ચલ ઉડ જા રે પંછી

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમને માર્ગ ‘કોણ’ બતાવે? આ પક્ષીઓ દિશાસૂચન માટે સૂર્ય અને પૃથ્વી વચ્ચે રચાતા કોણનો ઉપયોગ કરે છે. ગુજરાત એ આફ્રિકા, યુરોપથી આવતા પક્ષીઓના પસંદગીના સ્થળોમાંના એક છે... કોઈ પાસપોર્ટ નહીં, વિઝા નહીં, માર્ગમાં કોઈ મોંઘેરી સેવા નહીં. આ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટર સુધી વણથંભ્યુ ઊડ્ડયન કરે છે... આમ તો વિશ્વના નકશામાં ઊડાઊડ કરતાં અસંખ્ય પક્ષીઓનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે, પણ અહીં આપણે ભારતમાં તેમજ ખાસ કરીને ગુજરાતમાં લાંબી-લાંબી મુસાફરી કરીને આવતા પક્ષીસમૂહની વાત કરીએ. શિયાળાની શરૂઆત થશે એટલે (આ અંક પ્રસિદ્ધ થશે ત્યારે) વિશ્વના અલગ-અલગ દેશમાંથી ભારતમાં તેમજ ખાસ કરીને ગુજરાતના દરિયાકિનારે પક્ષીઓનાં ધાડાં ને ધાડાં આવવા માંડશે. તેમાં ખાસ કરીને કરકરા, હંજ, બતકો તેમજ કાદવ-કીચડ પર નિર્ભર એવા પક્ષીઓનો સમૂહ મોટો હોય છે. હવે આ બધા અહીં શા માટે આવે છે? શિયાળામાં જ કેમ? તે ક્યા માર્ગે આવે છે? દિવસ-રાત સતત ઊડીને આવે છે? રસ્તો કોણ બતાવતું હશે? આ વિષય પર કામ વૈશ્વિક સ્તરે થતું જ આવ્યું છે. ઘણા તજજ્ઞોએ મંતવ્યો વ્યક્ત કર્યા છે. બધા પોતાની રીતે સાચા છે છતાં પણ ઘણાં રહસ્યો હજુ અકબંધ છે, શોધવાના બાકી છે, સતત તે વિષય પર કામ થતું રહ્યું છે, અખતરા ચાલુ છે. લોકો હજુ પણ આ વિષયને સમજવામાં ગોથાં ખાય છે. પક્ષીઓનું સ્થળાંતર હજુ પણ એક રહસ્ય બની રહ્યું છે. શા માટે કેટલીક ચોક્કસ જાતિનાં પક્ષીઓ જ સ્થળાંતર કરે છે અન્ય કેમ નહીં? કારણ કે, સ્થળાંતર કરવું એ પક્ષીઓની ચોક્કસ જાતિ માટે જરૂરી છે અન્ય માટે નહીં. તેઓ પોતાને અનુકૂળ આવે તેવી આબોહવા માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે. આ પ્રવાસ માટે તેઓ દિવસો પહેલાથી તૈયારી શરૂ કરી દે છે. પ્રવાસમાં ટકી રહેવાય તે માટે શરીરમાં ચરબી એકઠી કરવા તેઓ ખાઉધરાની જેમ સતત ખાતા જ રહે છે. કેટલાંક પક્ષીઓ જુથ બનાવીને સ્થળાંતર કરે છે. આવો જ એક પ્રસંગ કે જે સતત બે વર્ષથી ધ્યાનમાં આવે છે. અમદાવાદમાં ઉત્તરાયણ પર ઘવાયેલા પક્ષીને બચાવવાનું સ્વૈચ્છિક કામ હું ઘણાં વર્ષોથી