ગુજરાતની ચૂંટણીનું નિષ્પક્ષ, નિર્ભિ‌ક કવરેજ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૦% પેઈડ ન્યૂઝ, ૧૦૦% ન્યૂઝની ઐતિહાસિક પહેલ પ્રિય વાચકો, આજથી આપણા રાજ્યની ચૂંટણીનું કવરેજ શરૂ થઇ રહ્યું છે. આ કવરેજ 'મહાસત્તાનો સંગ્રામ’ શિર્ષક હેઠળ નિયમિત આપવામાં આવશે. વચ્ચે દિવાળીના તહેવારો નિમિત્તે જરૂર આપની રુચિ ધ્યાનમાં રાખીને વિરામ અપાશે. આ કવરેજ ત્રણ તબક્કામાં હશે. પ્રથમ તબક્કો (૨પ ઓક્ટો.થી ૮ નવે.) ચૂંટણીની ચાલ, ચતુરાઈ અને ચેલેન્જને બહાર લાવશે. આને રસપ્રદ બનાવવા માટે ગુજરાતના રાજકારણના ટોચના જાણકારો અનેક રીતે પોતાની કલમ ચલાવશે. બીજો તબક્કો (૧૬ નવે.થી ૧૦ ડિસે.) ચૂંટણી પ્રચાર, પ્રકાર અને પ્રહારોને દર્શાવશે. ત્રીજો તબક્કો ૧૧ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. આ માટે રાજ્યના ખૂણે ખૂણે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર્સની ટીમ તૈયાર છે. પાયાની વાસ્તવિકતા અને બંધ બારણામાં ખેલાતા રાજકારણના આટાપાટાનું વિશ્લેષણ અનેક જાણીતા ગુજરાતી સમીક્ષકો ખાસ આપને માટે રજૂ કરશે. ત્રીજા અને છેલ્લા તબક્કામાં ચૂંટણીનાં પરિણામો પરથી અંત,અસર અને અવસરનાં સંશોધન કરશે. આ સાથે અમે અમારા સૌ જાગૃત વાચકોને સ્પષ્ટરીતે દર્શાવવા માગીએ છીએ કે અમારા સમગ્ર ચૂંટણી કવરેજનો આખરે મુખ્ય આધાર શો હશે? એટલું જ નહીં, આ કવરેજની થીમ 'મહાસત્તાનો સંગ્રામ’ શા માટે રાખવામાં આવી છે, સત્તાનો સંગ્રામ કેમ નહીં? અને પ્રગતિશીલ, કાયમ ભવિષ્યનું વિચારનારા,પોતાના અધિકારો માટે સૌથી સજાગ ગુજરાતી નાગરિકો માટે કયા મુખ્ય મુદ્દાઓ સાથે આ ચૂંટણીનું કવરેજ કરવું જોઈએ-એ જણાવવું પણ અમે અમારું કર્તવ્ય સમજીએ છીએ. સૌપ્રથમ ચૂંટણી કવરેજના મુખ્ય આધારની વાત.'દિવ્ય ભાસ્કર’ નિષ્પક્ષ અને નિર્ભિક પત્રકારત્વને કારણે જ વાચકોનું સૌથી વધુ પ્રિય અખબાર તરીકે ઉભર્યું છે. 'તમારી મરજીનું અખબાર’ પ્રકાશિત થયા બાદ હવે અમે ૦% પેઈડ ન્યૂઝ, ૧૦૦% ન્યૂઝની ઐતિહાસિક પહેલ કરી રહ્યા છીએ. આવી જાહેરાત કરનારા અમે દેશના સૌપ્રથમ અખબારી જૂથ છીએ. ચૂંટણીમાં પૈસાનો ઉપયોગ-દુરુપયોગ સામાન્ય વાત છે. આવા સંજોગોમાં મીડિયાને અધિકૃત જાહેરખબર સિવાય અન્ય પ્રલોભનો પણ મળવા સામાન્ય છે, પરંતુ આવા 'પેઈડ ન્યુઝ’નો ઉઘાડો વિરોધ કરીને વાચકોનો વિશ્વાસ વધુ સુદૃઢ કરવાનું ભાસ્કરજૂથનું લક્ષ્ય છે. આ માત્ર સ્વચ્છ પત્રકારત્વ જ નહીં , પરંતુ એક સ્વસ્થ સમાજના ઘડતરમાં પણ ભાસ્કરનું યોગદાન છે. આ જ અમારો