વધુ ને વધુ મેળવવાની ઇચ્છા, પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શોખ હોવો અલગ બાબત છે અને સંગ્રહખોરી અલગ. સંગ્રહખોરી આપણને શોખીનમાંથી સ્વાર્થી બનાવે છે
- વધુ ને વધુ મેળવવાની ઇચ્છામાં માણસ પોતાની પાસે વસ્તુઓનો સંગ્રહ કરતો જ જાય છે. એના પરિણામે એ પોતાના પ્રિયજનોથી દૂર થતો જાય છે. વિચારો અને વ્યક્તિઓનું સ્થાન હવે વસ્તુઓ લેવા લાગી છે


પરદેશમાં ખાસ કરીને યુ.એસ.માં જો કોઇનાં ઘરો જોયાં હોય તો સમજાય કે 'વાક ઇન ક્લોઝેટ્સ’ વસ્તુઓથી ઊભરાય છે. બેસમેન્ટ અને ગરાજમાં મૂકાયેલી વસ્તુઓ ક્યાં નાખવી એની પણ સમજ પડતી નથી. તેમ છતાં શોપિંગ એક એવો સિન્ડ્રોમ છે જે એ દેશમાં ચોવીસ કલાક લોકોના માથાં પર સવાર રહે છે. એન્ડ ઓફ સિઝન અને ક્લીયરન્સનાં પાટિયાં સતત ઝૂલે છે. કપડાં ફાટતાં નથી, બગડતાં નથી તેમ છતાં સતત નવા ખરીદવા માટેની ભૂખ ક્યારેય મટતી નથી આ જ પરિસ્થિતિ ધીરે ધીરે આપણા દેશમાં દાખલ થઇ રહી છે.

સજાવેલી દુકાનો અને મોલ્સ એટલા આકર્ષક છે કે જેને કંઇ નથી કરવાનું એવા લોકોય અમસ્તા આંટો મારવા નીકળે છે, નથી ખરીદવું એ ખરીદાઇ જાય છે ધીમે ધીમે વિચારો અને વ્યક્તિને વસ્તુઓ રીપ્લેસ કરવા માંડી છે. લોકોની વાતોમાં પણ બ્રાન્ડ્સ અને ગેઝેટ્સની ચર્ચાઓ સંભળાય છે. નવો ફોન, નવી ગાડી, વારંવાર કરાવાતું રીનોવેશન અથવા હજી મોટું ઘર... આનો અંત નથી સામે સમય, સ્નેહ, સમજદારી કે સલામતી ખૂટે છે - રોજેરોજ પ‌શ્ચિ‌મની અસર નીચે આપણે ત્યાં બીજું ઘણું આવ્યું, જેમાં આ ભૌતિકતા પણ પૂગી ગઇ. અપરિગ્રહ કે સંગ્રહ કરવાની વૃત્તિ પુરાણી ભારતીય પરંપરા સાથે સંકળાયેલી છે.

હિ‌ન્દુ, જૈન કે ઇસ્લામમાં પણ સંગ્રહ નહીં કરવાની વાત કહેવાયેલી છે. બેઝિક્સ સાથે જીવવાનું આપણે સૌ ભૂલી જ ગયાં છીએ. સાદો ખોરાક, સાદા કપડાં અને સાદગીમાં જીવાતી એક સરળ જિંદગી એ આ દેશની પરંપરા હતી, ત્યાં સુધી 'સુખ’ શોધવા જતું પડતું નહોતું. ભાતભાતનાં ખોરાકથી નહીં જાણેલા રોગો દાખલ થયાં, ફેન્સી વસ્ત્રોએ માનસિકતામાં બદલાવ લાવવાનું કામ કર્યું અને હરીફાઇ, ફેશનની ઘેલછામાં આપણે બધાં જ હાંફતાં-દોડતાં થઇ ગયા છીએ. આ કોઇ સામ્યવાદની ચર્ચા નથી એ.સી., માઇક્રોવેવ કે સારી ગાડી ન હોવી જોઇએ એવું કહેવાનો આશય નથી. માણસ તરીકે સૌને એક બેઝિક-સુખી જિંદગી જીવવાનો અધિકાર છે, પરંતુ આ 'સુખ’ની વ્યાખ્યા ધીમે ધીમે વિસ્તરવા લાગે ત્યાંથી સમસ્યા ઊભી થાય છે. જે છે તે સતત ઓછું પડે ત્યાંથી સમસ્યા ઊભી થાય છે...

