શંકાને કારણે અનેક દંપતીઓ પીડાતા રહે છે. પત્ની કે પતિ એકબીજાની જાસૂસી સુધ્ધાં કરાવતાં હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે, આ ઉપરાંત ભદ્ર વર્ગમાં અનૈતિક સંબંધોનું દૂષણ પણ વધુ જોવા મળે છે
- જાણીને નવાઈ લાગશે કે ઉચ્ચ સમાજમાં પણ સ્ત્રી છે દુખી
કોર્ટમાં પણ હવે દહેજને લગતા કેસો તો વધ્યા જ છે, પરંતુ તે સાથે છુટાછેડાને લગતા કેસોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. છુટાછેડા લેવાનું પ્રમાણ ગરીબોની તુલનાએ પૈસાપાત્ર કુટુંબોમાં વધુ જોવા મળી રહ્યું છે
અગાઉ ૧૦૦માંથી ૯૮ ટકા કેસોમાં સમાધાનથી નિવેડો આવી જતો હતો, પરંતુ હવે સમાધાનથી ઉકેલ આવી શકે તેમ હોવા છતાં સફળતાનું પ્રમાણ માંડ ૬૦ ટકા જેટલું રહી ગયું છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે
દહેજ અને સ્ત્રીશોષણના બનાવો ગરીબ પરિવારોમાં જ જોવા મળે છે તેનો છેદ ઉડાવતી આ ઘટનાઓ એ વાત સાબિત કરે છે કે મહિલા ઉત્પીડનના કિસ્સાઓ ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારો અને રિચ કલાસમાં પણ બનતા હોય છે. શહેરમાં વસતાં અમીર પરિવારોની મહિલાઓને કેવા પ્રકારની સમસ્યાઓ હોય છે તે જાણવા માટે ‘ડીબી ગોલ્ડ’એ વિવિધ સામાજિક સંગઠનોની મહિલા અગ્રણીઓ, કોર્ટની કાઉન્સેલર, પોલીસ તથા વકીલોની પણ મુલાકાત લીધી હતી, જેમાં ચોંકાવનારી વાત એ બહાર આવી હતી કે હવે ભદ્ર સમાજમાં પણ સ્ત્રીશોષણને લગતી સમસ્યાઓ વધુ પ્રમાણમાં ઊભી થઈ રહી છે અને બહાર પણ આવી રહી છે. તેનાં કારણો અલગ અલગ છે. દહેજ કરતાં પણ શંકા, ચારિત્રયહીનતા, વૈચારિક મતભેદો મુખ્યત્વે છે.
કોર્ટમાં પણ હવે આ દહેજને લગતા કેસો તો વધ્યાં જ છે, પરંતુ તે સાથે છુટાછેડાને લગતા કેસોની સંખ્યા પણ વધી છે. છુટાછેડા લેવાનું પ્રમાણ ગરીબોની તુલનાએ પૈસાપાત્ર ઘરોમાં વધુ જોવા મળતું હોય છે. તાજેતરમાં જ શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ પરિવારની મહિલાએ છુટાછેડા લીધા હતા, જેમાં કોર્ટ દ્વારા ભરણપોષણ પેટે મોટી રકમ ચૂકવવાનો હુકમ પણ કરાયો હતો.
શંકા એ સૌથી મોટું કારણ :
લગ્નસંબંધમાં વિચ્છેદનું સૌથી મોટું કારણ શંકા બને છે. ભદ્ર પરિવારની સ્ત્રીઓ પણ વધુ ભણેલી હોય છે. લગ્ન બાદ સ્ત્રીઓને મળવા માટે તેમના સ્કૂલ-કોલેજકાળના મિત્રો આવે કે તેમના ફોન આવે તે સાથે જ શંકા આકાર લેવા માંડે છે. ક્યારેક પતિ પણ ધંધાર્થે બહારગામ જતો હોય તે સંજોગોમાં પણ પત્નીને શંકા જન્મે છે. કેટલાક કિસ્સાઓમાં તો પત્ની કે પતિ એકબીજાની જાસૂસી સુધ્ધાં કરાવતાં હોવાના કિસ્સા બહાર આવ્યા છે. આ ઉપરાંત ભદ્ર વર્ગમાં અનૈતિક સંબંધો બાંધવાનું દૂષણ પણ હવે વધતું જોવા મળે છે. રૂપિયાના જોરે કશું પણ ખરીદી શકાતું હોવાની માન્યતા નબીરાઓમાં ઘર કરી જતી હોવાને કારણે લગ્નેતર સંબંધો અહીં વધુ જોવા મળે છે. નવસારીનો ધૃતિ આત્મહત્યા કેસ એનું તાજું ઉદાહરણ છે. ધૃતિની જાણમાં જ પતિ દિવ્યેશ અનૈતિક સંબંધો રાખતો હોવાની વિગતો તેના પરિવારજનોએ પોલીસને જણાવી હતી.
