ચંદ્રકાન્ત મારવાડી: રામેશ્વરમ ભણી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખરે એક દિવસે આંધ્ર પાર કરીને તમિળનાડુના પમ્બકમ પહોંચી રાત્રિ વિશ્રામ કર્યો . પમ્બકમમાં એક રાઇસ મિલમાં ઉતારો મળ્યો હતો. ઘણા દિવસે મારા પર કોઇકે વિશ્વાસ મૂક્યો હતો. હા, દેશ બદલાયો હતો અને લોકો પણ બદલાઇ ગયા હતા. રામેશ્વરમ જાણે કે મદદે આવ્યા હતા. હું તો ચિંતાઓ કરીને ‘સકટનો ભાર જેમ સ્વાન તાણે’ જેવી દશામાં જ હતો. કરજણથી અમરકંટકના માર્ગે ફંટાતા યાત્રાપથ લંબાતાં સમયાવધિ ચુકાઇ ગઇ હતી. શ્રાવણી પૂનમના દિવસે અભિષેક સંભવ નહોતો રહ્યો, પરંતુ વિચાયુઁ તો શ્રાદ્ધપક્ષ નજીક હતું. પિતાજીના શ્રાદ્ધના દિવસે અભિષેક કરવાની નેમ સાથે હું અંતર કાપવા લાગ્યો. નાણાકીય સ્થિતિ ચકાસવા હાથ પરનાં તમામ નાણાં પર નજર નાખવા વિચાર્યું. દંડકારણ્યથી જ ટિકિટ માટે પ્લાસ્ટિકની થેલીમાં અલગ મૂકેલા પાંચસો રૂપિયા કાઢીને જોયું તો હેબતાઇ ગયો. દંડકારણ્યમાં નાણાંને થેલામાં મૂક્યા બાદ તેના પર નજર નાખી જ નહોતી. વરસાદના કારણે થેલો પલળતાં ભેજના કારણે પ્લાસ્ટિકની થેલીમાં પડેલી ચલણી નોટો ફૂગ ચઢીને કાળી પડી ગઇ હતી. નોટોને ખુલ્લી હવા બતાવીને ફરી પેક કરી. નોટો ચાલશે કે નહીં તેની ચિંતાનો ઉમેરો થયો. ફૂગ લાગીને કાળી પડેલી નોટોને બાદ કરતાં ગણતરીનાં નાણાં રહ્યાં હતાં. હજી ૧૦-૧૨ દિવસ જમવાનું ખર્ચ કરવાનું હતું. આ ચિંતાઓ વચ્ચે જ ૧૦૦ ફૂટ બાયપાસ રોડ પર ચાલીને જ મદ્રાસ પાર કર્યું. આંબલિનાં વૃક્ષો સાથે હવે નાળિયેરીનાં વૃક્ષો ઉમેરાયાં હતાં. કેળ, શેરડી અને ડાંગરનાં લીલાછમ ખેતરો લહેરાતાં હતાં. આમ્રવૃક્ષોનું પ્રમાણ વધ્યું હતું અને મકાન પણ પાકાં હતાં. સવારે ભસ્મથી કપાળે ત્રિપુંડ કરવાની પરંપરા જોવા મળી. બજારો ફળફૂલની ખુશ્બૂથી ઉભરાતાં હતાં. ભરાવદાર હાર અને વેણી તે તમિળનાડુની વિશેષતા છે. ‘જય શિવિશવા’ કહી અભિવાદન થતું હતું. ગામેગામ શિવમંદિરો જોવા મળતાં હતાં. શૈવોનું વર્ચસ્વ લાગતું હતું. આંધ્રની જેમ અહીં પણ ગામેગામ વિવિધ રાજકીય પક્ષોના ધ્વજ માર્ગમાં એક હરોળમાં લહેરાતા હતા. કામરાજ અને એમ.જી. રામચંદ્રનની પ્રતિમાઓ પણ જોવા મળી. અહીં બધા લોકો અંગ્રેજી જાણે છે તે માન્યતા ભૂલભરેલી હતી. ભાષાનો પ્રશ્ન અહીં પણ હતો જ. ગાય બળદનાં શિંગડાનો આકાર બદલાઇ ગયો હતો. નૃત્યની મુદ્રામાં કોઇ નૃત્યાંગનાએ હાથ ઊંચા કર્યા હોય એવી રીતે ગાય બળદ પર શિંગડાં શોભતાં હતાં. વિસ્તારમાં શરણાઇનું મહત્વ જોયું. મૃદંગ -પખવાજની જેમ શરણાઇ પણ દક્ષિણનું વાધ્ય છે. મદ્રાસ પછીના માર્ગે સમાંતર રેલવેલાઇન હતી તેથી વિશ્રામ રેલવેસ્ટેશને જ કરી લેતો હતો. ધોધમાર વરસાદ અહીં પણ પીછો છોડતો નહોતો. પેડાગામ પછી આદિવાસી પટ્ટો શરૂ થયો. ફરી લંગોટધારી પુરુષો અને એકવસ્ત્રધારી નારી નજરે પડ્યાં. મને કહેવામાં આવ્યું કે ગાંધીજીએ આ વિસ્તારની મુલાકાત વખતે જ નાહીને ફરી એ જ સાડી પહેરતી નારીને જોઇને - પોતે પણ એકવસ્ત્ર ધારણ કરશે તેવી પ્રતજ્ઞા લીધી હતી. વિસ્તારમાં કદાચ હજી પણ ગરીબી હતી. પેડાગમ, મદુરાન્દગમ, અજિતસાગરના