પૂછતે હો તો સૂનો..સામાજિક માન્યતા વિનાનો સંબંધ પુરુષ માટે સહજ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ પુરુષની પત્ની ન હોવા છતાં એની સાથે સંબંધ રાખનારી સ્ત્રીને ખબર જ હોય છે કે પોતે એના જીવનની એકમાત્ર સ્ત્રી નથી. આમ છતાં એ પુરુષ પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતાં બિલકુલ અચકાતી નથી. સામાજિક માન્યતા વિનાનો સંબંધ એક પુરુષ માટે સાવ સહજ હોય છે, જ્યારે સ્ત્રીને મન એકમાત્ર અને પર્યાયરૂપ એ સંબંધ હોય છે. એક થી સ્ત્રી ઔર એક થા પુરુષ દોનોં મેં કોઇ ભી રિશ્તા ન થા... ફિર ભી દોનોં એક સાથ રહતે થે... બેઇન્તિહા પ્યાર કરતે થે એક દૂસરે કો... તન-મન-ધન સે.. દોનોં મેં નહીં નિભી, અલગ હો ગયે દોનોં... કિસીને સ્ત્રી સે પૂછા, વો પુરુષ તુમ્હારા કૌન થા? સ્ત્રીનેં કહા - પ્રેમી - જો પતિ નહીં બન સકા... કિસીને પુરુષ સે પૂછા, વો સ્ત્રી તુમ્હારી કૌન થી? પુરુષ ને કહા - રખૈલ... દીપ્તિ મિશ્રની આ નઝમ સ્ત્રી-પુરુષના સંબંધો વિશે ઘણુંબધું કહી જાય છે. સ્ત્રી અને પુરુષના સંબંધો વિશે જાતજાતની ને ભાતભાતની વાતો કહેવાય છે. એ સંબંધનું એક પણ ડાયમેન્શન (પરિમાણ) એવું નહીં હોય, જેના વિશે ન લખાયું હોય કે ન કહેવાયું હોય... લીગલ અથવા કાયદેસરના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત થાય છે. ઘણા લોકો એની ચર્ચા પણ કરે છે, પરંતુ જ્યારે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે સામાજિક માન્યતા વગરના સંબંધો હોય ત્યારે એના વિશે વાત કરતાં મોટા ભાગના લોકો ડરે છે અથવા ગભરાય છે. એથી તદ્દન ઊલટું, સામાજિક રીતે જે સંબંધને માન્યતા ન મળી શકે એમ હોય એના વિશે લખવામાં લેખકને મજા આવે છે, વાંચવામાં વાચકને થ્રિલ મળે છે. સિનેમા, નવલકથા, ટેલિવિઝન જેવાં કેટલાંય માધ્યમોમાં સ્ત્રી-પુરુષના આવા સંબંધ વિશે ઘણુંબધું કહેવાય છે. ‘પ્રીટિ વુમન’ નામની એક ફિલ્મમાં એક સેક્સવર્કરના પ્રેમમાં પડતા એક અબજોપતિની કથા કહેવાઇ છે... એમાં રિચાર્ડ ગેર જુલિયા રોબટ્ર્સને કહે છે, ‘આ બધું છોડી દે, હું તને એક ઘર આપીશ. તારા માટે પૈસાની વ્યવસ્થા કરીશ. હું નથી ઇચ્છતો કે કોઇ તને સેક્સવર્કરની જેમ ટ્રીટ કરે.’ ‘તમે હમણાં જ મને એવી રીતે ટ્રીટ કરી.’ (યુ જસ્ટ ડીડ) જુલિયા રોબર્ટ્સ કહે છે. સામાજિક માન્યતા વગરનો કોઇ પણ સંબંધ સ્ત્રી માટે મહદંશે પીડાદાયક સંબંધ પુરવાર થાય છે. આમાંથી બહાર રહી શકનારી સ્ત્રી જવલ્લે જ જોવા મળે છે. મોટા ભાગની સ્ત્રીની જરૂરિયાત એ હોય છે કે એનો પુરુષ ફકત એનો જ હોય! એક ઉર્દૂ ટૂંકી વાર્તા ‘શાહની’માં દીકરાના જન્મપ્રસંગે આવેલી પતિની રખાતને પૈસા આપીને પોતાની સત્તા સાબિત કરતી ‘શાહ’ની પત્ની શાહનીની વાત છે. રખાત પૈસા લેતી વખતે પત્નીને કહે છે, ‘ઉનકા દિયા હી ખાતી હૂં...’ અને પત્ની એને સંભળાવે છે, ‘ઉનસે તો રોજ હી લેતી હો, મુઝસે લેને કા દિન બાર બાર નહીં આયેગા...’ મીનાકુમારીની એક નઝમ આવી સ્ત્રીની પીડાને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે: પૂછતે હો તો સુનો, કૈસે બસર હોતી હૈ, રાત ખૈરાત કી, સદકે કી સહર હોતી હૈ... ખેરાતમાં મળેલી રાત અને કોઇના માથેથી બલા ઉતારીને આપી દેવામાં આવેલી સવાર સાથે જીવતી સ્ત્રી માટે કદાચ એ સંબંધ એના જીવનનો એકમાત્ર અને જિંદગીનો પર્યાય કહી શકાય એવો સંબંધ હોઇ શકે, પરંતુ પુરુષ માટે એ ‘ઉત્તરીય’ (ઓઢવાના વસ્ત્ર) જેટલો સાદો અને એટલી જ ઝડપથી બદલી નાખવામાં આવતો સંબંધ હોઇ શકે. રખેલ અથવા કપિ અથવા મસ્ટિ્રેસ અથવા ગેઇશા અથવા રખાત જેવો શબ્દ આપણા સમાજે શોધી કાઢ્યો છે. આ શબ્દ એવી સ્ત્રી માટે વાપરવામાં આવે છે, જે પત્ની નથી... પરંતુ એના જીવનમાં એ પુરુષ સિવાય બીજું કોઇ નથી! એણે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, પરંતુ જેને એણે સર્વસ્વ અર્પણ કર્યું છે અથવા જેને એ પોતાના સમગ્ર અસ્તિત્વથી ચાહે છે એના જીવનમાં એ એક જ સ્ત્રી નથી એવી એને ખબર છે... મોટા ભાગે હોય છે! પહેલાંના સમયમાં રાજાઓને એકથી વધુ રાણીઓ હતી. એ સમાજ બહુપત્નીત્વને માન્યતા આપતો હતો. હવે જ્યારે એકપત્નીત્વનો કાયદો છે ત્યારે પુરુષના જીવનમાં બીજી સ્ત્રીનો પ્રવેશ સમાજમાં સ્વીકાર્ય નથી, પરંતુ ઈતિહાસ તપાસીએ તો સમજાશે કે આવી ગણિકા કહી શકાય તેવી, જેને સમાજ માન્યતા ન આપે તેવી સ્ત્રીઓ વિશે સાહિત્યમાં શ્રેષ્ઠ કામ થયું છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’ નાટકમાં લેખકે વસંતસેના અને ચારુદત્તના પ્રેમસંબંધની વાત કરી હતી. ‘ઉત્સવ’ ફિલ્મ એ જ કથા લઇને બનાવવામાં આવી હતી. શુદ્રક, દંડી અને કાલિદાસ જેવા કવિઓએ ગણિકાનું મહત્વ પોતાના નાટકોમાં સમજાવ્યું છે. જેમ નટ વિદૂષક હોય તેવી જ રીતે સંસ્કૃત નાટકોમાં ‘ગણિકા’નું મહત્વ છે... મોગલ સમયમાં પણ ‘કનીઝ’ એટલે નર્તકી અથવા દાસીનું મહત્વ આલેખવામાં આવ્યું છે. સલીમ-અનારકલીની કથાથી શરૂ કરીને મોગલ સમયની નર્તકીઓની વાતો આપણે જાણીએ છીએ. હીરોડોટસ નામના ગ્રીક ઈતિહાસકારે લખ્યું છે, ‘બેબિલોનની પ્રજામાં એક બહુ જ શરમ ભરેલો રિવાજ ચાલે છે. બેબિલોનમાં જન્મેલી પ્રત્યેક સ્ત્રીને માથે એક ફરજ હતી કે એણે એક વખત દેવી મીલીયા-રતિના મંદિરમાં જઇને બેસવું અને કોઇ પણ પરદેશી-અજાણ્યા પુરુષ સાથે સહચાર સાધવો. અજાણ્યો પુરુષ પોતાને મનગમતી સ્ત્રીના ખોળામાં ચાંદીનો સિક્કો નાખીને કહે કે, દેવી મીલીટા તને આબાદી બક્ષે એટલે સ્ત્રીએ પેલા પુરુષની સાથે જવું જ પડે અને એને સંતુષ્ટ રાખવો પડે.’ મિસર સંસ્કૃતિમાં ‘બાલદેવતાનાં મંદિરો’ વિશાળ ગણિકાગૃહો હતા. યુરોપના અગ્નિ ખૂણામાં આવેલો ગ્રીસનો એક નાનકડો પ્રદેશ આ બાબતમાં સાવ જુદું વિચારતો હતો. સોક્રેટીસ જ્યાં જન્મ્યો એવા એ દેશમાં બે પ્રકારની સ્ત્રીઓ હતી. એક ભાગમાં પ્રતિષ્ઠિત છતાં પછાત પત્ની અને બીજા ભાગમાં પુરુષની રસભાવના, કલાભાવના અને કામને સંપૂર્ણપણે સંતુષ્ટ કરતી ગણિકા. ગણિકાના બાળકને નાગરિકતા ન મળતી. ફ્રાઇન નામની એક ગણિકાએ થબિ્ઝ શહેરનો નાશ થયો ત્યારે પોતાના ધનથી બંધાવી આપવાનું માથે લીધેલું. રતિદેવી-વિનસના મંદિરમાં લામિયા નામની એક ગણિકા હતી. મહારાજા ડીમીટ્રિયસે એલેકઝાન્ડિ્રયા જીતી લીધું પછી એથેન્સ ઉપર ટેક્સ નાખ્યા અને એ રકમ લામિયાને એના સાબુ માટે આપી દેવામાં આવી હતી. હર્મોડિયસની ઉપપત્ની લીના, થારજેલિયા અને એસ્પેસિયાના નામો આજે પણ ગ્રીસને યાદ છે. ગુજરાતી સાહિત્યમાં લીલાવતી મુન્શીએ એસ્પેસિયા વિશે લખ્યું છે. સોક્રેટિસ જેવો તત્વજ્ઞ, એલ્સીબીએડીસ જેવો યોદ્ધો અને પેરિક્લિસ જેવો મુત્સદી શાસક એસ્પેસિયાના ચાહકો હતા. પેરિક્લિસ અંતે પોતાની પત્નીને છુટાછેડા આપીને એસ્પેસિયા સાથે પરણ્યો હતો... એસ્પેસિયાની જેમ જ હપિર્સિયા પણ જાણીતી હતી. હપિર્સિયાએ ઘણા ગ્રંથો પણ લખ્યા છે... બેકીસ અને લાઇ જેવી ગણિકાઓના નામ પણ ગ્રીસના ઈતિહાસમાં જાણીતાં છે... આજના સમયમાં મુંબઇનો ફોકલેન્ડ રોડ કે કોલકાતાની સોનાગાચ્છીમાં વસતી સ્ત્રીઓ વિશે આપણે વાત ન કરીએ, તો પણ જે સ્ત્રીઓએ પોતાના શરીરને પોતાની બુદ્ધિ કરતાં ઓછું મહત્વ આપીને પુરુષને જીતવાનો પ્રયાસ કર્યો છે એ બધી જ સ્ત્રીઓ અંતે સફળ પુરવાર થઇ છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’માં ગણિકા વસંતસેના વિશે એક શ્લોક લખીને એણે ગણિકાના ગુણ કે અવગુણની વાત કરી છે. એષા નાણકમોષિકામકશિકા મત્સ્યાશિકા લાસિકા, નિનૉસા કુલનાશિકા અવેશિકા કામસ્ય મવ્જુષિકા, એષા વેશવધૂ: સુકેશનિલયા વેશાંગના, વેશાશિકા, એતાન્યસ્યા દશ નામકાનિ મયા કૃતાન્યાધ્યાપિ માં નેચ્છતિ. (નાણાંનું હરણ કરનારી, ચોરડાકુઓ જેવાનાં દિલને પણ ચાબુકની માફક ઉત્તેજિત કરનારી, મત્સ્યભક્ષી, નાચમાં જીવન ગુજારનારી, નાક વગરની નફ્ફટ-નિનૉસા, કુટુંબ વિનાશિની, અંકુશહીન, કામ મંજુષા-કામની પેટી, વેશવધૂ-ગણિકા, અલંકારનો ભંડાર, વેશાંગના, વેશ્યા આવાં દસ નામોથી તને હું સંબોધું છું, છતાં તું મને કેમ ઇચ્છતી નથી?) એકબીજાંને ગમતાં રહીએ: કાજલ ઓઝા-વૈધ્ય