આજથી દસ વર્ષ પહેલાં 'બહાર ખાવું’ એટલે સાઉથ ઇન્ડિયન, પાઉંભાજી કે પિત્ઝામાંથી કશું પસંદ કરવાનું. મોબાઇલ ફોન એટલે મોટોરોલા, નોકિયા જેવી બે-ત્રણ કંપનીમાંથી એક કે પછી બહારગામ જવું હોય તો ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન અથવા ટ્રેન, એસટી બસ જેવા ઓપ્શન હતાં. ઓછા ઓપ્શન સાથે જીવાતી જિંદગીઓ પ્રમાણમાં સરળ હતી. સવાલો ઓછા, સમસ્યાઓ ઓછી, ગૂંચવણો ઓછી અને એને કારણે ઊભા થતાં અભાવ અને અસુખ પણ ઓછા હજી હમણાં જ થોડા વખત પહેલાં શ્રી નાનજી કાળીદાસના પુત્રવધૂ મેઘાબહેને જણાવ્યું કે, 'બાપુજી ગુજરી ગયા ત્યારે બધા એમની વસ્તુઓ અને કપડાં યાદગીરી તરીકે માંગતા. મેં જ્યારે એમની બેગ ખોલી ત્યારે એમાં પાંચ જ જોડી કપડાં હતાં.’

પોરબંદરનું ગુરુકુળ ઊભું કરનાર અને 'સુગરકિંગ’ કહેવાતા નાનજી કાળીદાસે પોતાની આખી જિંદગી પાંચ જોડી કપડાંમાં વીતાવી, જેમાં ખાદીના લેંઘા-ઝભ્ભા અને કોટ-ટોપી સિવાય કશું જ નહોતું. સુરતની પી.પી. સવાણી હોસ્પિટલ અને પાંચ-પાંચ સ્કૂલ્સ, વૃદ્ધાશ્રમ, એઇડ્સગ્રસ્ત બાળકો માટેનો આશ્રમ ચલાવતાં વલ્લભભાઇ સવાણી છેલ્લાં ચાર દાયકાથી વધુ સમયથી સફેદ લેંઘો, શર્ટ અને ટોપી પહેરે છે. એમના પોતાના સંતાનોના લગ્નમાં પણ એમણે એ જ કપડાં પર્હેયાં હતાં. લંડનની ઠંડીમાં પણ પોતડી પહેરેલા ગાંધીબાપુ કે દુનિયાના કોઇ પણ ખૂણે કથા કરતી વખતે સફેદ કપડાં અને કાળી શાલમાં મોરારીબાપુના કપડાં કોઇ 'બ્રાન્ડ’ કે ડિઝાઇન નથી, એમના વ્યક્તિત્વનો એક ભાગ છે.

એમની સાદગીની ભાષા છે, એમની સહજતાનું સ્વરૂપ છે. કરોડપતિઓ, અબજોપતિઓ એમની પાસે માથું ઝુકાવે છે, શાંતિ શોધે છે કારણ કે સૌને એવું સમજાય છે કે શાંતિ વસ્તુઓમાં નથી, વિચારોમાં છે, વાણીમાં છે, વ્યવહારમાં છે આ 'શાંતિ’ મેળવવા માટે ભટકતાં બધાં જ ક્યાંક ને ક્યાંક, કોઇક ને કોઇક રીતે બેઝિક્સથી દૂર થઇ ગયાં છે. પોતાના મૂળથી છુટો પડેલો માણસ ક્યાંય ઊગી શકતો નથી. જે પોતાનાં મૂળ સાથે જોડાયેલાં રહે છે એ નવી જમીનમાં ફરી ફરીને રોપાય છે અને ફરી ફરી ઊગી શકે છે.

