નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલની સતત વધતી જતી કિંમતોના કારણે આજે કોંગ્રેસે અન્ય વિપક્ષ પાર્ટીનો સાથ લઈને ભારત બંધનું એલાન આપ્યું છે. બંધ દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી જુદી-જુદી તસવીરો સામે આવી રહી છે. બિહારમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ બંધની સંપૂર્ણ અસર જોવા મળી છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ આગ લગાવી છે જ્યારે ઘણી જગ્યાએ ટ્રેન રોકવામાં આવી છે, પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે.
20 વિપક્ષી પાર્ટીઓએ ભારત બંધને સમર્થન
કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા બંધમાં સમગ્ર દેશની 20 વિપક્ષી પાર્ટીઓ અને ઘણાં વેપારી સંગઠન સમર્થન આપી રહ્યા છે. તેમાં સપા, આરજેડી, જેડીએ, રાકપા, મનસે, હિન્દુસ્તાન આવામ મોર્ચા અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓ પણ સામેલ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજેડીએ આ બંધને સમર્થન આપ્યું નથી.
રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી કરી માર્ચની શરૂઆત
આજે સવારે રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યાં હતા. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને માર્ચની શરૂઆત કરી હતી. તેમની સાથે કોંગ્રેસ કોષાધ્યક્ષ અહમદ પટેલ અને પાર્ટી મહાસચિવ મોતીલાલ વોરા સહિત કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. રાહુલ ગાંધીએ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો સાથે રાજઘાટથી રામલીલા મેદાન સુધી માર્ચ કરી હતી અને રામલીલા મેદાનમાં શરૂ કરવામાં આવેલા ધરણાંમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા હતા.
આગળની સ્લાઈડમાં જુઓ ભારત બંધની સ્થિતિ તસવીરોમાં