અમદાવાદીની 'Happinezz'નો સ્વાદ ચાખતી થઈ આખી દુનિયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની 26મી ફેબ્રુઆરીએ જન્મજંયતિ હતી. અમદાવાદની 601મી જન્મજયંતિ નિમિત્તે દિવ્યભાસ્કર ડોટ કોમ અમદાવાદનો પહેલો ફેમિલી રૂમ અંગે જણાવી રહ્યું છે.

“ફેમિલીરૂમની સગવડ છે’ એવા બોર્ડની અહીં કોઈ નવાઈ નથી. કોઈ પણ શહેરની કે હાઈવેની મોટાભગની રેસ્ટોરામાં આવાં બોર્ડ જોવા મળે છે. વીસ પચ્ચીસ વર્ષ પહેલાં પરિવાર સાથે બહાર નીકળેલા પુરુષને આવું બોર્ડ જોયા પછી રાહતની લાગણી થતી કે હાશ, પરિવાર સાથે બેસીને જમી શકાય! પરંતુ આજે આવું બોર્ડ જોયા પછી મોટાભાગના સજ્જનોનું નાકનું ટીચકું ચઢી જાય છે, જેમને આવું બોર્ડ જોયા પછી અણગમતી લાગણી ન થતી હોય તેમણે આવી એકાદ રેસ્ટોરામાં જઈ ‘ફેમિલીરૂમ’ કહેવાતી માંડ બે જણ બેસી શકે એવી કેબિનમાં જરા ડોકિયું કરવા જેવું છે. આજકાલ આવી કેબિનોનો ઉપયોગ ‘છાનગપતિયાં’ કરવાની સગવડ તરીકે વધુ થાય છે, ફેમિલીરૂમની સગવડ આપવાની શરૂઆત જેણે કરી હતી એ સજ્જનનો આત્મા આજની આ સ્થિતિ જોઈને રિબાતો હશે! આ સગવડની શરૂઆત એ જમાનામાં થઈ હતી. જ્યારે પતિ-પત્ની એક સાથે ખભેખભા મિલાવીને ચાલી શક્તા પણ નહોતા, સમાજની મર્યાદા એમને રોકતી હતી.

ફેમિલીરૂમની પ્રથાની શરૂઆત અમદાવાદ શહેરના એક વેપારીએ કરી હતી. એ જમાનામાં અમદાવાદમાં રેસ્ટોરા “હોટેલ” તરીકે ઓળખાતી અને એવી હોટેલો આખા શહેરમાં છથી વધારે ન હતી. આ હોટેલોના ગ્રાહકો આખા શહેરમાં છથી વધારે ન હતી. આ હોટેલોના ગ્રાહકો મોટાભાગે બહારગામથી આવતા મુસાફરો જ રહેતા. અમદાવાદના નાગરિકો ભાગ્યે જ હોટેલોમાં જતા હતા! હોટેલોમાં જનારા અમદાવાદી નાગરિકો આંગળીને વેઢે ગણાય તેટલા હતા અને તે પણ બધા પુરુષો જ. સ્ત્રીઓ જ્યારે પુરુષની સાથે તેની બાજુમાં ચાલી ન શકે એવો સમાજનો ધારો હોય ત્યારે સ્ત્રી પુરુષ હોટેલમાં એક સાથે જાય એવું બને જ કેવી રીતે? આ બંધનના કારણે બહારગામથી અમદાવાદ આવતા પરિવારો સહ પરિવાર હોટેલ બેસીને જમી શક્તા નહીં. પુરુષ સભ્ય હોટેલમાંથી જમવાની વાનગી લઈ આવી અને પરિવારના સભ્યો ક્યાંક બેસીને જમી લે. આ જોઈને અમદાવાદના વાડીલાલ આઈસ્ક્રીમના સંસ્થાપકને એક કીમિયો સૂઝ્યો. ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી વાડીલાલ સોડા ફાઉન્ટનની દુકાન ખાસ બહુ મોટી ન હતી, છતાં એમાંય એમણે ત્રણ ચાર પગથિયાવાળી એક સીડી ગોઠવી અને માળિયા ઉપર રંગરોગાન કરાવી આઠ દસ ખુરશીઓ ગોઠવી હતી. સીડી પાસે ‘માત્ર સ્ત્રીઓ માટે જ’ એવું બોર્ડ મુકાવી દીધું. આ સગવડ થતાં સજોડે નીકળેલા પુરુષો પોતે નીચેની જગ્યામાં અને પત્નીને ઉપરના માળે બેસાડી ‘સાથે’ આઈસ્ક્રીમની મોજ માણતા. અહીં ફેમિલીરૂમના મૂળ નંખાયાં. કપિલપ્રસાદ દવે એ જમાનાની આંખે જોયેલી વિગતો ‘અવિસ્મરણીય સંસ્મરણો’માં આપી હોવાથી આ મહિતી મળી શકી છે.

આગળ જતાં સ્ત્રીઓ માટેના વિભાગમાં તેમનાં બાળકો પણ આવવા લાગ્યાં અને એ વિભાગ પરિવાર માટેનો બની ગયો, પછીથી સમાજ થોડાક ઉદાર બનતાં પરિવારના માટેના વિભાગમાં પરિવારના વડા તરીકે પુરુષો પણ જવા લાગ્યા ત્યારે “માત્ર સ્ત્રીઓ માટે”નું પાટીયું બદલાઈને ‘ફેમિલીરૂમ’ બન્યું! વાડીલાલ ગાંધીએ ત્રણ દરવાજા વિસ્તારમાં સન 1907માં એરેટેડ વોટર અને બરફના ધંધાની નાના પાયા પર શરૂઆત કરી હતી. આ ધંધામાં પાછળથી તેમના પુત્ર રણછોડલાલ જોડાયા. પિતા અને પુત્રને આઈસ્ક્રીમ ઉત્પાદનક્ષેત્રે પ્રવેશનો વિચાર સૂજ્યો અને 1925-26ની સાલથી ત્રણ દરવાજાની એ સોડાની દુકાનમાં આઈસ્ક્રીમ પણ વેચાવા લાગ્યો. આ રીતે વિકાસયાત્રાનો પ્રારંભ થયો, જેમાં બાદમાં રણછોડલાલના બે પુત્રો રામચંદ્રભાઈ તથા લક્ષ્મણભાઈ જોડાયા. વાડીલાલ આઈસ્ક્રીમ અમદાવાદમાં જાણીતું-માનીતું થતા તેની જુદી જુદી શાખાઓ ખુલવા લાગી. આજે તો દેશભરમાં વાડીલાલ આઈસ્ક્રીમનું નામ ગુંજતું થયું છે. વાડીલાલ ગાંધીની ચોથી પેઢીનાં યુવાનો વિરેન્દ્રભાઈ, રાજેશભાઈ, દેવાંશુભાઈએ અમદાવાદની નાનકડી દુકાનને વિશ્વવિખ્યાત બનાવી. આ એ જ દુકાન છે કે જેમાં 1930ની આસપાસ મહિલાઓ માટેનો અલગ વિભાગ બન્યો હતો. જે અમદાવાદના સર્વપ્રથમ ‘ફેમિલીરૂમ’માં ફેરવાયો હતો.

નોંધઃ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ અને અમદવાદ- 600 નિમિત્તે દિવ્યભાસ્કર દ્વારા પ્રકાશિત અને ડો. રિઝવાન કાદરી સંશોધિત 'પ્રથમના પગરણ'માંથીRelated Articles:

બે અમદાવાદીઓ ગયા પરદેશ ને લઇ આવ્યા બિઝનેસ