ચંદ્રકાન્ત મારવાડી: મહાસાગરને તીર

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિષેકની પળો નજીક હતી. પ્રાંત:કાળે સમુદ્રસ્નાન માટે પહોંચી ગયો. અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગરના જળના મિલનસ્થાને ક્ષિતજિમાંથી બહાર આવી રહેલા સૂર્યનારાયણનાં દર્શન થયા. સમુદ્રસ્નાન કરવા ઊતર્યો તો સામે હતા સાગરના અપાર નીર. ગંગાજીના ઉદ્ગમ સ્થાનથી શરૂ કરીને સિંધુજળ સુધીની યાત્રા પૂરી થઇ હતી. ગંગક્ષેત્રીમાં એક્સાથે કેટલાય ધોધ પડતા હોય તેવો ગંગાજીનો શક્તિશાળી સ્વર સંભળાયો હતો અને હવે સામે સમુદ્રના ઘુઘવતાં મોજાં કિનારાને અફળાઇને નવીન તાકાતનો પરિચય આપતાં હતાં. ગંગક્ષેત્રીથી રામેશ્વરમ સુધીની યાત્રા એટલે બિંદુથી સિંધુ સુધીની યાત્રા. કિનારાને અફળાતાં સમુદ્રનાં મોજાંની સાથોસાથ મારા મસ્તિક સાથે પણ એક સત્ય અફળાયું. સમસ્ત વિશ્વમાં ધર્મ માનો તો ધર્મ અને આસ્થા માનો તો આસ્થાના નામ સાથે સંકળાયેલું એક જ મહાસાગરનું નામ છે અને તે હિંદ મહાસાગર..! હા, હિંદ મહાસાગરને બાદ કરતાં વિશ્વના એક પણ મહાસાગર કે સમુદ્ર -દરિયાનું અરે ખાડીનું નામ પણ ધર્મ કે આસ્થા આધારિત નથી. કૈલાસથી નીકળેલા માનવ સમૂહોએ પોતાની આસ્થાના બળે મહાસાગર (જ નહીં મહાસાગરો) સુધી પોતાનો વિસ્તાર કર્યો છે. આજે ‘હિંદુસ્તાન’ નથી પરંતુ હિંદ મહાસાગર યથાવત્ છે. દલીલો થાય છે કે પુરાણો કે વેદ સાહિત્યમાં હિંદુ શબ્દનું નિરૂપણ નથી, પરંતુ અનાદિકાળથી એક મહાસાગરના નામ સાથે ‘હિંદુ’ શબ્દ સંકળાયેલો છે તે સત્ય તરફ ધ્યાન આપવું રહ્યું. સિંધુમાંથી હિંદુ શબ્દ જન્મ્યો હોવાનું માનવાને કારણ ખરું? હા સિંધુ અને હિંદુને સંબંધ છે તે વાત સાચી. કરેલી યાત્રા વિશે વિચારવા બેઠો તો લાગ્યું કે મારી સ્થિતિ તો પાણીના પ્રવાહમાં તરતા મૂકી દીધેલા માટીના ઘટ જેવી હતી. પાણીની સપાટી પરની સફરમાં ઘટનું કોઇ પ્રદાન હોતું નથી. સદીઓથી રચાયેલા આસ્થાના પ્રવાહનાં મોજાં પર તણાતો તણાતો હું પણ રામેશ્વરમ પહોંચી ગયો હતો. સમુદ્રસ્નાન બાદ દેવાલયમાં અભિષેક માટે જવાનું હતું. રામેશ્વરમ વિશે : ૧૨૦૦ સ્તંભ, ૫૪ મીટર ઊંચા ગોપુરમની રચના સાથે ૧૨૨૦ મીટર ક્ષેત્રમાં દેવાલય પરિસર વિસ્તરેલું છે. રામેશ્વરમ એટલે દક્ષિણનું બનારસ. શ્રીલંકા અહીંથી ૨૪ કિ.મી.ના અંતરે જ છે. રામેશ્વરમ તે શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત ચાર પૈકીનો એક મઠ ધરાવે છે અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં પણ સમાવેશ થાય છે. ટાપુનો આકાર વિષ્ણુ ભગવાનના શંખ જેવો છે. લંકાવિજય બાદ રાવણના વધને કારણે થયેલી બ્રહ્નહત્યાના પ્રાયશ્વિત્ત માટે રામજીએ શિવપૂજા કરી હતી. આમ તો સ્થાપના-પૂજા માટે હનુમાનજીને શિવલિંગ લેવા કાશી મોકલાયા હતા, પરંતુ હનુમાનજીને આવતાં વિલંબ થતાં આખરે સીતાજીએ સમુદ્રતટે રેતીમાંથી જ શિવલિંગ રચના કરી હતી. ત્યારબાદ હનુમાનજી આવી પહોંચતા એ લિંગની પણ સ્થાપના કરી હતી. હનુમાનજી લાવ્યા હતા તે ‘વિશ્વમંગલમ્’ શિવલિંગની