ટ્વીન્કલ ટ્વીન્કલ ગગનલાલ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિસ્ટર જીઓડી ધારતે તો હમે કેબીસીનું હોષ્ટિંગ કરતા હોતે ને કરોડોનું કોષ્ટિંગ હોય તેવી મૂવીઝોમાં સંજીવકુમારની ઓપોઝમાં ડાયલોગગીરી કરતા હોતે, યા તો હેમાના સોલ્ડરમાં કે વહીદાની વેઇષ્ટમાં હેન્ડ મૂકીને બોલડાન્સ કરતા હોતે. ગગનવાલાને આમ એક્ટિંગ બેકટિંગનો હોબી બિગિનિંગથી, ઓકે? લખવામાં ટાઇમ વેષ્ટ ન કરેલ હોત તો અમિતાભ-બમિતાભ ટાઇપ શુપર સ્ટાર બની ચૂક્યા હોત. અમારા બેષ્ટફ્રેન્ડ રાધેશ્યામ શર્માએ તો ટોક વિધિન ટોકમાં એકવાર રંગતરંગ પેપરમાં બી આલી દીધેલું કે અમે ફિલ્મ લાઇનમાં એન્ટ્રી લીધી હોત તો અમિતાભની છુટ્ટી કરાવી દીધી હોત. પણ સપોઝ કે રાધેશ્યામે ફ્રેન્ડશીપમાં તેમ લખ્યું હોય, કે રાધશ્યામ પોતાને માટે બી તેમ જ બિલીવ કરતા હોય, કેમ કે તે કવિ છે ને કવિ-પીપલ તો, યુ નોવ ને, કે એગઝાઝર બહુ કરે. પણ અમારી સ્ટાર કવાલિટીનું અમારી પાસે સોલિડ ને હેરટાઇટ પ્રૂફ છે. ફિલ્મોની લેંગવેજ હિન્દી છે, ને કલકત્તાની સ્કૂલ ફાઇનલ પરીક્ષામાં હમને હિન્દીમાં ૭૪ ટકા માર્ક આવેલા. અગેન, હિન્દીમાં અમે ને બદલે હમે કહેવાય છે તેથી હમે આ આરટિકલમાં હેમ કરીશું. મોરોવર, હમે રાષ્ટ્રભાષા કોવિદ છિયેં. ને એકવાર કલકત્તાના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં દિલીપકુમાર ખાદીના શૂટ પાટલૂન બાય કરવા આવેલા, અને અમે બે લોટોફ પબલિકની સાથે તેમને જોવા ગયેલા. અમે પાસે જઇને કહ્યું કે કૌન કમબખ્ત હોશ મેં આને કે લિયે પીતા હૈ! તો દિલીપસાહબે અમને દેવદાસ- બ્રાન્ડ હાથ લાંબો કરીને ડોર બતાવી દીધેલું. પ્લસ, ફિલ્મોમાં, હોલી કાવ, હિયુમંગસ મજા કરાવતા અમારા વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન પરેશ રાવલનો લેટર લઇને અમે બાગબાન ફિલ્મનું શૂટિંગ જોયેલું જેમાં, યસ યસ, અમિતાભભાઇ હેમાબહેનની સાથે બોલડાન્સ કરતા હતા. ઓકે, ઓલરાઇટ. પણ હમારી સ્ટાર કવાલિટીનું ફુલ્લ એન્ડ ફાઇનલ ફુલપ્રૂફ પ્રૂફ હમને હમણાં જ મળેલ છે. હમારા હાથમાં હચાનક મુંબઇના હલવાના શેપની અમૃત ગંગર લિખિત સ્વીટ બુક ‘મુંબઇ’ (અરુણોદય પ્રકાશન) આવેલ છે. તેના ૧૦૯ નંબરના પેજ ઉપર પ્યોર ગુજરાતીમાં લખેલ છે કે ‘દાદા સાહેબ ફાળકેના સમકાલીન કોહિનૂર ફિલ્મ સ્ટુડિયોના સ્થાપક હતા દ્વારકાદાસ નારણદાસ સંપટ... તેમની તુલના હોલિવૂડના વિખ્યાત યુનિવર્સલ સ્ટુડિયોના સ્થાપક કાર્લ લેમલીની સાથે કરવામાં આવે છે.’ અને હલો! દ્વારકાદાસભાઇનો જન્મ થયેલો જામનગર જિલ્લાના જામખંભાળિયા ગામે, જે ગામમાં જ જન્મેલા આય સેવક ગગનવાલા. તે જ ગામના મહાકવિ ચન્દ્ર શાહ બોસ્ટનમાં બેસીને ફિલ્મોની સ્ક્રિપ્ટો લખે છે. ને તે સેઇમ-ટુ-સેઇમ ગામમાં જન્મેલ છે, અમારા નાતીલા રંગીલા સંજય છેલ વાયડા જેનું નામ મુંબઇના ફિલ્મી હાઉસોમાં હાઉસફૂલ છે. તે જ ગામના લોહાણા નાટક-રાઇટર મહેશ દત્તાણીએ ટોપકલાસ ફિલ્મ બનાવેલી ‘મોર્નિંગ રાગા’. હને તે જ ગામમાં જન્મેલા હમારી કાષ્ટના લંડનવાસી વિપુલ કલ્યાણી જે ‘ઓપિનિયન’ એવા અંગરેજી નામનું ફિલ્મી મેગેઝીન ગુજરાતીમાં ચલાવે છે. મીન્સ કે જામખંભાળિયા ફિલ્મી પર્સનાલિટીઝનું વન કાઇન્ડોફ ધામ ગણાય. હમારી ફિલ્મી ટેલેન્ટ માટે કોઇ ટુ હોપીનિયન નથી. કેમ કે હમારા લખેલ એક નાટકનો એક પાર્ટની વર્ડ ટુ વર્ડ કોપી ટુ કોપી બે ડાયરેક્ટરોની બે ડફિરન્ટ ડફિરન્ટ ફિલ્મોમાં ઇન્કલુડેડ છે, જેના પૈસા કે ક્રેડિટ કે ટિકિટ પણ અમને નથી લાધેલ, સ્ટેજ અને ટીવી સ્ટાર સરિતા ખટાઉ હમારા નાટક સંતુ રંગીલીનો એક મોનોલોગ ઠેર ઠેર બોલીને શ્રોતાઓને રીઝવે છે, જેના પૈસા કે ક્રેડિટ ભી ડિટ્ટો ડિટ્ટો. એક નૌજુવાન ડાયરેક્ટર હમારી એક વાર્તા પોતાની ફિલ્મમાં લઇ બેઠા હતા ને કહેતા હતા કે તેમણે નાનપણમાં તે વાર્તા વાંચેલી તેથી હવે તે વાર્તા તેમના મેન્ટલ મેકઅપનો પાર્ટ છે, ઇકવલટુ હમારી વાર્તા તેમની મેન્ટલ પ્રોપર્ટી છે. અગેઇન, મેઇન વસ્તુ શું છે કે હમને એક્ટિંગનું બેકગ્રાઉન્ડ નથી એવુંયે નથી. ગગનવાલાએ એચુલી પોતે પર્સનલી એક નાટકમાં બિગશોટ કૈલાસ પંડ્યા અને દામિની મહેતાની પેરની ઓપોઝમાં બહુ ઓસ્સમ રોલ કરેલ પણ કૈલાસભાઇની જેલ્શીના કારણે તે નાટક કાઇન્ડોફ ફેલ થયેલ. પછી બીજું નાટક લખીને અમે કહેલ કે અમને આમાં હીરોનો રોલ આપો તો સેઇમ જેલ્શીથી કૈલાસભાઇએ તે નાટક કરવાનું લેટ ગો કરેલ. અને હલો! એક ફેમસ ડાયરેક્ટરે હમારી એક લવલી નોવેલની ફિલ્મ એવી અનલવલી બનાવી છે તેના પૈસા મળ્યા છે તો પણ તેની ક્રેડિટ અમને ખપતી નથી. તે ફેમસ ડાયરેક્ટરે હમારી નોવેલ ઉપરથી ફિલ્મ બનાવવાના રાઇટ માગ્યા ત્યારે અમે સામે હીરોનો રોલ માગેલ. પરંતુ ડાયરેક્ટરે કનિંગલી કનિંગલી તે રોલ જ ફિલ્મમાંથી કેન્સલ કરીને બીજા કેરેકટરને હીરો બનાવી દીધેલ. અમને છાના રાખવા તેમણે એક ટેક્સીવાળાનો રોલ કરવા દીધેલ. એક જ લાઇન બોલવાની હતી તો બી અમે એવી માઇન્ડ બોગલિંગ એક્ટિંગ કરેલ કે તે સીન હીરોના સીન્સો કરતાં બી બેટર બનેલ. પણ ડાયરેક્ટરે વોટ ધ હેલ કહીને તે સીન જ કાપી નાખેલ. જોકે તેની ડીવીડીમાં કટ કરેલા સીન્સોના ડિપાર્ટમેન્ટમાં હમારી ‘મષ્ટ વોચ’ મસ્ત અદાકારી સામેલ છે. વેલ, એટલે બટ નેચરલી છે કે ગગનવાલાનાયે ગગનવાલા મિસ્ટર જીઓડી ધારતે તો હમે કેબીસીનું હોષ્ટિંગ કરતા હોતે ને કરોડોનું કોષ્ટિંગ હોય તેવી મૂવીઝોમાં સંજીવકુમારની ઓપોઝમાં ડાયલોગગીરી કરતા હોતે, યા તો હેમાના સોલ્ડરમાં કે વહીદાની વેઇષ્ટમાં હેન્ડ મૂકીને બોલડાન્સ કરતા હોતે. કયુઇડી. એનીવે, ગોડ નોવઝ વ્હાય, ગગનવાલાનાયે ગગનવાલાનું નિર્માણ એવું હતું કે હમે કોલમ લખીએ, ને લવિંગલી લખીએ છીએ. જય ગોડ! madhu.thaker@gmail.com નીલે ગગન કે તલે, મધુ રાય