છત્રપતિ શિવાજી ટર્મિનસના બેલ્ટ નંબર બે ઉપર સામાનની રાહ જોતાં ગગનલાલ સોચે છે, યુગાન્ડાની, અરબસ્તાનની ને અમેરિકાની ત્રણ મહિલાઓના બારામાં. ગગનવાલા ઊપડે છે વતન ભણી, ને ગગનમાર્ગે તેમને મલે છે, ભાંતિ ભાંતિ કે લોગ. એરપોર્ટના ગેઇટ પાસે એક જાજરમાન મહિલા શ્માઇલિંગી પૂછે છે, યુ હેવ સેલફોન? શ્યોર. મહિલા તેમની યંગર ડોટરને ફોનથી જણાવે છે કે દિનેસકુમાર મૂકવા આયવાતા ને બધું ઓલરાઇટ છે. બીજો કરવો છે? ના, ના. બહેન કહે છે પણ ચહેરો કહે છે હા, હા. અગેન શ્માઇલિંગી મહિલા તેમના બ્રધરને જણાવે છે, કે દિનેસકુમાર મૂકવા આયવાતા ને બધું ઓલરાઇટ છે. બસ તો? જય સ્વામિનારાયણ. હજી એક ત્રીજો ફોન કરો બહેન. ના, ના. તમે મુંબઇ જાઓ છો? ના, એન્ટેબી. વ્હોટ? યુગાન્ડા? ત્યાં સેઇફ છે? હા, હા. ગવરમેન્ટે પ્રોપર્ટી પાછી આપી છે ને વાં હવે કંઇ વ્યાધિ જેવું નથી. ઘરમાં ચોર આવે તો આયાં ‘ગન’ લઇને આવે ને મારીને જાય. ને વાં ઇ ખાલી હાથે આવે, ને ટીવીબીવી ચોરી જાય. આપણે જોયા કરવાનું. ને સમજવાનું કે ધરમાદો કઇરો. ઇ લોકોના પૈસે તો જીવીએં છિયેં ને. ઠીક, તમે કયો છો તો તીજો ફોનેય કરી નાખું, મારા હસબન્ડને... દિનેસકુમાર મૂકવા આયવાતા ને બધું ઓલરાઇટ છે. અને પછી યુગાન્ડાના ગુજરાતી જીવનની ત્રુટક વાતો થાય છે. પ્લેનમાં સીટ મેઇટ એક વ્હાઇટ મહિલા મગન થઇને કન્ડિલ ઉપર ઇ-બુક વાંચે છે. ગગનવાલા કાનમાં હેડફોન ભરાવીને ઓડિયોબુક સાંભળે છે. આખરે કોફી પીરસાય છે, ને વાતો થાય છે, તમે એમ્સટરડેમ જાઓ છો? ના, એકચુઅલી સાઉદી અરેબિયા? વ્હોટ? ફરવા? ના હું ત્યાં એન્જિનીયર છું, ઓઇલ કંપનીમાં. ફેમિલી ત્યાં છે? યસ, વીસ વર્ષથી સાઉદીમાં રહું છું. આહ, તમને બધા પૂછતા હશે, પણ તમે ત્યાં ડ્રાઇવ કરો છો? ના, ગામમાં ડ્રાઇવ કરું તો હુલ્લડ થઇ જાય. પણ અમે અમેરિકન આનકલાવમાં રહીએ છીએ ને ત્યાં ચલાવી શકું છું. આઇસી, આ પણ બધા પૂછતા હશે, પણ ટ્યુનીનશિયા, ઇજિપ્ત વગેરેની જેમ ત્યાં કોઇ...? નો ચાન્સ. કેમ કે પ્રજા સુખી છે. ને માનો કે તમે કિંગને ઉઠાડી મૂકો તો પછી શું? ત્યાં ડેમોક્રેસીનું કોઇ ઇન્ફ્રાસ્ટ્રકચર જ નથી, પાર્ટીઓ નથી, ફ્રી પ્રેસ નથી, જાગ્રત લોકમત નથી. કિંગ જાય તો કોઇક મિલિટરી ડિકટેટર આવે કે રિલિજિયસ મુલ્લા આવે. ગરીબ દેશમાં થાય, અમારે ત્યાં નોટ પોસિબલ. ‘અમારે’ ત્યાં સાંભળતાં અમારા કાન ચમકે છે, અ...