રેસિપિ ડેસ્ક: ચીલી સોસને ભજીયાં, સમોસા, કચોરી જેવી વાનગીઓ સાથે ખાઇ શકાય છે. ઉપરાંત તેનો ઉપયોગ ચાઉમીન, ચીલી પોટેટો, ગોબી મંચુરિયન કે પુલાવમાં પણ કરી શકાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગ્રીન ચીલી સોસની સરળ અને ક્વિક રેસિપિ.
ગ્રીન ચીલી સોસ
સામગ્રી
100 ગ્રામ મોટાં લીલાં મરચાં (ઓછાં તીખાં)
100 ગ્રામ નાનાં લીલાં મરચાં (તીખાં)
પોણો કપ વિનેગર
બે ચમચી જીરું
બે ઈંચ આદુનો ટુકડો
સ્વાદ અનુસાર મીઠું
બે ચપટી હિંગ
બે-ત્રણ ટેબલસ્પૂન તેલ
રીત
સૌપ્રથમ મરચાંના મોટા-મોટા ટુકડા કાપી લો. ત્યારબાદ આદુના પણ નાના-નાના ટુકડા કાપી લો. ત્યારબાદ પેન ગરમ કરી અંદર તેલ નાખો, તેલ ગરમ થઈ જાય એટલે જીરું અને હિંગ નાખો. જીરું થોડું શેકાઇ જાય એટલે આદુ મરચાં નાખો અને 1-2 મિનિટ સુધી મીઠું નાખી શેકાવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. ત્યારબાદ અંદર અડધો કપ પાણી નાખી ઢાંકીને 5-6 મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ એકવાર હલાવીને ફરી ઢાંકીને 5 મિનિટ ચડવા દો. મરચાં બરાબર ચડતાં લગભગ 15 મિનિટ લાગશે. ત્યારબાદ 2-3 મિનિટ ખુલ્લુ રાખીને હલાવતા રહો અને ચડવા દો જેથી પાણી સુકાઇ જાય ત્યારબાદ ગેસ બંધ કરી મરચાં ઠંડાં કરી લો. ત્યારબાદ મરચાંને મિક્સર ઝારમાં લઈ અંદર વિનેગર લઈ એકદમ ઝીણું ક્રશ કરી લો.
તૈયાર છે ચીલી સોસ. ચીલી સોસને કાચ કે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2-3 મહિના સુધી ઉપયોગમાં લઈ શકો છો. ફ્રિજમાં રાખશો તો 6 મહિના સુધી નહીં બગડે.
વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી-ટેસ્ટી કબાબ, ચા સાથે ખાશે બધાં હોંશે-હોંશે