મને મીરાંનું પાગલપન આપો કોઈ!
હૃદયમાં જો ગિરિધરની સ્થાપના થઈ હોય તો પછી વ્યથાના ગોવર્ધનનો ભાર જ ન લાગે. ચાલીએ છીએ આપણે પણ આપણી ગતિમાં જો ઈશ્વરની ઈચ્છાનું બળ હોય તો આપણી ગતિ બને સદ્ગતિ. કહાન રાખે તેમ રહીએ, ઓધવજી કહાન રાખે તેમ રહીએ કોઈ દિન પેરણ હીર ને ચીર કોઈ દિન સાદા રહીએ કોઈ દિન ભોજન શીરો ને પૂરી કોઈ દિન ભૂખ્યાં રહીએ કોઈ દિન રહેવાને બાગબગીચા કોઈ દિન જંગલ રહીએ કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા કોઈ દિન ભોંય સૂઈ રહીએ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર સુખ દુ:ખ સૌ સહી રહીએ-મીરાં મીરાંનું આ પદ પ્રચલિત છે. એની મૂળ પંક્તિમાં ‘રામ રાખે તેમ રહીએ’ છે, પણ નિરંજન ભગતે મીરાંનાં પદોનું જે નાનકડું અને નક્કર સંપાદન કર્યું છે એમાં ‘કહાન રાખે તેમ રહીએ’ છે. મીરાંનાં જીવન અને કવનને પામવું હોય તો આ પ્રસ્તાવના વાંચવી જ રહી. ‘કહાન રાખે,’ આ પાઠમાં ઔચિત્ય છે. મીરાંની લગન શ્યામ સાથે છે. ‘શ્યામ રાખે તેમ રહીએ’ એમ પણ કહી શકાય રામ કે શ્યામ છેવટે તો પરમ સાથેનો નાતો છે. મીરાં એટલે શરણાગતિની પરાકાષ્ઠા. અહમ્નું વિસર્જન. આપણી ઈચ્છાઓ આપણને પામર બનાવે છે, પણ પરમની ઈચ્છા સાથે જો આપણે આપણી ઈચ્છાના સૂરતાલ મેળવી દઈએ તો જીવનમાં નર્યો સંવાદ રહે. જે કોઈ ઘટના ઘટે એને હસતે મુખે સ્વીકારવાની આપણી તૈયારી હોય તો ઈશ્વર પણ હસતે મુખે આપણને તાકાત આપે છે. ‘કહાન રાખે તેમ રહીએ’માં એક મહત્વની વાત છે. કોઈ રાવફરિયાદ વિના રહીએ. કોઈ આંસુ નહીં, કાકલૂદી નહીં, કોઈ હરખશોક નહીં. હીર ને ચીર મળે તો પણ રાજી અને કંઈ ન મળે તો પણ રાજી. આપણે આપણું રાજીનામું કાંઈ પણ શરત વિના પરમાત્માને સોંપી દીધું છે. આપણે આપણો કાગળ કોરો રાખીએ તો ઈશ્વર સહી કરશે અને ઈશ્વરની સહી એ આપણા જીવનના બંધારણનું અંતિમ અને અફર સ્વરૂપ. ભોજન મળે કે ન મળે પણ ભજન હોય તો કોની પરવા? કોઈક દિવસ બાગબગીચા તો કોઈક દિવસ જંગલમાં પણ રહેવાનું થાય. તમામ ઈશ્વરની ઈચ્છા. આમાં લાચારી નહીં પણ શરણાગતિ અને ખુમારી છે. કોઈ દિવસ સૂવા માટે ગાદીતકિયા પણ મળે કે કોઈક દિવસ ભોંય પર સૂવું પડે, પણ નીંદરમાં કે સ્વપ્નમાં કશો ફરક ન પડવો જોઈએ. સુખ અને દુ:ખ તમામ દ્વંદ્વો હૃદયથી સહેવાનાં છે અને આ હૃદયમાં જો ગિરિધરની સ્થાપના થઈ હોય તો પછી વ્યથાના ગોવર્ધનનો ભાર જ ન લાગે. રસ્તો ઈશ્વરનો છે. ચાલીએ છીએ આપણે પણ આપણી ગતિમાં જો ઈશ્વરની ઈચ્છાનું બળ હોય તો આપણી ગતિ બને સદ્ગતિ અને સદ્ગતિ એટલે શરણાગતિ. આ સાથે બીજાં બે ગીત જોઈએ : મનના મેવાડમાં એક રાણો વસે છે એ રાણાને અહીંથી ઉથાપો કોઈ મને મીરાંનું પાગલપન આપો કોઈ મને મેવાડી મ્હેલ હવે જોઈતા નથી હીરા-મોતીના ખેલ હવે જોઈતા નથી મારા જ કરંડિયાને સાપ તો ડસે એ સાપને તો અહીંથી ઉથાપો કોઈ મને મીરાંનું વૃંદાવન આપો કોઈ હરિ-આવનના અવાજને સાંભળ્યા કરું અહીં દિવસ ને રાત : દીપ બાળ્યા કરું નૈનનમેં નંદલાલ એવા શ્વસે મને પ્રીતિ પુરાતન આપો કોઈ અને મીરાંનું વૈરાગન આપો કોઈ હવે સાંવરિયો મનભાવન થાપો કોઈ ‘‘‘ મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છુટી રે કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જુઠી રે હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