છ કરોડ ગુજરાતીઓના મત માટે ભાજપ એક કરોડ NRGઓનો ઉપયોગ કરશે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી મહિને કેટલાક ભાજપી આગેવાનો OFBની બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે
ભાજપ ગુજરાતમાં મત મેળવવા માટે પ્રચાર વિદેશમાં કરશે! બીજા શબ્દોમાં કહીએ તો ભાજપ વિદેશમાં પ્રચાર કરીને ગુજરાતમાં મત મેળવશે! ના સમજાયું?


વાત જાણે એમ છે કે, ગુજરાત ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની છ કરોડની જનતાને આકર્ષવા માટે એક કરોડ એનઆરજી(નોન રેસિડન્ડ ગુજરાતી)ઓનો ઉપયોગ કરવાનો મનસુબો ધરાવે છે.

ભાજપે કેટલાક જાણિતાં એનઆરજીઓ દ્વારા તેમના ગુજરાતમાં વસતાં પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો પર પ્રભાવ પાડવાનું આયોજન કર્યુ છે. આગામી મહિને કેટલાક ભાજપી આગેવાનો ઓવરસિઝ ફ્રેન્ડસ ઓફ બીજેપી(OFB)ની બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે.

ગુજરાતમાં મૂળ ધરાવતાં લોકો અમેરિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, આફ્રિકન દેશો, મધ્યપૂર્વના દેશો સહિત વિશ્વભરમાં ફેલાયેલા છે.


ભાજપના નેતાઓ માને છે કે બિનનિવાસી ગુજરાતીઓ તેમના ગુજરાતમાં વસતાં સગાઓને અપીલ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત અપાવવામાં મદદરૂપ બની શકે છે. ઓએફબી(ઓવરસિઝ ફ્રેન્ડસ ઓફ બીજેપી) ભાજપનું જ માનસસંતાન છે અને વિદેશોમાં પક્ષના પ્રચારનું કામ કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, 'અમારો આશય ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા દસ વર્ષમાં કેટલા વિકાસ કાર્યો કર્યા અને ગુજરાતમાં કેટલું વિકાસશીલ પરિવર્તન આવ્યું તેની વિગતો એનઆરજીઓ સુધી પહોંચાડવાનો છે. અમને વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં વસતાં સગા-સંબંધીઓ અને મિત્રોને ભાજપને મત આપવાની અપીલ કરવા એનઆરજીઓને મનાવવામાં સફળ થશું.'

ઓએફબી(ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી) છેલ્લા થોડા વર્ષોથી જ ભાજપ માટે કાર્યરત છે અને ગુજરાતમાં સારા એવા સંપર્કો ધરાવે છે. આ સંસ્થાના આમ તો મુખ્યત્વે ઈંગ્લેન્ડ અને અમેરિકામાંથી જ કામ કરે છે પરંતુ તેનું નેટવર્ક ગુજરાતીઓની સારી એવી સંખ્યા ધરાવતા વિશ્વના અનેક દેશોમાં છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી અને સાંસદ તેમજ ભાજપની મહિલા પાંખના પ્રમુખ સ્મૃતિ ઈરાનીએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને ત્યાં વસતા ભારતીયોને મળ્યા હતા.

જ્યારે કેન્દ્રમાં વાજપેયીની સરકાર હતી ત્યારથી ભાજપે એનઆરઆઈ અને એનઆરજીને મહત્વ આપવાનું શરૂ કર્યુ હતું. વાજપેયી સરકારે એનઆરઆઈઓને સંયુક્ત નાગરિકત્વ અને ભારતમાં મત આપવાનો અધિકાર આપવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો. ઉલ્લેખનિય છે કે, એક કરોડ ગુજરાતીઓ સહિત વિદેશોમાં કુલ પાંચ કરોડથી વધુ ભારતીયો વસે છે.