લાગે છે પત્નીના સ્તનમાં ગાંઠ છે તપાસ કેવી રીતે કરાવું?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન


સમસ્યા: મારી ઉંમર સત્તર વર્ષની છે. મારું લિંગ મારા મિત્ર કરતા પ્રમાણમાં નાનું છે તેને મોટું કરવાનો ઉપાય સૂચવવા વિનંતી. મને સેક્સની ઇચ્છા બહુ જ થાય છે. હસ્તમૈથુન સિવાય બીજો કોઇ વિકલ્પ સૂચવશો.

ઉકેલ: જેમ વ્યક્તિએ વ્યક્તિએ કાન, નાક, ઊંચાઇ વગેરે અલગ અલગ હોય છે તેમ ઇન્દ્રિયની લંબાઇ અને જાડાઇમાં પણ ફરક હોય છે. જેમ કાન-નાકની લંબાઇ અલગ અલગ હોવા છતાં સાંભળવામાં કે સૂંઘવામાં કોઇ તકલીફ પડતી નથી તે જ રીતે ઇન્દ્રિયની લંબાઇ કે જાડાઇમાં ફેરફારથી જાતીય આનંદમાં પણ ફરક પડશે નહીં. માટે અકારણ આ સરખામણી કરવાનું છોડી દેવું જોઇએ. આ ઉંમરે સેક્સના હોર્મોન્સનું ઉત્પાદન શરૂ થતું હોય છે. જેથી જાતીય ઉત્કંઠા અને ઇચ્છાઓ થાય તે સ્વાભાવિક છે. યોગ્ય સમયે થયેલું કામ હંમેશાં શ્રેષ્ઠ પરિણામ આપતું હોય છે. આ ઉંમર ભણતર તરફ ધ્યાન આપવાની છે. માટે જ્યારે પણ જાતીય ઇચ્છા થાય ત્યારે તેને દબાવવા કરતા હસ્તમૈથુન દ્વારા ઉત્તેજના શાંત પાડવી જોઇએ. હસ્તમૈથુનથી જાતીય ઇચ્છાઓ તો શાંત થશે જ સાથે સાથે એચ.આઇ.વી., એઇડ્સ, બીજા જાતીય રોગ તેમ જ બળાત્કાર અને કુંવારું માતૃત્વ જેવી ઘટનાઓમાંથી પણ છુટકારો મળશે. માટે આ ઉંમરે આપે હસ્તમૈથુન સિવાયના રસ્તાઓ વિચારવા પણ ન જોઇએ.

સમસ્યા: મારા લગ્ન થયા થોડાક જ દિવસો થયા છે. મારી પત્નીના જમણા સ્તનમાં એક ગાંઠ જેવો કડક ગાંઠ જેવો ભાગ છે. મેં મારી પત્નીને આ વિશે પૂછ્યું તો તે કહે છે કે આ ગાંઠ નથી. જો ગાંઠ હોય તો મને દુ:ખે અથવા દર્દ થાય. તેને કશું દર્દ નથી. તે કહે છે કે આ ત્રણ-ચાર મહિનાથી જ છે. ડોક્ટર પાસે જવાની તે ના પાડે છે. તો શું આ ગાંઠ કેન્સરની હોઇ શકે? આ ગાંઠના નિદાન માટે કયા ડોક્ટર પાસે જવું જોઇએ? આ ગાંઠ દવાથી જતી રહેશે? કે પછી ઓપરેશનથી કાઢવી પડશે? ડોક્ટર માલિશનું તેલ આપશે? જવાબ તાત્કાલીક આપશો.

ઉકેલ: ખરેખર આપની સમસ્યા ગંભીર છે અને તેને હળવાશથી ન લેવી જોઇએ. તત્કાલ આપ સર્જનને બતાવી દો. સ્તનમાં સિસ્ટ, ફાઇબ્રોએડીનામા, ફાઇબ્રોએડીનોસિસ જેવા અસંખ્ય રોગો થઇ શકે છે. કદાચ કોઇ ગંભીર રોગ ન પણ હોય પણ તે ડોક્ટરને જાતે જ નક્કી કરવા દો. તેમને જરૂર લાગશે તો ગાંઠમાંથી એક નાનો ટુકડો કાપી લેબોરેટરીમાં પણ તપાસ માટે મોકલી શકે છે. સ્તનનું કેન્સર જ્યારે સ્થાનિક હોય છે ત્યારે તેવા પ્રાથમિક તબક્કામાં શોધી શકાય તે અત્યંત અગત્યનું છે, કારણ કે જો તેની વેળાસર સારવાર કરવામાં આવે તો તેનો સંપૂર્ણ ઇલાજ થઇ શકે છે. તેથી વીસ વર્ષથી ઉપરની વયની તમામ યુવતીઓ અને સ્ત્રીઓ એક નિયમિત તંદુરસ્ત આદત તરીકે પ્રત્યેક મહિને સ્તનનું સ્વપરીક્ષણ કરે તે મહત્વનું છે.

માસિક સ્રાવ પછી તરત જ જ્યારે સ્તનો ઝૂકેલાં હોવાની સંભાવનાઓ નહીંવત્ હોય છે ત્યારે પ્રત્યેક મહિને તેવા સમયે સ્તનનું પરીક્ષણ કરવું જોઇએ. સ્તનોનું પરીક્ષણ કરતી વખતે સ્ત્રીએ અગાઉના પરીક્ષણ સાથે કોઇ પરિવર્તન તો થયું નથી ને તેની ખાસ કાળજી લેવી જોઇએ. આ તપાસ આપ યોગ્ય ડોક્ટર પાસેથી શીખી શકો છો.

જો કોઇ પણ અસામાન્યતા જણાય તો ગભરાઇ જવાની કોઇ જરૂર નથી, કેમ કે તમામ રસોળી અથવા અન્ય ફેરફાર કેન્સર હોતા નથી. જો કે સ્થિતિની યોગ્ય ચકાસણી માટે તબીબની સલાહ લેવી તે સલાહભર્યું છે. સ્તનના કેન્સરનો ઇલાજ છે અને વેળાસરનું નિદાન બહુ મોટો ફરક લાવી શકે છે. ખામીના વેળાસર નિદાન માટે સ્તનોનાં સ્વપરીક્ષણની એક તંદુરસ્ત ટેવ વિકસાવવી જોઇએ અને તે આજીવન ચાલુ રાખવી જોઇએ.