કાનુડો મારે ખેધે પડ્યો છે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતવાળા હહરીના એમ માને છે કે લવ-ગાળમાં તેમની માસ્ટરી છે. અમે દ્વારકાવાળા ઢંઢેરો ના પીટીયેં, પણ દ્વારકામાં પણ તેનાથી સવાઇ રંગીન જુબાન છે. બીજી ભાષાઓમાં હશે કે કેમ, પણ કોઇ નામ સાથે ડો, કે ડી કે ડું જોડીને તુચ્છકાર કરવાની, ને તે જ તુચ્છકાર દ્વારા બેસ્ટમાં બેસ્ટ લવ દર્શાવવાની સવલત ફક્ત ગુજરાતીમાં જ છે, અથવા તો એમ માનવાનું અમારા મનડાને ગમે છે. આ તો નીલે ગગનડાની નીચેની વાત છે, જેમાં મનવામાં જે આવે તેની વાતડી કરવાની હમોને હાઝાદી છે. ને હમે કહીએ છીએ કે કૃષ્ણકાંત વાસુદેવ યાદવના નામને કાનુડો કહીને લવ કરવાનું બહુ કોમન છે. હિન્દીમાં કાનુડાને કન્હૈયા કહીને લવ કરાય છે, હિન્દીમાં ગગનનું ગગનવા થાય યાને આ કોલમવાનું નામ થાય ‘નીલે ગગનવા કે તલે.’ વહાલમ યાને બાલમને હિન્દીમાં દુલાર કરવો હોય ગીતડું ગવાય કે બલમવા બૈરી હો ગયે હમાર...ર. સાજનને સજનવા ને લાડલી બેટીને બિટિયા કહેવાય છે. અમે નાના હતા ત્યારે શ્રીરંગ નામે માસિકવા વાંચતા હતા. તેમાં રતિલાલ અનિલે અથવા બીજા કોક લેખકે એમ લખીને કવિઓની શૈલીની મશ્કરી કરેલી કે ‘ભેંસલડીની આંખલડીમાંથી ટીપલડું ટપક્યું.’ આમ જોવા જાઓ તો રતિલાલનું રતિડાને બદલે રતિયો થાય. પ્રો. રતિલાલ દવેને સ્વ. પ્રબોધ ચોકસી ‘વાચસ્પતિ’ રતિયો કહેતા. રતિયો રાધેશ્યામ શર્માના પાડોશી હતા એટલે તે કારણે વાચસ્પતિ તેમને પણ રાધિયો કહીને બોલાવતા. મધુનું મધુડો બી થાય ને મધિયો બી થાય. ચિનુ મોદીડા સાહેબ હરખમાં આવે ત્યારે મધિયાને મધિયો કહેતા હોય છે, જે સંબોધન પૂર્વે આદિલ સાહેબ પણ વાપરતા હતા અને પછી યાસર આરાફતની જેમ મધિયાના ગાલે બચી ભરી દેતા હતા. આદિલ સાહેબ કવિ પ્રબોધ પરીખને પ્રબોધિયું કહેતા, ને મધિયાનાં મધર મધિયાને મધુડો કહેતાં હતાં. ને બચી ભરવાને બદલે ગાલે ચીટિયો ભરતાં હતાં. વન કાઇન્ડ ઓફ બેસ્ટેસ્ટ લવ. એક હિન્દી કવિ મધિયાને મધુઆ કહત પુકારત હંય. ગુજરાતીમાં રિસ્પેક્ટ સાથે ડિસરિસ્પેકટ કરવાનો પ્રબંધ પણ છે. મધિયાની ભત્રીજી મધુકાકાને બદલે મધિયા કાકા કહીને રિસ્પેક્ટ સાથે ડિસરિસ્પેક્ટની ડબલ ડુગડુગી બજાવી શકે છે. આમ તો ઘણા વાચકો પણ મધિયાના નામ સાથે મનોમન ડો, ડી, ડું, કે ડાં લગાડીને બેસ્ટ લવ દર્શાવતા હશે, ઘણા લેખકો પણ તે જ પ્રયોગ લવ માઇનસ સાથે કરતા હશે. સ્વ. ભૂપેન ખખ્ખર સ્વ. સુરેશ જોષીને વહાલથી સૂરિયો કહેતા. બ.ક.ઠા. ઉછાંછળાં કવિઓને કવિડાં કહેતા. લા.