં વધુ વ્યક્તિત્વો શ્વાસ લેતાં હોય એવું આપણને જોવા મળે છે. સામાન્ય રીતે પ્રસિદ્ધ અને સફળ લોકો એક જ સમયે એક કરતાં વધુ જિંદગીઓ જીવતાં હોય છે. કહેવાય છે કે ગાલિબ, અહેમદ ફરાઝ, મન્ટો, બર્નાર્ડ શા, બાયરન, ફિરાક ગોરખપુરી જેવા લેખકો એક કરતાં વધુ પર્સનાલિટી ધરાવતા હતા. કદાચ એક બુદ્ધિશાળી વ્યક્તિને એક જ સમયે એકથી વધુ વિચાર એકસામટા આવતા હશે, પોતાની જ વાતને ખોટી પાડીને આવી વ્યક્તિઓ કદાચ પોતાની જ સાથે યુદ્ધ કરતી પર્સનાલિટી બની જતી હશે

મજાની વાત એ છે કે માણસ તરીકે આપણે બધાં જે કંઇ કરીએ છીએ એને માટે આપણી પાસે યોગ્ય કારણો અને એ યોગ્ય કારણોને પુરવાર કરવા માટે વધુ યોગ્ય દલીલો હોય છે. વર્તન કરતી વખતે નહીં વિચારતા લોકો પણ પછીથી પોતે સાચા હતા એવું સાબિત કરવા માટે કોઇ પણ દલીલ કરી શકે છે આપણે બધાં જ સામાન્ય રીતે સમજ્યા વિના વર્તી નાખીએ છીએ. જે કહેવાનું છે એ નથી કહેતાં અને જે નથી કહેવાનું એ આપણાથી કહેવાઇ જાય છે. કહી નાખ્યા પછી સંબંધ ગુમાવવાના ભયમાં આપણે એ વર્તન વિશે ઘણીબધી દલીલો કરતાં હોઇએ છીએ, જાત સાથે અને બીજા સાથે

કેટલાક લોકો એવા હોય છે, જે ક્યારેય જસ્ટિફિકેશન નથી આપતાં, એક્સપ્લેઇન નથી કરતાં કે પોતાના વર્તન વિશે કોઇનીય સાથે ચર્ચા નથી કરતાં. એમને જે કહેવાનું હોય છે તે કહેતાં પહેલાં વિચારે છે, પણ કહ્યા પછી અફસોસ નથી કરતાં. એવા લોકો જાણતાં હોય છે કે એમની ભીતર એકથી વધારે વ્યક્તિત્વો શ્વાસ લે છે. કયા વખતે કયા વ્યક્તિત્વને આગળ લાવવું અને કયા વ્યક્તિત્વને ઢબૂરીને બંધ કરી દેવું એની એમને સમજ હોય છે, કદાચ બક્ષીબાબુ જેવા સર્જકો આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણા પુરવાર થયા છે. એમને પણ એમના અફસોસ હશે જ. એમની અધૂરી રહી ગયેલી ઝંખનાઓ હશે...

એમણે ઇચ્છેલી કેટલીયે વાતો અને જોયેલાં કેટલાંય સપનાં પૂરાં નહીં થયાં હોય, પણ એના વિશેનો હિ‌સાબ પાકો રાખવાને બદલે એમણે જે કંઇ મેળવ્યું અથવા પામી શક્યા એ વિશેનો હિ‌સાબ એમણે કેરીફોરવર્ડ કર્યો. વીતતા સમય સાથે આપણે વધુ ને વધુ અપ્રામાણિક માણસોને મળતાં રહીએ છીએ - અપ્રામાણિક ફક્ત બીજા સાથે હોય એને માફ કરી શકાય, પણ જાત સાથે અપ્રામાણિક માણસોમાંથી એક સડેલી બૂ આવે છે. એમના સડેલા અસ્તિત્વની આ બૂ ધીમે ધીમે સમાજ, શહેર અને દેશમાં ફેલાવા લાગી છે.

જે માને તે કહે, જે કહે તે જીવે અને જે જીવે તે જ કહેતાં રહે એવા લોકો હવે ઘટતાં જાય છે. વાઘની જેમ, સિંહની જેમ, ચિત્તાની જેમ આવા ખૂંખાર, રાની, પરંતુ બેહદ ખૂબસૂરત પ્રજાતિના પ્રાણીઓને સાચવવા જોઇએ. એમને માટે ઇમોશનલ અભયારણ્યો ઊભાં થવાં જોઇએ. આવા લોકો સપનાંનો વેપાર કરે છે, આપી કે લઇ શકાય એવું કશું નથી હોતું એમની પાસે અને છતાંય એ કશુંક એવું આપી જાય છે, જે સમાજ માટે, ભાષા માટે અને દેશ માટે અમૂલ્ય હોય છે. ગઇ કાલે બક્ષીબાબુના દેહવિલયને સાત વર્ષ પૂરાં થયાં...રેક ઉપરનાં પુસ્તકોમાં હજી એમનું 'બક્ષીપણું’ અકબંધ, એવું જ ગોઠવાયેલું રહ્યું છે.