‘વહેલા આવવું જોઈએ ને બોસ! અમે તો નાહી પણ લીધું’!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમને પીચકારીઓ અને રંગ વેચનારની લારીઓ જોઈ ને લખલખું આવી જતું હોય, બગીચામાં પાઇપથી પાણી છાંટતો માળી તમને પલાળી મુકશે એવો છુપો ડર રહેતો હોય, કોઈ તમને બાથ ભીડીને ચાર-રસ્તા વચ્ચેના ફુવારાના હોજમાં નાખી દેશે એ ભયે તમારા ધબકારા વધી જતા હોય..... તો મિલાવો હાથ! તમે મારી ટીમમાં! મને પણ એવું જ થાય છે અને ધુળેટીના દિવસેતો એ ભય સાચો પણ પડે છે! તમે નહીં માનો, પણ ધુળેટીના દિવસે દુષ્ટ રાક્ષસોની ટોળી રીત સરનો મારા ઘર પર હુમલો કરે છે! મારી પર પાણી છાંટે છે, મારા શરીરને જીવલેણ રંગોમાં રગદોળે છે, મારા આંગણામાં કીચડ કરી અને એ કમબખ્તો મને એમાં સુવાની ફરજ પાડે છે! મેં આ બધાથી બચવાના ઉપાય શોધી કાઢ્યા છે જે સમાજને ઉપયોગી થઇ પડે તેમ હોઈ અહીં રજુ કરું છું! તો આ રહ્યા ‘બધિર’ બ્રાન્ડ ટોપ બહાના અને નુસ્ખાઓ, તદ્દન મફ્ફત!

1.તમારા મકાનને બે દરવાજા હોય તો મુખ્ય દરવાજે તાળું મારી ને બીજા દરવાજેથી અંદર જતા રહેવું! પછી ઘરમાં ટી.વી. કે મ્યુઝીક સિસ્ટમ વગાડવી નહીં!

2.ઉપાય નં. ૧ કર્યો હોય ત્યારે તમે ઘરે છો એવા તમામ પુરાવા દુર કરવા. જેમ કે તમારી ગાડી કે ટુ વ્હીલર વહેલી સવારે નજીકના શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં મૂકી આવવા. તાર પરના કપડા પણ ઘરમાં લઇ લેવા.

3.મોબાઈલ ફોન બંધ રાખવો અથવા સાઈલેન્ટ મોડ પર રાખવો. ક્યાંક એવું ન બને કે ટોળામાંનો કોઈ રાક્ષસ તમે ક્યાં છો એ પૂછવા તમને રીંગ મારે અને તમારા ઘરમાંથી ‘પિયા તુ અબ તો આજા...’ નો રીંગટોન વાગે!

4.પણ તમને રંગવા આવેલા અસુરોમાંના કેટલાક તમારો આ દાવ જાણતા હશે અને તમે અંદર જ છો એવા પાકા પુરાવા આપશે. તમારા નાલાયક પડોશીઓ પણ તમે ખવડાવેલા ઢોકળા, પિઝા, પાસ્તા અને મંચુરિયનને ભૂલીને તમારી વિરુદ્ધ સાક્ષી આપશે! શક્ય છે કે તમારે શરણે થવું પડે. આવા સંજોગોમાં થોડા બીજા બહાના હાથવગા છે, આગળ વાંચો.

5.‘મને શરદી છે’ એવા સામાન્ય બહાનાથી શરુ કરો. શક્ય હોય તો નાકમાં સળી કરીને જ બહાર આવો અને એમના દેખતા જ છીંક ખાવ!

6.ઘરના બધાએ એક સરખું બહાનું ન કાઢવું, કારણ કે જો આખું કુટુંબ એક સાથે છીંકો ખાશે તો લોકોને શંકા જશે!

7.માર્ચ મહિનો પરીક્ષાનો છે એટલે નાના છોકરાઓ પરીક્ષાનું બહાનું કાઢી શકે!

8.‘વહેલા આવવું જોઈએ ને બોસ! અમે તો નાહી પણ લીધું’! એવું કહી શકાય, પણ તમે લોકો તાજા નહાયેલા દેખાવા જોઈએ!

9.મહિલાઓ હમણાં જ ઘર ધોવડાવ્યું છે એમ કહી શકે.

10.કાકાઓ ‘હવે અમારી ઉમર થઇ’ એવું બહાનું કાઢી શકે. પછી બહુ બહુ તો એ લોકો તમને ચાંલ્લો કરશે કે ગાલ પર ચપટી ગુલાલ લગાડશે.

11.‘તમે છોકરાઓ છોકરાઓ રમો’ કહીને તમે આઘા રહી શકો! પણ આમ કરતાં ઘરમાં ઝઘડો ન થાય એનું ધ્યાન રાખજો!

12.‘ઉભા રહો, કપડા બદલી આવું’ એમ કહી ને થોડો ટાઈમ મેળવી શકો અને મળેલા સમયમાં તૈયારી કરી ને અંદરથી મોટો હુમલો પ્લાન કરી શકો.

