શિકાગો ધર્મસભામાં માટે ગુજરાતે વિવેકાનંદને કર્યા હતા તૈયાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિકાગો વિશ્વ ધર્મસભામાં ભાગ લેવાની પ્રેરણા સ્વામી વિવેકાનંદને ગુજરાતમાં મળી હતી.

સમસ્ત વિશ્વમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ૨૦૧૧થી ૨૦૧૪ સુધી ધામધૂમથી ઊજવાઇ રહી છે. આ માટે એક રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના થયેલી છે. જેમાં ભારતના વડાપ્રધાન અધ્યક્ષપદે રહેલા છે. તેમણે ૧૨ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ આ ઉજવણીનો વિધિવત્ પ્રારંભ કર્યો છે. આ જ દિવસે કોલકાતાથી ‘ વિવેક એક્સપ્રેસ ’ સ્વામી વિવેકાનંદનાં ચિત્રોના પ્રદર્શન સાથે રવાના થઇ છે. તે ત્રણ વર્ષ સુધી ભારતનાં વિવિધ સ્થળોનું ભ્રમણ કરશે.

યુનેસ્કોના મુખ્યમથક પેરિસના ટાઉનહોલમાં ૧૩મી ઓક્ટોબરના રોજ સ્વામી વિવેકાનંદ વિશેના પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું છે. ગુજરાતમાં પણ આ ઉજવણી ઉત્સાહભેર ઊજવાઇ રહી છે. સમસ્ત વાતાવરણ સ્વામી વિવેકાનંદમય બની રહ્યું છે. ત્યારે, ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ આ લેખમાળા વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. લેખકે બે દાયકા કરતાં વધારે લાંબા સમય સુધી કરેલા સંશોધનની એક્સકલુઝિવ માહિતી ‘દિવ્ય ભાસ્કર’ને આપી છે.

‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૧ રોજ શિકાગોની વિશ્વ ધર્મસભામાં પોતાના ભાષણની શરૂઆત કરી અને તુરત જ મંચ પર બેઠેલા વિશ્વના વિદ્વાનો અને આર્ટ ઇન્સ્ટિટ્યૂટના ‘હોલ ઓફ કોલંબસ’ના વિશાળ ખંડમાં ઉપસ્થિત લગભગ ચાર હજાર શ્રોતાઓ ઉત્સાહના અતિરેકમાં આવી ગયા અને લોકોએ પોતાની જગ્યા પર ઊભા ઊભા તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. ધર્મસભા ઉન્મત્ત થઇ ગઇ. જયજયકારની તાળીઓની ગુંજ લગભગ બે મિનિટ સુધી સંભળાતી રહી.

આ પછી સ્વામી વિવેકાનંદએ વિશ્વના પ્રાચીનતમ ધમૉચાર્યો અને વૈદિક ઋષિઓ વતી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને વિશ્વને ધર્મ, સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકારનું શિક્ષણ દેવાવાળા હિન્દુધર્મને બધા જ ધર્મોની જનેતારૂપે ઓળખાવીને પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો હતો. આ વ્યાખ્યાન અત્યંત સંક્ષિપ્ત હતું પણ તેની સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચાર-મૌલિકતા અને ઉદ્દાત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી લીધી. વિશ્વના ઈતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું.

એટલું જ નહીં ભારતીય સંસ્કૃતિ અને ધર્મની પ્રતિષ્ઠા ગગનચુંબી બની ગઇ. ભારત-એક ગુલામ દેશ જેને અંધવિશ્વાસોથી ભરપૂર, અસભ્ય જાણવામાં આવતો હતો. શાશ્વત જ્ઞાનનો ભંડાર ગણાવા લાગ્યો. વિશ્વધર્મની પવિત્ર ભૂમિ બની ગયો. સમસ્ત વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું સન્માન થવા માંડ્યું. આ ઘટનાના ઘેરા પડઘા ભારતમાં પડ્યા. સૈકાઓથી નિહિત ભારતમાતાએ પહેલીવાર પડખું ફેરવ્યું.

ભારતવાસીઓ પોતે ગુલામીના માનસમાંથી હીનતાની બેડીઓથી બંધાઇ ગયા હતા, તેમણે આત્મગૌરવની લાગણી અનુભવી અને તરુણોમાં નવી જાગૃતિ આવી. કાકાસાહેબ કાલેલકર કહે છે, ‘હું જ્યારે મારા બાલ્યકાળનો અને યૌવનકાળનો વિચાર કરું છું ત્યારે અમારા હૃદય પર સ્વામી વિવેકાનંદે કેવી જાદુઇ અસર કરી હતી એનાં સ્મરણોથી આજે પણ ગદ્ગદ થાઉં છું.

