સમય કેટલું બધું ઝૂંટવી લે છે
નવી નવી શોધો, વિકાસ અને બદલાતી જીવનશૈલી આવકાર્ય છે, પરંતુ તે બધું જે રીતે આપણી પુરાતન સંસ્કૃતિનો ભોગ લેતું રહે છે તે પરિસ્થિતિ જીવલેણ છે. એ થોડા દિવસો પહેલાં ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ભારતમાં શહેરોની વસ્તીની સરખામણીમાં ગામડાંની વસ્તીનું પ્રમાણ ઘટયું છે તેની વિગતોએ અખબારોમાં સ્થાન મેળવ્યું હતું. તે માટેનાં કારણોમાં ત્રણ કારણોને મુખ્ય ગણાવવામાં આવ્યાં છે: લોકો દ્વારા ગામડામાંથી શહેરો તરફ થઇ રહેલું સ્થળાંતર, કુદરતી સંજોગો-જેવા કે જન્મ-મૃત્યુનો દર અને ગ્રામવિસ્તારોનો શહેરીવિસ્તારોમાં કરાયેલો સમાવેશ. આ સંદર્ભમાં એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું હતું અને આપણે પણ જાણીએ છીએ કે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીકામ કરવાનું બંધ કરી રહ્યા છે. ગામડામાં કરી શકાય તેવા વ્યવસાયો છોડીને લોકો રોજીરોટી કમાવા માટે શહેરોમાં આવીને કામ શોધે છે. હમણાં જ મને ઉત્તરપ્રદેશનો એક ખેડૂત હૈદરાબાદમાં મળ્યો હતો. એ દેવામાં ડૂબ્યો હોવાથી એ ગામનું ખેતર વેચીને શહેરમાં મકાન બાંધકામના સ્થળે મજૂરી કરવા લાગ્યો છે. એ કાચી ઝૂંપડીમાં રહે છે અને એની પત્ની બીજાના ઘરમાં કામ કરે છે. ગામડાં તૂટી રહ્યાં છે તે વાત નવી નથી. તે સત્ય જાણવા માટે સરકારી આંકડા કે નિષ્ણાતો દ્વારા કરવામાં આવતાં વિશ્લેષણની જરૂર નથી. અનેક કારણો છે, જેને લોકોના જીવન સાથે સીધો સંબંધ છે. જે લોકો ગામડામાં જન્મ્યા, ત્યાં જ ઊછર્યા અને પછી શહેરોમાં આવીને વસ્યા તેમાંના કેટલાય સંવેદનશીલ લોકોને એમના લોહી સાથે જોડાયેલી ગ્રામસંસ્કૃતિના થઇ રહેલા વિનાશની સ્થિતિ પીડાજનક લાગતી રહી છે. તે સંદર્ભમાં આપણા જાણીતા સર્જક મણિલાલ હ. પટેલે લખેલા નિબંધો વાંચી જવા જેવા છે. ગ્રામજીવન વિશે લખેલા નિબંધોમાં એમણે લુપ્ત થવા લાગેલા ગ્રામજીવનની ભાતીગળ સંસ્કૃતિને શબ્દોમાં સાચવી રાખવાની કોશિશ કરી છે.લુપ્ત થઇ રહેલાં ગામડાંની સાથે બીજું પણ કેટલું બધું લુપ્ત થઇ ગયું છે. ગ્રામજીવનની સમગ્ર જીવનશૈલી સમયના ખપ્પરમાં હોમાઇ ગઇ છે. એ બધું જ એક સમયે આપણા લોહીમાં ધબકતું હતું. હવે શેઢો ભૂંસાઇ ગયો છે, પડસાળ ઊખડી ચૂકી છે, ફિળયું અને ચોતરો અને પાદરો નામશેષ થઇ ગયાં છે. ‘ભળભાંખળું’ શબ્દની સાથે જોડાયેલો રાતના અંધકારમાંથી દિવસના અજવાળાની વચ્ચે