ઠા. ઉછાંછળા કવિઓનું ધોતિયું ફિગરેટિવલી ઉતારી લે તો પણ લિટરલી કોઇને તુંકારતા નથી. સૂરિયાભાઇએ એકવાર એક હિન્દી કવિને ‘રઘલો’ કહેલું. મીન્સ કે ડો કે યો લગાડ્યા સિવાય પણ લવ થઇ શકે છે, જેમ કે ભગલો, બાબલો, ડાગલો, બગલો. જો કે ગ્રામરની દ્રષ્ટિએ હિન્દીમાં રઘુનું ‘રઘલવા’ થાય. કોઇવાર ડ અને ય બંને સાથે જોતરીને ડબલ લવ કરવાનો પ્રયોગ પણ સંભળાય છે જેમ કે બાબુલાલનું બાબુડો કે બાબિયો નહીં પણ બાબુડિયો! ઘણીવાર વહાલ બતાવવાની રીત વિશેષણરૂપે અવતરે છે, જેમ કે ઘોડીનો કન્ડક્ટર. કે ગધનો કલેક્ટર. સુરતવાળા હહરીના એમ માને છે કે લવ-ગાળમાં તેમની માસ્ટરી છે. અમે દ્વારકાવાળા ઢંઢેરો ના પીટીયેં, પણ દ્વારકામાં પણ તેનાથી સવાઇ રંગીન જુબાન છે. દ્વારકામાં પરણેલી બહેનપણીઓ વાતવાતમાં કહેતી સંભળાય કે ‘મારો વર ગધનો કોઇનું કીધું માને નઇં ને!’ વરસાદને ગાળ દેવી હોય તો વરસાદડીનો, ને ભગવાનને પ્યાર જતાવવો હોય તો કહેવાય છે ભગવાનડીનો. ભગવાનડીનાએ વહેલી સવારે વરસાદ વરસાવ્યો હોય તો કહેવાય છે, ‘વરસાદડીનો ગધનો અટાણમાં ગુડાણો છે?’ અમેરિકાએ ભલે બીજા બધા ફિલ્ડોમાં પ્રોગ્રેસડી કરી હોય પણ આવા પ્યાર-તુચ્છકારના માવાના પડીકાં અમેરિકામાં કે ઇંગલિસ્તાનીમાં મળે નહીં. જોર્જ બુશને જોર્જવા કે બુશવા કહેવાય નહીં. બરકવા કે ઓબામડીનો કહીએ તો સામેની સીટવાળો આપણું મોઢું જોયા કરે, વોટયુડૂઇંગ? તે લોકો નામોને નાન્હાં કરે છે જેમ કે જેઇમ્સનું જિમ કે જિમી, વિલિયમનું બિલ કે બિલી, રોબર્ટનું બાબ કે બાબી, વગેરે. નારીનાં નામોમાં પણ તે જ રીતે એલિઝાબેથનું લિસા, લિઝા, એલાઇઝા, બેથ, બેટિ, લિઝબેથ એમ અનેક સંક્ષેપ થાય છે. પણ તેમાં લવ કે હેઇટની કોઇ સાઇન ન્હીં દેખાય. લવ અને તુચ્છકાર તે બંને વન એન્ડ ધ સેઇમ ચીજ છે, ઓકે? માતાને તુંકારે જ બોલાવાય, રાઇટ? માતાને માતાજી કહીએ તે કેવું દેખાય? માને માડી કહેવાય. માવડી કહેવાય, બા-ડીયે કહેવાય. મમ્મીડી કહેવાતું સંભળાતું નથી. પણ કોઇ કહે તો તેને ગ્રામરનો ટોટલ સપોર્ટ છે, ને સપોર્ટ ફપોર્ટ હોય કે નહીં, માડી તે માડી બાકીની વગડાની વાડી. બાપાને બાપડો ના કહેવાય. બાપડો કહેતાની સાથે ગરબડો બચાડો કોક ગરીબ બ્રાહ્નણ મગજમાં આવે. હિન્દીમાં મા-ને મૈયા કહેવાય છે જે પોતે લવકાર ભરેલો તુચ્છકાર છે, મૈયા મોરી મૈં નહીં માખન ખાયો. બંગાળીમાં આવી સોઇ છે કે કેમ? ગુજરાતીમાં હરિને હરિયો કહેવાય, બંગાળીમાં હરિને હોરિ જ કહેવાય. તે લોકો ઓકાર-બોકારના કારણે મોઢું ગોળ કરે ત્યારે સહેજ ગાળ પોકારતા હોય તેવું લાગે પણ વસ્તુત: પ્યારનો રાજભોગ ખવડાવતા હોય છે. ગાળોના સિપહસાલાર ચંદ્રકાન્ત બક્ષીને રાજભોગથીયે બીજી એક મીઠાઇ બહુ સોહેલી, તે રાનીભોગ. બક્ષીબાબુ એટલે બક્ષી બાબુ! જય મિષ્ટાન્નભક્ષી,જય બક્ષી. madhu.thaker@gmail.com નીલે ગગન કે તલે, મધુ રાય