પીડાથી ભાગો નહીં,પીડા સાથે જીવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદમી કો આદમી બનાને કે લિયે
જિંદગી મેં પ્યાર કી કહાની ચાહિયે
ઔર કહને કે લિયે કહાની પ્યારકી
સ્યાહી નહીં આંખોવાલા પાની ઔર
દિલ કી પીડા ચાહિયે
પૂજા પાઠ ધ્યાન વ્યર્થ હૈ
આંસુઓ કો ગીતો મેં બદલને કે લિયે
કિસી યાર કા પ્યાર યા પીડા ચાહીએ!
(થોડાક ફેરફાર સાથે)
કવિ નીરજ
(કવિ ગોપાલદાસ નીરજ, જન્મ ૧૯૨૪)

આપણને ખબર પણ નથી કે ન્યુયોર્કમાં ‘ધ ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ પેઈન છે’ ગુજરાતીમાં કહીએ તો પીડામંડળ છે! ૧૯૭૭માં આ મંડળે પીડાના ઈલાજો બતાવવાને બદલે પીડાની વ્યાખ્યા ૧૯૭૭માં જ નક્કી કરી! પીડાની કઠણાઈ એ છે કે જે અંગમાં પીડા થાય તે આટલા દિવસ કે એટલા કલાક (પીડા થાય ત્યાં સુધી) પીડા આપણું ધ્યાન મોનોપોલાઈઝ કરી લે છે. સિવાય કંઈ સૂઝતું જ નથી. મહાન ફિલોસોફર આર્થર શોપનહાયરે કહેલું કે ‘પીડા વગરની જિંદગીનો કોઈ અર્થ નથી’ હા ભાઈ હા. આ કહેવું સહેલું છે પણ મુંબઈની પત્રકાર અને સમાજ સલાહકાર ઉમા અજમેરા જેવી હજારો બલકે લાખ્ખો બાઈઓને જે આધાશીશીની પીડા થાય છે તે પીડા અને પીડાની બુમરાણો જોઈ હોય તો તમે પણ કહી દો કે કોઈને કોઈ પણ જાતની પીડા ભગવાન આપતો નહીં!
પીડા અગર પેઈન ઉપર સેંકડો પુસ્તકો લખાયાં છે. ‘ધ વર્સ્ટ ઓફ ઇવિલ્સ: ધ ફાઈટ અગેઇનસ્ટ પેઈન.’ ‘The Worst of Evils The Fight against pain’ એ પુસ્તક થોમસ ડોરમન્ડીએ લખ્યું છે. એ થોથું મારી પાસે આઠ વરસથી પડ્યું છે. એ પછી હમણાં હમણાં ૨૦૧૪માં પીડા ઉપર ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. લંડનના ‘ડેઈલી ટેલગિ્રાફ’ અને લંડનના ‘ગાિર્ડયન’માં ૧૭ જુન, ૨૦૧૪ના રોજ ‘ધ સ્ટોરી ઓફ પેઈન-ફ્રોમ પ્રેયર્સ ટુ પેઈન કિલર્સ’ નામનું પુસ્તક આવ્યું છે તે મેડમ જોઆના બોર્કીએ (Joanna Bourke) લખ્યું છે. પીડાની વ્યાખ્યા પણ કરી છે.
પીડાથી પીડાનારા કહે છે કે વ્યાખ્યાને શું કરવી છે? ધોઈ પીવી છે? અમને પીડાથી મુક્તિ આપો પણ પણ પીડાથી મુક્તિ તો માત્ર બૌદ્ધ ધર્મ સ્વીકારો અગર આચાર્ય રજનીશને વાંચો તો જ મળે. તમે પીડાથી ભાગવાને બદલે પીડા સાથે જીવો તો જ પીડાની એ ‘દોસ્તી’ તમને કદાચ મુક્તિ અપાવે! ખરેખર પીડા તો કૃષ્ણ-રામ સાથેય હતી. પીડાને ભૂલવા લોકો દારૂ પીએ છે, જંગલમાં વિવિધ વેલા, પ્લાન્ટ કે વનસ્પતિ શોધે છે, હિપ્નોટિઝમઅજમાવે છે. આખરે ધાર્મિક ગુરુ પાસે જાય છે ત્યારે એક કઠણાઈ થાય છે. ઘણા ધાર્મિક ગુરુઓ જ આધાશીશી કે બીજી પીડાથી પીડાતા હોય છે! સત્ય સાંઈબાબાને આધાશીશી હતી તે બહુ ઓછા જાણે છે. આજના એલોપથીના એનેલજેસિકસ (પીડાશામક દવા) કામના નથી. તેની આડઅસર ખરાબ હોય છે. ગામડામાં તો પીડા ભૂલવા ઘણા ચોરે જતા અને અફીણ ઘૂંટીને પીતા પણ અફીણનો નશો લાંબો રહેતો નથી.
