Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પરદેશી આંખે દિલ્હીદર્શન
એક અમેરિકન દંપતી દિલવાલોં કી દિલ્હીમાં ત્રણ વર્ષ માટે રહેવા આવ્યું. એમણે ત્યાં શું જોયું? આ રહ્યો જવાબ... ઓશો રજનીશે કહ્યું છે કે કોઇ વસ્તુને વ્યક્તિથી છુપાવવી હોય તો બેસ્ટ રસ્તો એ છે કે તેને તે વ્યક્તિની નજર સામે જ મૂકી દો. અને લો, ઈશ્વરે આપણને ભારતમાં જન્મ આપીને આખું ઈન્ડિયા આ રીતે આપણી ‘નજર સામે’ મૂકી દીધું છે! એટલેસ્તો આપણને મોટા ભાગના કેસિસમાં તો કોઇ વાતની નવાઇ લાગતી નથી. અબજો રૂપિયાના કૌભાંડોથી આઘાત લાગે એ તો તો ગુજરાતીમાં ‘મેટ્રિક્સ’ કે ‘ઇન્સેપ્શન’ જેવી ફિલ્મ બને એના જેવી અશક્યવત્ વાત છે. પરંતુ ડે-ટુ-ડે લાઇફની એવી હાર્ડલી કોઇ વસ્તુઓ હશે જેના પર આપણે ધ્યાન આપતા હોઇશું. ફોર એકઝામ્પલ, રસ્તે રઝળતાં ઢોર, શર્ટની બાંય ખેંચીને ભીખ માગતાં બાળકો, ૪૨ ડિગ્રી તાપમાનમાં પણ ભર બપોરે નીકળતા વરઘોડા, ધાર્મિક તહેવારોના નામે થતો કાનના પડદા ચીરી નાખે એવો ઘોંઘાટ, ધુમાડા કાઢતી રિક્ષાઓ, બેવજહ હોર્ન મારતા વાહનચાલકો, જ્યાં ત્યાં પાન-ગુટખાની પિચકારી મારતા નવાબઝાદાઓ, ચાની કિટલી પર ગંદા કપમાં ચા પિરસતા આઠ-દસ વર્ષના ટેણિયા, ખુલ્લે આમ વેચાતી પાઇરેટેડ સીડીઝ, ધક્કામુક્કીવાળી બસ અને ટ્રેઇન્સ, નો પાર્કિંગ પર પાર્ક થયેલી ગાડીઓ, ઝૂંપડપટ્ટીની સામે જ આવેલી મલ્ટિ સ્ટોરી બિલ્ડિંગ્સમાંથી ૪૫ લાખની કારમાં નીકળતા અમીરો, રસ્તે રસ્તે ધધૂપપૂઓનાં પોસ્ટર્સ... નો નો, વી લવ ઈન્ડિયા, સિરિયસલી! અરે, આ જ તો આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે! (હા, હવે કંઇક લેખ વજનદાર બન્યો!) પરંતુ વાત એ છે કે આપણે અંધાધૂંધીપ્રેમી લોકો છીએ. ઉપર લખી એ અને એ ઉપરાંતની લગભગ લાખેક બાબતો આપણે સાવ સહજતાથી સ્વીકારી શકીએ છીએ. મતલબ કે આપણને એની કંઇ નવાઇ લાગતી નથી. હા, ‘વેક અપ સિદ’ જોઇને ફોટોગ્રાફર બનેલા મોંઘા કેમેરાધારી યુવાનો આવું બધું ક્લિક ક્લિક કરીને ફેસબૂક, ફ્લિકર પર અપલોડ કરીને કોમેન્ટ્સ બટોરશે, ‘વાઉ, વ્હેર ડિડ યુ ફાઇન્ડ ધીસ ઇન એહમેડાબાડ?!’ પરંતુ કોઇ વિદેશીની નજરે ઈન્ડિયા કેવું હોય? જરૂરી નથી કે એમને ઓન્લી ભૂખા-નંગા ભીખારીઓ અને મદારીઓ જ દેખાય. ક્યારેક એ લોકો પૂર્વગ્રહો વિનાની આંખે એક્સરખા કૂતુહલથી અપુન કા ઈન્ડિયાને ન જોઇ શકે? મળીએ, સુંદર અમેરિકન દંપતી ડેવ અને જેનીને. નવેમ્બર, ૨૦૦૭માં બંને દિલવાલોં કી તરીકે ઓળખાતા દિલ્હીમાં આવેલા. ના, એ લોકો ‘ધ ટાજ મહાલ’ જોવા નહોતા આવેલા. એકચ્યુઅલી, ન્યૂ યોર્ક વાસી ડેવની એડવટૉઇઝિંગ એજન્સીએ તેને દિલ્હી ઓફિસમાં હેલ્પ માટે ક્રિએટિવ ગ્રૂપ લીડર બનાવીને મોકલ્યો. ન્યૂ યોર્કની માલીપા એક ઇન્ટરનેટ કંપનીમાં કામ કરતી ક્યૂટ જેની પણ સબકુછ છોડછાડ કે