ચંદ્રકાન્ત મારવાડી: રામેશ્વરમ ધામમાં

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘રામસેતુ’ અને રામેશ્વરમની રક્ષાનો ભાર રામનાથપુરમના ‘સેતુપતિ’ રાજા હસ્તક હતો. ઢળતી બપોરે તિરુચિરાપલ્લી પહોંચતાં જ સીધો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. માર્ગમાં કાવેરી સ્નાન અને શ્રી રંગપટ્ણમ દેવાલયનાં દર્શનની તક પણ મળી હતી. પેલી ફૂગ લાગેલી ૫૦૦ રૂપિયાની નોટોની મદદથી તિરુચિરાપલ્લીથી ટિકિટ ખરીદવાની હતી. નોટોની કાળાશ દૂર કરવા પૂરો પ્રયાસ કર્યો હતો. ટિકિટ આપનાર વ્યક્તિ નોટ તપાસીને ૧૦માંથી માંડ પાંચ નોટ લેવા રાજી થતાં મેં મારી મુશ્કેલી કહેતાં આખરે છ નોટ લેવાઇ અને મને રામેશ્વરમ- મદ્રાસ અને મદ્રાસ-અમદાવાદની ટિકિટ મળી ગઇ. ઘેર પહોંચવા સુધીની ટિકિટ મળી જતાં હરખાઇ ગયો હતો. પછી તો તિરુચિરાપલ્લીથી રામેશ્વરમ તરફની વાટ પકડી. માર્ગમાં જ શ્રાદ્ધપક્ષની ચોથ આવી ગઇ. હજી અંતર એટલું બચ્યું હતું કે પિતાજીની શ્રાદ્ધતિથિએ પણ અભિષેક સંભવ નહોતો. સમયની ચોપાટ એવી ગોઠવાઇ હતી કે માતાની શ્રાદ્ધતિથિએ જ અભિષેક સંભવ બને. રામનાથપુરમ પાર કરીને પમ્બન પુલના છેડે પહોંચતાં જોયું કે તમિળ વ્યાઘ્રો સામે પુલના રક્ષણ માટે અર્ધલશ્કરી દળની કંપની તૈનાત હતી. પુલના છેડે તેમનો મુકામ હતો. બપોરનો વિશ્રામ અને ભોજન ત્યાં જ મળી ગયું. મારા પૂરા કદ જેટલો વહેલ માછલીનો દાંત ત્યાં જોવા મળ્યો. રામેશ્વરમ સાત કિ.મી. છેટે હતું. પ્લાટુનમાં જ ફરજ બજાવતા દક્ષિણ ગુજરાતના એક યુવાન સાથે ભેટો પણ થયો. પમ્બન પુલ એટલે રામેશ્વરમ દ્વીપને બાકીના ભારત સાથે જોડતો બે કિ.મી. લાંબો પુલ. રામેશ્વરમ પહોંચતા સુધીમાં સાંજ ઢળી ગઇ હતી. રામેશ્વરમ ધામ પહોંચતાં જ યાત્રીઓને ગાઇડ કરીને પેટિયું રળતા એક ભાઇએ મને દૂરથી જોઇને જ આવકાર્યો. તેમની આંખો કદાચ આવા પદયાત્રીને ઓળખવા ટેવાયેલી હતી. મારે પરિચય આપવાની જરૂર ના પડી અને તે ભાઇ મને વધુ પ્રશ્નો પુછ્યા વિના ધર્મશાળા ભણી દોરી ગયા. અહલ્યાબાઇ હોળકર ધર્મશાળામાં સરળતાથી વિસામો મળી ગયો. બીજા દિવસે અભિષેક કરીને સાંજે મદ્રાસ તરફની ટ્રેન પકડવાની હતી. સ્નાન કરીને રામેશ્વરમ અને સુંકુલમાં જ આવેલા પાર્વતીજી મંદિરનાં દર્શન કર્યાં. પાર્વતી મંદિરમાં એક પ્રવાસી કર્ણાટકી યુગલ ઊંચા સ્વરે સંસ્કૃતમાં સ્તુતિગાન કરી રહ્યું હતું. મને ઉત્તરપ્રદેશમાં એક સાધુએ કાવડયાત્રાના નિયમો સમજાવતા કહ્યું હતું કે કાવડયાત્રા ‘દો બાર કરની પડતી હૈ. પહેલી બાર જલ શિવકો ચઢતા હૈ ઔર દુબારા જલ દેવીકો ચઢતા હૈ.’ ઉત્તરપ્રદેશના સ્થાનિક કાવડયાત્રી જીવનમાં બે વાર કાવડયાત્રા કરે છે. રાતમાં ચાંદતારાના અજવાળે દરિયાકિનારે લટાર લગાવી. મંદિર આસપાસની જુજ મોંઘી હોટલોને બાદ કરતાં ટાપુ પર એકાંત અને અંધારું હતું. રસ્તા ધુળિયા હતા. મને કહેવામાં આવ્યું કે રામેશ્વરમ ધામ તો એક સમયે નાનકડી કુટિરમાં હતું. વિશાળ કદના ગોપુરમની રચના ધરાવતા દેવાલયની રચના તો રામસેતુના સંરક્ષક એવા રામનાથપુરમના રાજવીએ કરાવી હતી. રામસેતુના