ગુજરાતના આ રણપ્રદેશની વાત જ કંઇક છે નિરાલી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમને કુદરતે રચેલી સૌંદર્યતામાં વિહરવાની ઇચ્છા થતી હોય, પ્રાણીઓ અંગે જાણકારી મેળવવાની ઉત્સુક્તા હોય તો તમારે અમદાવાદથી 125 કી.મી દુર આવેલા કચ્છના નાના રણની મુલાકાત લેવી જોઇએ. અન્ય રણપ્રદેશોની સરખામણીએ ગુજરાતના આ રણપ્રદેશની વાત જ કંઇક નિરાલી છે. સમુદ્રનું ખારુ પાણી ખસી જવાથી આ ભાગ ખુલ્લો રહી ગયો છે. અહીં વરસાદી પાણી પડ્યાં બાદ છીછરો જળવિસ્તાર બની જાય છે. જેમાં ઉછળકૂદ કરતાં સુરખાબ અને ખારા પાટમાં દોડતા ઘુડખર પ્રાણીની મોજ-મસ્તી તમને કંઇક અલગ અને અનેરો આનંદ બક્ષી જશે.

કચ્છ નાના રણની ધરતીનો બેફિકર 'બાદશાહ' ઘુડખર

કચ્છના આ પ્રદેશમાં વસતા ઘુડખર અંગે વાત કરીએ તો આફ્રિકાથી છૂટા પડેલા ભુભાગનું એશિયા સાથે જોડાણ થયું અને આ પ્રજાતિનું એશિયામાં સ્થળાતંર થયું. તેમને અહીંના વાતાવરણ સાથે અનુકુલન થતાં તેમના શરીર પરથી ઝીબ્રા જેવા કાળા-સફેદ પટ્ટાનો નાશ થયો અને ભુભાગ-પર્યાવરણને અનુરૂપ ભુખરા કથ્થાઇ અને સફેદ રંગના ધબ્બા થઇ ગયા.

આ પ્રાણીની ફીટનેસ પણ ગજબની છે. 0 સે. તાપમાનની ઠંડી હોય કે પછી 47 સે. તાપમાનની અસહ્ય ગરમી હોય. ધગધગતા સૂર્યના પ્રકોપ વચ્ચે પણ આ પ્રાણી 80થી 110 કી.મીની ઝડપે દોડવાની ગજબની ફીટનેસ ધરાવે છે. આ એક એવું સંપૂર્ણ શાકાહારી પ્રાણી છે કે જે વિષમમાં વિષમ પરિસ્થિતિમાં તંદુરસ્ત રહીને આનંદ અને મોજમાં ચપળતા દાખવતું બેફિકર પ્રાણી છે. આમ તે ઘુડખરને ગધર્ભની જેમ મુર્ખ પ્રાણી જ ગણવામાં આવે છે પરંતુ તે તેવું નથી.

સૌંદર્ય પ્રેમીઓએ કેવી રીતે પહોંચવુ?

ભૌગોલિક સૌંદર્ય, પ્રાણી-પક્ષી સૃષ્ટિનો વૈભવ ધરાવતી આ જગ્યા અમદાવાદથી નૈઋત્ય બાજુએ(પશ્વિમ-દક્ષિણ દિશા વચ્ચે) આશરે 100 કી.મી. દૂર આવેલું છે. અમદાવાદથી ધ્રાંગધ્રા જાઓ ત્યારે ધ્રાંગધ્રા બાયપાસથી હળવદ તરફ વીજ સ્ટેશનથી ડાબી બાજુ 10 કી.મી દૂર કીડીગામથી આ રણની શરૂઆત થાય છે. ત્યાં જવા માટે બજાણા-માલવણ ચોકડી પર વન્ય વિભાગની કચેરીમાંથી ઘૂ઼ડખર અભ્યારણ્યની પરવાનગી મેળવવી પડે છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, વન્ય વિભાગ, બજાણા, (ફોન નં ઓફિસ) ૦૨૭૫૭-૨૨૬૨૮૧