માર્ગે યાત્રા આગળ વધતી રહી. નાણાં તો ઠીક, સાથે રાખેલાં પોસ્ટકાર્ડ, કવર અને આંતરદેશીય પણ ખલાસ થઇ ગયાં હતાં. ઘેર ફોન કરું તો પેટમાં ઓરવા માટેનાં નાણાં પર કાપ પડે તેમ હતું. જોકે માર્ગ રમણીય હતો. તિરુચિરાપલ્લી હજી ખાસ્સું દૂર હતું ત્યારે ઘટેલી એક ઘટનાએ આસ્થાના ઘટ્ટ વાદળમાંથી વરસેલી છેલ્લી વર્ષાનાં દર્શન કરાવ્યાં હતાં. ભાદરવાની ગરમીનો અહેસાસ કરતો હું ચાલી રહ્યો હતો. ટ્રાફિક નહીવત્ હતો. મુદુરાન્દગમ નજીક ભેખડોમાં વળાંકવાળા માર્ગ પર એક હમઉમ્ર યુવાન મોટર સાઇકલ પાર્ક કરીને ઊભો હતો. મળી ગયેલા એ દેવદૂતની વાત આગળ કરીશું. કપિસા બન્યું કાફિરીસ્તાન...! સિકંદરના આક્રમણ સમયે ઉત્તર અને યુરોપ ભણી સ્થળાંતર કરી ગયેલા વૈદિકધર્મી સમૂહો અને સાતમી સદીમાં ઇસ્લામી આક્રમણ થતાં દક્ષિણ તરફ પહોંચેલા સમુદાયો વચ્ચેના કડીરૂપ પ્રદેશ કપિસાની આગળની દાસ્તાં સમજીએ. ૧૭૬૪માં બકસરના યુદ્ધમાં રોબર્ટ કલાઇવના વિજય સાથે અયોધ્યા આઝાદ થયું ત્યાં સુધીમાં એક સમયનું ‘કપિસાનગર’ કાફિરીસ્તાનમાં તબદીલ થઇ ચૂક્યું હતું. હા, કપિસા પ્રદેશને નવું નામ મળ્યું હતું ‘કાફિરીસ્તાન’. કારણ? કારણ એટલું જ કે સિકંદર, આરબો, ગઝનવી, ચંગેઝ, નાદિર, અબદલ્લી સહિતના આક્રમણખોરો અને સ્થાનિક અમીરો સામે ૨૦૦૦ વર્ષ સુધી ઝઝૂમતા રહીને ૧૩૦૦૦ ચો.કિ.મી.માં વસી રહેલા લોકો હજી વૈદિકધર્મ પાળતા જમીન સાથે જડાયેલા રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ કાફિરોનો દેખાવ યુરોપીય છે. આ કાફિરીસ્તાન સુધી પહોંચવા કહેવાતા અંગ્રેજો અને ભારતીય સિપાહીઓએ એક સદી ખર્ચી હતી. પ્રથમ બ્રિટિશ -અફઘાન વોર ૧૮૩૯-૪૨, ૧૮૮૦માં બીજું અફઘાન યુદ્ધ તો ૧૯૧૯માં ત્રીજું યુદ્ધ ખેલ્યું હતું. આ ત્રણ યુદ્ધોમાં માર્યા ગયેલા બ્રિટિશ અને ભારતીય સૈનિકોની સંખ્યા પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે માત્ર પ્રદેશો કબજે કરવા આટલું લોહી ના જ વહે. ૨૦૦૦ વર્ષ સુધી મૂળસ્થાને ઝઝૂમતા રહેલા સમૂહોની આઝાદી માટે ‘રામ’ અને ‘ભરત’ બંને રુધિર વહાવી રહ્યા હતા. બાકીનાઓને તેની સાથે કોઇ નિસ્બત નહોતી. પ્રથમ અફઘાન યુદ્ધ: ૧૮૩૯માં રણજિતસિંહને સાથે રાખીને આરંભાયેલો પ્રથમ અફઘાન જંગ તેમના મૃત્યુ (૧૮૩૯) પછી પણ ૧૮૪૨ સુધી જારી રહ્યો હતો. અંગ્રેજોએ એકલે હાથે જંગ જારી રાખ્યો હતો. ૧૮૪૨માં અફઘાનિસ્તાનમાં સ્થાનિકોનો બળવો થતાં બ્રિટિશ સેનાએ હિન્દુસ્તાન તરફની પીછેહટ શરૂ કરી. ૧૬૫૦૦ ભારતીય -અંગ્રેજ સૈનિકો અને પરિવારજનોના કાફલાએ બ્રિટિશ સરહદમાં પરત પહોંચવા ખૈબરના ઘાટોમાં ચાલવાનું શરૂ કર્યું હતું. ખૈબરના રસ્તે કડકડતી ઠંડી, ભૂખ, બીમારી અને ટ્રાઇબલ્સ દ્વારા થઇ રહેલા હુમલાએ તમામનો ભોગ લીધો હતો. માર્યા ગયેલા તમામ લોકોની યાતના સાંભળવા બચેલા એક માત્ર વ્યક્તિ એટલે સેનાના તબીબ ડૉ. બ્રાયડન ..! એક વહેલી સવારે ઘોડેસવાર ડૉ. બ્રાયડને જલાલાબાદ બ્રિટિશથાણા સુધી પહોંચીને બાકીના તમામ( હા .. તમામ) લોકો મોતને ભેટ્યા હોવાની દાસ્તાન સંભળાવી હતી. (ક્રમશ:) ચંદ્રકાન્ત મારવાડી, રામ એક ખોજ-૨૫