શું ગુજરાતીભાષા ભવિષ્યમાં વિલુપ્ત થઇ જશે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં બોલીઓ સહિત ૧૬૦૦ ભાષાઓ-બોલીઓ છે, જેમાંથી ૨૦૦ લિંગ્વિસ્ટિક ડેન્જર ઝોનમાં છે. તેમાં ગુજરાતી અને બોલીઓ તેની લિખિત અથવા મૌખિક પરંપરા આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી ભાષાને લીધે અને રાષ્ટ્રીય સ્તરે કદાચ હિન્દીને લીધે કટોકટી અનુભવે છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા વિશે કોઇ નીતિ નથી, એ નીતિ નક્કી થવી જોઇએ. તેમણે આંકડા આપતાં જણાવ્યું હતું કે ગુજરાતની ૧૩૦૦૦ માધ્યમિક શાળાઓમાં ૨૫૦૦ અંગ્રેજી માધ્યમની છે, જેમાં દર વર્ષે ૫ થી ૧૦ ટકાનો વધારો થતો રહે છે. તેમાં સેન્ટ્રલ બોર્ડ અને સીબીએસસીની ૧૫૬ શાળાઓ છે. આ શાળાઓમાં ગુજરાતી ભણાવવાની જોગવાઇ છે, પણ શાળાઓ ગુજરાતીના શિક્ષકો જ નીમતી નથી. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૬મું અધિવેશન જૂનાગઢની સંસ્થા રૂપાયતનના નિમંત્રણથી તા. ૨૩,૨૪,૨૫ ડિસેમ્બરના દિવસોમાં ગિરિતળેટીના રમ્યભવ્ય પરિસરમાં યોજાયું હતું. ત્રણ દિવસની વિદ્વત્તાસભર બેઠકોમાં ગુજરાતી ટૂંકી વાર્તાની ચર્ચા થઇ, ગુજરાતી વિવેચન સંશોધન વિશે પર્યેષણા થઇ, સોરઠી લોકસાહિત્ય અને સંતકવિતાની ગેય પ્રસ્તુતિ થઇ, પરંતુ તે અધિવેશનમાં એક બેઠક હતી ‘ગુજરાતી ભાષાની કટોકટી’ વિશે. ગુજરાતી ભાષા હવે કેટલાં વર્ષ જીવતી રહેશે? આ કોઇ ભવિષ્યવાણીનો વિષય નથી, પણ મુમૂર્ષુ માતૃભાષાને ગૌરવભેર ટકાવી રાખવા માટે શું કરવું? એવી આપણા સૌની ચિંતાનો વિષય છે. પરિષદે ગુણવંત શાહ જેવા પ્રાજ્ઞચિંતક અને માતૃભાષા પ્રેમીના માર્ગદર્શનમાં માતૃભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી છે, એ પહેલાં સમાજમાં ભાષાની થતી જતી ઉપેક્ષા માટે જાગૃતિ આણવા સમગ્ર ગુજરાતમાં માતૃભાષા જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. છ કરોડની જનસંખ્યા ધરાવતા ગુજરાતમાં ગુજરાતી ભાષાની ચિંતા? ગુજરાતી છે, તો તે પરથી ગુજરાતી ઓળખાણ છે, નહીંતર એ ગમે તે પ્રદેશ હોઇ શકત, પરંતુ મુખ્યત્વે બે કારણોથી ગુજરાતીને મળવું જોઇએ એ મહત્વ શિક્ષણ ક્ષેત્રે કે વહીવટ-વાણિજ્ય ક્ષેત્રે મળતું નથી. એક તો ગુજરાતીઓ એક પ્રજા તરીકે બંગાળ કે મહારાષ્ટ્રની જેમ સ્વ-ભાષાનું અભિમાન ધરાવતા નથી, અને બીજું તે ગુજરાત સરકાર ગુજરાતી વિશે એક વિધેયાત્મક