ઉઘાડ પામતી પ્હો ફાટવાની વેળાનો આખો અનુભવ આપણે ખોઇ બેઠા છીએ. મણિલાલભાઇનું ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે મેં લખ્યું હતું તે યાદ આવે છે: ગામડું તૂટે છે ત્યારે માત્ર કોઇ સ્થળવિશેષ ભૂંસાયું હોતું નથી. તેની સાથે ગામડામાં માણવા મળતી ઋતુઓ, ઉત્સવો, લોકગીત, ફટાણાં, મામેરું-સીમંત-લગ્ન જેવા સામાજિક પ્રસંગો, વૃક્ષાલોક, પંખીઓ વગેરેની અવનવી સંસ્કૃતિ પણ અલોપ થઇ ગઇ છે તે વિશેની પીડા પણ જન્મે છે. તળપદના કેટલા બધા બળૂકા શબ્દો હવે ભુલાવા લાગ્યા છે. ગામડાના જીવનમાં જે પોતીકાપણું હતું તે હવે શહેરોમાં અનુભવવા મળતું નથી. જે બચ્યાં છે તે ગામડાં પણ શહેરી વાતાવરણનો ભોગ બનવા લાગ્યાં છે. નવી નવી શોધો, વિકાસ અને બદલાતી જીવનશૈલી આવકાર્ય છે, પરંતુ તે બધું જે રીતે આપણી પુરાતન અને સજીવ સંસ્કૃતિનો ભોગ લેતું રહે છે તે પરિસ્થિતિ જીવલેણ છે. મારી બીજી પેઢીને પણ તે ગ્રામજીવનનો અનુભવ નથી. ત્રીજી પેઢી તો ભૌગોલિક રીતે માત્ર ગામડાંથી નહીં, ગુજરાતની સંસ્કૃતિથી પણ દૂર નીકળી ચૂકી છે. વાતવાતમાં એવા કેટલાય ગુજરાતી-તળપદા શબ્દોની તો વાત જ જવા દો-મારી અને આપણી ત્રીજી પેઢીનાં સંતાનોના કાને પડે છે ત્યારે તેના કોઇ અર્થ એમના સુધી પહોંચતા નથી. હું ‘કૂવો’ કહેતાં એમના ચિત્તમાં કૂવા વિશેનું કોઇ ચિત્ર ઊભું કરી શકતો નથી. ભાદરવો બેસે ને મારા મનમાં મારા ગામમાં ભરાતા મેળા ઊભરાવા માંડે. મારો નિજી અનુભવ હું એમનામાં પ્રત્યક્ષ કરી શકતો નથી. નવમા ધોરણમાં ભણાવાતા હિન્દીના પાઠ્યપુસ્તકનો ‘ધૂલ’ નામનો નિબંધ હું મારા પૌત્રને સમજાવતો હતો ત્યારે તેમાં વારંવાર આવતા ‘ગોધૂલિ’ શબ્દની આછી ઝાંય પણ હું તેના સુધી પહોંચાડી શક્યો નહોતો. થોડા દિવસો પહેલાં નવરાત્રિ ગઇ ત્યારે હું મારા મનમાં ગરબી ‘ખૂંદતો’ હતો અને મારા પછીની પેઢીનાં સંતાનો પશ્ચિમી વાધ્યોની તાલે ‘ડાન્સ’ કરતાં હતાં. ઘણું બધું દેખાતું બંધ થાય અને નવું નવું દેખાવાની શરૂઆત થાય તેમાંથી જ કદાચ સમયનું વીતવું એટલે શું તે સત્ય સમજી શકાય છે. સમજાય છે કે કશુંક વિલોપાયું છે તો કશુંક નવસર્જન પણ થયું છે. તેમ છતાં ક્યારેક મિત્ર મણિલાલ હ. પટેલ એમના એક નબિંધમાં જેમ કરગરી ઊઠ્યા હતા તેમ કરગરી ઊઠવાનું મન તો થઇ જ આવે છે: ‘હે આથમવા જતી વીસમી સદી, મને આપી શકે તો મારું ગામ-હતું એવું અસલ ગામ-પાછું આપતી જા.’ -વીનેશ અંતાણી, ડૂબકી