પ્રમુખસ્વામીનો આધ્યાત્મિક ગુણ જોઇ ડોક્ટરો પામી ગયા અચંબો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અહર્નિશ મંત્ર જપના રટણથી ઉત્પન્ન થતો ધ્વનિ શક્તિનાં આંદોલન જગાવે છે. જેનાથી તે મંત્રને અનુરૂપ દેવતાનું સ્વરૂપ પ્રગટ થાય છે. આ સ્વરૂપથી વ્યક્તિમાં દિવ્યતા પ્રગટ થાય છે.આશરે ૧૨૦૦ વર્ષ પહેલાં ઇ.સ. ૮૫૮ના અરસામાં અરબસ્તાનમાં મન્સૂર-અલ-હલ્લાઝ નામના સૂફીસંત થઇ ગયા. હંમેશાં તેઓ ‘અનલહક’નું અજપાજપ નામ સ્મરણ કર્યા કરતા. અનલહક Ana-Al-Haqq એટલે અહં બ્રહ્નાસ્મિ- ‘હું જ ભગવાન છું’ એવો અર્થ થાય. એક ફકીર પોતાને સર્વજ્ઞ માને? ત્યાંના રૂઢિચુસ્ત સમાજે ઇષૉભાવથી પ્રેરાઇ આ વાતની જાણ ત્યાંના બાદશાહને કરી. આથી ઉશ્કેરાઇ ગયેલા રાજાએ મન્સૂરને દંડ દેતાં તેમના બંને હાથ કાપી નાખ્યા. છતાં પણ સ્વચ્છચિત્તે તેમણે ‘અનલહક’નો જાપ ચાલુ રાખ્યો. તે પછી વારાફરતી આ સૂફીનાં તમામ અંગોના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા.આશ્ચર્યની વચ્ચે માંસના ટુકડાઓ પણ ‘અનલહક’ રટવા લાગ્યા. મન્સૂર પૂર્ણ વિકસિત બ્રહ્નજ્ઞાની હતા. દેહભાનથી પર આ સૂફી જીવે પોતાની કતલ થતી હોવા છતાં વેદનાનો કોઇ અણસાર સુધ્ધાં આવવા દીધો નહીં. છેવટે ‘અનલહક’ બોલતા માંસના ટુકડાઓને જલાવી દેવાનો બાદશાહે હુકમ છેડ્યો. સળગીને થઇ ગયેલી રાખમાંથી નાદ સંભળાયો: ‘અન-અલ-હક....! સતત નામ જપસ્મરણ અંત:કરણ (હૃદય)ને પવિત્ર બનાવે છે અને પવિત્ર થયેલું મન સાધકને પરમાત્માના સાક્ષાત્કાર તરફ દોરી જાય છે.’શ્રીમદ્ ભાગવતમાં બતાવેલા ભકતના સત્યમ્-શૌચમ્-દયા-ત્યાગ-આર્જવ-સામ્યમ-તિતિક્ષા અને ઐશ્વર્ય જેવા સદગુણો પોતાના જીવન દર્શનમાં સાર્થક કરનાર પ્રમુખ સ્વામી મહારાજ ઉપર સને-૧૯૯૮ની ૭મી જુલાઇના દિવસે ન્યુયોર્કની લેનોકસ હિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હૃદયની એન્જિયોગ્રાફી કર્યા પછી ડૉ. મોસેસ તથા ડૉ. શ્વોર્ટઝની ટીમ સ્વામીજીની હૃદયની અત્યંત નાજુક અને ગંભીર સ્થિતિનું વર્ણન બિલકુલ અંગ્રેજી નહીં જાણતા એવા કૃષ્ણવલ્લભ નામના સાધુ સમક્ષ કરી રહી હતી. આ ર્દશ્ય જોઇ એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર સૂતેલા મહારાજ ખડખડાટ હસી પડ્યા.જાણે પીડાનો કોઇ અહેસાસ જ ન હોય! એટલું જ નહીં તે પછી તાત્કાલિક બાયપાસ સર્જરી કરવાના નિર્ણયની તેઓને જાણ કરવામાં આવી ત્યારે હાથમાંની માળા ફેરવતાં સ્વામીજી તો ‘જેવી ભગવાનની ઇચ્છા’ તેમ કહી બે કલાક ઘસઘસાટ ઊંઘી ગયા. પ્રમુખ સ્વામીની આવી તિતિક્ષા (સમજણપૂર્વકની સહનશીલતા)નો આધ્યાત્મિક ગુણ જોઇ ડોક્ટરોની ટીમ અચંબો જ પામી ગઇ. એટલું જ નહીં શારીરિક વેદના સહન કરતાં પણ સતત સ્વામીનારાયણ મંત્રનો અનિમેશ જપ કરતા. મહારાજના સાત દિવસના હોસ્પિટલના નિવાસ દરમિયાન અમેરિકન સ્ટાફને આ ભારતીય ધર્મગુરુની હાજરીથી અપૂર્વ આકર્ષણ અને દિવ્યતાનો અનુભવ થતો રહ્યો.આ પ્રસંગનું વર્ણન કરતાં સ્વભાવે અધાર્મિક અને કર્મને જ યોગ માનીને સતત કાર્યરત રહેતા વિશ્વવિખ્યાત કાર્ડિયાક-વાસ્કયુલર સર્જન ડૉ. વી. એ. સુબ્રહ્નણ્યમે તા. ૨૦-૧૨-૨૦૦૦ના રોજ એક ઇન્ટરનેશનલ ચેનલ પરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘આમ તો અમે દરેક દર્દી સાજા થાય એવી જ અનુકંપાથી સર્જરી અને સારવાર કરીએ છીએ. પરંતુ, એક વખત ધર્મગુરુ પ્રમુખસ્વામી પર લેનોકસ હિલ હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરી રહ્યો હતો. ઓપરેશન દરમિયાન જ્યારે એમનું હૃદય મારા હાથમાં લીધું એ વખતે મને અત્યંત સુખદ અને અદ્રિતીય અનુભૂતિ થતાં હું તો પુલકિત બની જ ગયો, પરંતુ સમગ્ર ઓપરેશન થિયેટરમાં પણ કોઇ દૈદીપ્યમાન દિવ્યતા અવતરી હોય તેમ લાગતું હતું.’પાતાંજલ સૂત્રમાં યોગના ચાર પ્રકાર વર્ણવ્યા છે. ૧. કર્મયોગ ૨. ભક્તિયોગ ૩. રાજ્યોગ ૪. જ્ઞાનયોગ. જે પૈકી ભક્તિયોગમાં ભગવાનના નામનું પવિત્ર સ્મરણ કરવાનો મહિમા છે. પવિત્ર નામ એ મંત્ર છે અને ‘મન’ અને ‘ત્ર’ અક્ષરથી બનેલા મંત્ર શબ્દનો અર્થ થાય છે-વિચારવું, રક્ષણ કરવું કે મુકત કરવું. અહર્નિશ મંત્ર જપના રટણથી ઉત્પન્ન થતો ધ્વનિ નિસગૉતીત શક્તિનાં આંદોલન જગાવે છે. જેનાથી તે મંત્ર નામને અનુરૂપ દેવતાનું સ્વરૂપ પ્રગટ થાય છે. આ સ્વરૂપ દર્શનથી વ્યક્તિમાં દિવ્યતા પ્રગટ થાય છે. જે અંત: કરણમાં પ્રવેશે છે. તેવા સાધકના દેહનું પ્રત્યેક અંગ દિવ્ય-તેજોમય બની જાય છે.jayeshsraval@yahoo.comઅગોચરદર્શન, જયેશકુમાર રાવલ