ભાષાનીતિ નક્કી કરતી નથી. ગુજરાતી ભાષાની કટોકટીની વાત કરી ભાષાસાહિત્યના નિષ્ણાત, અંગ્રેજીના અધ્યાપક, મૂળે હિન્દીભાષી પણ ગુજરાતમાં રહીને ગુજરાતી પર પણ અધિકાર મેળવનાર પ્રોફેસર અવધેશકુમાર સિંહે કરી. તેમણે કહ્યું કે યુનેસ્કોના અનુમાન અનુસાર છેલ્લાં પાંચસો વર્ષમાં વિશ્વની લગભગ અડધી ભાષાઓ લુપ્ત થઇ ગઇ છે. તેમણે માઇકલ ક્રાઉસ નામના વિદ્વાનને ટાંકીને જણાવ્યું કે વિશ્વમાં લગભગ છ હજાર જેટલી ભાષાઓ છે. તેમાંથી અડધી આ સદીના અંત સુધીમાં સમાપ્ત થઇ જશે. ભારતમાં બોલીઓ સહિત ૧૬૦૦ ભાષાઓ-બોલીઓ છે, જેમાંથી ૨૦૦ લિંગ્વિસ્ટિક ડેન્જર ઝોનમાં છે. તેમાં ગુજરાતી અને તેની બોલીઓ, તેની લિખિત અથવા મૌખિક પરંપરા આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી ભાષાને લીધે અને રાષ્ટ્રીય સ્તરે કદાચ હિન્દીને લીધે કટોકટી અનુભવે છે. અવધેશકુમારે કહ્યું કે જ્યારે એક ભાષા કટોકટીમાં હોય અથવા મૃત્યુ પામે ત્યાર એક સાંસ્કૃતિક કટોકટી ઊભી થાય છે. એટલે આપણી ભાષાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાની ભાષાનો દરજજો મળે તેને માટે પ્રયાસ કરવાની સખત જરૂર છે. આ ત્યારે શક્ય બને જ્યારે ગુજરાતી બોલતો યુવક મિત્રવર્ગમાં પોતાની વગ સ્થાપિત કરવા માટે ગુજરાતીની જગ્યાએ અંગ્રેજીમાં શિફ્ટ કરવાની જરૂર નહીં અનુભવે અથવા અંગ્રેજી ન બોલી શકનારની સામે કોઇ પણ પ્રકારના હીનભાવથી ગ્રસ્ત નહીં થાય. બીજા વકતા હતા રવીન્દ્ર દવે, વર્ષો સુધી યુનેસ્કો પારિસમાં શિક્ષણ બાબતોના સલાહકાર રહે છે જર્મનીમાં પણ ગુજરાતમાં આવે અને ગુજરાત સરકારની સમિતિઓમાં પણ સલાહ પરામર્શન કહે છે. તેમણે શિક્ષણ અને ભાષા વિશે વાત કરી, તેમાં પહેલી વાત એ હતી કે ગુજરાતમાં ગુજરાતી ભાષા વિશે કોઇ નીતિ નથી, એ નીતિ નક્કી થવી જોઇએ. તેમણે આંકડા આપતાં જણાવ્યું હતું કે ગુજરાતની ૧૩૦૦૦ માધ્યમિક શાળાઓમાં ૨૫૦૦ અંગ્રેજી માધ્યમની છે, જેમાં દર વર્ષે ૫ થી ૧૦ ટકાનો વધારો થતો રહે છે. તેમાં સેન્ટ્રલ બોર્ડ અને સીબીએસસીની ૧૫૬ શાળાઓ છે. આ શાળાઓમાં ગુજરાતી ભણાવવાની જોગવાઇ છે, પણ શાળાઓ ગુજરાતીના શિક્ષકો જ નીમતી નથી. રવીન્દ્ર દવે આર.એમ.એસ.