પૈસા ખર્ચીને અમદાવાદીઓએ 'મોતની એર ટિકિટ' ખરીદી!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની 26મી ફેબ્રુઆરીએ જન્મજંયતિ હતી. અમદાવાદની 601મી જન્મજયંતિ નિમિત્તે દિવ્યભાસ્કર ડોટ કોમ પહેલી વિમાની સફર અમદાવાદથી મુંબઈ અંગે જણાવી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર આજે એવી સ્થિતિ છે કે એક વિમાન જાય અને બીજું આવે છે, પરંતુ આજથી લગભગ 95 વર્ષ પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી પ્રથમવાર વિમાન મુંબઈ ગયું ત્યારે આખું શહેર હિલોળે ચડેલું. પ્રથમ વિશ્વયુદ્ધમાં બોમ્બર વિમાન વપરાયેલું તેને પ્રવાસી વિમાનમાં ફેરવી નખાયું હતું, શહેરીજનોની પ્રથમ હવાઈ મુસાફરી અને અમદાવાદ આવેલા પ્રથમ વિમાનનો રસપ્રદ અતીતનું શબ્દચિત્ર કંઈક આવું હતું.

વિમાનો અને મુસાફરોથી 24 કલાક ધમધમતા અમદાવાદ એરપોર્ટ ઉપર આઝાદી સમયે એર ઈન્ડિયા લિ. (તાતા) અને અંબિકા એરલાઈન્સનાં માત્ર દશેક વિમાનોની આવ-જા થતી હતી. અમદાવાદના એરોડ્રોમ ઉપર સર્વપ્રથમ બલૂન આવવાનું હતું હ્યારે હજારો લોકો તે જોવા માટે ઉમટી પડ્યા હતા.

ચાતક નજરે લોકો આકાશ તરફ મીટ માંડીને જોતાં અને જાતજાતની કલ્પનાઓ કરતાં, પણ એ દિવસે બલૂન ન આવ્યું. ક્યાંક આંત્રિક ગરબડને કારણે વિમાનને અધવચ્ચે ઉતારવું પડ્યું હતું. મરામત પછી વિમાન ગડગડાટ કરતું અમદાવાદ આવી પહોંચ્યું. અમદાવાદનાં લોકોએ વિમાનનાં આગમનને ઉત્સાહભેર વધાવ્યું. પરંતુ અમદાવાદ મુંબઈ વચ્ચેની સર્વપ્રથમ વિમાની મુસાફરી કરનાર મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા, તેમને તો એક સમયે એવું લાગ્યું કે, આપણે પૈસા ખર્ચીને જાણે કે 'મોતની ટિકિટ' ખરીદી છે! પ્રથમ વખત વિમાનમાં બેઠેલા કેટલાક તો આંચકા, ઘોંઘાટ અને કંપનને કારણે એટલા તો ભયભીત થઈ ગયા કે આંખો બંધ કરીને હરિસ્મરણ કરવા લાગ્યા હતા.

1919માં ઉતારું વિમાની સ્થાપના થઈ. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે જે બોમ્બર વિમાન પડી રહ્યાં હતાં તેને 11 બેઠકવાળાં પ્રવાસી વિમાનમાં ફેરવી નાખવામાં આવ્યાં. આ ઘટનાનાં 9 વર્ષ પછી તા. 7મી જૂન, 1928ના રોજ અમદાવાદથી મુંબઈ વચ્ચે સીધી વિઆમની સેવાની શરૂઆત થઈ. આ વિમાનના પાયલટ નેવીલ રિન્ટર સેનેટ હતા. સવારે 7.45 અમદાવાદ એરપોર્ટથી આ વિમાન ગડગડાટી સાથે ઉપડ્યું ત્યારે સ્વજનોને વિદાય આપવા માટે આવેલા સેંકડો લોકો ક્યાંય સુધી હાથ હલાવતા રહ્યાં.

આકાશમાં વિહાર કરતું વિમાન મંજિલની તરફ આગળ વધતું હતું. તેટલામાં કાળા વાદળો વચ્ચે વિમાન ઘેરાઈ ગયું અને જબરદસ્ત વરસાદ વચ્ચે વિમાન ઝોલા ખાવા લાગ્યું. મુસાફરોને અંતિમ ક્ષણ આવી ગઈ ક્ગ્ગે તેમ લાગવા માંડ્યું હતું, પરંતુ વિમાન વિઘ્નો પાર કરીને 11.30 કલાકે હેમખેમ મુંબઈ વિમાની મથકે ઉતર્યું ત્યારે મુસાફરોના શ્વાસ હેઠા બેઠા. લગભગ પોણા ચાર કલાકની મુસાફરી પછી મુંબઈ પહોંચેલા લોકોએ હાશકારો અનુભવ્યો.

નોંધઃ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ અને અમદવાદ- 600 નિમિત્તે દિવ્યભાસ્કર દ્વારા પ્રકાશિત અને ડો. રિઝવાન કાદરી સંશોધિત 'પ્રથમના પગરણ'માંથી

Related Articles:
ગુજરાતના આ રણપ્રદેશની વાત જ કંઇક છે નિરાલી
ગુજરાતના ઈતિહાસે ગોધરા જંક્શન પર બદલ્યો હતો ટ્રેક!
રૂપાળી ગામની ગોરીનો દર્દે ડિસ્કો, દેશી-ગુજરાતી Mix Video