તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મિડ - ડે મિલ’ની યોજના કૌભાંડોથી વગોવાયેલી છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યોજના માટે ઓછી રકમ ફાળવાતી હોઈ ગુણવત્તાવાળો ખોરાક અપાતો નથી

દેશમાં સ્કૂલે જતાં ૧૨ કરોડ બાળકોને મધ્યાહન ભોજન આપવાની યોજનાનો ઉદ્દેશ ભલે ગમે એટલો સારો હોય; આ યોજનાનો અમલ ભ્રષ્ટ સરકારી બાબુઓના હાથમાં આવવાને કારણે દેશના તમામ રાજ્યોમાં આ યોજના કૌભાંડગ્રસ્ત થઇ ગઇ છે. આ યોજના પાછળ અબજો રૂપિયાનો ખર્ચો કર્યા પછી ભૂખમરાથી પીડાતાં દેશનાં બાળકોનો ઉદ્ધાર નથી થયો પણ તેનો અમલ કરનારા સરકારી અધિકારીઓ માલામાલ થઇ ગયા છે. આ યોજનાનો ઉપયોગ શાકાહારી બાળકોને ઇંડાં ખાતાં કરવા માટે કરવામાં આવતો હોવાથી પણ તેનો વિરોધ થઇ રહ્યો છે.

મધ્યાહન ભોજનની યોજનાનો ઉદ્ભવ ઇ. સ. ૧૯૬૦ના દાયકામાં તામિલનાડુમાં થયો હતો. તામિલનાડુના તત્કાલીન મુખ્યપ્રધાન કે. કામરાજે સ્કૂલોમાં હાજરી વધારવા આ યોજના શરૂ કરાવી હતી. ઇ. સ. ૧૯૮૨માં એમજી રામચન્દ્રનની સરકારે તેને આખા તામિલનાડુમાં દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત અને કેરળ જેવાં રાજ્યમાં પણ આ યોજના લાગુ કરવામાં આવી હતી. ઇ.સ.૧૯૯૦-૯૧માં આ યોજનાનો અમલ કરનારાં રાજ્યોની સંખ્યા વધીને ૧૨ પર પહોંચી ગઇ હતી. કેટલીક વિદેશી એજન્સીઓ પણ આ સ્કીમ માટે સહાય આપવા લાગી હતી. ઇ.સ. ૧૯૯૭-૯૮માં કેન્દ્ર સરકારે આ યોજના આખા દેશમાં શરૂ કરાવી હતી. ઇ. સ. ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે એક સિમાચહિ્નરૂપ ચુકાદો આપીને આ યોજના ભારતના તમામ રાજ્યોમાં લાગુ કરાવી હતી. આજની તારીખમાં દેશનાં તમામ રાજ્યોમાંથી આ યોજનામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે.

મધ્યાહન ભોજન યોજના સામે સૌથી મોટી ફરિયાદ એ છે કે સ્કૂલમાં ભણતાં બાળકો માટે ફાળવવામાં આવતું સારી ગુણવત્તાનું અનાજ સરકારી કર્મચારીઓ બારોબાર કાળા બજારમાં વેચી દે છે અને બાળકોના ભાગે સડેલું અનાજ આવે છે. કણૉટકનાં ૩૩ લાખ બાળકોને મિડ-ડે મિલ પહોંચાડવાનો પાંચ વર્ષનો કોન્ટ્રેકટ ક્રિસ્ટી ફ્રાઇડગ્રામ ઇન્ડસ્ટ્રી નામની કંપનીને વાર્ષિક ૬૦૦ કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો હતો. આ કંપનીએ પોતાના કિચનમાં તાજો ખોરાક રાંધવાને બદલે તામિલનાડુથી હલકી ગુણવત્તાયુકત ખોરાક ખરીદીને બાળકોને આપવાનું શરૂ કર્યું. આ ખોરાક બાળકો ઘરે લઇ જતાં અને ઢોરોને ખવડાવી દેતા હતા. કોન્ટ્રાકટ મેળવનારી કંપનીએ કણૉટક રાજ્યના વિમેન્સ એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ખાતાનાં ડિરેક્ટરથી માંડીને તાલુકાકક્ષાના અધિકારીઓના હપતા બાંધી આપ્યા હતા. ડિરેક્ટરને દરમહિને ૨૦ લાખ તો ડે. ડિરેક્ટરને ૧૫ લાખનો હપતો આપવામાં આવતો હતો. કર્ણાટકના લોકાયુકતે આખું કૌભાંડ પકડી પાડ્યું હતું. ત્યારબાદ આ યોજનાનો લાભ લેનારાં ૩૩ લાખ બાળકોની તબીબી તપાસમાં ૨૧ લાખ કુપોષણથી પીડાતાં હતાં.

