ઘટસ્ફોટ: ગુજરાતે બનાવ્યા હતા નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સ્વામી વિવેકાનંદને પોતાને કરવાના મહત્વના કાર્યનું ભાન ગુજરાતની પાવન ભૂમિ પોરબંદરમાં થયું હતું
-વઢવાણમાં સ્વામીજીને હિન્દુ શાસ્ત્રમાં રહેલી લગ્ન સંબંધની પવિત્રતાનો અહેસાસ થયો હતો
- સોમનાથ મંદિરનું ખંડેર જોઇને તેમને ભારતના ભવ્ય અતીતનો ખ્યાલ આવ્યો હતો
-સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવાની વિવેદાનંદને પ્રેરણા લીંબડીના ઠાકોર સાહેબે આપી હતી


ગુજરાતના ગૌરવભર્યા ઈતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ કેટલાય મહાપુરુષોનાં દિલ જીત્યાં છે. ગરવી ગુજરાતની આ મહાન ભૂમિ પર કેટલાય મહાત્માઓ જન્મ્યા છે અને તેણે કેટલાય મહાત્માઓ પર પોતાનો જાદુઇ પ્રભાવ પાડ્યો છે. ગુજરાતના આવા જાદુઇ પ્રભાવથી પ્રભાવિત થનારાઓમાં એક હતા, આપણા હૃદયમાં વિરાજેલા સંન્યાસી સ્વામી વિવેકાનંદ.

સમાજના બુદ્ધિજીવીઓ અને યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદનો દોઢસોમો જન્મદિન-૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય યુવા વર્ષ’ તરીકે ભારત સરકારે ઊજવવાનો નિર્ણય લીધો છે. સ્વામી વિવેકાનંદ શબ્દ કાને પડતાંની સાથે જ તેમનો તેજસ્વી ચહેરો અને પ્રભાવી વ્યક્તિત્વ નજરે પડે. શિકાગો ધર્મ પરિષદમાં તેમણે આપેલા અવિસ્મરણીય અને તેજાબી પ્રવચનને કારણે ભારતની અસ્મિતાનો દુનિયામાં ડંકો વાગ્યો એ તો જગજાહેર વાત છે પણ આ વિશ્વ વંદનીય સંતને શિકાગોમાં ધર્મ પરિષદ યોજાવાની છે એવી જાણ ગુજરાતની ભૂમિ પર થઇ હતી એ વાત ભાગ્યે જ કોઇ જાણે છે. સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક તરીકે ગુજરાતના વિવિધ સ્થળોએ થોડો સમય રહ્યા હતા અને અહીં જ તેમના વ્યક્તિત્વમાં ધરખમ પરિવર્તન આવ્યું હતું. તેમની વિચારક્રાંતિની શરૂઆત ગરવી ગુજરાતની ધરા પર થઇ હતી.સ્વામીજી ગુજરાતમાં ક્યાં રહ્યાં, કેવા કેવા દિગ્ગજો વિદ્વાનોને મળ્યા એને વિશે તેમણે શું ચર્ચા કરી? એ વિશે વિસ્તૃત સંશોધન સ્વામી નિખિલેશ્વરાનંદે કર્યું છે. તેમણે પોતાના બે દાયકા કરતા વધારે લાંબા સંશોધનની એક્સક્લુઝિવ માહિતી ‘દિવ્ય ભાસ્કર’ ને આપી છે. પ્રસ્તુત છે તેમના સંશોધનાત્મક લેખોની લેખમાળા...

