ઔષધિય અશેળિયાની ખેતીથી ફાયદો, ૧૦૦થી ૧૧૦ દિવસમાં તૈયાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યોગ્ય માવજતથી પાકનું અંદાજે ૧૪૦૦થી ૧પ૦૦ કિલો પ્રતિ હેકટર ઉત્પાદન મેળવી શકાય
- અશેળિયાનો પાક ૧૦૦થી ૧૧૦ દિવસમાં તૈયાર થઈ જાય છે
દક્ષિણ ગુજરાતના ખેડૂતો હવે બિનપરંપરાગત એવી ઔષધિય પાકોની ખેતી તરફ વળી રહ્યા છે. એકમ દીઠ વધુ ઉત્પાદન તથા સારી આવક આપતી ઔષધિય પાકની ખેતી તરફ ખેડૂતોને વાળવા તથા આ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિકસાવવા નવસારી કૃષિ યુનિવર્સિ‌ટીના કૃષિ વૈજ્ઞાનિકોએ વિવિધ સંશોધનો હાથ ધર્યા છે. આ સંશોધનો પૈકી મહત્તમ સંશોધનો ફાયદાકારક પુરવાર થયા છે.
આ સંશોધનોને આધારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તરફ સમાજનો એક મોટોવર્ગ આકર્ષિ‌ત થયો હોય બજારમાં ઔષધિય પાકોના ઉત્પાદનની માગ પણ પ્રતિદિન વધી રહી છે. વિવિધ ઔષધિય પાકો પૈકી અશેળિયો પણ એક મહત્વનો ઔષધિય પાક છે. આ વનસ્પતિના પાન, બીજ તથા મૂળમાંથી વિવિધ પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે.
અશેળિયોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિ‌તી આપતા અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક (બોટની) ડા.બીમલ એસ. દેસાઈ જણાવે છે કે અશેળિયો એક વર્ષાયુ પાક છે. અશેળિયો પાકને ઠંડુ અને સુકૂ વાતાવરણ વધુ માફક આવે છે. પાક તૈયાર થવાના સમયે ગરમ અને સુકૂ વાતાવરણ હોય તો વધુ ઉત્પાદન મળે છે તથા દાણાની ગુણવત્તા સારી રહે છે. આ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ગોરાડુ, મધ્યમ કાળી અને સારા નીતારવાળી જમીન પસંદ કરવી જોઈએ.
જમીનની તૈયારી તથા વાવણી વિશે માહિ‌તી આપતા ડો.બીમલ દેસાઈ જણાવે છે કે, વાવણી કરતા પહેલા જમીનને હળથી બે વખત ખેડવી, બાદમાં બે કરબ મારી જમીન સમતલ કરવી. જો જમીનમાં મોટા ઢેફા રહી જશે તો નાના બીજને કારણે ઉગાવો ઓછો થાય છે. જેની ઉત્પાદન ઉપર માઠી અસર પડી શકે છે. આ પાકની વાવણી ઓક્ટોબરના મધ્યભાગથી નવેમ્બરના અંત સુધી કરવી જોઈએ. એનાથી વહેલું વાવેતર કરવાથી ઠંડી ઓછી હોવાને કારણે ઉગાવો બરાબર થતો નથી. આ પાકનું મોડું વાવેતર કરવાથી પાકની પાછલી અવસ્થામાં હીરાફૂંદ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે જેનાથી ઉત્પાદન ઓછું મળે છે.
તેઓ જણાવે છે કે, જમીનની પ્રત સુધારવા તથા જમીનમાં પોષકતત્ત્વો ઉપલબ્ધ કરાવવા જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ ૮થી ૧૦ ટન છાપિયું ખાતર જમીનમાં બરાબર ભેળવી દેવું જોઈએ. હેક્ટર દીઠ ૬૦ કિલો નાઈટ્રોજન તથા ૪૦ કિલો ફોસ્ફરસ ખાતર આપવાથી ઉત્પાદન વધુ મળે છે. નાઈટ્રોજનનો અડધો જથ્થો (૩૦ કિલો) તથા ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો વાવણી પહેલા જમીનમાં આપી દેવો જોઈએ. બાકીનો નાઈટ્રોજનનો અડધો જથ્થો વાવણી બાદ ૨૦ દિવસે આપવો જોઈએ. જો નાઈટ્રોજનનો જથ્થો વધુ આપવામાં આવે તો છોડની વૃદ્ધિ વધુ થાય છે પરંતુ ફૂલ ઓછા આવવાથી ઉત્પાદન ઓછું મળે છે.
