જાણો છો, ગુજરાતમાં ફાફડા-જલેબીનું કોમ્બિનેશન કોણે આપ્યું?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની 26મી ફેબ્રુઆરીએ જન્મજંયતિ હતી. અમદાવાદની 601મી જન્મજયંતિ નિમિત્તે દિવ્યભાસ્કર ડોટ કોમ અમદાવાદની વર્ષો જુની અને પહેલીવાર શરૂ થયેલા રેસ્ટોરાં અંગે જણાવી રહ્યું છે.

ફાફડા અને જલેબી આજે અમદાવાદ સાથે એવા જોડાઇ ગયા છે કે વર્ષે કરોડોનો ધંધો થાય છે. અમદાવાદીઓને ફાફડાની સાથે સાથે જલેબીનું કોમ્બિનેશન કરવાનો શ્રેય 'ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ'ના સ્થાપક ચિમનલાલ હેમરાજ જોષીને જાય છે. દશેરાના રોજ રજા રહેતી હોવાથી લોકો ચંદ્રવિલાસમાંથી ફાફડા-જલેબી લાવી કુંટુબના સભ્યો સાથે આરોગતા પછીથી તો ચલણ જ શરૂ થઇ ગયું અને દર દશેરાએ ચંદ્રવિલાસની બહાર લાંબી કતારો લાગવા લાગી. ફાફડા જલેબી આ રીતે દશેરા સાથે જોડાઇ ગયા અને આજે તો અમદાવાદમાં નાકે નાકે દુકાનો જોવા મળે છે. એક સમયે આ રેસ્ટોરાંમાં 25 જેટલી જુદા જુદા સ્વાદની ચા મળતી હતી અને તે પીવા માટે લોકો દુર-દુરથી આવતા હતા. એખ નાનકડી ચાની રેંકડીમાંથી શરૂ થયેલું અમદાવાદનું સર્વપ્રથમ રેસ્ટોરાંની લગભગ 110 વર્ષની સફર રોમાંચક છે.

1861માં શાહપુર વિસ્તારમાં રણછોડલાલ છોટાલાલે અમદાવાદની સર્વપ્રથમ કાપડની મિલ શરૂ કરી, ત્યારબાદ તો એનેક મિલો સ્થપાઇ અને અમદાવાદ વેપાર- વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર તરીકે ક્રમશઃ વિકાસ પામ્યું. મિલ ઉદ્યોગની સાથે સાથે અનેક નાના- મોટા ઉદ્યોગો તેમન વેપાર, રોજગાર વિકસ્યા. મિલોની બહાર પાન-બીડીના ગલ્લા, ચાની લારી, ભજીયા-નાસ્તાની લારી કે કટલરીનો સામાન મળવા લાગ્યો. રિસેસ કે છુટવાના સમયે લારીઓનું બજાર ભરાતું અને પગારના દિવસે તો ખાસ. આ રીતે 'મિલ કલ્ચર'નો વિકાસ થયો. વળી પાનકોરનાકાથી રેલવે સ્ટેશનને જોડતો આજનો ગાંધી રોડ એ સમયે 'રિચી રોડ' કહેવાતો હતો, તેનો વિકાસ થયો. રિચી રોડની નજીક માણેક ચોકનું મુખ્ય બજાર અને શેર બજાર હતું.

19મી સદીના અંતમ દશકામાં રિચી રોડ પર ચાર યુવાનોએ મળીને ચાની રેંકડી શરૂ કરી. ફૂટપાથ પર શરૂ થયેલો આ પ્રયોગ નિષ્ફળ જતાં ત્રણ સાથીઓ રાજીખુશીથી છુટા પડ્યા. હવે ચિમનલાલ હેમરાજ જોષી એકલા રહીં ગયા. નસીબ આડેનું પાંદડુ ખસી ગયું અને ચાની કિટલીઓ ખાલી થવાં લાગી. ચા સાથે ટોસ્ટ, બિસ્કિટ, નાનખટાઇ અને નાસ્તો વેચવાનો શરૂ કર્યો. ધીરે-ધીરે રેંકડી જામી ગઇ.બે રૂપિયા કમાયા એટલે ચિમનલાલને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો વિચાર થયો. એટલે નજીકની એક દુકાન ભાડે લેવામાં આવી. ગ્રાહકો બેસીને ચા-નાસ્તો કરી શકે તે માટે મેજ-ખુરશી બનાવવામાં આવ્યા. સન 1900ની આશપાસ શહેરની પ્રથમ રેસ્ટોરાં આ રીતે શરૂ થઇ.