પીડા માટે સસ્તો ઈલાજ હતો-રાત્રે મંદિરમાં ભજનો! કવિ જહોન મલ્ટિને કહેલું કે પેઈન ઈઝ એ પરફેક્ટ મીઝરી- ધ વસ્ર્ટ ઓફ ઇવિલ્સ. ઘણા કવિ અને લેખકો પીડાને સુંદર શબ્દમાં વર્ણવે છે તે બતાવે છે કે લેખકો-કવિઓ અગર ક્રિએટિવ-આર્ટિસ્ટોને પીડા બહુ સતાવી ગઈ લાગે છે. ‘ધ વર્સ્ટ ઓફ ઇવિલ્સ’ના લેખક ડોરમન્ડીના પુસ્તકમાં આર્ટ, સાયન્સ, મ્યુઝિક, સાહિત્ય, ઈતિહાસકાર અને વિજ્ઞાનીઓના સેંકડો દાખલા આપ્યા છે. તેમાં આ બધા ‘ભાગ્યશાળીઓ’ને કોઈ ને કોઈ પીડા સતાવી ગઈ છે. અરે સાહેબ! કોઈ પણ જાતની પીડા સારી નથી. પીડાના પુસ્તકમાં જુની જુની વાતો લખી છે પણ ૨૧મી સદીમાં જે આધુનિક માનવોને નડે છે તે ડિપ્રેશન કે સાઇિક્યાટ્રિક ડિસઓર્ડર તો બહુ જાલિમ છે. તેનાથી સો ટકા દરદીની હાલત દયાજનક થાય છે.
ઇંગ્લેંડની રાણી વિક્ટોરિયા પણ આધાશીશીથી પીડાતી હતી. પીડા એ કાંઈ રાજા કે રાણીની શરમ રાખતી નથી! ઇંગ્લેંડની રાણીએ પણ પીડા ભૂલવા અફીણના વ્યસની થવું પડ્યું હતું. તે પછી ‘ઓપિયમ-એ હિસ્ટ્રી’ નામનું પુસ્તક પણ ડોક્ટર થોમસ ડોરમન્ડીએ લખેલું. હજી પણ પાકિસ્તાની પંજાબ અને આપણા પંજાબ તેમ જ ઉત્તર પ્રદેશમાં લાખ્ખો અફીણીઓ મળશે જે પીડામાંથી મુકત થવા અફીણના ગુલામ બન્યા છે. આજે અફઘાનિસ્તાન એ જાણે અફીણીઓ માટે યાત્રાધામ બની ગયું છે. ચીન અફીણમાંથી માંડ મુકત થઈને હવે પાછું ધીરે ધીરે અફીણના નશામાં ચીનાઓ સપડાય છે. પણ ડૉ. ડોરમન્ડીના પુસ્તકમાં એક વાત વાંચવી પણ પીડાદાયક છે કે પહેલાંના વખતમાં અફીણ કે બીજા કોઈ એનેસ્થેટિક વગર ઓપરેશન કરતા હશે તે પીડા કેમ દરદી સહન કરતો હશે?
પીડા ભૂલવા કોકેન પણ વપરાય છે તે તો અફીણ જેટલું જ ખતરનાક છે. બલકે વધુ ખતરનાક. જુના ધાર્મિક ગ્રંથોમાં તો પીડાને ગિફ્ટ ઓફ ગોડ ગણવામાં આવતી. એટલે જ્યારે આ ‘ભગવાનની બક્ષિસ’થી મુકત થવું હોય ત્યારે અફીણ કે દારૂનો આશરો લેવાતો પછી જ લોકો ધર્મને આશરે જતા. કેટલાક બાવાઓ ‘પીડા મટાડવા માટેના જપ્ત બાબાઓ ઊભા થતા. દરેક ગુજરાત-સૌરાષ્ટ્રના જિલ્લામાં અમુક મંદિર કે મિસ્જદ કે દરગાહમાં કે પીરની જગ્યામાં બાવાઓ કે ફકીરો પડ્યા રહેતા જે પીડા મટાડતા-મોરનું પીછું ફેરવીને પીડા મટાડનારા પણ હતા. ૫-૭-૨૦૧૧ના રોજ એક નાિસ્તક નામે વેકસેન ક્રેબટ્રી (VEXEN CRABTREE) એ લખ્યું છે કે જો ઈશ્વર પાવરફુલ હોય અને કલ્યાણકારી હોય તો તેણે પીડામુકત જગત કેમ ન બનાવ્યું? વાત જોકે સાચી છે.