કરતો આવ્યો છું. ૨૦૦૯ અને ૨૦૧૦ની ૧૪મી જાન્યુઆરીએ વિશ્વનું સૌથી ઝડપી ઊડતું શિકારી પક્ષી ‘મોસમી શાહીન’ પતંગની દોરીથી ઘવાઈને સારવાર અર્થો અમારા કેન્દ્ર પર લાવવામાં આવેલું, તેમાં એકની જમણી બાજુની પાંખ સારવાર દરમિયાન કાપવી પડી અને ૨૦૧૦માં આવેલા ‘શાહીન’ને સુંદર સારવાર આપી આ મહેમાનને વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યું. જોગાનુજોગ ત્યારે કાળિયારની ગણતરી હતી અને ‘બાપા સાહેબ’ પણ ત્યાં હાજર હતા. તેમણે જ્યારે રજવાડાં હતાં ત્યારે આ પક્ષીઓને શિકારની તાલીમ અપાતી હોય તેવી ફિલ્મ પણ બતાવી અને કહ્યું પણ ખરું કે આ એનો માર્ગ છે. ગોપનાથ બાજુ સારી સંખ્યામાં ‘શાહીન’ હોય છે તેથી તેને મુસાફરીનો માર્ગ મળી જશે. અમદાવાદની આજુબાજુ ૧૪ જાન્યુઆરીની આસપાસ ‘શાહીન’ની સવારી આવે છે તે વાત નક્કી. ‘શાહીન’ યાયાવર પક્ષી છે. તે ફક્ત એકાદ દિવસ અહીં રોકાણ કરતા હશે અને પતંગની દોરીનો શિકાર બનતા હશે, તેવું અનુમાન તજજ્ઞો સાથે વાત કરતા જણાયું. વૈશ્વિક સ્તરે કામ કરતી ‘ફાલ્કન કન્ઝર્વેશન’ સંસ્થાને પણ આ વાતની જાણ કરી પણ આ આખી પ્રોસેસમાં એવું લાગ્યું કે, ‘પક્ષીઓના જે સ્થળાંતર કરવાનો માર્ગ અને વિષય’ છે તે દિલચસ્પ અને અઘરો છે. જણાવેલા બંને પ્રસંગમાં મારી હાજરીએ મને આ વિષય પર ખણખોદ કરવા વધારે પ્રેરિત કર્યો. અમદાવાદની આ ભીડમાં આ શિકારી પક્ષી આવ્યું ક્યાંથી? શા માટે? કેમ ચોક્કસ સમયગાળામાં? ઘણા સવાલ ઉદ્ભવે... પક્ષીઓના આ સ્થળાંતરને પણ સમજવામાં રસ પડે તેવું છે. વિશ્વના પક્ષીઓની સંખ્યાના લગભગ ૫૦ ટકા પક્ષીઓ યાયાવર છે અને દરેકની મુસાફરી ખૂબ જ અનોખી હોય છે. જેમ કે ‘આર્કટિક ટર્ન’ નામનું પક્ષી લાંબામાં લાંબી મુસાફરી કરવા માટે ટેવાયેલું છે તો ‘સેન્ડરલિંગ’ રાત્રી દરમિયાન જ મુસાફરી કરે છે. ટોળામાં મુસાફરી કરતા આ પક્ષીઓ ચંદ્રને ધ્યાનમાં લઈને મુસાફરી કરે છે. એવું ના માનતા કે ફક્ત પાંખો ધરાવતા પક્ષીઓ જ સ્થળાંતર કરે છે. ઓસ્ટ્રિચ અને ઈમુ જેવા પક્ષીઓ ૩૦૦-૫૦૦ માઈલનો જમીન માર્ગે પગપાળા પ્રવાસ કરે છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે પક્ષીનું મુખ્ય અંગ પાંખ છે તેથી જ કુદરતે દરિયાઈ પક્ષીને લાંબી મુસાફરી કરવાની હોવાથી તેને