Loading...

ફકત ત્રણ જિલ્લામાં POPની મૂર્તિ પર પ્રતિબંધ

પર્યાવરણ માટે જોખમી | જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર અને અમરેલીમાં પીઓપીની પ્રતિમા પર પાબંદી નહીં ...

Divya Bhaskar Sep 12, 2018, 02:55 AM
પર્યાવરણને નુકશાન ન કરે અને પાણીમાં ઓગળી જાય તેવા પદાર્થમાંથી મૂર્તિ બનાવવા અને પાણી,જમીન અને વાતાવરણને પ્રદૂષિત કરે તેવા કલરનો મૂર્તિઓમાં ઉપયોગ ન કરવા વન અને પર્યાવરણ વિભાગ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો હુકમ હોવા છતાં પર્યાવરણને પ્રદૂષીત કરતી મૂર્તીઓનું જામનગર,જામનગર,મોરબી,દ્વારકા,ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલીમાં બેરોકટોક વેંચાણ થાય છે. ફક્ત રાજકોટ અને જુનાગઢમાં જાહેરનામુ બહાર પાડીને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તી બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે. જામનગરમાં જોકે કૃત્રીમ તળાવ બનાવવામાં આવ્યુ છે જેમા આવી પીઓપીની મૂર્તીઓને વિસર્જીત કરવામાં આવશે.ગુરૂવારથી ગણેશમહોત્સવ શરૂ થઇ રહ્યો છે, છતાં જામનગરમાં પગલાં લેવાને બદલે ફકત કાગળ પર સૂચના આપી સંતોષ માની લેવામાં આવ્યો છે. નવાઇની વાત એ છે કે, તાજેતરમાં મનપાએ ગણેશજી મૂર્તિઓનું સ્થાપન કરતા પંડાલો,આયોજકો અને મંડળોને પાણીમાં ઓગળી જાય તેવા પદાર્થોમાંથી બનાવેલી મૂર્તિની ખરીદી કરી સ્થાપના કરવા અને સ્થાપના કર્યા પહેલા નોંધણી કરવાનું અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવા જણાવ્યું છે. આમ છતાં શહેરમાં પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી મૂર્તિઓનું ખુલ્લેઆમ વેંચાણ કરવામાં આવી રહ્યું છે.

પીઅોપીની મૂર્તીઓ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. તસવીર-હસીત પોપટ

શું છે મૂર્તિ બનાવવાની કાયદાકીય જોગવાઇ

પર્યાવરણ સંરક્ષણ એકટ 1986ની સેકશન-5 તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ અનુસાર મૂર્તિના નિર્માણકર્તા ધંધાર્થી અને આસામીઓએ મૂર્તિ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવું જ મટીરીયલ્સ વાપરવાનું રહેશે. ઉપરાંત મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણયુકત ન હોય અને વાતાવરણ પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકશાનકર્તા ન હોય તેવા કલરનો ઉપયોગ કરવાની જોગવાઇ છે. પરંતુ શહેરમાં મૂર્તિઓ બનાવતા ધંધાર્થીઓને તેની ખબર જ નથી.

પીઓપીની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ નથી,યોગ્ય નિકાલ કરાશે

જામ્યુકોના કમિશ્નર રણજીતસિંહ બારડે જણાવ્યું હતું કે,પીઓપીની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ નથી. પરંતુ દરિયાઇ જીવસૃષ્ટિને નુકશાન ન થાય તે માટે કૃત્રિમ તળાવ બનાવામાં આવશે. જેમાં નીચે પ્લાસ્ટીક રાખવામાં આવશે. મૂર્તિના વિસર્જન બાદ તમામ મૂર્તિઓને એકત્ર કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે.

જૂનાગઢ-ગીર-સોમનાથ જિલ્લામાં પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ

ગણેશ મહોત્સવ બાદ જ્યારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાનું હોય તેને લઇને જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. જેમાં પીઓપીની 5 ફૂટથી ઉંચી મૂર્તિ બનાવવા પરજ પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે સીઆરપીસીની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તો તમામ પ્રકારની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવા સામે પણ મનાઇ ફરમાવાઇ છે. જ્યારે પોરબંદર અને અમરેલી જિલ્લાઓમાં આવા કોઇ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા નથી.

પીઓપીની મૂર્તિઓ સદંતર બંધ થવી જોઇએ

જામનગર નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહે જણાવ્યું હતું કે,પીઓપીની મૂર્તિઓ સદતંર બંધ થવી જોઇએ કારણ કે, પીઓપી અને કેમીકલયુકત કલરના ઉપયોગ બાદ મૂર્તિઓનું દરિયામાં વિસર્જનથી દરિયાઇ જીવ સૃષ્ટિને પારાવાર નુકશાન થઇ રહ્યું છે. આટલું જ નહીં પીઓપીની મૂર્તિ પાણીમાં ન ઓગળતા દરિયા કિનારે આવતા લોકોના પગ નીચે અવશેષો કચડાતા ધાર્મિક લાગણી પણ દુભાઇ રહી છે.

મોરબીમાં POPની મૂર્તિ અંગે જાહેરનામું બહાર પડાયું નથી

મોરબી જિલ્લામા પીઓપી મૂર્તિ વપરાશ અંગે સરકારમાથી કોઈ પરિપત્ર નથી અને જિલ્લામા પણ આ અંગે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી. જોકે ગણેશ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી યોગ્ય પગલાં ભરવામાં આવશે તેમ કેતન જોશી અધિક કલેક્ટર દ્વારા જણાવાયું છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar - ફકત ત્રણ જિલ્લામાં POPની મૂર્તિ પર પ્રતિબંધ
(News in Gujarati from Divya Bhaskar)