તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક પોલીસ અધિકારીનો શબ્દ-બંદોબસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુવાનસિંહભાઇ જાડેજાએ લખેલું એમની કારકિર્દી-ગાથાનું પુસ્તક 'હૈયું, કટારી અને હાથ’ પુસ્તક અનન્ય બન્યું છે.
આજના જમાનામાં તમે એવી કલ્પના કરી શકો કે છોંતેર વર્ષનો કોઇ પુરુષ પડોશના ઘરમાં રહેતા વૃદ્ધ પર હુમલો કરીને ભાગી છૂટેલા હુમલાખોરને પકડવા માટે શહેરની સડક પર હાથમાં કટાર લઇને દોડતો હોય? તમે એવી કલ્પના કરી શકો છો કે પોલીસખાતામાં આડત્રીસ વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલો કોઇ માણસ એની બ્યાસીમા વર્ષની વયે હાથમાં કલમ પકડે ને પોતાની કારકિર્દીની ગાથા માંડવા માટે સાહિ‌ત્યકારને પણ શરમાવે તેવી ભાષાશૈલીમાં શબ્દોનો 'બંદોબસ્ત’ કરે? જો તે વ્યક્તિ જુવાનસિંહ જાડેજા હોય તો તે કલ્પના નથી રહેતી. વાસ્તવિકતા બની જાય છે.
પોલીસખાતામાં પી.એસ.આઇ. તરીકે જોડાઇને ડેપ્યુટી કમિશનર-ડી.એસ.પી.ના પદ પરથી નિવૃત્ત થનાર જુવાનસિંહભાઇ જાડેજાએ લખેલી એમની કારકિર્દી-ગાથાનું પુસ્તક 'હૈયું, કટારી અને હાથ’ સ્વાતિ પ્રકાશને પ્રગટ કર્યું છે. તેમાં આલેખેલી જાતઅનુભવની રસપ્રદ વિગતો, અનુભવોની સચ્ચાઇનો રણકો અને અદ્ભુત સ્મરણશક્તિને લીધે આ પુસ્તક અનન્ય બન્યું છે. આ પુસ્તકનું લખાણ લેખમાળારૂપે પ્રગટ થતું હતું ત્યારે જુવાનસિંહભાઇના એક ભૂતપૂર્વ સહકાર્યકર્તા એસ. એસ. ચુડાસમાએ પત્રમાં જણાવ્યું હતું: 'સાહેબ, આપના હાથ નીચે કામ કરતી વખતે અમે હિ‌પ્નોટાઇઝ્ડ થઇ જતા.’ આ પુસ્તક વાંચતી વખતે વાંચકોને પણ એવો જ અનુભવ થાય છે.
જુવાનસિંહભાઇ અમારા કચ્છના. હું આઠ-નવ વર્ષનો હતો ત્યારે મારા પિતાજી નખત્રાણા ગામના દરબાર ગઢમાં વોલીબોલ રમવા જતા. હું પણ એમની સાથે જતો. ત્યાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા જુવાનસિંહભાઇ પણ વોલીબોલ રમવા આવતા તેવું મારું સ્મરણ છે. ત્યાર પછી આપણાં જાણીતાં સાહિ‌ત્યસર્જક અરુણાબહેન જાડેજાના પતિ તરીકે એમને જાણતો થયેલો. અરુણાબહેન જુવાનસિંહભાઇનો ઉલ્લેખ કરે ત્યારે અચૂક 'ઘરેથી’ શબ્દનો પ્રયોગ કરે. જુવાનસિંહભાઇ પોલીસખાતાની કારકિર્દીની સ્મૃતિઓને શબ્દરૂપે સાચવી રાખે તેવું અરુણાબહેનને સૂઝ્યું.