અનુકૂળ લાંબી અને પાતળી પાંખ આપી છે જ્યારે ચકરાવા મારી ઉડ્ડયન કરતા ખાસ કરીને શિકારી પક્ષીઓ પહોળાઈમાં વધારે એવી પાંખ ધરાવે છે. તેનાથી તે ગતિને કંટ્રોલ કરી શકે છે. જ્યારે ગીઝ (ગાજહંસ) જેવાં પક્ષીઓ ખૂબ જ ઊંચાઈ પર મુસાફરી કરવા ટેવાયેલા હોવાથી અને પાંખને સતત ખોલ-બંધ કરતા હોવાથી વજનવાળી પાંખ ધરાવે છે. એવી જ રીતે નાના પક્ષીઓનો પાંખનો ઘેરાવો પણ સતત પાંખ ફફડાવી ઉડ્ડયન માટે બનેલી હોય છે. પક્ષી ઉડ્ડયનની બીજી રોમાંચક વાત એ છે કે ગાજહંસ લગભગ ૨૯,૫૦૦ ફીટની ઊંચાઈ પર ઊડીને હિમાલય પર્વતમાળા ઓળંગી ભારતમાં પ્રવેશે છે. જ્યારે નીલશીર (માલાર્ડ), બતક ૨૧,૦૦૦ ફીટ, રાતા પગ તૂતવારી (બાર ટેઈલ ગોડવીટ) ૧૯,૬૮૫ ફીટ પર ઊડી સ્થળાંતર કરે છે, તો ઢોંક જાતિને ૧૫,૭૫૦ ફીટની ઊંચાઈ અનુકૂળ આવે છે. ટિટોડીઓ ૧૨,૮૦૦ ફીટ તો પ્લોઅર ૨૬૦૦ ફીટ અને વોબ્લર જેવા નાનાં પક્ષીઓ વધારેમાં વધારે ૧૬૦૦ ફીટની ઊંચાઈ પર ઊડી મુસાફરી કરતા હોય છે. સ્થળાંતર કરતા પક્ષીઓની આંખને રાત્રે પ્રવાસ કરતા હોય તો તારા દ્વારા અને દિવસે જો પ્રવાસ કરતા હોય તો સૂર્ય દ્વારા સૂચક દિશાસંકેત મળી જાય છે. તેના દ્વારા ચોક્કસ સમયમર્યાદા નક્કી થાય છે. સાથે સાથે પોતાનાં સ્થિતિસ્થાનનો સ્પષ્ટ ખ્યાલ પણ તેઓ બાંધી લેતા હોય છે. આ બધી બાબતો તેને જે જગ્યા પર ઉતરવાનું હોય તે જગ્યા ઓળખવામાં મદદ કરે છે. ઉપરાંત હવામાંના ઈન્ફ્રાસાઉન્ડ તરંગો તેના સહપ્રવાસીની સાથે ઉડ્ડયનમાં મદદ કરે છે. એરિયલ વ્યૂ દ્વારા પક્ષીઓ જે-તે સ્થળના કુદરતી દ્રશ્યને પણ ધ્યાનમાં રાખી ઉતરાણ કરતા હોય છે. પક્ષી સ્થળાંતરમાં મુખ્ય ત્રણ પાસાં મહત્વનું કામ કરે છે. જે છે સૂર્ય, તારા અને ચુંબકીય શક્તિ. આ ત્રણેય દિશાસૂચક યંત્રનું કામ કરે છે જેના દ્વારા પક્ષીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણની ખબર પડે છે. તેમાં ચુંબકીય દિશાસૂચક પાસાને સમજવું થોડું મુશ્કેલ છે. વિજ્ઞાનીઓએ એક પ્રયોગ દ્વારા આ વાતને સચોટ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ‘રોબિન’ નામના પક્ષીને ચારે બાજુ ચુંબકીય પટ્ટી ધરાવતા પાંજરાની અંદર છોડ્યું. એટલે તે ઉત્તર દિશા તરફ ઊડ્યું એટલે કે ચુંબકીય ખેંચતાણવાળી દિશા તરફ ઊડ્યું! ઋતુઓ અને હવામાનનું