મધ્યાહન ભોજન યોજનાનો એક ઉદ્દેશ ઇંડાની ખપત વધારવાનો અને શાકાહારીઓમાં માંસાહારનો પ્રચાર કરવાનો છે. ઇંડાના ઉત્પાદકોની નેશનલ એગ કોડિનેશન કમિટી નામની સંસ્થા દરેક રાજ્યોના શિક્ષણ પ્રધાનોને મળે છે અને તેમને મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને બાફેલાં ઇંડાં આપવાનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતમાં તેઓ દર અઠવાડિયે બે ઇડાં આપતાં હતાં. જેને વધારીને ત્રણ કરવામાં આવ્યા છે. આજની તારીખમાં ભારતનાં નવ રાજ્યોમાં અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ઇંડાં આપવામાં આવે છે. આ યોજના દ્વારા દેશનાં આશરે ૨.૧૮ કરોડ બાળકોને વર્ષે ૯૯ કરોડ ઇંડાં ખવડાવવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારે ઇ.સ. ૨૦૦૫ની સાલથી મધ્યાહન ભોજનમાં ઇંડાં આપવાનુ શરૂ કર્યું છે, પણ ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યો તેનો વિરોધ કરી રહ્યાં છે. તેમનો દાવો એવો છે કે ઇંડામાં એટલું પોષણ નથી પણ તે રોગોત્પાદક છે.

સરકારની બીજી અનેક યોજનાઓની જેમ મિડ-ડે મિલ યોજનાના અમલની જવાબદારી સરકારી અધિકારીઓના શિરે આવી હોવાથી તેઓ તેમાંથી મલાઇ તારવી લેવામાં જ પડ્યા છે. ૨૦૦૫ની સાલમાં યુપીના બુલંદ શહેરમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોદામમાંથી રવાના કરવામાં આવેલા આઠ ટ્રક ચોખા દિલ્હીની બજારમાં વેચાવા આવ્યા હતા. દિલ્હીની પોલીસે દરોડો પાડીને આ ચોખા જપ્ત કર્યા હતા. ઇ.સ. ૨૦૦૯માં ગુજરાતના લીમડી તાલુકાની નાની કાચી ગામમાં મધ્યાહન ભોજન યોજનામાં ચાલતું કૌભાંડ પકડાયું હતું. આ કૌભાંડમાં પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકો વિદ્યાર્થીઓની વધુ હાજરી બતાવીને ૪.૭૩ લાખ રૂપિયા હજમ કરી ગયા હતા. જો ભારતભરમાં ચાલતાં હજારો કૌભાંડોનો સરવાળો કરવામાં આવે તો એક મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. આપણી સરકારે રેશનિંગમાં સસ્તાભાવે અનાજ આપવાને બદલે બેન્કનાં ખાતામાં કેશ સબસિડી જમા કરાવવાની યોજનાનો અમલ શરૂ કર્યો છે. તેવું કાંઇ મધ્યાહન ભોજન યોજના બાબતમાં કરવામાં આવે તો જ આ ભ્રષ્ટાચારનો અંત આવશે.

મિડ-ડે મિલ યોજના મોટા ભાગે સરકારી સ્કૂલોમાં જ ચાલતી હોય છે, જેમાં ગરીબોનાં બાળકો જ ભણવા આવતાં હોય છે. આ યોજનામાં સડેલો અને વાસી ખોરાક પીરસવામાં આવે તો પણ ગરીબોની ફરિયાદમાં કોઇ સાંભળતું નથી. વળી મધ્યાહન ભોજન માટે શાળાના વિદ્યાર્થીદીઠ માંડ ત્રણથી સવા ત્રણ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે. આટલી ઓછી રકમમાં પોષ્ટીક ખોરાક આપવાનું શક્ય ન હોવાથી તેમાં ભેળસેળ કરવામાં આવે છે. ગુજરાતમાં મધ્યાહન ભોજન તૈયાર કરવાની જવાબદારી સ્વૈચ્છીક સંસ્થાને સોંપવામાં આવે છે, તેમાં પણ લાગવગ ચાલે છે. નવસારી જિલ્લાની ૭૫૦ સ્કૂલોમા મધ્યાè ભોજન તૈયાર કરવાનો કોન્ટ્રેકટ મુંબઇની સ્વૈચ્છીક સંસ્થાને આપવામાં આવ્યો તેની સામે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે આ કોન્ટ્રાકટ રદ્દ કર્યો હતો. sanjay.vora@dainikbhaskargroup.com