આંગણવાડીના છ હજાર ભૂલકા 2500TDSવાળું પાણી પીવે છે, ને 190 કેન્દ્રોના RO મશીન 3 વર્ષથી નકામાં

RO મશીન ફીટ કરાવવા રૂ. 4800 ફાળવવા છતાં કામ ન કરાતા ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં મુકાયું

આરો પ્લાન્ટ આ રીતે નકામા પડી રહ્યા છે
Divyabhaskar.com Sep 11, 2018, 09:00 PM IST

પાટડી: રણકાંઠા વિસ્તારના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય તે સ્વાભાવીક છે. આવા સમયે ખાસ કરીને આંગણવાડીમાં બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા બાબતે તપાસ કરી હતી. જેમાં તાલુકાની 190 આંગણવાડીમાં સરકારે ફાળવેલા આર.ઓ. પ્લાન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ધૂળ ખાઇ રહ્યા છે. અને આથી જ 6 હજારથી વધુ બાળકો 2500 ટીડીએસનું પાણી પીવા માટે મજબૂર બન્યા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

 

બાળકો નાછૂટકે ક્ષારવાળંુ પાણી પીવા માટે મજબૂર

 

બાળકોના આરોગ્યને લઇને સરકાર ચિંતીત છે. બાળકોને પોષણયુકત ખોરાક અને શુધ્ધ પાણી મળે તે માટે આંગણવાડી કેન્દ્રો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આધુનીક સાધન સામગ્રીઓ ફાળવવામાં આવે છે. પરંતુ આયોજનનો અભાવ અને ખાઇકીને કારણે સરકારના કરોડો રૂપિયા પાણીમાં જતા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પાટડી તાલુકામાં ચાલતી 190 આંગણવાડી કેન્દ્રોમાં 6082 બાળકોને ખાસ કરીને પીવાના પાણીની કેવી વ્યવસ્થા છે તેની જાત તપાસ દિવ્ય ભાસ્કરની ટીમે કરી હતી. જેમાં તમામ આંગણવાડીમાં રૂપિયા 4800ના કિંમતના આરઓ મશીનની ફાળવણી કરવામાં આવી છે.

 

પરંતુ ત્રણ વર્ષથી ફીટ ન કરવામાં આવતા આરઓ મશીન ધૂળ ખાઇ રહ્યા હોવાની વિગતો મળી છે. પાટડીના રણ વિસ્તારમાં વાસ્મોએ પાણીનું ટેસ્ટીંગ કર્યુ હતુ. જેમાં 2500થી વધુ ટીડીએસનું પ્રમાણ આવ્યુ હતુ. અને આથી જ ખાસ કરીને બાળકો શુધ્ધ પાણી પીએ તે માટે આર ઓ પ્લાન્ટ ફાળવ્યા હતા. પરંતુ તંત્રની બેદરકારીને કારણે બાળકો ના છૂટકે પીવાલાયક નથી તેવુ 2500 ટીડીએસનું પાણી પીવા માટે મજબૂર બની રોગને આમંત્રણ આપી રહ્યા છે.

 

TDS અને બેક્ટેરિયાવાળું પાણી રોગચાળો નોતરે છે

 

પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધારે હોય તો લાંબાગાળે દાંતના અને સાંધાના રોગો થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય તો  ટાઇફોઇડ અને કમળા અને પથરી જેવા રોગો થવાની શક્યતા વધારે હોય છે. -ડો.બી.કે.વાઘેલા, સરકારી હોસ્પિટલ,પાટડી

 

સીધી વાત:  વાલીબેન પરમાર, ઇન્ચાર્જ CDPO, પાટડી

 

પ્રશ્ન : આંગણવાડી કેન્દ્રોમાં આરો મશીન કેમ બંધ છે ?
જવાબ : થોડા સમય અગાઉ એક ભાઇને કોન્ટ્રાક્ટ અપાયો હતો. એમાં વિવાદ થતાં કામ અટકાવ્યું હતુ

 

પ્રશ્ન : વર્કરના ખાતામાં જમા કરાવીને કામ કેમ નથી કરાવાતુ ? 
જવાબ : વર્કરના ખાતામાં નાણા જમા કરાવીએ અને મશીન ફીટ ના કરાવે તો જવાબદારી કોની એ પ્રશ્ન છે.

 

પ્રશ્ન : આરઓ મશીન આંગણવાડી કેન્દ્રોમાં ક્યારે ફીટ થશે ?
જવાબ : ઉચ્ચ કક્ષાએથી નિર્ણય બાદ કાર્યવાહી થશે.

Share
Next Story

હળવદના શિક્ષકોનું શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anganwadi six thousand feats drink water of 2500TDS in patdi
(News in Gujarati from Divya Bhaskar)