વિશ્વના ઈતિહાસનાં પૃષ્ઠ પર ૯/૧૧ તારીખ અમર થઇ ગઇ છે. વીસમી સદીની સૌથી મોટી આતંકવાદી ઘટના આ દિવસે બની હતી. ક્રૂર આતંકવાદી ઓસામા બિન લાદેને આકાશમાંથી અગનગોળા વરસાવીને અમેરિકાની શાન જેવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટિ્વન ટાવરો ધ્વસ્ત કર્યા હતા. એ દિવસ હતો ૧૧મી સપ્ટેમ્બર. આ રક્તરંજિત દિવસ ઈતિહાસના પૃષ્ઠ પર અંકિત થઇ ગયો છે. ઈતિહાસના પાના પલટાવીએ તો એક નજર અમર ઘટના નજરે ચડે તે છે બરાબર બે સદી પહેલા પણ ૯/૧૧ તારીખ. ઈતિહાસમાં સુવણૉક્ષરે અંકિત થઇ હતી. પણ એ નિદોર્ષો માનવીના લોહીથી ખરડાયેલી નહોતી. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરના રોજ શિકાગોમાં યોજાયેલી હિન્દુ ધર્મસભામાં યુવાન સ્વામી વિવેકાનંદે સનાતન હિન્દુ ધર્મનો ઝંડો લહેરાવ્યો હતો. અને આ ઘટના પછી સમગ્ર વિશ્વમાં સ્વામીજી વિશ્વ વંદનીય બની ગયા હતા.

આ અતિ પ્રચલિત ઘટનાથી ઘણા લોકો વાકેફ છે પણ શિકાગોમાં ધર્મ પરિષદ યોજાઇ રહી છે એવી બાતમી સ્વામી વિવેકાનંદને ગુજરાતની ભૂમિ પર મળી હતી. સ્વામીજીના જીવન અને વ્યક્તિત્વ પર ગુજરાતનો પ્રભાવ ઘણો રહ્યો છે. તેમને ચોક્કસ વિઝન ન મળ્યું હતું આ ગરવી ગુજરાતની ધરતી પર સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું હતું. તેઓ રાજસ્થાનથી ફરતાં ફરતાં ગુજરાતમાં આવી પહોંચ્યા હતા. અહીં તેઓ અનેક મહાનુભાવોને મળ્યા હતા. સાહિત્યકારો વિદ્વાનો સાથે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતમાં ભ્રમણ દરમિયાન શું કર્યું? તેની વિગતવાર ચર્ચા આ લેખમાળામાં કરીશું.

પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે ગુજરાત ભ્રમણ દરમિયાન પોરબંદરના મહારાજાને કહ્યું હતું, ‘મારી પાસે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટેનું મિશન છે પણ એ બધું કેવી રીતે પાર પડશે અને પાર પડશે કે નહીં એ વિશે અત્યારે ચોક્કસ કશું જાણતો નથી.’ આમ સ્વામી વિવેકાનંદને પોતાને કરવાના મહત્વના કાર્યનું ભાન ગુજરાતની પાવન ભૂમિ પોરબંદરમાં થયું હતું. તેઓ વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે એવો અહેસાસ થયો હતો. તો સ્વામી વિવેકાનંદને દ્વારકા ભ્રમણ દરમિયાન પોતાનામાં રહેલી અગાધ શક્તિઓનો ખ્યાલ આવ્યો હતો. વઢવાણના રાણકદેવી મંદિરની મુલાકાત દરમિયાન સ્વામીજીને હિન્દુ શાસ્ત્રમાં રહેલી લગ્ન સંબંધની પવિત્રતાનો અહેસાસ થયો હતો. તદુપરાંત ભારતનાં ઉજજવળ ભાવિ વિશેનો બોધ પણ તેમને રાણક દેવી મંદિરના પ્રવાસ દરમિયાન થયો હતો.

પાલિતાણાના જૈન મંદિરોની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદે ભારતને એક વિશાળ મંદિર તરીકે જોયું હતું. તેમને મહાભારતની એટલે મહાન ભારતની કીર્તિ જોઇ હતી. ભવ્ય સોમનાથ મંદિરનું ખંડેર જોઇને તેમને ભારતના ભવ્ય અતીતનો ખ્યાલ આવ્યો હતો.