મૂળ સિદ્ધપુરના વતની ચિમનલાલના પૂર્વજો અનેક સદીઓ પહેલાં ઉદયપુર પાસે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રીનાથજીથી 13 કિ.મી. દૂર આવેલા બામેડા ગામમાં વસ્યા હતા. ચિમનલાલનો જન્મ પણ આ જ ગામમાં થયો હતો. એક દિવસ કિશોર ચિમનલાલને નસીબ અજમાવવાનો વિચાર થયો અને તેમણે અમદાવાદની વાટ પકડી. આ પહેલા ક્યારેય નગર જોયું ન હતું. તેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર બેઠા-બેઠા વિચારતા હતા ક્યાં જવું? એટલામાં એક સજ્જનની નજર તેમના પર પડી. આ કિશોર તેમને સારા ઘરનો લાગ્યો. કદાચ તે ઘરથી નાસીને આવ્યો હોય તેમ લાગ્યો. પરંતુ નસીબ અજમાવવા નિકળેલા કિશોરનો આત્મવિશ્વાસ જોઇને તે સજ્જન રાજી થયા અને પોતાની સાથે ચિમનલાલને લઇ ગયા. ચિમનલાલને પહેલાથી જ રસોઇ કરવાનો શોખ હોવાથી ત્યાં રસોઇ કરવા લાગ્યા.

એક દિવસે તે સજ્જને ચિમનલાલનો હાથ જોયો. હાથમાથી ધન રેખા જોઇને તેમને ચિમનલાલને સલાહ આપી કે તારે ઘણું આગળ વધવાનું છે અને મારે તારી સેવા લેવી નથી. તુ મહેનત કર અને આગળ વધ. અને ચિમનલાલનો આશ્રય પણ જોતો રહ્યો, છતાં તે નાસીપાસ થયા નહીં અને ત્રણ સાથીઓની સાથે ચાની રેંકડી શરૂ કરી. જે નિષ્ફળ જતાં ત્રણ ભાગીદારો સ્વેચ્છાએ નિકળી ગયા અને ચિમનલાલની રેંકડી જામી ગઇ. ચિમનલાલે પોતાના જુના સાથીઓને ફરીથી બોલાવ્યા, પણ તેઓ પાછા જોડાયા નહીં. પાછળથી ચિમનલાલે 'ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ' શરૂ કરી.

ચંદ્રવિલાસની ચા એટલી વખણાઇ કે તે પીવા માટે મોટા શેઠિયાઓ પણ આવતા હતા. સાથે સાથે ફાફડા-જલેબીની લહેજત પણ માંણતા. મણના હિસાબે દુધ આવતું હતું. એક સમયે ચંદ્રવિલાસની ચાની એટલી બધી માંગ વધી ગઇ કે ચિમનલાલે પાણી ઉકાળવા માટે પિત્તળનું ખાસ બોઇલર બનાવડાવવું પડ્યું હતું. એટલું બધુ દુધ આવતું હતું કે તેની ખુબ જ મલાઇ ઉતરતી. હવે ગ્રાહકો માટેની નવી વાનગી 'મલાઇ જલેબી' શરૂ થઇ. બાદશાહી, ડબલ કડક, લિપ્ટન, બોર્નવિટા, ડબલ પાણી વગેરે જાતજાતની ચા બનતી. ચંદ્રવિલાસનું મસાલાવાળું દુધ વખણાતું હતું. ચા-નાસ્તાની સાથે સાથે આઇસ્ક્રીમ પણ બનાવવામાં આવતો. રેસ્ટોરાં જામી ગયા બાદ ગુજરાતી થાળીની શરૂઆત થઇ.

