‘સ્મરી લેજો જરી પળ એક નાની’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહીદ દિવસ: વિસ્મૃતિ અને ઉપેક્ષાનું દુર્ભાગ્ય?
આવતી કાલે ત્રીસમી જાન્યુઆરી છે. કેટલાક એમ માને છે કે તે માત્ર ગાંધીજીની પૂણ્યતિથિ છે, પણ જે દિવસથી તેને 'શહીદ દિવસ’ તરીકે ઓળખાવાયો છે, તે બ્રિટિશ સામ્રાજ્યની સામે ફાંસી, ગોળી અને આંદામાનની કાળ કોટડીમાં છેલ્લો શ્વાસ લેનારા તમામને યાદ કરવાનો અવસર છે.
૧૮પ૭ના વિપ્લવમાં અઢીથી ત્રણ લાખ નાગરિકોને મોતને ઘાટ ઉતારાયા હતા તે પછી બંગાળમાં અનુશીલન સમિતિ, પંજાબ અને કેનેડામાં 'ગદર’ પાર્ટી‍, બર્મામાં સૈનિકી વિદ્રોહ, અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપની આઝાદ સરકાર, લંડનમાં 'ઇન્ડિયા હાઉસ’, બર્લિ‌નમાં 'બર્લિ‌ન કમિટી’, જર્મનીમાં આઝાદ સરકાર અને પછી શ્યોનાન (સિંગાપોર)થી કોહિ‌મા-ઇમ્ફાલ સુધીની આઝાદ હિ‌ન્દ ફોજમાં મોતને ભેટેલા હજારો સૈનિકો, છેવટનો નૌસેના બળવો... આની ગણતરીમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ભગવતીચરણ વોરા અને હિ‌ન્દુસ્તાન પ્રજાતાંત્રિક સંઘના યુવકો પણ આવી જાય, તો બીજા અઢી - ત્રણ લાખ ક્રાંતિકારોનાં બલિદાન નોંધાયાં છે.
એકલા પંજાબમાં પચીસ મુક્દમાઓમાં શીખ બહાદુરોની ફાંસીનાં સેંકડો ઉદાહરણો છે. આપણે એક સરદાર ભગતસિંહથી પરિચિત છીએ, ૧૯૧૪થી લગાતાર મુકદ્મામાં ફાંસીએ ચઢનારા બીજા પચાસેક ભગતસિંહ નામધારી યુવકો મળી આવે છે. એટલે આ છ એક લાખ (જે બધાંનાં નામો બ્રિટિશ દસ્તાવેજોમાં જળવાયાં નથી અને હોય તેની શોધખોળ થતી નથી. જેમ કે ગુજરાતમાંથી ૧૮પ૭માં નવ વિપ્લવીઓને આંદામાનની કાળકોટડીમાં મોકલી દેવાયા હતા, જનમટીપ ભોગવીને ત્યાં જ મરેલાનું કોઇ સ્મરણ આંદામાનમાં નથી, એક ગરબડદાસ પટેલ હમણાંથી આંદામાનની સ્મરણિકામાં મળે છે.
એમ તો કેનેડામાં 'ગદર’ અખબારનો ગુજરાતી તંત્રી અને સિંગાપોરમાં તોપના ગોળે દેવાયેલો પોરબંદરવાસી છગન ખેરાજ વર્માની સંપૂર્ણ વિગતો ક્યાં મળે છે ? સુરતના 'અસીમ ઇસ્માઇલ મન્સુરનુંયે એવું વિસ્મૃત નામ છે, સિંગાપોરથી લાવીને તેને સુરતમાં ફાંસીએ દેવાયો હતો ) શહીદોની એટલી તો આરઝુ હોઇ શકે છે, મેઘાણીભાઇના શબ્દોમાં 'કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઇ, છાની , અમોનેયે સ્મરી લેજો જરી પળ એક નાની ’.
ઘણી બધી વાર એવો પ્રશ્ન પુછાતો રહે છે કે આ નવી પેઢી નિરંકુશ કેમ છે ? તેને કોઇની સારી અસર શા કારણે થતી નથી ? જવાબ આપણી આસપાસ જ પડયો છે. પ્રાથમિકથી ઉચ્ચ અભ્યાસમાં કે સંસ્થા,
સમાજોની ગતિવિધિમાં, પુસ્તકોમાં અને બેઠકોમાં તેમને એ વાત તો પ્રભાવી રીતે કહેવાઇ જ નહીં કે આ આઝાદી સમર્પિ‌ત રક્તાક્ષરો અને બલિદાનોનું પણ પરિણામ છે સંપૂર્ણ સમર્પણનો અહેસાસ જ નવી પેઢીને પ્રેરિત કરી શકે.