ગુજરાતમાં ફરતાં ફરતાં સ્વામીજી સૌરાષ્ટ્રના લીંબડી ગામે પહોંચ્યા. ત્યારે ત્યાંના ઠાકોર સાહેબે સ્વામીજીને પશ્ચિમમાં યોજાઇ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવા માટેની પ્રેરણા આપી હતી. ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત વિવેકાનંદે સૌપ્રથમવાર ગુજરાતમાં સાંભળી હતી. તેઓ ગુજરાતમાં વિદ્વાન પંડિત શંકર પાંડુરંગ પંડિતને મળ્યા. ત્યાં તેમની સાથે રહીને સ્વામીએ વેદનું ઊંડું અધ્યયન કર્યું અને તેમને સનાતન ધર્મની ભવ્યતાની કદર થઇ. આ ભવ્યતા સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવી જોઇએ એવું તેમને લાગ્યું.

ગુજરાતની ભૂમિ પર જ સ્વામીજીને એવી અનુભૂતિ થઇ કે ખરેખર ભારત જગતના દરેક ધર્મનું ઉદ્ગમ સ્થાન છે અને સર્વોચ્ચ ધર્મ સનાતન હિન્દુ ધર્મ છે. ગુજરાતમાં જ સ્વામી વિવેકાનંદના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વનું સર્વાંગી પરિવર્તન થયું. તેમના ગુરુભાઇ સ્વામી અખંડાનંદે નોંધ્યું છે કે ‘હું છેવટે માંડવી પહોંચ્યો...મેં જોયું કે સ્વામીજીના વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમના બદલાયેલા આ વ્યક્તિત્વના તેજથી આખો રૂમ ઝળહળી રહ્યો છે ગુજરાતમાં જ લીંબડીના ઠાકોર સાહેબે સ્વામી વિવેકાનંદને આફતમાંથી ઉગારી લીધા હતા અને તેમને નવજીવન બક્ષ્યું હતું. તેઓ જામનગરમાં ઝંડુ ભટ્ટને મળ્યા હતા અને તેમની ઉદારતાથી પ્રભાવિત થયા હતા. તેમણે કચ્છના રણમાં અદભુત અનુભવ થયો હતો. તેમણે મૃગજળ સગી નજરે જોયું હતું. તેમણે પોતાનો આ અનુભવ ન્યૂ યોર્કના એક પ્રવચનમાં વર્ણવ્યો હતો.

ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ. તેની શૌર્યભી ગાથાઓ, ભક્તિની અમરગાથા તેમજ સરવાણીએ કેટલાયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યા ઈતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ કેટલાય મહાપુરુષોનાં દિલ જીત્યાં છે. ગરવી ગુજરાતની આ મહાન ભૂમિ પર કેટલાય મહાત્માઓ જન્મ્યા છે અને તેણે કેટલાય મહાત્માઓ પર પોતાનો જાદુઇ પ્રભાવ પાડ્યો છે. ગુજરાતના આવા જાદુઇ પ્રભાવથી પ્રભાવિત થનારાઓમાં એક હતા, આપણા હૃદયમાં વિરાજેલા સંન્યાસી સ્વામી વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ, (૧૬ ઓગસ્ટ, ૧૮૮૬) પછી કોલેજના વિદ્યાર્થી નરેન્દ્રનાથ દત્તે ‘આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ’-ઇશ્વર સાક્ષાત્કાર અને શિવજ્ઞાનથી જીવસેવા એવા દ્વિતીય ઉદ્દેશથી પ્રેરાઇને સંન્યાસ ગ્રહણ કર્યો અને બન્યા સ્વામી વિવેકાનંદ. તેમના અન્ય ગુરુભાઇઓ રાખાલ, તારક, ગંગાધર, કાલી, શશી વગેરે બન્યા સ્વામી બ્રહ્નાનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ વગેરે. કલકત્તામાં વરાહનગરના એક ભૂતિયા મકાનમાં રામકૃષ્ણ સંઘના પહેલા મઠની સ્થાપના થઇ પણ ઇશ્વર સાક્ષાત્કાર માટેની તાલાવેલી તેઓને વારંવાર મઠમાંથી બહાર ખેંચી જતી. જુલાઇ ૧૮૯૦માં સ્વામી વિવેકાનંદ નીકળી પડ્યા સમસ્ત ભારતના ભ્રમણ માટે, ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરની અણજાણી મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા, એક હાથમાં દંડ, બીજા હાથમાં કમંડળ લઇ અને પોટલામાં ગીતા અને ‘Immitation of Christ’ વગેરે પુસ્તકો લઇ તેઓ એકલા નીકળી પડ્યા.