પ્રથમ પૂજા કર્યા બાદ સીતાજી દ્વારા સમુદ્રની રેતીમાંથી નિર્માણ પામેલા ‘રામલિંગ’ની રામજીએ પૂજા કરી હતી. ચિત્રાલને હવે કોણ બચાવશે? અઢી હજાર વર્ષમાં થયેલા કંઇ કેટલાંય આક્રમણો સામે ઝઝૂમીને હિંદુકુશના સૌથી ઊંચા (હા, સૌથી ઊંચા) શિખર તિરિચમીર (સંસ્કૃતમાં દેવમેરુ કહે છે)ની ઊંચાઇઓ અને તેની તળેટીમાં વૈદિકધર્મી કલશ કે કૈલાસ સમુદાય અને કાફિરિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા સમૂહ આજે પણ વસે છે. પાકિસ્તાન સરકાર પણ કહે છે કે ‘કલશ’ સમુદાય ટાઇમ ઇન્ફિનિટથી અહીં વસી રહ્યો છે. તિરિચમીર શિખર સુધી પહોંચવાનો માર્ગ (ગંગક્ષેત્રીની જેમ) વર્ષમાં છ મહિના ખુલ્લો અને છ મહિના બંધ રહે છે. આ વૈદિકધર્મી લોકોની ચોમેર પણ તેમનામાંથી જ ઇસ્માઇલી (આગાખાન) બનેલા લોકો વસતા હોવાથી તેમનો બચાવ થતો રહે છે. તિરિચમીર શિખર પર આ વૈદિકધર્મીઓ અલિ’ જીવન જીવી રહ્યા છે. આ સમુદાય જોશીપર્વ સહિતના વૈદિક પર્વો (વૈદિક એટલે જળપ્રલય પહેલાંનો ઋગ્વેદરચના કાળ. ઉદ્યાનપ્રદેશ એટલે કે જ્યાં ઋગ્વેદની રચના થઇ હતી. યુરોપે ગુલિસ્તાને યાદ રાખતાં નામ આપ્યું ગેલેશિયા) મનાવે છે. પ્રદેશની એક સરહદ અફઘાનિસ્તાનના કાફિરિસ્તાન (નુરિસ્તાન)ને સ્પર્શે છે, બીજી સરહદ પાકિસ્તાને કબજે કરેલા આપણા કાશ્મીરના બાલ્તિસ્તાન - ગિલગિટ પ્રદેશને સ્પર્શે છે અને બાકીની સરહદો પાકિસ્તાનને. કલશ સમુદાયની ભાષા છે કલશ. આ રાહે તેઓ કૈલાસને યાદ રાખીને બેઠા છે. કહેવાય છે કે તિબેટમાં બૌદ્ધધર્મનો પ્રસાર કરનારા પ્રથમ સાધુ આ પ્રદેશના જ હતા. આશ્રર્ય થશે કે ‘કલશ’ પણ યુરોપીય મૂળના દેખાય છે પરંતુ છે નહીં. (કદાચ યુરોપનાં મૂળ તેમનામાં રહેલાં છે.) રામવંશીઓ સાથે આ ગાંધર્વકુળના સમૂહે પણ યુરોપ ભણી કૂચ કરી હતી . યુરોપમાં આ સમૂહ ‘ગંડારિયન’ ( ગાંધર્વ ) તરીકે ઓળખાય છે. ફ્રાન્સમાં એક પ્રદેશનું નામ છે કલૈસ (calais). દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુરોપમાં શહીદ થયેલાઓને અંજલિ આપવા તાજેતરમાં નીકળેલી ભારતીય સૈન્યની મોટરસાઇકલસવાર ટુકડી પણ ફ્રાન્સના આ પ્રદેશમાંથી પસાર થવાની છે. તો આઇબેરિયા (વીરપ્રદેશ)ના સ્પેનમાં ગંડારા નદી અને ‘લા ગંડારા’ પ્રદેશ છે. આપણે આત્મા અને શરીરના બંધારણની વાત કરી ચૂક્યા છીએ. તિરિચમીર શિખર પર તો આજે ૧૦૦ ટકા આત્મા જ વસે છે. શરીર છે જ નહીં. આજે તિરિચમીર પરનાં તમામ દેવસ્થાનોનો ધ્વંસ થયો છે. રામ વનવાસે નીકળ્યા ત્યારે એક અવિભક્ત હિંદુસ્તાન છોડીને ગયા હતા. રામ પાછા ફરતાં રામ અને ભરતે મળીને ફરી અવિભક્ત હિંદુસ્તાનની રચના કરી દીધી હતી. રામ અને ભરત ૨૦૦૦ વર્ષથી ઝઝૂમી રહેલા વૈદિકકાલીન સમૂહોની વહારે જવાની સનાતન ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ સ્થિતિ એવી સર્જાઈ ૧૯૪૭ સુધીમાં તો હિંદુસ્તાનની પરિભાષામાંથી બહાર આવી જવા હિંદુસ્તાનીઓએ જ મન બનાવી લીધું અને ચિત્રાલના રૂપમાં સીતાના ત્યાગ સાથે રામ અંતર્ધ્યાન થઇ ગયા. (ક્રમશ:) રામ એક ખોજ-૨૮, ચંદ્રકાન્ત મારવાડી