અ... તમારા હસબન્ડ..? યસ, આરબ મુસ્લિમ છે. ને તમે પોતે? હું કેથલિક છું. મારા બંને સન મુસ્લિમ છે, પણ અમે તેમને સહિષ્ણુ થવા શીખવીએ છીએ. (હસીને) બધા મુસ્લિમ ટેરરિસ્ટ નથી હોતા. હાજી હાજી, (હસીને) હું મસ્કત ગયો છું, વેરી ઇમ્પ્રેસ્ડ. જનરલ પીપલ આર ઓલ સિમ્પલી ધેટ, જસ્ટ પીપલ. વન મોર કવેશ્વન? તમારે ત્યાં ઇન્ડિયન લેબરર્સ બહુ છે, યસ? યસ. પણ પ્રોફેશનલ પણ છે. ડોક્ટર્સ, એન્જિનીયર્સ. એમ? પણ બધા મેઇલ, યસ? ડોક્ટર, નર્સ ફીમેઇલ પણ હોય છે, ફોર ફીમેઇલ પેશન્ટ્સ. કોઇ આરબ મજુરીનાં કામ કરે કે? અત્યાર સુધી નહીં, પણ હવે... એમ્સટરડેમથી પ્લેન બદલાય છે. નવા સીટ મેઇટ આવે છે, એક ઇન્ડિયન યુવતી. હલો અંકલ? ઓહ હલો. ગુજરાતી છો? હા, તમે? હું પોરબંદરની લુવાણી, કહીને યુવતી તાળી માગે છે. ગગનવાલા પોતે ખંભાળિયાના ભામણ હોવાનું કબૂલે છે. નામ? વિક્ટોરિયા. નામ બોલીને યુવતી ઝડપથી કહે છે, બદલ્યું નથી હોં, બદલ્યું નથી. મારા ફાધર અમેરિકા ભણવા આવેલા ત્યારે એક અમેરિકન ફેમિલીએ તેમને (ખડખડાટ) લાઇક, એટોપ્ટ કરી લીધેલા. પછી ફાધર મેરેજ કરીને પાછા આવ્યા, ને મારી મધરનું નામ હતું નિશા. તો તે લોકોએ પોતાની દીકરીનું નામ પાડ્યું નિશા. અને મારાં પેરેન્ટસે મારું નામ પાડ્યું વિક્ટોરિયા, લાઇક, મારા ફાધરની એડોપ્ટેડ મધરના નામ ઉપરથી. વાહ, વ્હોટ એ લવલી સ્ટોરી. બહેન, તમે શું કરો છો? સોફ્ટવેર એન્જિનીયર. પણ હવે જોબ છોડી દીધી છે. ને હસબન્ડ? (ખડખડાટ) અમેરિકન આર્મીમાં છે. વ્હોટ? યસ! હી ઇઝ વ્હાઇટ અમેરિકન. નામ છે વિલિયમ. અમે ઓરેગનમાં રહીએ છીએ. ચૌદ વરસથી હેપિલી મેરિડ. મુંબઇ કેમ જાઓ છો? હા, જુઓને, અંકલ, મને બે વરસથી ઠીક રહેતું નથી. કોઇ મેડિસીન કામ કરતી નથી. ડોક્ટરો કહે છે, ફાઇબ્રોમાયેલ્જિયા. ત્રણ મહિનાથી ખાલી સૂપ ઉપર જીવું છું. અરે? ગગનવાલાની ઓડિયોબુકનો બકસો ગબડીને પ્લેનના રઘવાટમાં સરરર કરતો પાછલી સીટોની બખોલોમાં અલોપ થઇ જાય છે. વિક્ટોરિયા તત્ક્ષણ ઘૂંટણે ચાલી સીટો ફંફોસી શોધી પાછો લાવે છે. લો અંકલ! ગગનવાલા વિસ્ફારિત આંખે જોઇ રહે છે. હસમુખી, મળતાવડી, મદદગાર. અને આવો ક્રૂર મહારોગ? એટલે લાઇક, કંટાળીને ઇંડિયા જાઉં છું. મમ્મી લોકો કહે છે કે ત્યાં કાંઇક થઇ રહેશે. અઢ્ઢી મહિના રહેવાની છું. માટુંગા. ફાધરની ફેક્ટરી છે. નેકસટ વીક વિલિયમ પણ આવે છે. મને જરૉય ન ગમે એના વગર, આઇ ટેલ યુ!... છત્રપતિ શિવાજી ટર્મિનસના બેલ્ટ નંબર બે ઉપર સામાનની રાહ જોતાં ગગનલાલ સોચે છે, યુગાન્ડાની, અરબસ્તાનની ને અમેરિકાની તે ત્રણ મહિલાઓના બારામાં. તુલસીના સંસારની નદીમાંના પીપલમાંની ત્રણ હિરોઇનો. પીપલ એટલે પીપલ. જય પીપલ. madhu.thaker@gmail.com નીલે ગગન કે તલે, મધુ રાય