અરુણાબહેન લખે છે: 'આખી જિંદગી દરમિયાન સાથે રહીને પણ પતિ-પત્ની એકબીજાને નિરાંતે ભાગ્યે જ મળે છે... પણ હમણાં હમણાંથી 'ઘરેથી એમને’ નોસ્ટાલ્જિયા (સ્મરણ-રંજન) લાગુ પડેલો, જૂની વાતો સંભારવી... આ બધી વાતો અત્યંત ખમીર, ખુમારી અને ખાનદાન ભરી. હું જાણતી હતી કે તેઓ પોતાની જાતને ખૂબ સારી રીતે વ્યક્ત કરી શકે છે... તેથી એમનાં છેક ૮૧ વર્ષ પૂરાં થવામાં હતાં અને મેં એમની પાસે એક ભેટની માગણી કરી કે મારા માટે, આપણાં બાળકો માટે, તમે તમારું પોલીસખાતાનું આ વંકાપણું, નરબંકાપણું છતું કરો.’ સારું થયું કે જુવાનસિંહભાઇએ અરુણાબહેનની વાત માની અને જે લખ્યું તે માત્ર એમના કુટુંબ માટે જ સંભારણું બન્યું નથી, ગુજરાતની પ્રજા માટે પણ અદકેરી ભેટ બની શક્યું છે.
વાત ભલે ફરજ બજાવતી વખતે કોઇની શેહશરમ ન રાખનાર અને આત્માનો અવાજ સાંભળનાર જાંબાજ નિષ્ઠાવાન પોલીસઅધિકારીની હોય, તેમાંથી એક સાચા 'માણસ’નો ચહેરો કેવો દેખાય છે તે વાત મહત્ત્વની છે. આજે જ્યારે પ્રજામાં પોલીસખાતાની છાપ ખરડાય તેવા કેટલાય બનાવો બનતા સાંભળીએ છીએ ત્યારે જુવાનસિંહભાઇમાં રહેલી 'માણસાઇ’ની પ્રતિમા ફરીથી આપણા મનમાં વિશ્વાસ જન્માવે છે. સામાન્ય માણસનો આ વિશ્વાસ એમણે એમની કારકિર્દીના આરંભથી જીત્યો હતો. તેઓ શક્ય હોય ત્યાં સુધી ફરિયાદીના પ્રશ્નોનો નિકાલ ઘરમેળે જ કરી દેવામાં માનતા હતા.
એમણે લખ્યું છે: '...નાનામોટા પ્રશ્નોનો હું નિકાલ લાવી દેતો પણ ક્યારેક એવો કોઇ મામલો હોય તો હું કહું કે હવે તમારે ર્કોટમાં જવું પડશે. તે એ લોકો જાણે મારી વાત માનવા તૈયાર જ ન હોય તેમ મને કહે: 'તો મથે વડી કોરટ કેડી? (તારા ઉપર મોટી ર્કોટ તો કેવી?)’ પ્રજાનો આવો વિશ્વાસ જીતી શકે તે જ સફળ પોલીસ અધિકારી અને સાચો માણસ.’
પોલીસખાતાની આડત્રીસ વર્ષોની લાંબી કારકિર્દી એક પણ ડાઘ વિના પૂરી કરવી એ નાનીસૂની વાત નથી. ધીરજ, આત્મવિશ્વાસ, હિંમત અને મનોબળની કસોટી કરે તેવા કેટલાય બનાવો એમના જીવનમાં બન્યા છે. પોતાની કારકિર્દીનું સરવૈયું કાઢતાં જુવાનસિંહભાઇએ નોંધ્યું છે: '... ક્યાંક કોઇ બનાવમાં મારાથી ભૂલ પણ થઇ હશે, ક્યારેક મારા કામમાં સફળતા ના પણ મળી હોય. ક્યારેક એવા સંજોગો પણ ઊભા થયા છે કે મારી રાતની ઊંઘ ઊડી ગઇ હોય કે શું થશે? જેલમાં જવું પડશે? શું કરવું? આવા વિચારો સતાવ્યા કરે. પણ આવા વખતે મેં મારા અંદરથી ઊઠતા અવાજને જ સાચો માન્યો છે...’
છેક ભીતરથી ઊઠતો આ અંતરાત્માનો અવાજ કોઇપણ વ્યક્તિની સાચી મૂડી હોય છે. પછી પાછલી જિંદગીના નિરાંતવા સમયે હીંચકા પર ઝૂલતા ઝૂલતા જે વાત મંડાય છે તે માત્ર માથાભારે ગુનેગારને ઝબ્બે કરનાર મજબૂત હાથની પણ નથી રહેતી, પરંતુ એ બધી વાતો હૈયાની વાતો બની જાય છે, એક માનવતાવાદી સર્જકની નિતાંત રોચક કૃતિ બની જાય છે. એવી સ્મૃતિકથા આપવા બદલ જુવાનસિંહભાઇ જાડેજાને અભિનંદન આપવાં પડે.'
ડૂબકી, વીનેશ અંતાણી