એ. એટલે કે ગુજરાતના રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન સાથે જોડાયેલા છે, જેમાં આવતા પાંચ વર્ષમાં ૬૫ લાખ વિદ્યાર્થીઓ આવરી લેવાશે. એવે વખતે સરકારની એક ભાષાનીતિની જરૂર છે. ત્રીજા વકતા રૂપલ મહેતાએ શિક્ષણમાં ટેક્નોલોજીના ઉપયોગની વાત કરી વીકીપીડિયા જેવાં માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે વધારે સામગ્રી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. સાહિત્ય પરિષદના આ અધિવેશનની છેલ્લી ખુલ્લી બેઠકમાં ગુજરાતી ભાષા અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. સૌ ગુજરાતી પ્રેમીઓની જાણ સારુ એ ઠરાવ અહીં આપવાનું મને ઉચિત લાગે છે. ઠરાવ નીચે પ્રમાણે છે: ‘તા. ૨૩-૨૪-૨૫ ડિસેમ્બર ૨૦૧૧ દરમિયાન મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૬મા અધિવેશનની ૨૫મી ડિસેમ્બરની સામાન્ય બેઠકમાં હાજર રહેલ સભ્યો ગુજરાતીના ભવિષ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે અને માતૃભાષાનું સંરક્ષણ-સંવર્ધન થાય એવી ચોક્કસ ભાષાનીતિ ઘડી કાઢવા ગુજરાત સરકારને સવૉનુમતે અનુરોધ કરે છે અને તાત્કાલિક ધોરણે નીચેની બાબતો અંગે ઘટતી કાર્યવાહી અને યોગ્ય પગલાં લેવા અનુરોધ પણ કરે છે.’ (૧) હાલના અભ્યાસક્રમ અનુસાર ધો. ૧થી ૧૦ સુધી માતૃભાષા બધાં માધ્યમોની શાળામાં શીખવવાનું ફરજિયાત છે, છતાં મોટાભાગની અંગ્રેજી માધ્યમની શાળાઓ એનું પાલન કરતી નથી. ગુજરાતનું શિક્ષણ ખાતું આ અંગે ઘટતી તપાસ કરે અને યોગ્ય પગલાં લે એવો આ સભા અનુરોધ કરે છે. (૨) હાલના અભ્યાસક્રમ અનુસાર ધો. ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ગુજરાતી મરજિયાત ધોરણે શીખવાય છે. એ અંગે આ સભા ખેદની લાગણી વ્યક્ત કરે છે અને ગુજરાતી વિષય ફરજિયાત રીતે શીખવવામાં આવે તે રીતે અભ્યાસક્રમની પુન:રચના કરવા અનુરોધ કરે છે. (૩) ઉચ્ચ કારકિર્દીના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપતી વખતે માતૃભાષાના ગુણોને પણ ધ્યાનમાં લેવાય એવી જોગવાઇ કરવા માટે આ સભા અનુરોધ કરે છે.પરિષદનો ઠરાવ તો ઉત્તમ થયો, પણ ઠરાવ ઠરાવ જ રહે, તો ગુજરાતી ભાષાની સ્થિતિ એની એ રહે. પરિષદને સૌ ગુજરાતી ભાષાપ્રેમીઓનો મજબૂત ટેકો મળે તો એ દિશામાં આપણી સરકારને વિચારણા કરવા માટે બાધ્ય કરી શકાય. મારી જાણ મુજબ મહારાષ્ટ્ર અને કણૉટકમાં બધા માધ્યમની શાળાઓમાં ક્રમે મરાઠી અને કન્નડા ફરજિયાત છે. આપણી માતૃભાષા ગુજરાતી એ ગાંધીગિરા ગુજરાતી છે. એનું ગૌરવ વધે એ માટે સૌ ગુજરાતીઓએ પ્રયાસ કરવાનો રહે છે.? સાહિત્ય વિશેષ, ભોળાભાઇ પટેલ