ગુડનેસ @ આપણી ફુરસદે!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે સંબંધમાં ફુરસદની ફ્રિકવન્સી સેટ થતી નથી એ લાંબો સમય અકબંધ રહી શકતો નથી. ટાઇમ નથી અને ટાઇમ છે. કોઇ એવું કહે કે ‘એને ટાઇમ નથી મળતો’ તો એ જણ એવું સૂચવવા માગે છે કે તમે અને તમારી બાબતો તેની પ્રાયોરિટી લિસ્ટમાં નથી. યસ, પ્રાયોરિટી નક્કી કરે છે, ટાઇમ છે કે નહીં! શ્રી શ્રી રવિશંકરની મુલાકાત લેવી હોય તો કેટલા સમય અગાઉથી પ્રયત્ન કરવો પડે. પણ એ જ શ્રી શ્રી રવિશંકર અણ્ણા હઝારે અનશન ઉપર ઊતર્યા ત્યારે સરકાર અને એમની વચ્ચે મધ્યસ્થી થવા માટે અગાઉના બધાં રોકાણો મુલતવી રાખી દિલ્હીમાં ડેરો નાખી શકે છે. આમિરખાન પાસે કોઇ નવોદિત સ્ક્રિપ્ટ રાઇટરની સ્ટોરી સાંભળવાનો ટાઇમ નથી હોતો, પણ જો હોલિવૂડની કોઇ સફળતા/ઓસ્કાર અપાવે એવી ફિલ્મની સ્ક્રિપ્ટ એને સંભળાવવાની ઓફર કરવામાં આવે તો ટાઇમ જ ટાઇમ છે! આમ આખો દિવસ ટાઇમ-ટેબલ પ્રમાણે જીવતા હોઇએ, પરંતુ પ્રેમ માટે એ વ્યસ્ત ટાઇમ ટેબલમાંથી પણ ટાઇમ મળી જ આવે છે. ઇન શોર્ટ, વ્યક્તિ નથી બદલાતો, એની પ્રાથમિકતાઓ બદલાય છે અને આપણી ફરિયાદ રહે છે વ્યક્તિ બદલાઇ ગયો છે! આપણે સામાજિક પ્રાણી છીએ, અને એ કારણે જેમ આપણે અન્ય પાસેથી અપેક્ષા રાખીએ છીએ, બસ એવી જ રીતે અન્ય પણ આપણી પાસેથી અપેક્ષા રાખતા જ હોય છે. કઠણાઇ એ છે કે આપણે અન્ય પાસેથી મદદ કે સમયની અપેક્ષા રાખતાં હોઇએ છીએ આપણી જરૂરિયાતે અને આપણે અન્યને મદદ કરવા, એની પ્રત્યે ‘ગુડનેસ’ દર્શાવવા તૈયાર હોઇએ છીએ આપણી ફુરસદે. માન્યું કે ટાઇમ-મેનેજમેન્ટ કરવું બહુ જ જરૂરી બાબત છે કારણ કે આધુનિક સમયમાં જો ટાઇમ-મેનેજમેન્ટ ન કરવામાં આવે તો સમય ક્યાં વેડફાઇ જાય એ ખબર જ નથી પડતી! અરે, આપણી આસપાસ ‘ટાઇમ-વેસ્ટર્સ’ તત્વો એટલા બધા છે કે જો આયોજન ન કરીએ તો છાપું સુદ્ધાં વાંચી ન શકાય! પણ એની સાથે વિચારવા જેવી બીજી બાબત એ છે કે આપણે અન્ય તરફ સારપ એની જરૂરિયાતે બતાવીએ છીએ કે આપણી ફુરસદે? સમયનું આયોજન આપણે અતિ સ્વકેન્દ્રી બનીને તો નથી કરતાં ને? આપણા ટાઇમ-મેનેજમેન્ટમાં, આપણા મિત્રો, સ્નેહીઓ માટે એની જરૂરિયાતે સમય ફાળવવાની બાબત ધ્યાનમાં લઇએ છીએ? એક જલ્દીથી ન પકડાય એવી માનસિકતા ડેવલપ થઇ રહી છે, ‘આપણી ફુરસદે ગુડનેસની’. સાચો મિત્ર/સ્નેહી કોને ગણવો એ જો સમસ્યા હોય તો એ જોવું કે એની તમારા માટેની ગુડનેસ એની ફુરસદે છે કે તમારી જરૂરિયાતે? માન્યું કે આ ફાસ્ટ લાઇફ છે, પણ જરૂરિયાત કંઇ સમય જોઇને આવતી નથી. બીજી અગત્યની વાત એ છે કે સ્નેહી/મિત્રને જો આ તમે એના મુશ્કેલ સમયે, ખાસ કરીને માંદગીને સમયે, રિયલ અર્થમાં મદદ કરવા ઇચ્છતા હોય તો એને પૂછી લેવું, ‘બોલ, હું તારે માટે શું કરી શકું?’ કારણ કે દવાખાને માત્ર અને માત્ર ભીડ વધારવાથી મિત્રની ‘ભીડ’ ભાંગતી નથી, વધે છે! દવાખાને ઘણાંય એવા જોવા મળશે જે સાંજે નવરા પડે એટલે ટાઇમપાસ કરવા, ગપ્પાં મારવા આવી જાય! એ એમની ફુરસદે ‘સારપ’ જેવું દર્શાવવા આવ્યા છે. તમે વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે, જેમ કે ચેક-અપ કરાવવા સાથે જાવ, ટિફિન પહોંચાડનાર કોઇ ન હોય તો એ કામ ઉપાડી લો, બેંકનું કામ પતાવી આપો, બાળકોને એટલા સમય પૂરતાં ભણાવવાની જવાબદારી ઉઠાવી લો તો એ રિયલ મદદ છે. તમારી ગુડનેસ એની જરૂરિયાત પ્રમાણે છે. ‘ગુડનેસ’ દર્શાવવા અંગે બીજી બેડ બાબત પ્રભુત્વ સાથે સંકળાયેલી છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, મોટાભાગના સંબંધમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર ડોમિનેટેડ હોય જ છે. અને મહંદશે જે વ્યક્તિ વધુ સફળ, સમૃદ્ધ છે અથવા ફેમસ છે એ સ્વાભાવિક રીતે વર્ચસ્વ ધરાવતી હોય. વધુ પ્રભુત્વ ધરાવતી વ્યક્તિ એવું માની લે છે કે સામેવાળા વ્યક્તિ પાસે એની માટે તો ફુરસદ જ ફુરસદ છે! એ ‘સાહેબ’ ગમે ત્યારે ફોન કરી શકે છે, ઘરે ટપકી પડી શકે છે, પ્રવાસ ગોઠવી શકે છે અને એ પ્રવાસમાં એવું સાંભળવાની તૈયારી રાખવાની જ કે ‘તેઓ કેટલા વ્યસ્ત છે!’ આવા ભાઇ મહિનાઓ સુધી હાથ ન આવે, પણ એ જ્યારે ઘરે આવી ચડે ત્યારે અપેક્ષા એવી રાખે કે સમગ્ર સામ્રાજ્ય એમની આસપાસ રચાય! મોબાઇલ આવ્યા પછી એના ઉપયોગમાં પણ આ બાબત નજરે પડશે. આપણે કોઇને મોબાઇલ કરીએ એટલે ‘ચાલુ જ પડી જઇએ!’ આપણે એવું માની જ લઇએ છીએ કે સામેવાળો જણ માત્ર આપણો મોબાઇલ રિસિવ કરવા જ આ ધરતી ઉપર અવતર્યો છે. એમાંય ડોમિનેશન ધરાવનાર વ્યક્તિ, એ ‘અગત્યના’ કાર્યો કરતો હોવાથી, આપણો ફોન ન ઉપાડે તો ચાલે, પણ જો એ મહાશય ફોન કરે તો આપણે સદૈવ એમની સેવામાં હોવા જ જોઇએ. એવું ન માનતા કે આ બધું પરિચિતો વચ્ચે જ થાય છે, તમે જેને મિત્રો માનો છો એમની વચ્ચે પણ આવું બની શકે છે. હકીકતે જે જણ મોબાઇલ કરે અને એવું ન પૂછે કે ‘અત્યારે વાત થઇ શકે એમ છે?’ એની પાસેથી મોબાઇલ આંચકી લેવો જોઇએ. શું કહો છો? જે સંબંધમાં ફુરસદની ફ્રિકવન્સી સેટ થતી નથી એ લાંબો સમય અકબંધ રહી શકતો નથી. જે મિત્રો વચ્ચે એકમેકની ફુરસદની કદર હોય ત્યાં મિત્રતા ઘનિષ્ઠ થાય છે અને ચિરંજીવ બને છે. સામેવાળાને સમજવો એટલે સામેવાળાની વ્યસ્તતાને સમજવી, એની ફુરસદને સમજવી અને એની પાસેથી એવી અપેક્ષા રાખવી પણ અસ્થાને નથી. ચલતે ચલતે: વિશ્વાસ રાખ એ જ તો દફનાવશે તને!કોણે કહ્યું છે દોસ્તને તારી કદર નથી. - ‘શૂન્ય’ પાલનપુરી mukesh2771@gmail.com Small સત્ય, મુકેશ મોદી