મોરારિબાપુ: રામના નામનો અવતાર હનુમાન

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારી હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા મને વિશ્વાસ સાથે એવું કહેવા પ્રેરે છે કે શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીનો આશ્રય કરવાથી મનુષ્યને નવમાંથી એકપણ ગ્રહ નડી શકતો નથી. ધર્મ એટલે શું? આ વરસોથી ચર્ચાતો સવાલ છે. મારી સમજણ પ્રમાણે જવાબ આપું તો જે ભયભીત ન કરે તે ધર્મ. જે ભેદની ભીંતોને ભાંગે તે ધર્મ અને જે ભ્રમણામાં ન નાખે તે ધર્મ છે.ધર્મ માણસને અભય આપે છે. ધર્મ માણસને સમવાદ શીખવે છે. ધર્મ માણસને ભ્રમથી દૂર કરી બ્રહ્ન સુધી લઇ જાય છે. શ્રીમદ્ ભગવત ગીતાના સોળમા અધ્યાયમાં સંપત્તિની ચર્ચા છે. દૈવી સંપત્તિ એટલે કે સુરી સંપત્તિ અને રાક્ષસી સંપત્તિ એટલે કે અસુરી સંપત્તિથી માણસમાં કેવા ગુણો પ્રગટે એની વિગતવાર ચર્ચા છે. ગીતાકાર કહે છે કે દૈવી સંપદા ધરાવનાર માણસમાં અભય, હૃદયશુદ્ધિ, જ્ઞાન, યોગ, નિષ્ઠા, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અલોલુપતા, દયા, મૃદુતા, લજજા, ચપળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, શૌર્ય, અદ્રોહ અને નિરાભિમાન જેવા સદ્ગુણો સહજ રીતે પ્રગટે છે. અહીં અભયને સૌપ્રથમ સ્થાને મૂકવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ ઉપરના તમામ સદ્ગુણોમાં અભયને સૌથી મોખરે મૂકે છે એનો અર્થ માનવીના જીવનમાંથી ડર દૂર થાય. જીવ ભયમુક્ત બને તેવું ઇશ્વર પણ ચાહે છે માટે મારી દ્રષ્ટિએ ધર્મનું પ્રથમ લક્ષણ એ છે, જે માનવીને ભયભીત ન કરે. ભયને ભગાડવા માટે વર્તમાન સમયમાં એટલે કળિયુગમાં હનુમાનજી મહારાજના સ્મરણ જેવી અકસીર ઔષધી બીજી કોઇ નથી. મહાત્મા તુલસીદાસજી હનુમાન ચાલીસામાં લખે છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. આ દુનિયામાં ભૂત અને પિશાચ છે કે નહીં એની ચર્ચામાં પડવું નથી પણ મને એટલી ખબર છે કે ભયના ભૂતને અને પીડાના પિશાચને ભગાડવા માટે મહાવીર એવા હનુમાનનું નામ પર્યાપ્ત છે. ભગવાનના ચોવીસ અવતારમાંથી રામાવતારને ધ્યાનમાં રાખીને પરમતત્વને સમજવાનો પ્રયાસ કરીએ તો ભગવાન રામનું રૂપ એ પરમાત્માના રૂપનો અવતાર છે. અયોધ્યા ધામ એ ભગવાનના ધામનો અવતાર છે. રામચરિતમાનસ ભગવાનની લીલાનો અવતાર છે. લક્ષ્મણ ભગવાનની જાગૃતિનો અવતાર છે. જાનકી ભગવાનની શક્તિનો અવતાર છે. ભરત રામના પ્રેમનો અવતાર છે. શત્રુઘ્ન રામની વીરતાનો અવતાર છે અને હનુમાનજી ભગવાન રામના નામનો અવતાર છે. ભગવાન રામના નામનું મૂર્તિમંત સ્વરૂપ હનુમાન છે. તુલસીદાસજી લખે છે કે કાલનેમી કલિ કપટ નિહાનુ, નામ સુમતિ સમર્થ હનુમાનુ, આ કળિયુગ કઠણ કાલનેમી જેવો યુગ છે પરંતુ ભગવાન રામના નામનો અવતાર એવા હનુમાન એવા મહાવીર છે કે જે કઠણ કાલનેમી ઉપર વિજય મેળવવા માટે સમર્થ છે અને મારી હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા મને વિશ્વાસ સાથે એવું કહેવા પ્રેરે છે કે શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીનો આશ્રય કરવાથી મનુષ્યને નવમાંથી એકપણ ગ્રહ નડી શકતો નથી. આપણે તમામ ગ્રહને હનુમાનજી સામે મૂકીને જોઇ લઇએ તો સૌપ્રથમ ગુરુ નામનો ગ્રહ હનુમાનભક્તને પરેશાન કરે નહીં કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે જય જય જય હનુમાન ગુંસાઇ, કૃપા કરો ગુરુદેવ કી નાહી, હનુમાન ખુદ ગુરુ છે એટલે ગુરુની વક્રદ્રષ્ટિ થાય નહીં. ત્યારબાદ શનિ તો હનુમાનજીનો વાર છે. આ શનિમહારાજ અને હનુમાનજીને એટલી નિકટતા છે કે જે હનુમાનજીનું સતત સ્મરણ કરે એને શનિ પજવતો નથી. જો સૂર્યની વાત કરીએ તો હનુમાન જ્યારે બાળક હતા ત્યારે સૂર્યને પોતાના મોઢામાં મૂકીને તમામ લોકમાં અંધારું કરી નાખ્યું હતું તેથી બજરંગબલિના ભક્ત ઉપર સૂર્ય હંમેશાં રહેમનજર રાખે છે.સોમ એટલે ચંદ્ર અને હનુમાન માટે મનોજવં મારુતતુલ્ય વેગમ્ કહેવામાં આવ્યું છે. આમ પણ હનુમાન એ રામના નામનો અવતાર અને તેથી હનુમાનભક્ત ઉપર ચંદ્ર કાયમ પોતાની શીતળતા વરસાવે છે. જો મંગળની વાત કરું તો હનુમાનજી મંગળમૂર્તિ છે. આ મંગળમૂર્તિ મારુતનંદન ઉપર શ્રદ્ધા હોય તો મંગળ કનડે નહીં અને અમંગળનો નાશ થાય છે. બીજું હનુમાનને બુદ્ધિમતામ્ વરિષ્ઠમ કહ્યા છે એટલે હનુમાન બુદ્ધમાં શ્રેષ્ઠ છે. આવા બુદ્ધપુરુષના ભક્ત ઉપર બુધની અવકૃપા અશક્ય છે.શુક્ર એ પૌરુષનું પ્રતીક છે. હનુમાનજી બાળ બ્રહ્નચારી, વિક્રમ અને મહાવીર છે તેથી તેમને અતુલીત બલધામમ્ કહ્યા છે. જેમના બળની તુલના પણ થઇ ન શકે એવા બળવાન બજરંગી ઉપર શુક્રની વક્રદ્રષ્ટિ થતી નથી તેથી તે હનુમાનના ભક્તો ઉપર પણ એક આંખથી કૃપાદ્રષ્ટિ વરસાવે છે. રાહુ ક્યારેય હનુમાનની હડફેટે ચડે નહીં કારણ કે રાહુની માતા સિંહિકા જે અવિદ્યાની ઉપાસક હતી અને હનુમાનને મારવાના પ્રયાસમાં પોતે મરી અને મોક્ષને પામી હતી. પોતાની માતાને મુિષ્ઠકાના પ્રહારથી મોક્ષમાર્ગી બનાવનાર મહાવીર હનુમાનના ભક્તો ઉપર રાહુ ક્યારેય અવકૃપા કરે નહીં, અને છેલ્લે કેતુની વાત કરીએ તો જે હનુમાને પોતાની અતુલીત શક્તિથી દુર્ગમ કાર્યો પણ સુગમ કરી દીધાં હોય, ચારે યુગમાં જેની ઉપસ્થિતિ હોય તથા ભગવાન કૃષ્ણ જેના સારથિ હતા એવા મહારથી અર્જુનના રથ ઉપર બેસવાની જેમાં લાયકાત હોય તેમણે સત્ય અને નીતિની ધજા ફરકાવી કહેવાય. હનુમાને ભગવાન રામને પણ પોતાના ઋણમાં રાખીને સેવાની ધૂણી ધખાવી હોય તેના ભક્ત પ્રત્યે કેતુ ક્યારેય ઉપદ્રવી બની શકે નહીં. આમ નવ ગ્રહમાંથી એકપણ ગ્રહ હનુમાનભક્તને પરેશાન કરી શકે નહીં એવી મારી વ્યક્તિગત શ્રદ્ધા છે. નવ ગ્રહને પોતાના પલંગ સાથે બાંધી શકે એવો રાવણ પણ જેમના નામ માત્રથી ધ્રુજતો હોય અને પોતાની સેનાને કહેતો હોય કે મને હનુમાનની શક્તિનો ડર નથી પણ એના ચારિત્રયનો અને એની નિષ્ઠાનો ડર છે એવા બજરંગબલિથી નવેનવ ગ્રહો પણ ડરે તે સ્વાભાવિક છે. આવતીકાલે રામનામના અવતાર અને દેવોના દેવ મહાદેવના રુદ્ર એવા હનુમાનજીની જન્મજયંતી છે ત્યારે ભયના ભૂતને અને પીડાના પિશાચને પળમાં ભગાડનાર પવનપુત્ર અને અંજનીના જાયાના નામનો આશ્રય કરવાથી કાલનેમી જેવા કઠણ કળિયુગમાં પણ મનુષ્યને સત્યુગ જેવી શાંતિ મળશે એવી મારી વ્યક્તિગત આસ્થા છે. આખા વિશ્વને હનુમાન જયંતીની વધાઇ. (સંકલન : જગદીશ ત્રિવેદી) માનસદર્શન, મોરારિબાપુ