મુખ્ય આધાર છે અને રહેશે. બીજી વાત 'મહાસત્તાનો સંગ્રામ’ ર્શીષકની. ચૂંટણીનાં પરિણામો દૂરોગામી હશે અને આખા દેશના રાજકારણને ઘણી અસર કરશે. તેથી જ અમે આને 'ગુજરાતની સત્તા’ નહીં, પરંતુ 'દેશની મહાસત્તાનો સંગ્રામ’ ગણ્યો છે. દિલ્હી અને દેશ આ માટે જ ગુજરાતની ચૂંટણીને અલગ જ રુચિ,ઝોક અને રોમાંચથી જોઈ રહ્યાં છે. ત્રીજી વાત આ ચૂંટણીમાં મુખ્યત્વે કયા મુદ્દાઓને કવર કરવામાં આવશે? જેમ કે સ્પષ્ટ કરાયું છે, આપણું રાજ્ય પણ 'ચૂંટણી પછી શું થશે?’ એ સ્વરૂપે તેને જોઈ રહ્યું છે અને આખા દેશની પણ એ જ જિજ્ઞાસા છે. એટલે કે પરિણામોની 'અસર’ શું હશે? એ બાબત પર જ કવરેજ કેન્દ્રિ‌ત હશે.આ'અસર’ને ચકાસવાની કસોટી પણ નક્કી છે. ચાર જ પ્રકારની પરિસ્થિતિ સર્જા‍વાની સંભાવના છે. પ્રથમ પરિસ્થિતિ : જો મોદી ૧૨૦ કરતાં વધુ બેઠકો જીતવામાં સફળ થાય તો : ૧. શું મોદી ભાજપમાં સૌથી શક્તિશાળી, અજેય નેતા તરીકે ઊભરશે? ૨. શું મોદીનું 'ગુજરાત ડેવલપમેન્ટ મોડલ’ દેશભરમાં સ્વયંસિદ્ધ થઈ જશે. ૩. શું રાષ્ટ્રીય સ્તરે રાહુલ વિ. મોદી થઈ જશે? બીજી પરિસ્થિતિ : જો મોદી ૧૧૦ કરતાં ઓછી બેઠકો મેળવે તો : ૧. શું મોદી માટે ભાજપની અંદર જ પડકારો મળવા લાગશે? ૨. શું તેમના'ગુજરાત ડેવલપમેન્ટ મોડલ’ પર પ્રશ્ન ઉઠવા લાગશે? ૩. શું રાહુલ વિરુદ્ધ મોદીના જંગની સ્થિતિ બદલાઈ જશે? ત્રીજી પરિસ્થિતિ : જો મોદી ૧૦૦ થી ૧૦પ બેઠકો સુધી સિમિત રહી જાય તો : ૧. મોદી ભાજપમાં જ ઘણા નબળા પડી જશે? ૨. તેમનું ડેવલપમેન્ટ મોડલ ફગાવી દેવાશે? શું કહેવાશે કે રાજ્યમાં તો પહેલેથી જ ખૂબ ડેવલપમેન્ટ હતું, મત તો પરંપરા મુજબ ભાજપને જ મળતા હતા. ૩. રાહુલ વિરુદ્ધ મોદી માત્ર એક વિચાર બનીને જ રહી જશે? ચોથી પરિસ્થિતિ: જો કોંગ્રેસ મોદીને હરાવવામાં સફળ થાય તો : ૧. સમગ્ર દેશનાં રાજકીય સમીકરણો બદલાઈ જશે. ૨. કોંગ્રેસ હાવી થઇ જશે, શક્તિશાળી બનીને ઊભરશે અને તેનું વલણ એકદમ બદલાઈ જશે. ૩. ભાજપ ભારે સંકટમાં મુકાઈ જશે. મોદી રાષ્ટ્રીય રાજકારણથી તો દૂર, ગુજરાતમાં પણ હાંસિયામાં ધકેલાઈ જશે. ૪. તેમનું ડેવલપમેન્ટનું મોડલને સંપૂર્ણપણે ફગાવી દેવાશે. પ. ભાજપની જગ્યાએ ત્રીજા મોરચાને બળ મળશે. પરંતુ એ વાત તો નક્કી જ છે કે, ગુજરાતના મતદારો દરેક પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રાજકારણ અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીને અસર કરશે અને તેથી દિવ્ય ભાસ્કરની તૈયારી તમને વ્યાપક, વ્યવસ્થિત અને વ્યવહારિક મળશે. સંપાદક