રક્ષણની જવાબદારી હોવાથી રામનાથપુરમના શાસકને ‘સેતુપતિ’ રાજા કહેવાતા હતા. હા ‘રામસેતુ’ અને રામેશ્વરમની રક્ષાનો ભાર રામનાથપુરમના‘સેતુપતિ’ રાજા હસ્તક હતો. રાતે મંદિર બહારના નાનકડા બજારમાં લટાર લગાવવા ગયો ત્યારે પણ પેલા ગાઇડભાઇ મળી જતાં એક દુકાન બતાવીને મને કહ્યું કે, ત્યાં સવારે તેમને મળતાં મને દેવાલયમાં અભિષેક માટે લઇ જશે. મોડે સુધી દરિયાકિનારે જ બેઠો રહ્યો. બચેલાં નાણાં પર નજર નાખી તો મારી પાસે ગણતરીના પરચૂરણ રૂપિયા અને ૫૦-૫૦ની કાળી પડી ગયેલી ચાર નોટ જ બચી હતી. કાફિરિસ્તાન બન્યું ‘નુરિસ્તાન’ અફઘાનિસ્તાનના અમીરે ૧૮૯૬માં કાફિરિસ્તાન પર હુમલો કરીને રાતોરાત બધાનું ફરજિયાત ધમાઁતરણ કર્યું હતું. લોકોને સીધું ફરમાન હતું કે ધમાઁતરણ કરો નહીંતર મોત માટે તૈયાર રહો. ૧૩૦૦૦ ચો.કિ.મી. વિસ્તારને રાતોરાત નવું નામ અપાયું હતું ‘નુરિસ્તાન’. જેમને મોકો મળ્યો તેટલા લોકો કાફિરિસ્તાન ત્યજી સરહદ પાર કરીને હાલના પાકિસ્તાનના સીમાડામાં આવેલા ચિત્રાલ પ્રદેશમાં વસતા સ્વધર્મીઓ પાસે પહોંચ્યા હતા. ચિત્રાલમાં બ્રિટિશરાજ હતું અને કાફિરિસ્તાનમાં વસી રહેલા સમૂહથી એક અલગ વૈદિકધર્મી સમૂહ ‘કળશ’ પણ ૨૦૦૦ વર્ષથી ઝઝૂમીને ચિત્રાલમાં હજી જીવી રહ્યો છે ( હાં આજે પણ છે..!). આમ તો ૧૮૯૫માં ચિત્રાલ ખાતે પણ અફઘાન અમીરના દોરીસંચાર હેઠળ બળવો થયો જ હતો, પરંતુ બ્રિટને તે બળવાને યુદ્ધ કરીને ખાળ્યો હતો. ૧૮૯૮માં તરાઇ અભિયાન છેડીને બળવો કરી રહેલા અફ્રિદીઓને પણ જેર કરવામાં આવ્યા હતા. દરમિયાન ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળે સરકાર અને પ્રજા બંનેની કમર તોડી નાખી હતી. છતાં બ્રિટને તમામ તાકત એકઠી કરીને ૧૯૧૯માં ત્રીજીવાર અફઘાનિસ્તાન પર આક્રમણ કરી દીધું. ત્રીજા અફઘાન યુદ્ધની નપિજ હતી દુરાન્દ રેખા. દુરાન્દ રેખાની આ પારનો પ્રદેશ એટલે ચિત્રાલ અને પેલે પારનો પ્રદેશ એટલે નુરિસ્તાન. આપણે કાફિરિસ્તાનનો જે નકશો જોયો તેમાં કળશ લખેલું છે તે જ ચિત્રાલ ખીણ પ્રદેશ. ત્રણ યુદ્ધો દરમિયાન કહેવાતા યુરોપવાસીઓ પહેલીવાર કાફિરિસ્તાન અને ચિત્રાલના સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્કોને પગલે જ રૂડયાર્ડ કપિલિંગે લઘુકથા લખી ‘ ધ મેન હુ વુડ બી કિંગ’. કાફિરિસ્તાનને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ લઘુકથા આધારે ૧૯૭૫માં આ જ નામે ફિલ્મ પણ બની હતી. ફિલ્મમાં સીન કોનેરી, માઇકલ કેઇન અને આપણા સઇદ જાફરીએ પણ ભૂમિકા નિભાવી હતી. રૂડયાર્ડ કપિલિંગની લઘુકથા વાંચશો (નેટ પર છે) તો ધરતીમાં સમાઇ રહેલી સીતાના છેલ્લા ચિત્કાર સંભળાશે. (આજની અફઘાન સમસ્યાને સમજવા પણ આ લઘુકથા વાંચવી જરૂરી છે.) ત્રીજા અફઘાન યુદ્ધની તવારીખ અથૉત્ ૧૯૧૯ પર નજર નાખશો તો એ વર્ષમાં જ ઓટ્ટોમન ખલીફા (આજના તુર્કસ્તાનના ખલીફા) પ્રેરિત ખિલાફત ચળવળ હિન્દુસ્તાનમાં શરૂ થઇ હતી. તે પછી તો કહેવાતા અંગ્રેજો કાફિરિસ્તાન માટે કદાચ કાંઇ ના કરી શક્યા! (ક્રમશ:) રામ એક ખોજ-૨૭, ચંદ્રકાન્ત મારવાડી