‘આનંદના ગરબા’ના સર્જક ભક્ત કવિ વલ્લભ ભટ્ટ

13 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભટ્ટજી ગુજરાતના માઇભક્તોમાં શ્રેષ્ઠ છે. બહુચરાજીમાં તેમનું સ્થાન આજે મોજૂદ છે.જ્યાં બેઠાં બેઠાં ભટ્ટજી બાળાયંત્રનાં દર્શન કરી શકતા હતા. શ્રી આદ્યશક્તિ બહુચર-બાળાના પરમ ઉપાસક અને ભક્તરાજ કવિ વલ્લભરામ ભટ્ટનો જન્મ અમદાવાદના નવાપુરા પરામાં ૧૬૯૬ના આસો સુદ ૮ના દિને થયો હતો. તેઓ મેવાડા બ્રાહ્નણ હતા. તેમના ઇષ્ટદેવ એકલિંગજી મહાદેવ છે. વલ્લભરામ અને ધોળારામ જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે યજ્ઞોપવીત આપવામાં આવી. વિદ્યા માટે નજીકમાં રહેતા પરમાનંદ સ્વરૂપ બ્રહ્નચારીજીને ત્યાં મૂકવામાં આવ્યા. નાની ઉંમર અને ગુરુજીની વધુ અપેક્ષાના કારણે બંને ભાઇઓ ભણી શક્યા નહીં. હા, બંને ભાઇઓ નમ્ર, વિવેકી અને શ્રદ્ધાળુ હતા. વિદ્યા અભ્યાસમાં નબળા લાગતાં ગુરુજીએ બંનેને રજા આપી. હા, ગુરુજીએ આપેલા નવાર્ણમંત્રના બીજાક્ષરોનો જપ અતિ શ્રદ્ધા-વિશ્વાસપૂર્વક કર્યા કરતા હતા. તેથી પાંચ વર્ષ, પાંચ માસ અને પચ્ચીસ દિવસ પછી તેર વર્ષની ઉંમરે તેઓ મંત્ર-જાપમાં તિલ્લન હતા ત્યારે ઝળહળતા પ્રકાશની ઝાંખી થઇ. બંનેએ માતાજીના અલૌકિ અને દિવ્ય સ્વરૂપનું દર્શન કર્યું. ગદગદ્ કંઠે માની સ્તુતિ કરી. જગતમાં અનેક લોકોનેય આનંદ મળે તે માટે તેમણે ‘આનંદના ગરબા’ની રચના કરી. શ્રી બહુચરાજીની અસિમ કૃપાથી વલ્લભજીએ ‘આનંદના ગરબા’ની રચના સંવત ૧૭૦૯ના ફાગણ સુદ ત્રીજે કરી. ગરબામાં આ વિગત છે. સંવત દસ શત્ સાત નેવું ફાલ્ગુન સુદેમા... તિથિ તૃતિયા વિખ્યાત શુભ વાસર બુધે મા.. આમ મા ભક્તોને ‘આનંદનો ગરબો’ મળ્યો. આનંદ થયો. ભટ્ટજીનાં લગ્ન વડનગરમાં થયાં હતાં. તેમને ચાર સંતાનો થયાં પરંતુ બધાં જ બાળકો તેમની હયાતીમાં મૃત્યુ પામ્યાં. ભટ્ટજી શક્તિ સંપ્રદાયના ભક્ત હતા. સનાતન ધર્મ અનુસાર શક્તિ પંચાયતને માનતા હતા. ભટ્ટજીએ ‘શ્રીચક્ર’નો ગરબો રચ્યો તેથી વામમાર્ગીઓએ બહુ હેરાન-પરેશાન કર્યા હતા એમ કહેવાય છે. તેઓને ‘શ્રીચક્ર’ ગરબો રચ્યાનો રંજ થયો! બંને ભાઇઓ બહુધા બહુચરાજીમાં રહેતા હતા. તેમની માતાનું અવસાન થયું ત્યારે તેઓ બહુચરાજીમા હતા. તેઓની માતાનું અવસાન થયું તેની જાણ માતાજીએ કરી અને કહ્યું : ‘તમારી માતા સ્વર્ગસ્થ થઇ છે.’ નાતવાળાએ ભટ્ટજીને ઉત્તરક્રિયા કરવા કહ્યું. ભટ્ટજીએ માતાજીને પ્રાર્થના કરી : ‘મા... હું તો નિર્ધન છું. મારાથી માની ઉત્તરક્રિયા થઇ શકશે નહીં...’ માતાજીએ કહ્યું : ‘હું તમારી સાથે છું...’ ભટ્ટજી અમદાવાદ ગયા. જ્ઞાતજિનોએ તેમનો ઉપહાસ કરવા માગશર મહિનામાં રસ-રોટલીનું જમણ માગ્યું. માતાજીએ સૌની ઇચ્છા પૂરી કરી. જ્ઞાતિએ ભટ્ટજીને પોતાના કરી સ્વીકાર્યા. આ પ્રસંગ સંવત ૧૭૩૨ માગશર સુદ ૮ નો છે.ભક્ત કવિ ભટ્ટજીએ લાંબા-ટૂંકા ગરબા, ભજન, કીર્તન, થાળ વગેરે રાગરાગણીમાં રચ્યાં. ગરબામાં માની ભક્તિ, શણગાર, શોભા, આનંદ, વીરતા વગેરે વર્ણવ્યાં. કવિની રચનાઓમાં આનંદ, ઉમંગ, ઝમક-દમકના ભાવ ભર્યા છે. ભટ્ટજી ગુજરાતના માઇભક્તોમાં શ્રેષ્ઠ છે. બહુચરાજીમાં તેમનું સ્થાન આજે મોજૂદ છે.જ્યાં બેઠાં બેઠાં ભટ્ટજી બાળાયંત્રનાં દર્શન કરી શકતા હતા. આજે બહુચરાજીની આરતી પછી ‘વલ્લભ ધોળાની જય’ એમ બોલાય છે. ભટ્ટજી આજેય માતાજીના પરમ ઉપાસક તરીકે પ્રથમ સ્થાને મનાય છે. માઇભક્ત, ભૂપતરાય ઠાકર