158 શતાયુ મતદારો લોકશાહીનું વધુ એક મહાપર્વ ઉજવશે

News - શતમ્ જીવમ્ શરદ| જામનગર લોકસભા બેઠકના સદી વટાવી ચૂકેલા શતાયુ મતદારોએ કહ્યું, મતદાનની પવિત્ર ફરજ નિભાવશું

Divyabhaskar.com Apr 20, 2019, 06:40 AM IST
જામનગર લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્લોગન, સાઇન બોર્ડ, ભીતસૂત્રો, નાટક સહીતના કાર્યક્રમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવાની સાથે મતદાનના શપથ લેવડાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર લોકસભા બેઠક પરના 100 વર્ષથી ઉપરના એવા 158 શતાયુ મતદારો લોકશાહીનું વધુ એક મહાપર્વ ઉજવશે. વયોવૃધ્ધ હોવા છતાં લોકશાહીને મજબૂત બનાવવા મતદાનની પવિત્ર ફરજ નિભાવશું તેમ જણાવી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાનના વ્યકત કરેલો સંકલ્પ કાબીલેદાદ તો છે જ સાથે યુવા મતદારો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

જીવનના તડકા-છાયામાં સાથે રહેતા લાલજીભાઇ અને રંભાબેન મતદાન કરવા પણ સાથે જ જાય છે

જામનગરમાં મેહુલનગર સામે ગોકુલધામ સોસાયટીમાં રહેતા તાડા લાલજીભાઇ માધાભાઇ(ઉ.વ.103) અને તેમના પત્ની રંભાબેન(ઉ.વ.101) જીવનના તડકા-છાયા એટલે કે સુખ-દુ:ખમાં સાથે રહે છે તેમ મતદાન કરવા પણ સાથે જાય છે.તેઓ વિદેશ રહ્યા બાદ ચાર વર્ષથી જામનગર સ્થાયી થયાં છે.આ સમયગાળામાં આવેલી ચૂંટણીમાં તેઓ મતદાન કરવાનું ચૂકયા નથી.આટલું જ નહીં સડોદર ગામડે રહેતા ત્યારે પણ દરેક ચૂંટણીમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી છે.ઉંમરના કારણે શરીર અશકત હોવા છતાં વાહનમાં જઇને પણ મતદાન કરવાનું ચૂકતા નથી.101 વર્ષની ઉંમરે પણ રંભાબેન પોતાનું કામ જાતે કરી રહ્યા છે.શતાયુ દંપતિ સાથે તેઓની ચાર પેઢી પણ મતદાનની ફરજ અદા કરી રહી છે.ત્યારે લોકશાહીને મજબૂત બનાવવા મતદાન લાલજીભાઇ અને રંભાબેને લોકોને અનુરોધ કર્યો છે.

105 વર્ષના નરશીભાઇ પટેલે દરેક ચૂંટણીમાં મતદાનની ફરજ નિભાવી છે

મૂળ ભાયાવદરના 50 વર્ષથી જામનગરમાં સ્થાયી થઇ ટીબી હોસ્પિટલ સામે જયંત સોસાયટીમાં રહેતા 105 વર્ષના પટેલ નરશીભાઇ દેવશીભાઇ પાંચ દાયકામાં જામનગરમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની દરેક ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂકયા નથી.105 વર્ષની વયે ગ્રેઇનમાર્કેટમાં આવેલી પોતાની પેઢીએ નિયમિત બે કલાક જતાં નરશીભાઇની સાથે તેમની ત્રણ પેઢી પણ દરેક ચૂંટણીમાં મતદાનની ફરજ અદા કરી રહી છે.મતદાનએ દરેક નાગરિકની ફરજ હોય લોકશાહીના પર્વ ચૂંટણીમાં મતદાનની ફરજ નિભાવવા નરશીભાઇએ લોકોને અનુરોધ કર્યો છે.

105 વર્ષના દ્વારકાદાસભાઇ ત્રણ પેઢી સાથે મતદાન કરવા જશે

જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા 105 વર્ષના દ્વારકાદાસભાઇ વીરચંદભાઇ મહેતાએ જણાવ્યું હતું કે,ભારત આઝાદ થયો ત્યારપછી યોજાયેલી નગરપાલિકા,મહાનગરપાલિકા,વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તેઓ મતદાન કરવાનું ચૂકયા નથી.મતદાન કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે.105 મું વર્ષ ચાલતું હોવા છતાં આજની તારીખે પણ તેઓ નિયમિત બે કલાક દુકાને જાય છે.લોકશાહીના પર્વ ચૂંટણીમાં તેઓ પોતાની ત્રણ પેઢી સાથે મતદાન કરશે તેમ તેમણે જણાવી નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો છે.

115 વર્ષના કેશીબા ચાર પેઢી સાથે મતદાન કરવા અડગ

જામનગરમાં ન્યુ જેલ રોડ પર નાનકપુરી શેરી નં.1 માં રહેતા 115 વર્ષના ધનવાણી કેશીબેન મેઘરાજભાઇએ લોકસભાની ચૂંટણીમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા ચોકકસ જશે તેમ જણાવ્યું હતું.વર્ષ-2014ની લોકસભાની ચૂંટણીમાં પણ ઉંમરના કારણે નાદુરસ્ત તબિયત હોવા છતાં વાહનમાં જઇ મતદાનની ફરજ નિભાવી હતી.તેઓની સાથે તેમની ચાર પેઢી પણ મતદાન કરી રહી હોય લોકશાહીના પર્વ ચૂંટણીમાં લોકોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો છે.

Next Story

લોકસભા / જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશ અમેથીયા ભાજપમાં જોડાયા

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jamnagar News - 158 shatyu voters will celebrate one more great festival of democracy 064022
(News in Gujarati from Divya Bhaskar)