દંભ, આડંબર, હરીફાઇ અને જરૂર વગરના રાજકારણમાં સંડોવાયેલા આપણે બધાં જ ક્યારેક એવું ભૂલી જઇએ છીએ કે અનાજના કોઠારો ભરેલા હોય તો પણ પેટમાં બે જ રોટલી સમાય છે કપડાંના અંબાર ખડકી દઇએ તો પણ એક જ સમયે એક જ વસ્ત્ર પહેરી શકાય છે. બેન્કના લોકરમાં ગમે તેટલું સોનું હોય, જો શાંતિની ઊંઘ નથી તો એ સોનું વેચીને પણ ખરીદી શકાતી નથી આ બધી 'ફિલોસોફી’ નથી, જિંદગીનું એક એવું સત્ય છે જે સમજાતાં સમજાતાં ઘણું મોડું થઇ જાય છે. જે સંબંધ સૌથી અગત્યનો હોય એને ભૂલીને સંપત્તિ મેળવવાની દોટ મૂકીએ છીએ બધા જ... બહાનું એવું કે, 'પ્રિયજન માટે આ બધું ભેગું કરીએ છીએ.’ પરંતુ પ્રિયજનને આ બધું આપીએ છીએ ત્યારે એને માટે આ બધી વસ્તુઓનું મૂલ્ય રહેતું નથી. વીતેલાં દિવસો કે ખોયેલો સમય દુનિયાની કોઇ વસ્તુ પાછાં આપી શકતાં નથી.

જ્યારે બહુ બધાંમાંથી પસંદગી કરવાની હોય ત્યારે પસંદગી મુશ્કેલ બને છે.... બહુ બધું હોય ત્યારે 'હજી વધુ’નો અભાવ સાલે છે... જ્યારે થોડામાંથી પસંદગી કરવાની હોય ત્યારે વધુ સચોટ અને વધુ સ્પષ્ટ પસંદગી થઇ શકે છે. વધુ ચોઇસ હંમેશાં ગૂંચવે છે. વિસ્તરતી જતી જરૂરિયાતો હંમેશાં વધુ ને વધુ અભાવ અને અસુખ તરફ ધકેલે છે. આપણે કેટલા બધા લોકોને કહેતાં સાંભળીએ છીએ કે, 'બે બેડરૂમના ઘરમાં વધારે સુખી હતાં’ અથવા 'મોટરસાઇકલ પર ફરતા હતા ત્યારે એકબીજાની વધુ નજીક હતા. આજે જુદી જુદી ગાડીઓમાં મન પણ જુદાં પડી ગયાં છે.’

એકથી વધુ ટેલિવિઝન, પોતપોતાના રૂમ, રૂમમાં ચાલતા એ.સી.ના કારણે બંધ રહેતાં દરવાજા આમાં કંઇ ખોટું નથી... જિંદગીમાં સગવડ, સવલત, સાધનોનું સુખ હોય એ સારી અને ઇચ્છનીય બાબત છે. વધુ ને વધુ બહેતર લાઇફસ્ટાઇલ કોને નથી જોઇતી? પોતાના સંતાનો માટે સલામતી અને ઉજ્જવળ ભવિષ્ય કોણ નથી ઝંખતું? અગત્યનું એ છે કે વધતી જતી વસ્તુઓના ઢગલામાં આપણે આપણી જાતને ઢાંકી દઇએ તેથી મનની જરૂરિયાતો ભૂલી શકાતી નથી. કોઇ વ્યક્તિ મકાન અપાવી દે તેથી એની ગેરહાજરીમાં જીવવું સરળ બની જાય છે? એનિવર્સરી પર ગાડી મળે અને ચુંબન ન મળે તો ગાડીનું મૂલ્ય ચુંબનથી વધુ હોઇ શકે?

