પાણી કાપ / પહેલીવાર સુરત શહેરને 100 એમએલડી પાણી ઓછું મળશે

ગવિયર લેકમાં પાણી ઘટતાં પક્ષીઓને પણ સંકટ
  • વર્ષે 7 %  વધતી વસ્તી મુજબ પુરવઠો નહીં વધતાં 1250 MLDની સામે 1150 MLD જ પાણી સપ્લાય થશે
  • ઉનાળામાં ગરમીને લીધે 10 ટકા પાણીની ડિમાન્ડ વધી પણ ઉકાઈ ડેમમાં તળિયાં દેખાતાં  પાણી કાપનો નિર્ણય
Divyabhaskar.com May 20, 2019, 09:22 AM IST

સુરતઃ શહેરની 50 લાખ વસ્તી માટે પીવાના પાણીનો એક માત્ર સ્રોત ઉકાઈ ડેમમાં તળિયાં દેખાતાં ઉનાળામાં ગરમીને લઈ વધતી 10 ટકા પાણીની ડિમાન્ડ પર પહેલી વાર સુરત મહાનગરપાલિકા દ્વારા કાપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, દર વર્ષે શહેરની વસ્તીમાં 7 ટકા પ્રમાણે પાણી પુરવઠામાં વધારો થઈ રહ્યો છે. જેની સામે પણ પાણી પુરવઠામાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી. આમ પાલિકાએ 15 ટકા પાણી પુરવઠા પર આડકતરો કાપ મૂકયો છે. આ પાણી કાપથી શહેરીજનોને પાણી પુરવઠામાં કોઈ તકલીફ પડી રહી ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાલિકા દૈનિક 1150 એમએલડી પાણી પુરવઠો શહેરમાં સપ્લાય કરે છે, પરંતુ ઉનાળામાં ગરમીના કારણે પાણીની ડિમાન્ડ 10 ટકા વધી જાય છે. જેથી 1250 એમએલડી પાણી ઉનાળામાં સપ્લાય કરવામાં આવે છે. જોકે, હાલમાં ઉકાઇ ડેમમાં માત્ર લિમિટેડ જ પાણીનો જથ્થો હોવાથી ઉનાળામાં 10 ટકાનો પાણી સપ્લાયમાં વધારો કરાયો નથી.

2041માં 2300 એમએલડી પાણીની જરૂર પડશે

હાલમાં જે રીતે શહેરમાં 7 ટકાના હિસાબે વસ્તી વધી રહી છે. તે જોતાં 2041માં શહેરની વસ્તી સવા કરોડને આંબી જવાની શક્યતા છે. તેના માટે દૈનિક 2300 એમએલડી પાણીની જરૂરિયાત ઊભી થશે. હાલમાં તો પાલિકા પાણી માટે ઉકાઈ ડેમ ઉપર જ નિર્ભર છે. પરંતુ પાણીના બીજા સ્રોત માટે વિચારણા કરવી પડશે. પાલિકાને હાલમાં બે ફ્રેન્ચવેલમાંથી 100 એમએલડી પાણી મળી રહે છે.

ઉકાઇ ડેમમાં માત્ર 4.5 ટકા જ પાણી 

ઉકાઇ ડેમની સપાટી દિન-પ્રતિદિન ઘટી જ જઈ રહી છે. ઉકાઈ ડેમમાં પાણી સ્ટોરેજની કુલ કેપેસિટી 7450 એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર) છે. જેની સામે આજની તારીખે માત્ર 335 એમસીએમ એટલે કે 4.5 ટકા જ પાણીનો જથ્થો છે. ડેમની હાલની સપાટી 279.64 ફૂટ છે. જે ડેડસ્ટોરેજ લેવલ 270 ફૂટથી માત્ર 9 ફૂટ જ દૂર છે.

ગવિયરમાં પાણી ઘટતાં પક્ષીઓને પણ સંકટ

શહેરમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે ગવિયર લેક સુકાઈ જવા પામ્યો છે. જ્યાં વર્ષ દરમિયાન 145થી વધુ જાતીના દેશ વિદેશથી પક્ષીઓની અવર જવર રહેતી જોવા મળે છે. હાલમાં ઉકાઈ ડેમના પાણીનું જળસ્તર નીચું હોવાથી નહેરના પાણી બંધ કરાતા આવી પરિસ્થિતી ઉભી થવા પામી છે. લેકનું પાણી 50 ટકાથી પણ વધુ ઓછું થવાથી પક્ષીઓની અવર જવર નહીંવત જોવા મળી રહી છે.

5 વર્ષમાં તમામ ઘરોમાં વોટર મીટર લાગશે

પાણીના બેફામ વપરાશ પર નિયંત્રણ કરવા પાલિકા આગામી પાંચ વર્ષની અંદર શહેરનાં તમામ મકાનોમાં વોટર મીટર લગાડવાનું આયોજન કર્યું છે. શહેરમાં 18 લાખ મિલકતો પાલિકાના ચોપડે નોંધાઈ છે. હાલમાં પ્રથમ તબક્કામાં મોટા વરાછા, છાપરાભાઠા, કોસાડ, ડિંડોલી, ગોડાદરા, વેસુ વિસ્તાર સાથે પાંડેસરાના ઉદ્યોગોને પણ વોટર મીટરથી જ પાણી અપાઈ રહ્યું છે.

Share
Next Story

ટકારમા / ખેડૂતોએ શાકભાજી અને શેરડીનો પાક સાથે મધુરીનો પણ પાક શરૂ કર્યો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat city will get 100 ml of water less
(News in Gujarati from Divya Bhaskar)