ક્યારેક ‘વિવેકાનંદ’ ક્યારેક ‘સચ્ચિદાનંદ’ તો ક્યારેક ‘વિવિદિશાનંદ’ આમ પોતાને છુપાવવા વિભિન્ન નામો ધારણ કરી, ‘પૈસાનો સ્પર્શ પણ નહીં કરું’, એવા સંકલ્પ સાથે, મોટે ભાગે પગપાળે અને ક્યારેક કોઇ ટ્રેનની ટિકિટ કરી આપે ત્યારે ટ્રેનમાં-આમ, તેઓ હિમાલયથી કન્યાકુમારી સુધી સમસ્ત દેશમાં (જુલાઇ ૧૮૯૦થી ડિસેમ્બર ૧૮૯૨ દરમિયાન) પરિવ્રાજકરૂપે ફર્યા. ગુજરાતનું કેવું સદભાગ્ય કે આ સમયગાળાનો સૌથી મોટો અંશ તેમણે ગુજરાતમાં ગાળ્યો! સપ્ટેમ્બર ૧૮૯૧માં તેમણે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો અને ૨૬મી એપ્રિલે, ૧૮૯૨માં તેમણે વડોદરા છોડ્યું ત્યાંસુધી તેઓ ગુજરાતના કેટકેટલા સ્થળોએ અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, ભૂજ, વેરાવળ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, માંડવી, પાલિતાણા, નડિયાદ, વડોદરા ઘૂમી વળ્યા. ગરવી ગુજરાતની એવી તે કઇ જાદુઇ અસર હશે કે જે સ્વામી વિવેકાનંદ જેવા મહામાનવને આટલા મહિનાઓ સુધી જકડી રાખે! સ્વામી વિવેકાનંદના જીવનમાં તેમનો ગુજરાત પ્રવાસ એક મહત્વપૂર્ણ અંશ બની રહ્યો અને ગુજરાત માટે? ગુજરાતના ઈતિહાસમાં તેમનો આ ગુજરાત પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ છે તેનું સંશોધન, આલેખન હજુ બાકી છે. આ સમયગાળામાં તેમણે પોતે શું મેળવ્યું અને ગુજરાતને શું આપ્યું તે ખરેખર તો મોટા સંશોધનનો વિષય છે.

અમદાવાદના સબ જજ લાલશંકર ઉમિયાશંકર, લીંબડીના મહારાજા યશવંતસિંહ, ભાવનગરના મહારાજા તખતસિંહજી, કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજા, પોરબંદરના મહારાણા વિક્રમાતજી, જૂનાગઢના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઇ, કચ્છના દીવાન મોતીલાલ લાલચંદ, વડોદરાના દીવાન મણિલાલ જશભાઇ વગેરે સાથે તેમણે દેશની, રાજ્યની જટિલ સમસ્યાઓ વિશે ચર્ચાઓ કરી હતી! વળી, આ બધી ચર્ચાની અસર ગુજરાતના વિકાસ પર અવશ્ય થઇ હશે. મણિલાલ નટુભાઇ િદ્વવેદી, ગોવર્ધનરામ માધવરાવ ત્રપિાઠી વગેરે ચિંતનશીલ સાહિત્યકારો પર અને તેમના સાહિત્ય પર સ્વામી વિવેકાનંદનો કેવો પ્રભાવ પથરાયો હશે! આ બધું પણ સંશોધનને યોગ્ય કાર્ય છે. આ લેખમાં તો આપણે ઉપલબ્ધ સામગ્રીના આધારે સ્વામી વિવેકાનંદના ગુજરાત પ્રવાસનું શક્ય તેટલું પણ સંક્ષેપમાં વર્ણન કરીશું. જો કે એ વાત સ્વકારવી જ રહી કે આજે એક્સો વર્ષ પછી સ્વામીજીના પ્રવાસને લગતી વિસ્તૃત માહિતી એકઠી કરવી એ અત્યંત દુષ્કર સંશોધન કાર્ય છે. પણ આ લેખ આવા સંશોધન કાર્ય કરવામાં કોઇને પ્રેરક બને, તો અમારું આ લેખન કાર્ય સાર્થક થશે.