13.એ લોકો માને તો ‘તમે લોકો મેહુલ કે આશિષને ત્યાં પહોચો એટલામાં તો હું આવી જઈશ’! એવું કહી ને એમને રવાના કરી અને પછી તમે કલ્ટી મારી શકો!

14.ઘરમાં નાનું બાળક હોય તો ‘મોન્ટુ સુતો છે’, અવાજ થશે તો જાગી જશે કહી શકાય!

15.શરીરે તેલ લગાવીને નીકળો!

16.બુરખો પહેરીને બહાર નીકળો! અંદર રંગ ભરેલી ડોલ પણ છુપાવીને રાખી શકાય!

17.આક્રમણકારીઓમાં કોઈ પડોશી નથી એની ખાતરી કર્યા પછી ‘બે દિવસથી બોર બંધ છે, પાણી જ નથી આવતું. નહાવાના પણ ફાંફા છે’ એમ કહી ને છટકી શકો.

18.‘ઘરમાં શોક છે’ નું સ્ટાન્ડર્ડ બહાનું તો છે જ! ટપકાવવા માટે કોઈ દુરના સગાનું નામ પણ મોં વગુ રાખવું!

19.‘મારે આજે ઓફીસ ચાલુ છે’ એમ કહી ને નોકરીવાળા છટકી શકે. જોકે ઓફીસના અસુરો જ રંગવા આવ્યા હશે તો એ નકામું પડશે!

20.અમે છીકણીનો પ્રયોગ કરી ચુક્યા છીએ, પણ એ લોકો આપણને નાકથી રંગે એના કરતાં હાથથી રંગે એ વધુ સારું લાગ્યું છે.

21.એક ઉપાય થોડો ખર્ચાળ છે, પણ અસરકારક છે. હાથમાં ગરમાગરમ દાળવડા કે ભજીયાની ડીશો સાથે જ પ્રગટ થાવ! અમુક આઈટમો તો તરત હાથ ધોવાનું પાણી માંગશે અને બાકીના એમને દાળવડા ઉડાવતા જોઈને પીગળી જશે! બાકી વધેલા ને તમે ‘છોડ ને યાર, લે ભજીયું ખા’ કહીને લપેટી લો!

22.એ લોકો ગરમ દાળવડાને પણ ન ગણકારે તો ઝપાઝપીની આડમાં ધગધગતુ દાળવડું ચાંપો, મરચાવાળા હાથ એના ગાલ પર ઘસો, માથા પર ચટણી રેડો અને મસળેલા કાંદાનો કુચો એના નાક પર લગાડો!

23.નાસ્તામાં ભૂલેચુકેય ધાણી-ચણા કે મમરાની ચીકી કાઢતા નહીં! એમની મમ્મીઓ એ ઘરે એ જ બનાવ્યું હશે તો એનો રોષ તમારી પર કાઢશે અને એવા રંગશે કે તમે જ ‘જીજ્ઞેશ કુમાર જયંતીલાલ પટેલ’ છો એની ખાતરી કરવા ઓફિસવાળા ડી.એન.એ. ટેસ્ટ કરાવશે!

24.આઈસ્ક્રીમ-શરબત-સોફ્ટ ડ્રીંકની નદીઓ વહાવો અને અઘરા કેસનો સામનો એના વડે જ કરો! જેમને થમ્સ-અપથી રંગ્યા હશે એમને કલાક પછી જ્યારે કીડીઓ ચડશે ત્યારે તો તમને યાદ કરી જશે!

25.માંજો રંગતા હોવ એમ ચોટલાને આઈસ્ક્રીમથી રંગો! જોકે માથું ધોતા ધોતા એણે બોલેલી ગાળો તમારા સુધી ન પહોચે એ જ સારું!

અને આ બધામાંથી કંઈ કારગત ન નીકળે તો અમારી પાસે એક ‘સ્યોર ક્યોર’ છે અને એ ઉપાય છે નજીકના મોબાઈલ રીપેરર પાસે જઇ ને ‘બોડી’ને ‘લેમિનેટ’ કરાવી દેવાનો! પછી બધાને બિન્ધાસ્ત કહો કે ‘લો, રંગો હવે’! અને કોઈ લેમિનેટ કરી આપનારું ન મળે તો મારી પાસે આવી જજો બોસ! મેં મારા ઘરના આંગણામાં સ્પેશિયલ ‘કેસુડા ફ્લેવર’નું ‘લેમીનેશન ફ્લુઇડ’ ભરેલી કુંડી બનાવી છે! તમને એ કુંડીમાં ડબોળીને કેસરી રંગમા ‘લેમિનેટ’ કરી દઈશ, ફક્ત બે જ મીનીટ લાગશે! બસ એક વાર આવો તો ખરા!

बधिर खड़ा बाज़ार में...

પ્રિયતમાના ભર્યા ભર્યા ગાલ જોઈને જેને રાયપુરના ભજીયા યાદ આવે…

… એ અમદાવાદી!