આજે ય સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ કે સરદાર ભગતસિંહનાં નામથી યુવાપેઢીની આંખમાં ચમક આવી જાય છે, પણ તેમની ઉપેક્ષાથી ચહેરા પર પ્રશ્નાર્થ પણ પેદા થાય છે. આ મહિ‌નો જેમ ત્રીસમી જાન્યુઆરી, છવીસમી પ્રજાસત્તાક દિવસનો અને વિવેકાનંદ જન્મજયંતીનો છે તે જ રીતે સુભાષ-જન્મ દિવસનોયે છે. ૨૩ જાન્યુઆરીના દિવસે જન્મેલા સુભાષ પાસે ભારતના અધ્યાત્મ, રાષ્ટ્રવાદ અને આર્થિ‌ક, સામાજિક પરિવર્તનના અભ્યાસનું ગંભીર ચિંતન, સાહસ, સમર્પણ અને ક્રિયાન્વયન હતાં.
સુભાષ અપરાજેય મહાપુરુષ તરીકે જ ભારતીયોના દિલોદિમાગમાં સ્થાપિત છે, ભલે બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિને લીધે તેમને શ્યોનાનથી ઇમ્ફાલ સુધીની ર્દીઘ, રક્તરંજિત આગેકૂચને રોકી દેવી પડી હતી.
સુભાષપુત્રી અનિતા બોઝ પણ આજકાલ ભારતનાં મુલાકાતી છે. કોલકાતામાં તેમણે કહ્યું કે ભારત સમક્ષ ભારત-વિભાજન, શિક્ષણમાં મંદગતિ અને ગરીબી - આ ત્રણ મહાપ્રશ્નો છે. ૧૯૪પની અઢારમી ઓગસ્ટના કથિત તાઇકોહ વિમાની અકસ્માતમાં પિતા મૃત્યુ પામ્યા હતા તેમ તેણે માની લીધું છે. કેમકે એ વખતે માતા એમિલીની સાથે પોતે ઓસ્ટ્રેલિયામાં હતાં.
વિશ્વ યુદ્ધના ગાઢ રહસ્યમય ધુમ્મસમાં સુભાષ ખરેખર એ વિમાની દુર્ઘટનામાં માર્યા ગયા હતા કે કેમ તે સવાલ ભારત સરકારનાં ત્રણ તપાસપંચોનાં અહેવાલ પછી પણ યથાવત્ છે. ત્રીજા, જસ્ટિસ મુખરજી તપાસપંચે તાઇકોહુ જાતે જઇને દસ્તાવેજો તપાસ્યા ત્યારે ખબર પડી કે એવો કોઇ અકસ્માત તે દિવસે થયો જ નહોતો સમર ગુહાનાં પુસ્તક 'નેતાજી, ડેડ ઓર એલાઇવ’ કે અનુજ ઘરનાં 'બેક ટુ ડેડ’ પુસ્તકોના સંખ્યાબંધ દસ્તાવેજો પરથી એટલું નક્કી થઇ શકે છે કે જાપાનીઝ વડા જનરલ તોજોની મદદથી સુભાષ 'ગાયબ’ થઇ ગયા અને વિમાની અકસ્માતની વાત ઘડી કાઢવામાં આવી હતી.
સંભવત : સુભાષ રશિયા પહોંચ્યા, સ્તાલિને મદદ ન કરી, જેલમાં રાખ્યા, અનુજ ધર તો કહે છે કે તે વખતના ભારતીય એલચી ડો. રાધાકૃષ્ણન પણ તેમને મળેલા સમર ગુહા કહે છે કે નેહરુજીનેય ખબર હતી. ભારત સરકારે ત્રીજાં તપાસ પંચના અહેવાલનો સદંતર અસ્વીકાર કર્યો છે.
ભારતના મહાનાયકનાં અંતિમ વર્ષો પરનું સમય-ધુમ્મસ હટાવી ન શકાય તે કેવી વિડંબના? 'વક્ત ગુલશન પે ખડા થા, લહૂ હમને દિયા, અબ બહાર આયી તો કહતે હૈ, તેરા કામ નહીં’ શહીદદિવસે એંસી વર્ષની અનિતા સુભાષચંદ્ર બોઝ સહિ‌ત આપણને આવું જ દુર્ભાગ્ય મળ્યું?
વિષ્ણુ પંડ્યા, લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિ‌ત્યકાર છે.