આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફકત ‘શિક્ષિત’ બને તેવું કે તે ‘સમાજ ઉપયોગી’ પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ...’શહેરોમાં આપણે આપણાં બાળકોને આવતી કાલનાં ‘સ્માર્ટ એન્ડ સક્સેસફુલ’ નાગરિક બનાવવાનાં સ્વપ્નો સાથે ઇંગ્લિશ મીડિયમની મોંઘીદાટ શાળાઓમાં મોકલીએ ત્યારે, ઉપર લખ્યો છે એવો સવાલ શાળા તરફથી પુછાવાની અપેક્ષા આપણે રાખી શકીએ? મોટા ભાગે જવાબ ના હશે. હજી આગળ વાંચો... ‘બાળકને એકમ સમજાવવા પાછળ આપણે જેટલી મહા-મહેનત કરીએ છીએ તેટલી જો આપણે બાળકને સમજવા પાછળ કરીશું તો આપણે બાળકોને શિક્ષણના એકમો સમજાવવા પાછળ વધારે મહેનતની જરૂર નહીં પડે, તેવું અમારા અનુભવોથી માનવું છે...’, ‘આ બ્લોગ દ્વારા અમે અમારી શાળાના બાળકોના સવાઁગી વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવત્તિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે...’ અહીં સુધી તમે ઇન્વટેંડ કોમામાં જે કંઈ વાચ્યું તે ગુજરાતની કોઈ શાળાના બ્લોગ પરનું લખાણ છે એ તમે માની શકો? હજી બીજો આંચકો ખાવા તૈયાર રહો - આ શાળા ગુજરાતના સૌથી પછાત ગણાતા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલી છે! બ્લોગ પર જેની ઓળખાણ ‘મસ્તી કી પાઠશાલા’ તરીકે આપવામાં આવી છે અને બ્લોગના શીર્ષકમાં લખ્યા મુજબ ‘તારે ઝમીં પર’ના સૂત્ર ‘દરેક બાળક સ્પેશિયલ હોય છે’ને સાર્થક કરતી આ શાળા - નવા નદીસર પ્રાથમિક શાળાનો બ્લોગ આવા તો અનેક સુખદ આંચકા આપે છે. બ્લોગના પરિચયમાં જ લખેલું છે કે ‘આપ અત્યારે અમારા મુલાકાતી જ નહીં, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઈ બાળકના વાલી પણ હશો જ...’ બ્લોગમાં તમે જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ સમજાશે કે આ કોઈક અસામાન્ય શાળા છે.ગુજરાત સરકારે રાજ્યની નાની નાની પ્રાથમિક શાળાઓ સુધી મફતમાં કમ્પ્યુટર્સ પહોંચાડી દીધાં છે એટલે ગુજરાતી શાળાઓને કમ્પ્યુટર કે ઇન્ટરનેટ સાથે ઓળખાણ તો થઈ ગઈ છે, શાળાની વેબસાઇટ કે બ્લોગ હોય એ પણ કંઈ બહુ નવાઈની વાત નથી, પણ કોઈ શાળા કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આટલો સરસ ઉપયોગ કરી જાણે એ ચોક્કસ નવાઈની વાત છે. શિક્ષકોને પોતાના વ્યવસાયનું અગાઉ જે ગૌરવ હતું અને શિક્ષણમાં શિક્ષકોને જે ઊંડો રસ હતો એ બધું, વિવિધ અને દેખીતાં કારણોસર હવે ભૂતકાળની વાત બની ગયું છે ત્યારે બિલકુલ છેવાડાના, પૂરની આફત પછી નવા વસેલા અને માંડમાંડ પગભર થવા મથતા ગામની કોઈ શાળામાં એવો શિક્ષક પાકે જેને પોતાને મળતા પગાર કરતાં બાળકોના શિક્ષણમાં જ ખરેખરો રસ હોય, તો એ પણ ચોક્કસ નવાઈની વાત છે. બ્લોગ પર મુકાયેલી વિવિધ પોસ્ટ કે નાના નાના વિભાગો પર આછેરી નજર ફેરવીએ તોય મનમાં એવો છાનો અફસોસ જાગે કે આપણને આવી શાળા મળી હોત તો? એક નાનું ઉદાહરણ: આપણે સૌ વર્ગમાં પાટલી પર બેસીને સાયમન કમિશનને પરત મોકલવા માટે ચલાવાયેલા આંદોલન વિશે ‘ભણી’ ગયા છીએ. આ શાળાએ શાળાનાં બાળકોને તેનો રોલ પ્લે કરાવ્યો, બ્લોગ પર તેની તસવીર મુકાઈ અને સાથે કેપ્શન મુકાયું કે ‘ઈતિહાસ શિક્ષણ... આ રીતે પણ... તે વખતે ખરેખર તેમણે શું અનુભવ્યું હશે...?? જરા અનુભવી લઈએ!’ બાળકોને જરૂરી ચીજવસ્તુની ખરીદી માટે શાળામાં એક ગાંધીહાટ શરૂ કરવામાં આવી છે, જેનો પારદર્શક હિસાબ વારાફરતી જુદાં જુદાં બાળકો સંભાળે છે. રોજેરોજ જે સૌથી સ્વચ્છ બાળક હોય તેને ‘આજના ગુલાબ’નો ખિતાબ અપાય છે. શાળાના એક ખૂણે ‘ખોયા-પાયા’ લખેલું એક ખોખું છે, જેને કંઇ નધણિયાતું મળે તે અહીં મૂકી જાય, જેનું ખોવાયું હોય તે મેળવી લે! શાળાએ શિક્ષણને બાળકો અને વર્ગખંડથી આગળ પણ વિસ્તાર્યું છે. શાળાની કમ્પાઉન્ડ વોલ પર કક્કાના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને ગામલોકોને મજેદાર રીતે સ્વચ્છતાનો પાઠ શીખવતાં સૂત્રો પેઇન્ટ કરાવ્યાં છે. શિક્ષણનો સાચો મર્મ પકડીને ચાલતી આ શાળાની આ બધી વિવિધ પ્રવૃત્તિઓ તેના બ્લોગથી આખું ગુજરાત જાણી શકે છે. શાળાએ ૨૦૧૦થી બાયોસ્કોપ નામે પોતાનો ઇ-ન્યૂઝલેટર પણ તૈયાર કર્યો છે. શાળાનો બ્લોગ અહીં http://nvndsr.blogspot.com માણી શકશો. https://www.facebook.com/navanadisar પર શાળાના મિત્ર બની શકશો. આખા બ્લોગમાં ક્યાંય કોઈનું નામ નથી, એ ફકત તમારી જાણ માટે અને હવે છેલ્લો આંચકો - આ શાળામાં એકેય કમ્પ્યુટર નથી! www.cybersafar.com સાયબર સફર, હિમાંશુ કીકાણી