હવે તો આ જ માર્ગ પર અન્ય રેસ્ટોરાં શરૂ થઇ ચુક્યા હતા. જેમની સ્પર્ધા ચંદ્રવિલાસ સાથે શરૂ થઇ. હરીફોએ એખ સંપ થઇને પોતાની થાળીના ભાવ ઘટાડ્યા. જેની અસર ચંદ્રવિલાસ પર ચોક્કસ થઇ. વિરોધીઓનો ધંધો વધ્યો પણ તેમને ગુણવત્તા સાથે છૂટછાટ લેવાની શરૂ કરી. જ્યારે અડગ ચિમનલાલે કોઇપણ જાતની બાંધછોડ કર્યા વગર ગુણવત્તા જાળવી રાખતા ગ્રાહકો થોડાક જ દિવસોમાં પાછા ફર્યા.

ચંદ્રવિલાસના ફાફડાની ચટણી એટલી લોકપ્રિય થઇ કે ગ્રાહકો વાટકી ઉપર વાટકી ચટણી માંગતા. ''ગ્રાહક સંતોષ'' ચિમનલાલનો મહામંત્ર હોવાથી તેઓ ગ્રાહક માંગે તેટલી ચટણી આપતાં. પછીથી તો ચંદ્રવિલાસની જાહેરાત અમદાવાદના જુદા-જુદા અખબારોમાં પ્રસિદ્ધ થવા લાગી. આ ચિમનલાલનો કેટલો જુનો પ્રયોગ છે, તેનો પુરાવો લાઇટ બીલ છે. જેમાં ગ્રાહક નંબર- 53 દર્શાવવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકનું નામ 'જોષી ચિમનલાલ હેમરાજ, ચંદ્રવિલાસ હિન્દુ હોટલ, ગાંધી રોડ, અમદાવાદ-1' દર્શાવ્યું છે. જે તેનું અસલ નામ સુચવે છે.

આવી જ એક યાદગાર રેસ્ટોરાં છે, દિલ્હી ચકલા વિસ્તારની 'રેડિયો હોટલ' એખ જમાનામાં આ રેસ્ટોરાંમાં જાપાનીઝ રેડિયો રાખવામાં આવતો હતો અને સાંભળવા માટે ગ્રાહકો ખાસ આવતા હતા. 'રેડિયો હોટલ'ની સોડા ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, એ જમાનામાં સમાજમાં ઉચનીચનો ભેદભાવ ખૂબ જ જોવા મળતો હતો. 1932માં અંત્યજો માટે હોટલ પ્રવેશ કાયદો પ્રસાર કરવામાં આવ્યો અને અમદાવાદમાં હોટલ પ્રવેશ સત્યાગ્રહ થયો હતો. હોટલ માલિકોએ 1926માં પોતાનું યુનિયન બનાવ્યું હતુ. જેમાં 50 જેટલા સભ્યો જોડાયા હતા. એ સમયે અમદાવાદમાં મુસ્લિમ હોટલ માલિક મંડળ અને શિખ હોટલ માલિક મંડળ હતા. જે 1963માં ' હોટલ ઓનર્સ એસોસિએશન'માં ભળી ગયાનું નરેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ જણાવે છે.

ચિમનલાલ જોષીનો સ્વર્ગવાસ થે ચારેક દાયકા થયા પણ તેમણે સ્થાપેલ 'ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ' અને ફાફડા-જલેબીનું કોમ્બિનેશન તેમની સ્મૃતિરૂપે કામય છે. દશેરાના દિવસે ફાફડા-જલેબીની જેમ ઉતરાયણના રોજ ચંદ્રવિલાસનું ઉંધિયું એટલું જ લોકપ્રિય છે! જો કે, મકરસંક્રાતિએ ઉંધિયું ખાવાની શરૂઆત ક્યારથી થઇ તે પણ સંશોધનનો વિષય છે!

નોંધઃ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ અને અમદવાદ- 600 નિમિત્તે દિવ્યભાસ્કર દ્વારા પ્રકાશિત અને ડો. રિઝવાન કાદરી સંશોધિત 'પ્રથમના પગરણ'માંથી

Related Articles:

અમદાવાદીની 'Happinezz'નો સ્વાદ ચાખતી થઈ આખી દુનિયા
પૈસા ખર્ચીને અમદાવાદીઓએ 'મોતની એર ટિકિટ' ખરીદી!