આપણે બધાએ એ શીખવાની જરૂર છે કે નકામી વસ્તુઓનો સંગ્રહ જગ્યા પણ રોકે છે અને પસંદગીમાં મુશ્કેલી ઊભી કરે છે. ફેંગ શુઇ કહે છે કે જૂની વસ્તુનો સંગ્રહ નેગેટિવિટીને જન્મ આપે છે. આપણે આ જૂની વસ્તુઓનો સંગ્રહ કરી-કરીને એમાં રહેલા એમાં રહેલા બીનજરૂરી કચરાનો પણ સંગ્રહ કરીએ છીએ. આ જૂની વસ્તુઓ નહીં કાઢવાની વૃત્તિ આપણને ધીરે ધીરે એવી માનસિકતામાં ધકેલી દે છે જે માનસિકતા જૂના વિચારો, જૂનો તિરસ્કાર, જૂની ચીડ કે સંબંધોમાં ઊભી થયેલી કડવાશ પણ સંઘરી રાખવાની માનસિકતા બની જાય છે.

સમયાંતરે ખાલી કરવામાં આવતા ક્લોઝેટ્સ કે કબાટ, માળિયું કે સ્ટોરરૂમ આપણને જૂનું છોડીને નવાને આવકારવા માટે તૈયાર કરે છે. સાથે જ આપણી પાસે જે વધારે છે તેને બીજા સાથે વહેંચતાં શીખવે છે. જે લોકો પાસે નથી અથવા ઓછું છે એમને પોતાની પાસે જે કંઇ વધારે છે તે આપીને 'વહેંચ્યાની લાગણી’ ક્યાંક ને ક્યાંક સુખ અથવા સંતોષ આપે છે. આપણે જે નથી વાપરતાં અથવા તો એકથી વધુ વર્ષ સુધી જે વસ્તુનો ઉપયોગ નથી કર્યો એને કબાટમાં મૂકી રાખવા કરતાં જેને જરૂર છે એને આપી દેવાથી કદાચ સાચા અર્થમાં 'સદ્ઉપયોગ’ થઇ શકશે. અનેક બેગ, જૂતાં, ઘડિયાળો કે પફ્ર્યૂમ્સ 'શોખ’ હોઇ જ શકે, પરંતુ આ શોખ સાથે જોડાયેલી સંગ્રહખોરીની માનસિકતા ધીમે ધીમે પઝેસિવ અને એમાંથી સ્વાર્થી બનાવે છે. એ પછીની પ્રવૃત્તિ 'હજી વધુ’ સંગ્રહ કરવાની પ્રવૃત્તિ છે.

આ 'હજી વધુ’ની માનસિકતા ધીમે ધીમે વસ્તુનું મૂલ્ય ઘટાડે છે. ચીજ ખરીદીને રાખી મૂકવી અથવા 'મારી પાસે છે’ એ વાતનો સંતોષ ક્યારે અહંકારમાં બદલાઇ જાય છે એનો આપણને પોતાને પણ ખ્યાલ રહેતો નથી. જેની પાસે નથી એને આપતી વખતે આપણને એવું સમજાય છે કે આપણી પાસે કેટલું 'વધુ’ અને 'વધારાનું’ છે 'શોખ’ અને 'સંગ્રહ’માં ફેર છે. તંદુરસ્ત હરીફાઇ કે વિકાસ કોઇ પણ સમાજ માટે જરૂરી બાબત છે, પરંતુ જ્યારે એ હરીફાઇ સમાજના લોહીમાં ભળીને યુદ્ધ બનવા માંડે ત્યારે સમાજ સડવા માંડે છે. સોનાના શર્ટ કે અબજો રૂપિયાના સ્કેમ્સ આપણા સડી રહેલા સમાજની તસવીર છે. અભાવમાં દિવસો વીતાવવાં જરાય જરૂરી નથી, પણ સ્વભાવમાં જો ફેરફાર નહીં થાય તો હસ્તરેખામાં લખેલું સુખ પણ આપણા સુધી નહીં પહોંચે એવું નક્કી છે.