સામાન્ય રીતે અશેળિયાની ખેતીમાં પાકનું વાવેતર પુંખીને કરવામાં આવે છે. સંશોધનો પરથી ફલિત થયું છે કે અશેળિયા પાકને ૩૦, ૪પ કે ૬૦ સે.મીના અંતરે હારમાં વાવવાને બદલે પુંખીને વાવેતર કરવામાં આવે તો વધુ સારૂ પરિણામ મળી શકે છે. જોકે, પુંખીને વાવવાની પદ્ધતિમાં આંતરખેડ ન થઈ શકવાના કારણે નીંદામણનો ખર્ચ વધુ આવે છે. આથી અશેળિયાનાં પાકમાં પુંખવાને બદલે ૩૦ સે.મી. અંતરે વાવણી કરવાથી છોડ દીઠ વધુ ઉત્પાદન મળે છે. આ પાકમાં હેકટર દીઠ ૩ કિલો બિયારણની જરૂર પડે છે. બિયારણનું પ્રમાણ વધુ રાખવાથી ચાસમાં છોડની ગીચતા વધે છે અને પરિણામે છોડની વૃદ્ધિ ઓછી થાય છે. વળી પાનને રોગ લાગવાની શક્યતા વધી જાય છે. તેના બીજ નાના હોવાથી સારા કહોવાયેલા અને ચાળેલા છાણિયા ખાતર અથવા રેતી સાથે મિશ્ર કરી વાવેતર કરવું જોઈએ.
અશેળિયાના પાકની શરૂઆતના અવસ્થામાં એકાદ-બે નિંદામણ કરવી ખાસ જરૂરી છે. તદ્દઉપરાંત સમયાંતરે આંતરખેડ કરવાથી જમીન પોચી અને ભરભરી રહી શકે છે. આ પાક પાણીની અછત સામે ટક્કર ઝીલી શકે છે. પાણીની સગવડ ઓછી હોય તો પણ આ પાક લઈ શકાય છે. ભેજસંગ્રહ શક્તિ વધુ હોય તેવી જમીનમાં ઓછા પાણીએ સારૂં ઉત્પાદન મેળવી શકાય છે. જ્યાં જમીન હલકી હોય તગા પાણીની સગવડ પુરતી હોય તો વાવણી બાદ તુરંત પિયત આપવું બાદમાં ૨૦, ૪૦, ૬૦ અને ૮૦ દિવસે પિયત આપવું. આમ, આ પાકને કુલ પાંચ વખત પાણી આપવું જોઈએ.
સામાન્ય રીતે અશેળિયાનો પાક ૧૦૦થી ૧૧૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. છોડ પાકવાની અવસ્થાએ પીળો પડીને સૂકાઈ જાય છે. તેના પાન ખરી પડે છે. પાકને જમીનની સપાટીથી કાપી લઈ બરાબર સૂકાઈ જાય ત્યાં સુધી ખેતરમાં સૂકાવા દેવો. બાદમાં ખાળામાં છોડને ઝૂરીને દાણા છૂટા પાડી કોથળામાં બરાબર પેક કરી દેવા. યોગ્ય માવજત લેવામાં આવે તો અશેળિયા પાકનું અંદાજે ૧૪૦૦થી ૧પ૦૦ કિલો પ્રતિ હેકટર ઉત્પાદન મેળવી શકાય છે.
- અશેળિયાના ઔષધિય ગુણો અને ઉપયોગ
અશેળિયાના પાનનો ઉપયોગ સ્કર્વિ‌ નામના રોગના ઉપચાર માટે થાય છે. સ્કર્વિ‌ રોગ શરીરમાં વિટામીનની ઉણપને લીધે થાય છે. તેના બીજ, મૂળ અને પાનનો ઉપયોગ ત્વચાના રોગ તથા સફેદ ડાઘના ઉપચાર માટે થાય છે. લેપ્રસી-રક્તપિત્તના અમુક રોગની સારવારમાં પણ અશેળિયાના પાન અને બીજનો ઉપયોગ થાય છે. અપચો કે કબજીયાત દૂર કરવા માટે તેનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. તેના બીજની પેસ્ટ બનાવી સાંધાનો દુ:ખાવો હોય ત્યાં લગાડવાથી ખૂબ રાહત થાય છે. અશેળિયાનો જનરલ ટોનિક (શક્તિવર્ધન) તરીકે ઉપયોગ થાય છે. કેટલાક તજજ્ઞો તેનો વર્યિવર્ધક તરીકે પણ ઉપયોગ કરે છે.
- અશેળિયાના પાકમાં વિવિધ જીવાત
અશેળિયાના પાકમાં મોલો-મશી, પાન ખાનારી કાળી ઈયળ તથા હીરાફૂંદ નામની જીવાતનો ઉપદ્રવ નડી શકે છે. વળી આ પાકમાં પાનનાં ટપકા અને સુકારો, તળછારો તથા ભૂકીછારો રોગની શક્યતા રહેલી છે. રોગ -જીવાતનાં નિયંત્રણ માટે તજજ્ઞોની ભલામણ મુજબની દવા કે જંતુનાશકો ખેડૂતોએ હંમેશા માટે વાપરવા જોઈએ.
- અશેળિયાની ઓળખ કેવી રીતે કરશો?
અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક (બોટની) ડો.બીમલ એસ. દેસાઈ જણાવે છે કે અશેળિયો એક વર્ષાયુ પાક છે. તેનો છોડ ટટ્ટાર તથા પાતળો હોય છે. તેના પાન સુંવાળા અને સ્તંભીય તથા પુષ્પ સફેદ રંગના પહોળા અને દ્વિલિંગી હોય છે. તેના ફળ અંડાકાર કે લંબચોરસ આકારના સુંવાળા હોય છે. તેના બીજ પણ લાલાશ પડતા ભૂખરા રંગના લીસા અને લંબગોળ આકારના હોય છે.