ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા મૈયાના પવિત્ર કિનારે પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર આવેલી છે. આ પુણ્યસ્થળ માલસર જવા માટે અમદાવાદથી વડોદરા-ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. સીધી બસ બપોરે ૧ વાગે એસ.ટી. સ્ટેન્ડથી ઊપડે છે. સાંજે ૬ વાગે પહોંચાડે છે. બાકી વડોદરા-ડભોઇ-શિનોરથી સગવડ મળે છે. શિનોરથી ૭ કિલોમીટર છે. અહીં પ.પૂ. ડોંગરેજી મહારાજનો સેવાશ્રમ છે. અહીં નજીવા ચાજેઁ બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા અને એક વાર નાસ્તો આપવામાં આવે છે. સવારે ૫-૩૦ વાગે આરતી, પ્રાર્થનામાં યાત્રિકે હાજર રહેવાનું હોય છે. જો અહીં રહેવું હોય તો વ્યક્તિ વર્ષમાં ફક્ત એક માસ રહી શકે છે. જેનો નજીવો ચાર્જ લેવામાં આવે છે. અહીં અંગારેશ્વર મહાદેવનું ઐતિહાસિક સ્થળ આવેલું છે. કચ્છી સેવાશ્રમમાં પણ સુંદર વ્યવસ્થા છે. બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા આપવામાં આવે છે. સવારે ૭-૩૦ વાગે, સાંજે ૭-૦૦ વાગે આરતી-પ્રાર્થનામાં હાજરી આપવાની હોય છે. વર્ષમાં એક વાર અમુક રૂપિયાથી અહીં આરતી ઊતરવા દેવાય છે. અહીં સત્યનારાયણ મંદિર, પંચમુખી હનુમાન, અંબાજી મંદિર વગેરે સ્થળો પણ છે. જેમાં પંચમુખી હનુમાનમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ સત્યનારાયણનું મંદિર છે. દરેક જગા ખૂબ જ પવિત્ર વાતાવરણવાળી છે. વડ, આંબા, લીમડા, આસોપાલવ વગેરે લીલોતરીથી ખૂબ જ આનંદ આવે. નર્મદા મૈયાનાં ફક્ત દર્શનથી જ આપણાં પાપો નાશ પામે છે. કિનારાનાં અનેક પવિત્ર સ્થળોની મુલાકાત માટે ટેક્સીની વ્યવસ્થા હોય છે. અહીં શ્રાવણ અને ચૈત્ર માસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય છે અને અહીંનું વાતાવરણ પણ પવિત્ર હોય છે. દરેક કુટુંબે વર્ષમાં એકાદ વખત આવા આધ્યાત્મિક પવિત્ર સ્થળની મુલાકાત મનની શાંતિ માટે લેવી જ જોઇએ. મારી યાત્રા, કનૈયાલાલ જોશી