રઘુવીર ચૌધરી: યાદગાર સાગર કથાઓ ‘દરિયાલાલ’, ‘દેવો ધાધલ’...’

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘વીજળી હાજી કાસમની’ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું છે. સાગર સંદર્ભે ગીતો અને લોકગીતો ઘણાં છે, પણ વાર્તા-નવલકથાના સર્જકોએ સાગરને કેવોક ખેડ્યો છે એનું સરવૈયું કાઢવું જોઇએ. દર્શક ઈતિહાસ નિધિએ ‘વીજળી હાજી કાસમની’નું પ્રકાશન કર્યું. નિધિના અધ્યક્ષ હસમુખભાઇ શાહ કહે છે તેમ ‘યુનુસ એમ. ચીતલવાલાએ વીજળીના અકસ્માતનાં કારણો અને પછી એની તપાસ પર સંશોધન કરીને આ આધારભૂત પુસ્તક લખ્યું છે.’શક્ય છે ‘વીજળી હાજી કાસમની’ના પ્રકાશનની સમાન્તર હસમુખભાઇએ સમગ્ર સાગરકાંઠાને કેન્દ્રમાં રાખીને તા. ૧-૨-૩ ઓક્ટોબર દરમિયાન કચ્છના માંડવી બંદર ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું. ગુજરાત રાજ્ય ઉપરાંત કેટલીક વરિષ્ઠ સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોએ એમને સાથ આપ્યો. સમાજવાદી નેતા અશોક મહેતાના પિતાજી અને ગુજરાતી સાહિત્ય પરિષદ આદિ સંસ્થાઓના સ્થાપક રણજિતરાય મહેતાએ ગુજરાતના વિશાળસુદીર્ઘ સાગરકાંઠા વિશે નવેક દાયકા પહેલાં લેખ કરેલો. આ સાગરકાંઠાના ઈતિહાસ-ભૂગોળ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રજાઓના સંસ્કારજીવને નવેસરથી સમજવાની જરૂર છે. એ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાનો સક્રિય થયા એ આવકાર્ય છે. સાગર સંદર્ભે ગીતો અને લોકગીતો ઘણાં છે. પણ વાર્તા-નવલકથાના સર્જકોએ સાગરને કેવોક ખેડ્યો છે એનું સરવૈયું કાઢવું જોઇએ.ગુણવંતરાય આચાર્યની નવલકથા ‘દરિયાલાલ’નો અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયો છે. દરિયા સાથે વહાણવટાના વ્યવસાયને સાંકળીને લેખકે મનોરંજક વાર્તા રચી છે. રામજીભા જેવું પાત્ર આફ્રિકી પ્રજાની ગુલામી નાબૂદ કરવામાં ફાળો આપે છે એ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે. ‘દરિયાલાલ’ સને ૧૯૩૮માં પ્રગટ થયેલી. સતત વંચાતી રહેલી સાગરકથા છે. અત્યારે એની સત્તરમી આવૃત્તિ વેચાણમાં છે. ‘દેવો ધાધલ’ના લેખક ચંદ્રશંકર બુચ ‘સુકાની’ વહાણવટા સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવતા હતા. વાર્તા માટે સુકાનીએ અઢારમી સદીનો સમય પસંદ કર્યો છે. કચ્છના પશ્ચિમ કિનારેના કોટેશ્વરથી ‘રાવળનાથ’ વહાણ ઊપડે છે અને આખા અગ્નિ એશિયાની સફર કરી આવે છે. દેવરાજ ધાધલ એ વહાણનો માલિક છે. એનામાં સફરની સૂઝ ઉપરાંત ભારત અને અગ્નિ એશિયાના દેશોના કિનારાઓનું ભૌગોલિક-રાજકીય જ્ઞાન પણ છે. એ યોદ્ધો છે, મુત્સદી પણ છે. કથામાં અજયપાણ-સોનલની પ્રેમકથા દ્વારા લેખકે રોચકતા જગવી છે. સાગર સાવજ દેવો ધાધલનું પ્રકાશન ૧૯૬૩માં થયેલું. સામગ્રી અધિકૃત હોવા છતાં આ નવલકથા ‘દરિયાલાલ’ની જેમ લોકપ્રિય થઇ નથી. ડો. હસુ યાજ્ઞિકની નવલકથા ‘નીરા કૌસાની’ આ કથા બંદરકાંઠે વાવાઝોડાની આગાહી સાથે શરૂ થાય છે અને ત્રીજે દિવસે પૂરી થાય છે. દરિયાઇ તોફાન અને બેટના વર્ણનમાં એવી કુશળતા છે કે બધું વાસ્તવિક લાગે પણ મૂળભૂત રીતે ‘નીરા કૌસાની’ રહસ્ય કથા છે.