દહેજ ઉપરાંત શંકા, ચારિત્રયહીનતા આત્મહત્યાનાં મુખ્ય કારણ :
- નવસારી શહેરના ભદ્ર સમાજમાં પરણેલી ધૃતિએ પતિના આડા સંબંધથી ત્રાસી જઈ ફાંસો લઇ આત્મહત્યા કરી લીધી હતી
- જીન્સ પહેરવાના મુદ્દે બોલાચાલી થતાં પાર્લેપોઇન્ટના ઉદ્યોગપતિની પુત્રવધૂએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
- એન્જિનિયરને પરણેલી અડાજણની મહિલા તબીબ પર ફ્લેટ લેવા રૂ. પ લાખ પિયરમાંથી લઈ આવવા માટે દબાણ કરાતાં રણચંડી બનેલી મહિલા તબીબે પોલીસમાં ફરિયાદ નોંધાવી
- ઈન્ટરનેટ દ્વારા પરિચય કેળવી લગ્નના ત્રણ માસમાં જ વેસુમાં સ્વિસ્તક માઇલસ્ટોન એપા.માં રહેતી ઝારખંડની યુવતીએ પાંચમા માળેથી છલાંગ લગાવી લીધી. કારણ, સાસરિયાઓ દ્વારા લાખોની માગણી કરાઈ હતી.
વૈચારિક મતભેદને કારણે છુટાછેડાની સૌથી વધુ અરજીઓ :
અમીરોમાં છુટાછેડા માટેનું આ સૌથી મોટું એક કારણ પણ ગણાય છે. વૈચારિક મતભેદને કારણે છુટાછેડાના માટે સૌથી વધુ અરજીઓ કોર્ટમાં થાય છે. ભદ્ર અને કુલીન વર્ગમાં સ્ત્રીઓ વધુ ભણી હોય છે, જ્યારે પુરુષોનું ભણતર કેટલાક કિસ્સાઓમાં ઓછું હોય છે. તે ઉપરાંત બંનેની આર્થિક પરિસ્થિતિ અને સામાજિક મોભાને કારણે પણ વૈચારિક મતભેદો સર્જાતા હોય છે. તે સાથે આંતરજ્ઞાતિય લગ્ન બાદ પણ સામાજિક અને વૈચારિક મતભેદો જન્મે છે, જે ક્યારેક જીવલેણ પણ બને છે. થોડાંક વર્ષો પહેલાં પાર્લે પોઇન્ટ પાસે જાણીતા ઉદ્યોગપતિની પુત્રવધૂએ એટલા માટે આપઘાત કરી લીધો હતો કે પતિએ બહાર ફરવા જતી વખતે જીન્સ પહેરવાની ના પાડી હતી. આજની પેઢીમાં એક નવો અવગુણ પ્રવેશી ગયો છે, સહનશક્તિની ઉણપ. કુલીન વર્ગને આ વધુ લાગુ પડે છે. દંપતીઓ વચ્ચે ઝઘડા થવાના સૌથી મોટાં કારણોમાંનું આ પણ એક છે. સાસુ-સસરા કે પતિ તરફથી કોઇ વખત આપવામાં આવતો સાહજિક ઠપકો કે ટકોર પણ આજની સ્ત્રીઓ સહન કરી શકતી નથી, જેને કારણે પણ ખૂબ મોટી સમસ્યાઓ સર્જાય છે, જે ક્યારેક ફોજદારી ફરિયાદથી લઇને છુટાછેડા તથા આત્મહત્યા સુધી દોરી જાય છે.