તેની સાથે દિલ્હી આવી અને ત્યાં એણે એક એનજીઓમાં જોબ સ્વીકારી. બંનેએ વોહી રફ્તારની જેમ જિંદગી જીવવાને બદલે અને સમયાંતરે સિન્થેટિક કંડકટેડ ટૂર કરીને ઇન્ક્રેડબિલ ઈન્ડિયા જોઇ નાખવાને બદલે પોતાની આંખે શહેરને જોવાનું શરૂ કર્યું. આ આંખે જોવાયેલા ભારતને અને ખાસ કરીને દિલ્હીને સેન્સ ઓફ હ્યુમરના મસાલામાં ભેળવીને પિરસવાનું શરૂ કર્યું, ‘અવર દિલ્હી સ્ટ્રગલ’ નામના બ્લોગમાં. સતત ત્રણ વર્ષ સુધી નિયમિત રીતે લખાયેલા આ બ્લોગની બધી જ વાતો એક આર્ટિકલમાં સમાવવી અશક્ય છે. બટ નાઉ ઓવર ટુ ડેવ એન્ડ જેની... *** હમણાં મારા એક કો-વર્કર અનુરાગે કહ્યું, ‘મારી મમ્મીએ હમણાં મેટ્રિમોનિયલ એડ આપેલી. એમાં એક રપિ્લાય મુંબઇની એક છોકરીનો પણ છે. એ છોકરી ત્યાંની કોઇ એડ એજન્સીમાં એકાઉન્ટ મેનેજર છે અને વર્ષે સાત લાખ રૂપિયા કમાય છે. હવે એ તો મારી સેલેરી કરતાં ડબલ છે, એટલે મેં મમ્મીને કહી દીધું કે શી ઇઝ નોટ માય ટાઇપ.’ હું ચક્કર ખાઇ ગયો. અલ્યા, વર્ષે બાલદી ભરીને પૈસા કમાતી પત્નીથી ‘પરફેક્ટ ટાઇપ’ શું હોય? પછી મેં એને ભવિષ્યની ફાયનાન્સિયલ સિકયોરિટી, બાળકોની સ્કૂલ ફી વગેરેની દુહાઇઓ આપીને સમજાવવાની કોશિશ કરી. પણ એ ન માન્યો, કેમ કે એને ઘરનો ‘બ્રેડ-વિનર’ બનવું હતું, આખરે પુરુષો એ જ કરે ને! એણે મને કહ્યું, ‘તારી વાત સાચી પણ મારા આત્મ સમ્માનનું શું?’ મેં છેલ્લો પ્રયત્ન કર્યો, ‘યાર, તું તારા આત્મ સમ્માનને બીએમડબ્લ્યૂમાં ફેરવી શકીશ!’ અનુરાગે હસીને મને સંભળાવ્યું, ‘તારામાં મેલ ઇગો જેવી કોઇ ચીજ જ નથી. બધા અમેરિકન પુરુષો આવા જ હશે?’ *** એક જમાનો હતો જ્યારે દિલ્હીમાં કારમી ગરમીથી બચાવવા માટે ચમકતા મોલ્સ અને પોશ કોફી શોપ નહોતા. લિબરલાઇઝેશન પહેલાં એ જાહોજલાલી માત્ર સિનેમા હોલ્સમાં જ મળી શકતી. પરંતુ મલ્ટિપ્લેક્સને કારણે જુના સિનેમા હોલ્સને તાળાં લાગી રહ્યાં છે. એમાં વધુ નુકસાન બોલિવૂડનાં પોસ્ટર ચીતરનારાને થયું છે. એક દિવસ અમને ખબર પડી કે પુરાની દિલ્હીમાં આજે પણ કેટલાક બોલિવૂડનાં પોસ્ટર્સ ચીતરનારા રહે છે. અમે વિચાર્યું કે આ વખતે ક્રિસ્મસ પર અમે અમારું બોલિવૂડ પોસ્ટર બનાવીને મોકલશું. અમે ખાસ્સા બોલિવૂડ પોસ્ટર્સનું ડિસેકશન કર્યું અને અલગ અલગ પોઝમાં અમારા ફોટા પાડ્યા. અને પછી હાથમાં સરનામાનું કાગળિયું લઇને પુરાની દિલ્હીમાં નીકળી પડ્યા. સરનામાની સાથે સૂચનાઓ: ‘જુઓ, દરિયાગંજ ફાયર સ્ટેશન પહોંચી જાઓ. ત્યાંથી જમણી બાજુ વળો. સો ડગલાં ચાલો અને કોઇપણ પાનવાળાને પૂછો કે વિજય ક્યાં મળશે.’ બસ, અમે એક સાઇકલ રિક્ષા સિન્ડિકેટના માલિક મનેશને લઇને વિજય પાસે પહોંચ્યા. વિજયને આશ્ચર્ય થયું કે તમે મને શોધ્યો કઇ રીતે! હવે એને એ સમજાવવું અઘરું હતું, એટલે અમે એટલું જ કહ્યું, ‘બોસ, તું તો ફેમસ માણસ છો!’ અમે એને અમારે જેવું પોસ્ટર, નામ, ટેગલાઇન વગેરે સમજાવ્યું. એણે બે અઠવાડિયાનો સમય માગ્યો. ઓકે. અમને હતું કે મેક્સિમમ બે ફીટનું પોસ્ટર બનાવશે, પણ એણે તો છ ફીટનું પોસ્ટર બનાવ્યું. પરફેક્ટ! (લેખ સાથેની તસવીરમાં એ પોસ્ટર પેશ છે. એની ટેગલાઇન માર્ક કરો: ‘પ્યાર મેં ખતરોં સે જ્યાદા તાકત હૈ’!) *** ૩૧ વર્ષ અને મારા જન્મસ્થળથી ૭૭૦૦ માઇલની મુસાફરી પછી મને અંગ્રેજી ભાષાનો સૌથી પાવરફુલ શબ્દ જાણવા મળ્યો. આ શબ્દ મને હજજારો પુસ્તકો, ટીવી સિરિયલો-ફિલ્મો કે હિમાલયના કોઇ ગુરુ પાસેથી પણ ન મળે. ભારતમાં દરેક ચર્ચામાં, દરેક મીટિંગમાં, દરેક ઠેકાણે આ શબ્દ વપરાય, ‘એક કામ કરો’ (ડુ વન થિંગ). ‘એક કામ કરીએ, આપણે વેજ અને નોન વેજ બંને મગાવીએ’, ‘એક કામ કર, એ મેટરને ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં પાથર’, ‘અરે તને પીઠનો દુખાવો છે? એક કામ કર, સીટને જરા ઊંચી એડજસ્ટ કર, પગ નીચે કંઇક રાખ અને કી-બોર્ડ ખોળામાં રાખ’... આ એક કામ દસ કામ પણ હોઇ શકે, છતાં એ એક જ રહે છે. એ કલેરિટી છે. એ જવાબ છે. વર્તમાન ગૂંચવણોનો તુરંત ઉકેલ છે. ‘એક કામ કર’નો અર્થ છે, દલીલ પૂરી, હવે કામ શરૂ. ‘એક કામ કર’ની સામે દલીલો કરવી એ વિકાસની વિરુદ્ધનું કર્મ છે. *** ઓવર ટુ અસ. આખરે એક પરદેશી કપલ દિલ્હી આવીને બ્લોગ લખે એના પર આટલું બધું લખવાની શી જરૂર? આખિર ક્યોં? આ ‘કયોં’નો જવાબ એ બ્લોગ વાંચીને મળી શકે. કેમ કે, આ દંપતીએ ભારે રસાળ શૈલીમાં આપણી બાર્ગેનિંગ ટેક્નિક અને મેન્ટાલિટી, જુગાડ પ્રક્રિયા, ભારતમાં ‘ગોરા’ હોવાના ફાયદા, દિલ્હી શા માટે ભારતીય મીડિયામાં બતાવાય છે એટલું જોખમી શહેર નથી, ભારતમાં હિન્દી શીખી લેવાના ફાયદા, ટ્રાફિકજામ વખતે સર્જાતી પરિસ્થિતિ, રસ્તે રખડતા કૂતરાં, ડ્રાઇવર-કામવાળા-મકાન માલિકો વગેરેના પોઇન્ટ ઓફ વ્યૂ, અમારા ઘરનું પાણી ક્યાંથી આવે છે, રસ્તે મૂત્ર વિસર્જન કરતાં મનુષ્યો, ‘ભૈયા’ શબ્દની શક્તિ, ગેસનો બાટલો મેળવવાની મથામણ, બ્લૂ લાઇન બસો, ભારતની ફેમિલીલાઇફનો અભ્યાસ વગેરે પાર વિનાની વાતો એમણે લખી છે. ક્યાંક ચૂંટલા પણ ખણ્યા છે (અહીં ભારતની ટીકા કરવાનો આપણો અબાધિત અધિકાર ભંગ થઇ શકે!). અમારા વીજાણુ પત્રનો વીજિળક ઝડપે જવાબ આપતા કહે છે કે અમારી આ દિલ્હી સ્ટ્રગલને અમે ‘ડેલિરિયસ દિલ્હી: ઇન્સાઇડ ઈન્ડિયાઝ ઇન્ક્રેડબિલ કેપિટલ’ નામે પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ કરી રહ્યા છીએ (આ માહિતી છે, જાહેરાત નથી!). અત્યારે તો ડેવ અને જેની ફરી પાછા સ્વદેશ અમેરિકા પહોંચી ગયા છે, પરંતુ એમની ‘દિલ્હી સ્ટ્રગલ’ ચાલુ જ છે. લોંગ લિવ દિલ્હી! લોંગ લિવ સ્ટ્રગલ! લોંગ લિવ સેન્સ ઓફ હ્યુમર! jayeshadhyaru@gmail.com સિકસ્થ સેન્સ, જયેશ અધ્યારુ