સ્થળાંતરમાં મહત્વ વરસાદ, ઠંડી, તાપ, બરફ, ધુમ્મસ, પવન, ગરમી, શુષ્ક વાતાવરણ પણ સ્થળાંતરમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. તેમાં ખૂબ જ સામાન્ય પાસું હોય તો તે હવા છે, કે જે કઈ દિશાથી આવે છે તે સમજી પક્ષી તેના નિધૉરિત સ્થળે પહોંચે છે. હમણાં-હમણાં હવામાનમાં થતા સતત ફેરફારોને લીધે કદાચ સ્થળાંતર કરતા પક્ષીઓ પર અસર થાય. ભારતની ઉત્તર બાજુએ સાઈબિરિયાથી માંડી યુરોપ ખંડમાં આપણે ત્યાં શિયાળો હોય ત્યારે પાંચ-પાંચ ફીટ બરફના થર હોય છે. આવી પરિસ્થિતિમાં વનસ્પતિનું નામોનિશાન ન હોય. ફક્ત ઝાડની ડાળીઓ બચી હોય. આવા સમયે જીવાત કે અન્ય ખોરાક મેળવવો પક્ષીઓ માટે મુશ્કેલ બની જાય છે. આથી આ બધા પક્ષીઓ આપણે ત્યાં ખોરાકની શોધમાં મહેમાન થઈ આવે છે. અહીં તે વખતે બરાબર ચોમાસુ પૂરું થયું હોઈ, પુષ્કળ માત્રામાં જીવાત અને અન્ય પ્રકારના ખોરાક સહેલાઈથી મળી રહે છે. તે બધા અહીં માર્ચ મહિના સુધીનું રોકાણ કરતા હોય છે. ત્યારબાદ યુરોપ ખંડમાં પણ બરફ પીગળવા માંડ્યોહોય, હરિયાળી છવાઈ ગઈ હોય તેને આધારિત ખોરાક પણ તૈયાર હોય એટલે ત્યાં જ ઈંડાં મૂકીને બચ્ચાને ઉછેરી મોટા થાય ત્યાં સુધીમાં આપણે ત્યાં આવવાનો સમય થઈ ગયો હોય. આમ ક્રમ ચાલ્યા કરે. મોંઘેરાં મહેમાન! ૧૯૩૦થી લઈ ૧૯૯૪ સુધીના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ‘સોસિયેબલ ટિટોડી’ હવે નામશેષ થવાના આરે છે. ‘કળઈટ’ નામની સંસ્થાએ ૨૦૦૪ના વર્ષમાં જાહેર કર્યું કે હવે માત્ર ૪૦૦ જોડી (યુગલ) વિશ્વમાં બચ્યાં છે અને ધીરે-ધીરે હવે લુપ્ત થવાના આરે આ પક્ષી જઈ રહ્યા છે. ગુજરાતમાં ૨૦૦૭ના વર્ષમાં બહુચરાજી નજીક ૪૫ની સંખ્યામાં આ મોંઘેરાં મહેમાન નોંધાયા છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને પટ્ટાઇ આપણા ગુજરાતમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન-વેળાવદર કે જે ‘ભાલ-પ્રદેશ’ તરીકે જાણીતો છે. ત્યાં ઘઉં અને કપાસની ખેતીનું પ્રમાણ વધારે છે. તેમાં થતી જીવાત (તીડ વગેરે), ખાવા પટ્ટાઈ સમૂહના (Harriers) પક્ષીઓ હજારોની સંખ્યામાં આવે છે. આ સ્થળ વિશ્વનું મોટામાં મોટું પટ્ટાઈ સમૂહનું શયનસ્થળ (Roosting site) છે. ગીરમાં પ્રથમવાર દેખા દીધી. તા. ૨૪-૪-૨૦૧૦ની