પોતાના શિષ્ય ખેતડીના મહારાજા સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ ઓક્ટોબર ૧૮૯૧માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં હરબિલાસ શારદા અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે બે અઠવાડિયા ગાળ્યા પછી તેઓ અમદાવાદ ભણી વળ્યા. જૂના જમાનામાં કર્ણાવતી તરીકે ઓળખાતું અમદાવાદ ગુજરાતના સુલતાનોનું પાટનગર હતું અને દેશના સુંદરમાં સુંદર શહેરોમાં તેની ગણના થતી.

અમદાવાદ પહોંચી સ્વામી વિવેકાનંદે થોડા દિવસો ભિક્ષાવૃત્તિથી ચલાવ્યું. એક દિવસ અમદાવાદના સબજજ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી અમદાવાદ રેલવે સ્ટેશનથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે પીપળાના વૃક્ષ નીચે આ ભવ્ય સંન્યાસીને બેઠલા જોયા. આ સંન્યાસીના પ્રશાંત મુખમંડળનાં દર્શન માત્રથી તેઓ પ્રભાવિત થઇ ગયા અને તેમની પાસે જઇને તેમની સાથે વાતચીત શરૂ કરી. થોડીવારની વાતચીતથી જ તેમને ખબર પડી કે આ સંન્યાસી ફક્ત અંગ્રેજીમાં જ પારંગત નથી, પણ જ્ઞાનનું કોઇપણ ક્ષેત્ર તેમની બૌદ્ધિક પ્રતિભાની સીમાની બહાર નથી, આ સંન્યાસીની અસામાન્ય મેધા અને તેમના શાસ્ત્ર જ્ઞાનથી મુગ્ધ થઇને તેમણે તેમને પોતાને ઘેર રહેવાનું નિમંત્રણ આપ્યું. બંને ઘોડાગાડીમાં બેઠા અને થોડી જ વારમાં લાલશંકરના ઘેર (૩૬, અમૃતલાલ પોળ, ખાડિયા) પહોંચી ગયા. ઘર મોટું હતું, તેમ છતાં સ્વામી વિવેકાનંદને પોતાના ધ્યાન અને સ્વાધ્યાય માટે અનુકૂળ શાંતિમય વાતાવરણ ન મળવાથી લાલશંકર આ સૌમ્ય સંન્યાસીને પોતાના બીજા ઘેર એલિસબ્રીજના ટાઉનહોલની પાછળવાળા ઘરે લઇ ગયા. અહીં તેમને સાંભળવા લોકોનો મેળો જામતો. વેદ, દર્શન અને અન્ય વિષયો પરના તેમના પ્રવચનોથી લોકો મુગ્ધ બની જતા.

અમદાવાદમાં સ્વામી વિવેકાનંદજીએ ઘણાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. જૈન મંદિરોની અને મિસ્જદોની કલા સમૃદ્ધિથી તેઓ પ્રભાવિત થયા. વિદ્વાનો પાસેથી તેમણે જૈનધર્મ વિશે ઊંડું જ્ઞાન મેળવ્યું. આમ લગભગ ૧૧ દિવસો ગાળી સ્વામીજીએ વઢવાણ તરફ પ્રયાણ કર્યું.

(ક્રમશ:)

(લેખક રામકૃષ્ણ મઠ-મિશન- વડોદરાના અધ્યક્ષ છે.)

શું મંદિરે જવાથી જ ઈશ્વરની આરાધના થઈ શકે, ઘરે બેઠા નહીં?
યુવાપેઢીના પ્રશ્નોનું નિરાકરણ લાવશે સ્વામી નિખિલેશ્વરાનંદજી
શિકાગો ધર્મસભામાં માટે ગુજરાતે સ્વામી વિવેકાનંદને કર્યા હતા તૈયાર