સાગરકાંઠાના જનજીવનનો અને એના પલટાતા રંગોનો આત્મીય પરિચય ધ્રુવ ભટ્ટે ‘સમુદ્રાન્તિકે’માં કરાવ્યો છે. તો જીવ્યા-મર્યાના જુહારનું પ્રત્યક્ષીકરણ કરનાર લેખક વનુ પાંધી કચ્છના સાગરકાંઠાના પાકા પરખંદા છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘વનુ પાંધીની સાગરકથાઓ’નું પ્રકાશન સને ૨૦૦૯માં કર્યું છે. સંપાદન છે ધીરેન્દ્ર મહેતા. વનુ પાંધી (સને ૧૯૨૮થી ૧૯૯૪)ની અટક વિશે ધીરેન્દ્રભાઇ જણાવે છે: વનરાજ એટલે વનુ અને મૂળ ‘પંથી’માંથી પાંધી. પંજાબના આ સારસ્વત બ્રાહ્નણ પંથી તરીકે ઓળખાતા. ‘ભુજથી મુંદરા જતાં આવતું આ ગામ પાંથીઓની જાગીર. એમાં વનુભાઇની જમીન પણ હતી. નોકરીને કારણે વનુ પાંધીએ કરેલી રઝળપાટે વનુભાઇની અનુભવસમૃદ્ધિ વધારી એની વિગતો પણ ધીરેન્દ્રભાઇએ સંપાદકીયમાં આપી છે.’ સાગરકથાઓ એ વનુ પાંધીનું આગવું પ્રદાન છે. ‘છીપલાં’ અને ‘આવળ-બાવળ’ એ બે વાર્તાસંગ્રહો ઉપરાંત ગ્રંથસ્થ ન થયેલી પણ જુદાં જુદાં સામિયકોમાં પ્રગટ થયેલી સત્તર વાર્તાઓ તેમજ એક અપ્રગટ વાર્તામાંથી ધીરેન્દ્રભાઇએ તેર સાગરકથાઓ પસંદ કરી છે.એમાંની એક છે ‘સઢ અને સુકાન’, જે પછી નવલકથા સ્વરૂપે વધુ જાણીતી થઇ. સઢ અને સુકાનનો નાયક છે ગોવિંદ ખારવો. જેવો કામગરો એવો જ કાબેલ ઢોલી. જાતે પાવો બનાવી વગાડી જાણે. મુરલી એને ચાહે છે. એના સૌંદર્યનું વર્ણન કચ્છી પહેરવેશની ખૂબીઓ સાથે થાય છે. ‘કાચબા જેટલી પાંપણ આંખ પર ઢળે તોયે કીકી આછી દેખાય. તપતા સૂરજ જેવું એનું યૌવન, આથમતા સૂરજ જેવા રંગ છાંટનું એનું દિલ.’એવી એ ખારવણે એક દિવસ ગોવિંદને કહી દીધું: ‘નદીકાંઠે તર ફેરવે ઇ મારો માલમ નૈ, હું તો ઇના રોટલા ટીપું જી મને પણ મધરાતે હડસેલી દરિયે ભાગે. કાંઠે બેસે તે મછિયારો, દરિયે દોડે તે ખારવો.’ લેખક હિંમતબાજ સાગરખેડુ ખારવાઓના રીતરિવાજો અને ઉત્સવોના વર્ણન વચ્ચે ગોવિંદ અને મુરલીને પ્રત્યક્ષ કરાવે છે. સમય આવ્યે ગોવિંદ દરિયો ખેડવા જાય છે પણ પંદરમે દિવસે સુમરો ભેટે છે. એના હુમલામાંથી દામાને બચાવવા ગોવિંદ સુમરા પર તૂટી પડે છે એથી એના માણસો ગોવિંદને ઉપાડી જાય છે. વિગત જાણતાં ગામમાં હાહાકાર મચી જાય છે. મુરલી આંસુ સંતાડી ભાગે છે. ગોવિંદની મા આઘાતથી મૃત્યુ પામે છે. મુરલી દામાની સેવા કરે છે. ગોવિંદ પાછો આવે એની આશા નથી. શેઠની દાનત બગડે છે. મા શેઠની આદત વિશે કહે છે: ‘એમને એક ઓરડે શેઠાણી પોઢે ને બીજે ઓરડે ખારવણ. તે વના ખારવણના ચૂલા કેમ પેટે?’ આમાંથી બચવા મુરલી મનોરના છેડે બંધાવા તૈયાર થાય છે. ચાર વર્ષ પછી ગોવિંદ આવે છે. સુકાઇ ગયો છે. મુરલીના મનોર સાથેનાં લગ્નની હકીકત જાણી ગોવિંદ પાછો જતો રહે છે.કથાનો અંત મુરલીની ગેરસમજને કારણે કરુણ બન્યો છે. ગોવિંદ અને મનોરે એ છેલ્લા પ્રસંગમાં સાથે દરિયો ખેડ્યો હતો. તોફાનમાં મનોરને બચાવવા ગોવિંદ જાનનું જોખમ ખેડે છે, પણ મનોર બચતો નથી. મુરલી માની લે છે કે એને મેળવવા ગોવિંદે આમ કર્યું. એ કડવાં વેણ બોલે છે. ગોવિંદ દરિયાની ઓટમાં ખેંચાઇ જવા નીકળે છે. અદ્રશ્ય થાય છે. કથામાં પાણીની ખીણ અને પાણીના પર્વતનાં જે વર્ણનો આવે છે કે એ એવાં અદ્ભુત અને ભયાનક છે કે સાગરના અસ્તિત્વમાં ઓતપ્રોત લેખક જ કરી શકે. વિશેષ, રઘુવીર ચૌધરી