સવારે હું સાસણથી તાલાલા થઈ ચાર-પાંચ સ્વયંસેવકો સાથે સિંહગણતરી માટે નિધૉરિત સ્થળ બાબરિયા જવા નીકળ્યો. રસ્તામાં બામણાસા પાસે એક નજીકના ઝાડ પર નજર પડી. પહેલા તો થયું કે શિકરો કે કપાસી હશે, પરંતુ તરત જ મનમાં બીજો વિચાર આવ્યો કે ના કંઈક જુદું છે. ગાડી પાછી વાળી. સાથે કેમેરા પણ તૈયાર કર્યો, સૌ પ્રથમ દૂરબીન વડે બાકીના મિત્રોએ જોયું. ગાડીની નીચે ઉતરી વધારે શાંતિથી તેની ઓળખાણ મેળવવાનો પ્રયાસ થતો હતો એટલીવારમાં અનિકેત ભટ્ટ નામનાં મિત્રએ શંકા સાથે કહ્યું, ‘આ તો આમુર ફાલ્કન છે પણ આ અહીં ક્યાંથી?’ વર્ષો જુના મિત્ર અને મને ‘કાકા’ના હુલામણા નામથી બોલાવતા અનિકેતે મને કહ્યું, ‘કાકા, આ તો RARE છે! એ પહેલાં તો મે જરૂરી ફોટોગ્રાફ્સ લઈ લીધા હતા. તાત્કાલિક ટોળે વળી કેમેરામાં ચિત્ર મોટું કરી ‘મહોર’ મારી કે ‘‘Final’ આમુર જ છે. ગીર પંથક માટેની પક્ષી સૂચિમાં પહેલીવાર આ નોંધાયું. જેમાં એક નર અને અપુખ્ત માદા હતી. અનિકેતભાઈ મૂળ ભાવનગરના અને ‘બાપા સાહેબ’ (શિવભદ્રસિંહજી) તે વખતે સાસણ એટલે તેમને પૂછીએ એવું વિચારી સિંહગણતરીના કામે આગળ વધ્યા. Red-footed Falcon- લાલ પગ તુરૂમ્તીનીનો સ્થળાંતર પ્રવાસ પણ અદભુત છે. તે પ્રજનન ચીનમાં કરે. બરફ પડતાની સાથે તે નવેમ્બર મહિનાની આસપાસ હિમાલયની દક્ષિણે થઈ ભારતમાં પ્રવેશે અને થોડા અઠવાડિયાં વીતાવે તે દરમ્યાન જીવાત વગેરેનો આહાર લઈ પોતાની ચરબી વધારી પૂર્વ-પશ્ચિમી વર્ષાઋતુના આગમનની રાહ જુએ જેથી તેને પવનની ગતિ દ્વારા ત્રણ હજાર કિલોમીટર સુધીનો હિંદ મહાસાગર ઓળંગી આફ્રિકા સુધી પહોંચવામાં સરળતા રહે. આ પક્ષીને અમે ચોવીસ એપ્રિલના રોજ ગીર પંથકમાં જોયું! કદાચ વધારે ચરબીયુક્ત આહારની જરૂરિયાત અથવા હવામાને સાથ ના આપ્યો હોય અને અચાનક આ વિસ્તારમાં ઉતરાણ કરવું પડ્યું હોય. વારસાગત મુસાફરી સ્થળાંતર કરતા પક્ષીઓમાં અચરજ પમાડે તેવી શોધ પણ થઈ છે. જેમ કે સ્ટારલિંગ નામના પક્ષીને મુસાફરી વેળાએ નેધરલેન્ડ પર પકડી તેને સ્વિત્ઝર્લેન્ડ પાસે છોડવામાં આવ્યું, જ્યારે તેના બચ્ચાને કે જેણે ક્યારેય સ્થળાંતર કર્યું નથી તેણે તેની ઉડાન ચાલુ રાખી જે દિશામાં ઉડાન કરવામાં હતી તે દિશામાં ઊડીને સ્પેન પહોંચી ગયું. ‘ મુકેશ આચાર્ય