૩૦માંથી ૨૦ ફરિયાદો સમૃદ્ધ વર્ગની આવે છે :
અમારી સંસ્થામાં અનેક સ્ત્રીઓ પોતાની ફરિયાદ લઇને આવે છે. કેટલાક કેસો પોલીસ મથક તરફથી પણ અમને કાઉન્સેલિંગ માટે રફિર કરાતા હોય છે. દર મહિને અમને ૩૦ કરતાં પણ વધુ ફરિયાદો મળતી હોય છે, જેમાંથી વીસેક જેટલી ફરિયાદ ઉચ્ચ વર્ગની હોય છે. દહેજ કરતાં શંકા, અનૈતિક સંબંધો, વૈચારિક મતભેદો જેવાં જ તેમાં મુખ્ય કારણ હોય છે, જેનો ઉકેલ સમજાવટ અને કાઉન્સેલિંગથી આવી પણ જતો હોય છે. જોકે, એ વાત પણ સાચી કે પહેલાં જે ૧૦૦માંથી ૯૮ ટકા કેસો સમાધાનથી ઊકલી જતા હતા તેનું પ્રમાણ હવે માંડ ૬૦ ટકા રહી ગયું છે. - ગીતાબેન શ્રોફ, પ્રમુખ-અપમૃત્યુ નિવારણ સંસ્થા
ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે :
પહેલાં દહેજને લગતી ફરિયાદો માત્ર ગરીબ અને નીચલા મધ્યમ વર્ગમાંથી આવતી હતી. જોકે, હવે અમીરોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. દહેજ કરતાં મુખ્ય કારણ વૈચારિક મતભેદો અને દીકરીઓના જન્મને લગતી પણ હોય છે. વર્ષ ૨૦૧૧ની વાત કરીએ તો ૧૮૦૦ જેટલી અરજીઓ આવી હતી, જેમાંથી ૧૧૩ જેટલા ગુનાઓ પણ દાખલ થયા હતા. સ્ત્રીઓ હવે નીડર બનીને સામે આવે તે જરૂરી બન્યું છે. - કે. આર. ડાભી, પોલીસ ઇન્સપેક્ટર-મહિલા પોલીસ મથક
કોર્ટમાં છુટાછેડાઓની અરજી વધી છે :
કુલીન વર્ગમાં દહેજ મુખ્ય સમસ્યા રહેતી નથી. કેસ કરવા માટે વકીલ અથવા પરિવારજનોની સલાહ લેવામાં આવે છે તે સંજોગોમાં ગુનાની ગંભીરતા વધારવા માટે દહેજની ફરિયાદ નોંધવામાં આવે છે. એવું નથી હોતું કે મહિલાઓને તકલીફ હોતી જ નથી, પરંતુ તેનો પ્રકાર અલગ હોય છે. જોકે, હવે બંને પક્ષો સમજતા થયા છે. બંને સ્વેચ્છાએ કોર્ટમાં ૧૩(બી) હેઠળ ફોર્મ ભરીને છુટાછેડા માટે એપ્લાય કરી છ મહિનામાં કોઇ પણ દાવા કે ભરણપોષણ મેળવ્યાં વિના છુટાં થઇ જાય છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે આવી અરજીઓમાં ૩૦ ટકાનો વધારો થઈ રહ્યો છે. - પ્રીતિબેન જોશી, કન્વીનર-સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડ્વોકેટ્સ એક્ટિવિટી કમિટી
આજની લગ્નવ્યવસ્થા જોખમમાં છે :
હું અમારી સંસ્થામાં ઉપરાંત ફેમિલી કોર્ટમાં પણ છુટાછેડા તથા દહેજની ફરિયાદો લઇને આવતા દંપતીને કાઉન્સેલિંગનું કામ કરું છું. પહેલાં દહેજ જ છુટાછેડા માટેનું એકમાત્ર કારણ રહેતું, પરંતુ હવે તેમાં અનેક કારણો ઉમેરાયાં છે. શંકા હોય કે સહનશક્તિનો અભાવ, એવાં અનેક કારણો છે જેને કારણે મામલો પોલીસ મથક અને કોર્ટ સુધી પહોંચે છે. છુટાછેડાની આ વધતી જતી ટકાવારીને કારણે લગ્નવ્યવસ્થા તો જોખમમાં છે જ, પરંતુ તેની આડઅસર સ્વરૂપે બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં છે. કારણ કે દંપતીઓના પોતાના અહંકારને કારણે બાળકોની મરજી તરફ કોઇ ધ્યાન જ નથી આપતું. - પન્નાબેન ભટ્ટ, કાઉન્સેલર
Related Articles:
વરવી વાસ્તવિકતા: છુટાછેડા બાદ પત્નીઓ આપે છે ખાધાખોરાકી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.