વાહનવ્યવહારની સુવિધા

આ સ્થળે તમે તમારા ખાનગી વાહન દ્વારા પણ જઇ શકો છો. પરંતુ જો તમે ખાનગી વાહન દ્વારા જતા હોવ તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે અહીં રણમાં(મૃગજળ) જાંજવાના નીરને કારણે તથા ક્ષિતિજે –જમીન-આકાશ એક થઈ જતા હોવાથી દિશા તથા બાજુનું જ્ઞાન રહેતું નથી તેથી રસ્તો ભૂલી જવાનો ડર રહે છે. ઘૂડખરને નિહાળવા માટે કોઇ ચોક્કસ જગ્યાઓ બનાવવામાં આવી નથી. એટલે કે ઘૂ઼ડખરને નિહાળતા નિહાળતા તમે રસ્તો ભૂલી શકો છો. વાહનના ઈંધણ તથા પીવાના પાણીની સમસ્યા થઈ શકે છે. આ માટે તમારે ગાઇડની મદદ લેવી જોઇએ. આ ઉપરાંત આ સ્થળે પહોંચવા સરકારી બસ, છકડા, જીપ સહિતના પ્રવાસી વાહનો મળી શકે છે.

શું પહેરવું અને શું લઇને જવું?

જો તમે યોગ્ય રીતે પ્રાણી અને પક્ષી દર્શન કરવા ઇચ્છતાં હોવ તો તમારે પર્યાવરણ અને વાતાવરણ અનુકુળ વસ્ત્રો પહેરવા જોઇએ. જેમ કે, કોટન રાઉન્ડ કેપ, ગોગલ્સ, ફુલસ્લીવ કોટન વસ્ત્રો(ગ્રીન-સફેદ રંગ યોગ્ય રહે તો) સ્કાર્ફ, વોટર બોટલ, બાયનોક્યુલર, કેમેરા, રાત્રે અવકાશમાં તારા દર્શન માટે ટેલિસ્કોપ.

(રાત્રી રોકાણ અને જમવા તથા ગાઈડની સુવિધા માટેના સંપર્ક સુત્રો)

૧. દેવજીભાઈ ધામેચા ,“ડી.પી. આર્ટ હાઉસ”, “દેવ કૃપા”,જીન પ્લોટ, મોતીલાલ હોસ્પિટલની પાસે, ધાંગધ્રા, ફોન નં -૯૧ -૦૨૭૫૪-૨૮૦૫૬૦, (M) ૦૯૮૨૫૫ ૪૮૦૯૦ (દેવજીભાઈ) Email:ecotourcamp@gmail.com

૨. રણ રાઈડર્સ,દસાડા, જિલ્લો- સુરેન્દ્ર નગર પીન કોડ: ૩૮૨૭૫૦ ફોન નં: ૯૧-૨૭૫૭- ૨૮૦૨૫૭ ૯૧-૨૭૫૭-૨૮૦૪૫૭ (M)૦૯૯૨૫૨ ૩૬૦૧૪,૦૯૯૨૫૨ ૩૬૦૪૪ E mail: rann-riders@usa.net ૩. રન રાઈડર્સ,દસાડાના બુકીંગ માટે: નોર્થ વેસ્ટ સફારી: ૧૧૩,કામધેનુ કોમ્પ્લેક્ષ, સહજાનંદ કોલેજ સામે, પાંજરાપોળ પાસે,, અમદાવાદ-૩૮૦૦૧૫, ફોન નં -૯૧ ૭૯ ૨૬૩૦૮૦૩૧, ૯૧ ૭૯ ૨૬૩૩૦૨૦૧૯, ફેક્સ: ૯૧ ૭૯ ૨૬૩૦૦૯૬૨

૪. ગુજરાત ટુરીઝમ (તપાસ કરી જવું), બજાણા,માલવણ ચોકડી પાસે.

નોંધઃ- મ્યુઝિક કે ઘોંઘાટ કરતા સાઘનો પ્રકૃતિની સૌંદર્યતા નિહાળવામાં વિક્ષેપ પાડી શકે છે.

લેખક ભાવેશ એદ્રા કુદરતી સૌંદર્ય પ્રેમી છે અને ગુજરાત સરકારના કર્મચારી છે.