૧૧મી સપ્ટેમ્બર (નાઇન ઇલેવન-૯/૧૧) વિશ્વના ઈતિહાસમાં અનેરું સ્થાન ધરાવે છે. આ જ દિવસે ઇ.સ. ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદે વિશ્વની સમક્ષ સૌથી પહેલીવાર યોજાયેલી વિશ્વ ધર્મસભામાં વિશ્વ બંધુત્વની, સર્વધર્મ સમન્વયની વાતો વિશ્વ સમક્ષ મૂકી, સાંપ્રદાયિકતા, ધર્મ ઝનૂનીપણું અને સંકીર્ણતાએ વિશ્વના ઈતિહાસમાં કેટલીવાર લોહીની નદીઓ વહેવડાવી છે એની યાદ દેવડાવી.

આ બધાને જાકારો આપવાની વાત કરી અને બરાબર ૧૦૮ વર્ષો પછી ૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ધર્મ ઝનૂનપણાના જ વિકરાળ પરિણામ સ્વરૂપ એવા આતંકવાદના પરિણામે ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટિ્વન ટાવરો ધ્વસ્ત થયાં, એ નાઇન-ઇલેવનની ઘટનાને યાદ કરીને આજે પણ લોકો થરથરી જાય છે, આજે એ જગ્યાને ‘ગ્રાઉન્ડ ઝીરો’ કહેવામાં આવે છે, ધર્મની વાડાબંધીને કારણે આજે પણ તે જગ્યાના પુન:નિર્માણમાં બાધાઓ આવી રહી છે.

વળી, આ જ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કયોઁ. તેણે ભારતમાં પછીથી થનારા સત્યાગ્રહ આંદોલનની પૂર્વભૂમિકા ભજવી. આમ ૧૧ સપ્ટેમ્બર, (નાઇન-ઇલેવન) જુદા જુદા કારણોસર યાદ કરવામાં આવે છે. વળી, એ પણ અદભૂત છે કે ૧૮૯૩માં ભારતમાતાએ પોતાના બે મહાન સપૂતોને વિદેશ મોકલ્યા.

એકે (સ્વામી વિવેકાનંદે) અમેરિકા જઇ વિશ્વ ધર્મસભામાં સનાતન ધર્મનો ઝંડો ફરકાવી ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા વિશ્વ વિજયનો પાયો નાખ્યો તો બીજાએ (મહાત્મા ગાંધીએ) દક્ષિણ આફ્રિકા જઇ સત્યાગ્રહ આંદોલનનો પ્રયોગ કરી ભારતની રાજનૈતિક સ્વાધીનતાનો પાયો નાખ્યો. આમ, સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મસભામાં ભાગ લીધો એ ઘટનાએ વિશ્વમાં અને ભારતના ઈતિહાસમાં અત્યંત અગત્યનો ભાગ ભજવ્યો છે.

ગુજરાતનું એ ગૌરવ છે કે શિકાગો વિશ્વ ધર્મસભામાં ભાગ લેવાની પ્રેરણા સ્વામીજીને ગુજરાતમાં જ મળી હતી. અહીં તેમને પ્રથમવાર વિશ્વ ધર્મસભા વિશેની માહિતી સાંપડી. અહીં ગુજરાતમાં જ તેમને સનાતન ધર્મના પ્રચારાર્થે વિદેશમાં જવાની પ્રેરણા મળી. જે જ્ઞાનગંગા સ્વામીજીએ શિકાગો વિશ્વ ધર્મસભામાં વહેવડાવી તેનું સર્જન પણ સ્વામીજીએ અહીં ગુજરાતમાં જ કર્યું. વિદેશ જતાં પહેલાં સ્વામીજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તેમણે ગુજરાતમાં વિતાવ્યો.

કેટલાય રાજાઓ, દીવાનજીઓ, સાહિત્યકારો અને વિદ્વાનોના સંપર્કમાં સ્વામીજી આવ્યા. કેટલીય મહત્વપૂર્ણ ઘટનાઓ સ્વામીજીના ગુજરાતના પ્રવાસ દરમિયાન ઘટી. અહીં ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીના વ્યક્તિત્વમાં કેવું અદભૂત પરિવર્તન આવ્યું, ગુજરાતે સ્વામીજીને શું પ્રદાન કર્યું અને સ્વામીજીએ ગુજરાતને શું પ્રદાન કર્યું. આ બધી રસપ્રદ વાતો આ લેખમાળામાં આવરી લેવાનો પ્રયાસ કરીશું.

(ક્રમશ:)

(લેખક રામકૃષ્ણ મઠ-મિશન વડોદરાના અધ્યક્ષ છે.)

ગુજરાત ભ્રમણ, સ્વામી નિખિલેશ્વરાનંદ

Related Articles:

સ્વામી વિવેકાનંદ ભલે રોકાયા, વિવેક એક્સપ્રેસ નહીં રોકાય