લેખક ડેવિડ હ્યુમ તો એકદમ ક્રાંતિકારી વાત કરે છે કે જગતમાં પીડા છે તે બતાવે છે કે ઈશ્વર નથી! (પુસ્તક ‘ગોડ એન્ડ ધ ન્યુ ફિઝિકસ) તમે પશ્ચિમના વિખ્યાત લેખક, સાહિત્યકાર, વાર્તાકાર અને બાળવાર્તાના લેખક સી. એસ. લૂઈસનું નામ સાંભળ્યું છે? તે લેખક પોતે આધાશીશીથી જિંંદગીભર પીડાયા અને તેમની પીડાને કારણે તેમને પત્નીએ છુટાછેડા પણ આપ્યા! પછી તેમણે ‘ધ પ્રોબ્લેમ ઓફ પેઈન’ પુસ્તક લખ્યું તેના ઉપરથી ટીવી સિરિયલ પણ લખાઈ. તેમણે પીડા ઉપર બે પુસ્તકો લખ્યાં. તેમાંનું બીજું પુસ્તક ‘એ ગ્રીફ ઓબ્ઝવ્ર્ડ’ નામનું પીડા વિશેનું પુસ્તક અદ્ભુત છે. તેમાં તેઓ વાત કરે છે- ‘પીડા સાથે જીવો. પીડાને ઓબ્ઝર્વ કરો. પીડાથી નાસો નહીં. પીડાને મિત્ર બનાવો.’
મારી કળા વાપરો. પીડા પીડતી હોય તો પીડાનાં અંગ્રેજી પુસ્તકો વાંચો ‘ધ સ્ટોરી ઓફ પેઈન- ફ્રોમ પ્રેયર ટુ પેઈન કિલર્સ’ નામનું મેડમ જોઆના બોર્કીનું પુસ્તક મને બહુ ઉપયોગી થયું છે. એટલિસ્ટ પુસ્તક વાંચતી વખતે પીડા ભૂલી જવાય છે. ડૉ. જોઆના કહે છે કે માથાના દુખાવાથી હૃદયની પીડા સુધીની તમામ પીડાઓ એ તો ખરેખર તો તમારી જિંંદગીની ખરાબ ટેવોની ભગવાન તરફથી શિક્ષા છે. તમે પૂનાથી ત્રીજું સ્ટેશન ઉરુલીકાંચન છે ત્યાં ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમમાં જશો તો ત્યાં પણ ડોક્ટરો એક જ વાત કહેશે. ખાવાપીવામાં સંયમ ન રાખો તો ભગવાન શિક્ષા કરે જ કરે જ. એટલે તેને તમારે ગિફ્ટ ઓફ ગોડ સમજી લેવાની.
બ્રિટનમાં ૧૫ ટકા વસતીને આધાશીશી છે. એ દરદીમાં ૬૭ ટકા સ્ત્રી-દરદીને આધાશીશી વધુ હોય છે. ૪ કલાકથી ૭૨ કલાક સુધી આધાશીશીની કૃપા ચાલે છે. ઘણા ડોક્ટરો કહે છે કે માઈગ્રેનનો કોઈ ઈલાજ જ નથી. તમારું મન છે તે પીડાને પકડે છે. મન પીડાને ભૂલે તો માઈગ્રેન તમારો રસ્તો ભૂલી જાય. ‘પેઈન’નું આખું મેગેઝિન છે અને આધાશીશીથી પીડાનારાનાં મંડળ છે. જો તમારી પાસે સગવડ હોય તો ૬ઢ્ઢી ઓક્ટોબરથી ૧૧મી ઓક્ટોબર સુધી આર્જેન્ટિનાના શહેર બ્યુએનોસ એર્સમાં ‘પંદરમી વર્લ્ડ કોંગ્રેસ ઓન પેઈન’ મળવાની છે. ત્યાં નવા ઈલાજો શોધાયા હશે!‘
કાંતિ ભટ્ટ